Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

સ્વાસ્થ્ય-રક્ષાના દસ નિયમો - સવારમાં વહેલા ઊઠો

પોતાના આયુષ્યની રક્ષા માટે સ્વસ્થ મનુષ્યે બ્રાહ્મમુહૂર્તમાં (ત્રણથી ચાર વાગ્યાને સુમારે) ઊઠીને દુઃખની શાન્તિ માટે પરમાત્માનું સ્મરણ કરવું.

સવારે વહેલા ઊઠવાથી સંકલ્પશક્તિ બળવાન થાય છે. તેમજ ચૈતન્ય તથા સ્ફૂર્તિ અનુભવાય છે. વિદ્યાર્થીકાળ દરમ્યાન અભ્યાસ ખૂબ જ વ્યવસ્થિત થાય છે. ઈશ્વર-આરાધનાનો સર્વોત્તમકાળ બ્રાહ્મમુહૂર્ત છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના આશ્રિતોને શિક્ષાપત્રીમાં સૂર્યોદય પહેલાં ઊઠવાનો આદેશ આપીને તેમના આધ્યાત્મિક અને દૈહિક આરોગ્યનું જતન કર્યું છે.

ઉષઃપાન કરો
સવારે વહેલા ઊઠીને જલપાન કરવું એનું નામ ઉષઃપાન. વહેલા ઊઠી પાણી વડે મોં સાફ કરી જેટલું પિવાય તેટલું ઠંડું પાણી પીવું એ આરોગ્યપ્રદ છે.

ઉષઃપાન કરવાથી હરસ (મસા), સોજો, સંગ્રહણી, જ્વર, ઘડપણ, કોઢ, મેદના વિકારો, મૂત્રાઘાત (dysuria) રક્તપિત્ત મટે છે. તેમજ કાનના રોગો, ગળાના રોગો, માથાના રોગો, કમરના રોગો, આંખના રોગો, આ સિવાય વાત-કફ અને પિત્તથી ઉત્પન્ન થતા બીજા અનેક રોગો સવારમાં વહેલાં ઊઠી પાણી પીવાથી મટે છે અથવા થતા નથી.

માટલાનું ઠંડું પાણી એ રસાયણ છે. રસાયણનો અર્થ 'ઘડપણ તથા વ્યાધિનો નાશ કરનાર' એવો થાય છે.

પાણી દ્વારા કબજિયાત તથા પેશાબની છૂટ થાય છે. સંગ્રહણી, મેદ વગેરેનું કારણ વિજાતીય દ્રવ્યસંચય છે, પાણીથી શરીરના દોષો ધોવાઈ શરીર શુદ્ધ બને છે. કબજિયાત માટે આ સર્વોત્તમ ­યોગ છે. ઉષઃપાનમાં નાકથી પાણી પીવાનો ­યોગ પણ ફલપ્રદ છે. ટૂંકમાં ઉષઃપાન ચક્ષુષ્ય, વ્યાધિહર છે.

શૌચ (શુદ્ધિ)
સફાઈ માટે પ્રાચીન શબ્દ 'શૌચ' છે. સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય, સંસ્કાર અને સભ્યતા, માનવતા અને ગૌરવ - આ બધું શૌચ-સ્વચ્છતા ઉપર નિર્ભર છે.

શૌચ બે પ્રકારના છે : બાહ્ય અને આભ્યાંતર.

બાહ્યશૌચ :
બાહ્યશૌચ એટલે બાહ્ય શરીરશુદ્ધિ. આ શુદ્ધિ મલ, મૂત્ર, સ્નાનાદિક ક્રિયાઓમાં માટી તેમજ જળથી થાય છે.

આભ્યન્તર શુદ્ધિ :
પવિત્ર વિચારો અને ભક્તિ દ્વારા મન-ચિત્તની શુદ્ધિ થાય છે જેને આભ્યન્તર શુદ્ધિ કહે છે.

બાહ્યશુદ્ધિ માટે વિસ્તારથી વિચાર કરીશું.

મળ-મૂત્ર શુદ્ધિ :
સંસ્કૃતમાં કહ્યું છે કે સર્વે રોગાઃ ઉદરમ્‌ આશ્રીયન્તે । અર્થાત્‌ રોગમાત્રનું ઉત્પત્તિસ્થાન પેટ છે. ખાધેલો ખોરાક નિયમિત ન પચે તો એક પછી એક રોગ તેમાં આશ્રય લેવા લાગે છે. કબજિયાત ન રહે તે માટે સવારે વહેલા ઊઠીને શૌચ જવાની ટેવ પાડવી જોઈએ. શૌચ સારી રીતે જઈ શકાય તે માટે ઉષઃપાન નિત્ય કરવું જોઈએ. ઝાડાનો વેગ ક્યારેય રોકવો ન જોઈએ. ઝાડે ફરતી વખતે ક્યારેય કરાંજવું અર્થાતû જોર ન લગાડવું જોઈએ.

મળસંચય થાય એટલે સ્વાભાવિક ભૂખ નથી લાગતી, પેટ ભારે લાગ્યા કરે છે, બગાસાં આવે છે, ચેન પડતું નથી.

જો કબજિયાત હોય તો રેચક ઔષધિઓ લઈ પેટ સાફ રાખવું જોઈએ.

રેચક ઔષધિઓ :
હરડે ચૂર્ણ, ત્રિફલા ચૂર્ણ, મધુવિરેચન ચૂર્ણ, દીનદયાલ ચૂર્ણ, પંચસકાર ચૂર્ણ, શિવાક્ષાર પાચન ચૂર્ણ, ઈસબગુલ, ગરમાળાનો ગર, દિવેલ, સોનામુખી, જેઠીમધ વગેરે અનેક ઔષધિઓ રેચક છે. નિષ્ણાત આયુર્વેદ-આચાર્યના માર્ગદર્શન મુજબ રેચક ઔષધિનો પ્રયોગ કરવો જોઈએ.

જો ઝાડામાં દુર્ગંધ આવતી હોય તો તે શરીરમાં ઉત્પન્ન થયેલ અપચનનો દ્યોતક છે. તે વખતે પાચક ઔષધિઓ તથા રેચક ઔષધિ લેવી જોઈએ સાથે આહારમાં પથ્યપાલન કરવું જોઈએ. જો ઝાડામાં ચીકાશ આવે તો તે મરડાની સૂચક છે. તેના ઉપાય માટે બેલગીરી, સૂંઠ, ઇન્દ્રજવ, ચર્પટીયોગ, છાસ, ઈસબગુલ, હરડે વગેરે દવાઓનો ઉપયોગ કરી શકાય.

મૂત્ર-શુદ્ધિ :
પેશાબનો વેગ કદી રોકવો ન જોઈએ. આ વેગ રોકવાથી પેટમાં દુખાવો, પથરી, UTI જેવા રોગો ઉત્પન્ન થઈ શકે છે.

પેશાબના રોગોની સર્વોત્તમ દવા પાણી છે. પ્રત્યેક દિવસમાં ૩ થી ૪ લીટર પાણી પીવું જોઈએ જેથી પેશાબનો એકપણ રોગ ન થઈ શકે.

દંતધાવન
આજના જમાનામાં દાંત વિશે ઘણી જાગૃતિ આવી છે. નવાં નવાં પેસ્ટ તથા બ્રશ વિશે નિત્યે નવી નવી જાહેરખબર જોવા મળે છે, પણ આયુર્વેદ મતાનુસાર દાતણ ઘણું જ શ્રેષ્ઠ છે. દાતણ માટે બાવળ, કરંજ, વડ, ધમાસ, કાંમ્બોજી, લીમડો વગેરે વાપરવામાં આવે છે.

દાતણ વાપરવાની પદ્ધતિ :
દાતણના અગ્રભાગને પ્રથમ તો પથ્થર કે લાકડા વડે છૂંદી તેનો ઝીણો કૂચો કરી વાપરવાથી તેનાથી ચાવવામાં સુગમતા પડે છે, નહીંતર કઠિન દાતણ ચાવવાથી દાંતની ધારો (dental surface) બુઠ્ઠી થઈ જાય છે. દાતણ પંદરથી વીસ મિનિટ ચાવવું જેથી તેનો રસ દાંતને ઉપયોગી નીવડે.

દાતણ તાજાં હોવાં જોઈએ, રોજ તાજાં મેળવવાં શક્ય ન હોય તો ઝૂડી લઈ પાણીમાં ભીંજવીને ઉપયોગમાં લઈ શકાય. તાજાં દાતણ જંતુઘ્ન, લાલાસ્રાવવર્ધક હોય છે.

બાવળ તૂરો અને રસાત્મક હોવાથી તેના દાતણનો ઉપયોગ દાંત માટે શ્રેષ્ઠ કહ્યો છે. તે ગ્રાહી, કૃમિઘ્ન, કફ હરનાર, દાંતનાં પેઢાં મજબૂત કરનાર છે.

કરંજ કૃમિઘ્ન, સહેજ તીખી, કડવી હોય છે. કરંજના દાતણના ઉપયોગથી પાયોરિયા રોગમાં સારો લાભ થાય છે.

દાંત સાફ કરવા માટે દંતમંજન પણ વાપરી શકાય. દંતમંજન બહુ બારીક ન હોવું જોઈએ. દંતમંજનમાં સુવાસ હોવી જોઈએ જેથી લાલાસ્રાવ વધે છે. આહારને પચવામાં મદદ થાય છે. તેમાં જંતુઘ્ન દ્રવ્યો હોવાં જોઈએ.

દાતણની જ ચીરી કરીને ઊલ ઉતારી શકાય છે.

તેલનો ગંડૂષ બ્રશ અથવા દાતણ કર્યા બાદ તેલના કોગળાને મોંમાં ભરી રાખવો જોઈએ જેને આયુર્વેદમાં ગંડૂષ કહેવામાં આવે છે. આ ­ક્રિયા બે થી ત્રણ મિનિટ સુધી કરવાની હોય છે.

આથી પેઢાંમાં મજબૂતી આવે છે, જડબાં મજબૂત થાય છે. સ્વરનું બળ વધે છે, મોં ભરાવદાર બને છે. રસનું જ્ઞાન ઉત્તમ બને છે. આનાથી કંઠ ઉત્તમ બને છે, હોઠ કદીય ફાટતા નથી. વારંવાર મોઢું આવી જતું હોય તો પણ ઉત્તમ ફાયદો થાય છે. દાંતનાં મૂળ મજબૂત બને છે.

તેલ : તલનું તેલ, ઈરિમેદારિ તેલ વગેરે.

તૈલાભ્યંગ
ચામડી શરીરમાં સૌથી મોટો અવયવ (અંગ) છે. ૧૩૦ રતલ વજનવાળા માણસમાં ૮ રતલ જેટલું વજન ચામડીનું હોય છે. ૧૮૦૦ ચોરસ ફૂટ જેટલી ચામડી આપણા શરીરમાં છે. ત્વચા સંપૂર્ણ શરીરને વ્યાપ્ત કરી રહેલી છે.

ત્વચા પંચભૌતિક છે છતાં તેમાં વાયુ ભૂતની વિશેષતા છે. ચરકસંહિતામાં કહ્યું છે કે સ્પર્શમાં વાયુની અધિકતા છે. આથી કરીને રોજ તૈલાભ્યંગથી ચામડી સ્નિગ્ધ રાખવા આયુર્વેદે આજ્ઞા કરી છે.

અભ્યંગ (માલિશ) એ પરમત્વચ્ય (ત્વચાને હિતકર) છે એટલે અભ્યંગ વાયુનો નાશ કરનાર છે, ચામડીને સંરક્ષનાર છે. અભ્યંગ દ્વારા શરીર ભરાવદાર તથા બળવાન બને છે. ત્વચા સુંવાળી રહે છે અને ઘડપણ મોડું આવે છે.

નસ્ય : નાકમાં ઔષધિ ­યુક્ત તેલનાં ટીપાં નાખવાં. હંમેશાં નાકમાં તેલનાં ટીપાં મૂકવાથી આંખો, નાક અને કાન કદી બગડતાં નથી. દાઢી-મૂછ સફેદ થતાં નથી, વાળ ખરતા નથી. ગરદન ઝલાય જવી, શિરઃશૂલ, અર્દિત (મોંનો લકવો), શરદી, સાયનસ, શિરઃકંપ જેવા રોગો નથી થતા. મગજની નાડીઓ, માથાના-ખોપરીના સાંધા, સ્નાયુ, કંડરા આ બધાને નસ્યકર્મથી લાભ મળે છે.
અણુતેલ, તલનું તેલ વગેરે નાખી શકાય.

કર્ણપૂરણ : જે રીતે નાકમાં તે રીતે જ કાનમાં તેલનાં ટીપાં નાખવાથી પણ ફાયદો થાય છે.

ચરકસંહિતામાં કહ્યું છે કે 'હંમેશાં કાનમાં તેલ નાખનાર મનુષ્યને કાનના રોગો થતા નથી, ગળું ઝલાઈ જતું નથી, હડપચી ઝલાઈ જતી નથી, બહુ ધીમેથી બોલેલું પણ સહેલાઈથી સાંભળી શકે છે, બહેરાશ આવતી નથી.'

કર્ણપૂરણ માટે તલનું તેલ વાપરી શકાય.

વ્યાયામ-યોગાસનો
શરીરને સ્થિરતા-દૃઢતા આપનારમાં વ્યાયામ-યોગાસનો સૌથી શ્રેષ્ઠ છે. શરીરને કોઈ પણ પ્રકારે શ્રમ આપવો તેનું નામ વ્યાયામ છે પરંતુ યોગાસનો પ્રાણાયામ પૂર્વક ધીમી ગતિએ અપનાવી, શાસ્ત્રોક્ત રીતે થાય તો તે નિરામય દીર્ઘાયુ બક્ષે છે. શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્‌ । શરીર એ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ ચારેય સિદ્ધિ પ્રાપ્ત કરી શકે તેમ છે જો સ્વાસ્થ્ય સારું હોય તો. અને એ માટે વ્યાયામ-યોગાસનો ખૂબ જ જરૂરી છે.

સુશ્રુત કહે છે : શરીરનો ઉપચય, કાન્તિ, ગાત્રોની સુવિભક્તતા, ­દીપ્ત જઠરાગ્નિ, સ્ફૂર્તિ, અંગનું સ્થિરત્વ, લાઘવ, અંગની શુદ્ધિ, સહિષ્ણુતા, પિપાસા, ઉષ્ણ-શીત વગેરેની સહિષ્ણુતા અને પરમ આરોગ્ય વ્યાયામથી પ્રાપ્ત થાય છે.

શરીરની સ્થૂળતા(મેદવૃદ્ધિ)ના અપકર્ષણ માટે પણ વ્યાયામ ખૂબ જ જરૂરી છે, પરંતુ વ્યાયામ જેટલું બળ હોય તેનાથી અર્ધો કરવો જોઈએ, નહીં તો વ્યાયામથી નુકસાન થાય છે.

દંડ-બેઠક, મેદાનમાં રમાતી વિવિધ પ્રકારની રમતો, સૂર્યનમસ્કાર, દોરડા કૂદવા, ઉતાવળે ચાલવું, નિયમિત યોગાસનો વગેરે શરીર માટે હિતકર છે.
વ્યાયામ સાથે શાકભાજી, ફળ, દૂધ, ભાત, રોટલી, પૂરી, શીરો, માખણ, શિખંડ, ઘી, પેંડા, કઠોળ, દૂધની બનાવટો લેવું ખૂબ જ જરૂરી છે.
અતિવ્યાયામ શરીર માટે હાનિકર્તા છે. તેનાથી હૃદય નબળું પડે છે, શરીરમાં અમ્લતા નામનો ગુણ લોહીમાં વધે છે. જેથી માંસપેશીઓને બહુ થાક લાગે છે અને તેની સ્થિતિસ્થાપકતા ઓછી થતી જાય છે અને શરીર નબળું પડે છે. એટલે યોગાસનોનો લાભ વ્યાયામ કરતાં ઘણો અધિક છે.
વ્યાયામ-પ્રેમીઓએ બહુ ખાટાં, ખારાં, લૂખાં ભોજન ન લેવાં, કબજિયાત, અજીર્ણ રહેતો હોય તો વ્યાયામ હિતાવહ નથી.

નિત્ય સ્નાન
સ્નાનનું મહત્ત્વ :
સુશ્રુતસંહિતા કહે છે : 'સ્નાન નિદ્રા, દાહ અને શ્રમને હરનાર છે, સ્વેદ, ખૂજલી અને તૃષાને હરનાર છે, મનને આનંદ આપનાર છે, સર્વ ઇન્દ્રિયોની શુદ્ધિ કરનાર છે. તન્દ્રા રૂપી પાપનું શમન કરનાર છે, સંતોષ અને શક્તિ આપનાર છે. પુરુષાતન વધારનાર છે. લોહીને સાફ રાખનાર અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે.'

ઠંડા પાણીથી નાહવું જોઈએ કે ગરમ પાણીથી ?

સવારનું સ્નાન ઠંડા પાણીથી અને રાતનું સ્નાન ગરમ પાણીથી કરવામાં આવે તો સારું, પરંતુ સાધારણ રીતે તંદુરસ્ત મનુષ્ય જો સવાર-સાંજ બારેમાસ ઠંડા પાણીએ સ્નાન કરે તો તે સ્વાસ્થ્યપ્રદ છે. ઠંડા પાણીએ સ્નાન કરવાથી રક્તપિત્તની શાંતિ થાય છે તથા વૃષ્ય (પુરુષાતન વધારનાર) છે.

સ્નાનને ચારિત્ર સાથે ઘણો જ ઘનિષ્ઠ સંબંધ છે, માટે ચારિત્રની દૃષ્ટિએ પણ સ્નાન કરવું હિતકર છે.
નાહવાનો વખત ઉષઃકાલ શ્રેષ્ઠ છે.

સ્નાન કોણે ન કરવું જોઈએ ?

  • તાવ આવતો હોય
  • કાનમાં ચસકા મારતા હોય
  • ખાઈને તુરંત સ્નાન ન કરાય.

ભોજન
આહાર-વિષયક નિયમો જો મનુષ્ય વ્યવસ્થિત પાળે તો કદીય એને રોગ ન થાય, કારણ કે શરીરમાં જઠરાગ્નિનું તથા વાયુનું ખૂબ જ મહત્ત્વ છે. મહદûઅંશે આ બન્ને ભોજનના નિયમો પર અવલંબિત હોય છે.

ભોજન સમયસર અર્થાતû નિયમિત લેવું જોઈએ કારણ કે આયુર્વેદ પ્રમાણે સર્વ રોગોનું મૂળ અનિયમિત ભોજન હોય છે. જમ્યા પહેલાં કે જમ્યા પછી એક એક કલાક જળપાન ન કરાય. જો કરે તો અજીર્ણ જેવા રોગો સંભવી શકે છે.

જમવા બેસતાં અગાઉ હાથ-પગ બરાબર ધોવા જોઈએ.

હંમેશાં ગરમાગરમ (દઝાય એવો નહીં) તાજો ખોરાક ખાવો જોઈએ, ઉષ્ણ ખોરાક ખાવાથી જમવામાં સ્વાદ આવે છે.

જઠરાગ્નિ ­દીપ્ત થાય છે. ખાધેલું પચી જાય છે, વાયુનું સારી રીતે અનુલોમન થાય છે.

ખોરાક સ્નિગ્ધ ખાવો જોઈએ, લૂખો ખોરાક અહિત કરે છે.

માત્રાસર ખાવું જોઈએ. માત્રા એટલે યોગ્ય પ્રમાણ, બહુ ઠાંસી ઠાંસીને ખાનાર જલદી મરે છે. ઠાંસી ઠાંસીને ખાવાથી વાત-પિત્ત-કફના ઉપદ્રવ વધે છે. હંમેશાં બે જ વખત જમવું જોઈએ.

ખોરાક બરાબર પચી ગયા બાદ ખાવું જોઈએ. પ્રથમ લીધેલો ખોરાક જ્યાં સુધી બરાબર પચી ન જાય ત્યાં સુધી ફરીથી જમવું ન જોઈએ.

ખોરાક બરાબર પચી ગયાનાં ચિહûનો :

શરીર હલકું લાગે. મોંનો સ્વાદ સરસ હોય. ખારા-ખાટા કે બીજા ઓડકાર ન આવે. ઝાડો, પેશાબ સાફ આવે. ભૂખ લાગે. પેટમાં ગડગડાટ-અવાજ ન આવે. દુર્ગંધ યુક્ત અધોવાયુ ન છૂટતો હોય.

  • જમવાનું સ્થાન સ્વચ્છ હોવું જોઈએ.
  • ખૂબ જ ચાવીને ખાવું જોઈએ.
  • ઉતાવળે ન જમવું જોઈએ.
  • ખાતી વખતે હાહા-હીહી કે બીજી આડીઅવળી વાતો ન કરવી અને ખૂબ જ વિલંબ કરી ન જમવું.
  • ખોરાક માફક આવતો હોય તે જ ખાવો.
  • વિરુદ્ધ રસવીર્યવાળા પદાર્થો સાથે ન જમવા, જેમ કે, મધ અને ઘી સરખાં ભાગે ન લેવાં. મૂળા, કેરી, આમળાં, કઠોળ, તુલસી સાથે દૂધ ન લેવાય. દૂધ-ફ્રૂટ સાથે ન ખવાય. દૂધ-દહીં / દૂધ-છાસ સાથે ન લેવાય.
  • ભોજનમાં છ એ છ રસોનું સેવન કરવું જોઈએ. કોઈ એક જ રસનું સેવન આરોગ્યપ્રદ નથી. મધુર-અમ્લ, કટુ (તીખો), તિક્ત (કડવો), લવણ, કષાય (તૂરો) આ છ રસ શરીરપુષ્ટિ માટે ખૂબ આવશ્યક છે.
  • મધ્ય ભોજને પાણી પીવામાં જરાપણ નુકસાન નથી.
  • ભોજન પહેલાં આદુનું કચુંબર અને સંચળ ખાવું હિતાવહ છે, જેનાથી જઠરાગ્નિ ­દીપ્ત થાય છે.
  • ભોજન તાજું હોવું જોઈએ, વાસી ભોજન વાયુવર્ધક હોય છે.
  • ભોજનમાં દરેક પ્રકારનાં પોષકતત્ત્વ, Vitamins etc. હોવાં જોઈએ.
  • ખાઈને તરત ઊંઘી જવાથી કફ કોપાયમાન થઈ જઠરાગ્નિનો નાશ કરે છે.
  • જમ્યા બાદ વામકુક્ષિ, શતપાવલી અર્થાતû ૧૦૦ થી ૧૫૦ પગલાં ચાલ્યા બાદ કરવું જેમાં ડાબે પડખે શાંતિથી પડ્યા રહેવું, સૂવુંનહીં
  • રાત્રિભોજન સદાય હલકું હોવું જોઈએ.
  • ભોજન બાદ ફળાહાર લેવો જોઈએ.

આંખની સંભાળ
મોંમાં પાણીનો મોટો કોગળો ભરી, સવાર, બપોર, સાંજ સ્વચ્છ શીતળ જળથી આંખો ઉપર છાલકો મારવી, આ સાદા ­યોગથી આંખો સારી રહે છે.

  • હંમેશાં સવારમાં વહેલા ઊઠીને ઉષઃપાન (નાકથી પાણી પીવું) કરવું. નાકથી પાણી પીવાથી ચશ્માંના નંબર દૂર થાય છે.
  • અતિ તેજસ્વી પદાર્થ સામે સતત ન જોવું.
  • બહુ ઝીણા અક્ષરવાળાં પુસ્તકો ન વાંચવાં.
  • કદીય ચાલુ વાહનમાં બેસી ન વાંચવું. એથી આંખો બગડે છે.
  • આંખની સામે પ્રકાશ ન આવે પણ પાછળથી ડાબી બાજુથી પુસ્તક ઉપર પ્રકાશ પડે તે રીતે વાંચવું.
  • મધ્યમ-ઉજાસ આંખોની દૃષ્ટિને સક્ષમ રાખે છે. સૂર્યના તેજમાં આંખો અંજાઈ જાય છે ને દૃષ્ટિને ક્ષીણ કરે છે.
  • પગનાં તળિયામાં તેલનું માલિશ કરવું.
  • અતિ મૈથુનથી આંખોનું તેજ ઘટે છે.
  • બહુ તપેલી જમીન ઉપર ઉઘાડા પગે ચાલવાથી આંખોને નુકસાન થાય છે, રબરના તળિયાવાળા બૂટ પણ ખરાબ છે.
  • વિટામીન 'એ' રહિત ભોજન આંખો બગાડેછે.
  • આયુર્વેદ શાસ્ત્રમાં ત્રિફળાને સર્વોત્તમ ચક્ષુષ્ય તરીકે વર્ણવી છે. ત્રિફળાચૂર્ણનું નિત્ય રાત્રિએ સેવન આંખો માટે હિતકર છે.
  • તાજી લીલોતરી, ગાયનું દૂધ, મલાઈ, તાજુ _ માખણ, ઘી નેત્રરક્ષા માટે જરૂરી છે. આ ખાદ્ય-પદાર્થો નેત્રનાં તેજને અનેકશઃ વધારે છે.

સદûવૃત્તમ્‌
પ્રાણીમાત્રની સર્વ પ્રવૃત્તિઓ સુખને માટે હોય છે, પરંતુ ધર્મના સેવન વિના સુખ પ્રાપ્ત થતું નથી. માટે મનુષ્યમાત્રે ધર્મિષ્ઠ થવું જોઈએ. દયા, ત્યાગ, દેહનું દમન, વાણીનો સંયમ, અંતઃકરણની શુદ્ધિ, પારકાનાં કલ્યાણ માટે જ સ્વાર્થબુદ્ધિ એટલે સદûવૃત્તમû.

સદûવૃત્તમû એટલે સારું વર્તન, પ્રભુમય જીવન માટેની ભૂમિકા.

સદ્‌વૃત્તમ્‌ના અમુક મુદ્દાઓ :

  • દેવતા, ગાય, બ્રાહ્મણ, ગુરુ, વૃદ્ધ, સિદ્ધ, આચાર્યની પૂજા કરવી.
  • મલિન સ્થાનોમાંથી આવીને હાથ-પગ ધોવા.
  • સવાર-સાંજ બે વખત સંધ્યા-પ્રાર્થના કરવી.
  • હંમેશાં પવિત્ર આચાર-વિચાર રાખવા.
  • ઝાડા-પેશાબનો વેગ કદી ન અટકાવવો.
  • અધોવાયુનો વેગ કદી ન રોકવો.
  • ઊલટીનો વેગ કદી ન રોકવો.
  • છીંકનો વેગ કદી ન રોકવો.
  • ઓડકારનો વેગ કદી ન રોકવો.
  • બગાસાનો વેગ કદી ન રોકવો.
  • ભૂખ-તરસ કદી ન રોકવાં.
  • ઊંઘને કદી ન રોકવી.
  • શ્વાસ ચડ્યો હોય તો તેને કદી ન રોકવો.
  • મન, વાણી અને કર્મના વેગને રોકવા જોઈએ.
  • લોભ, શોક, ભય, ક્રોધ, કામ અને મનના વેગને રોકવા જોઈએ.
  • બીજાઓને પીડા થાય તેવી પ્રવૃત્તિ રોકવી જોઈએ.
  • સ્ત્રીસહવાસ, ચોરી, હિંસા રોકવી જોઈએ.
  • અસત્ય કદી ન બોલવું.
  • પારકો પૈસો, પારકી સ્ત્રીની અભિલાષા કદીય ન હોવી જોઈએ.
  • સંતપુરુષોની નિંદા ક્યારેય ન કરવી કે ન સાંભળવી.

દરેક વ્યક્તિએ પોતાના દોષ, પ્રકૃતિ, ૠતુ, રોગ જોઈ આહાર-વિહાર કરવો જોઈએ જેથી રોગ ન થાય.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |