Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

પૈસો : ઉડાઉપણું અને કરકસર

પૈસો હાથના મેલની ઉપમા પામીને યુગોથી એક હાથમાંથી બીજા હાથમાં વહેતો રહ્યો છે. પૈસાનું-ધનનું વહેવું નદીની જેમ તદ્દન સ્વાભાવિક છે. એટલે પશ્ચિમની વિચારધારાએ પણ એ જ દિશા સ્વીકારી છે : પૈસા ઉડાઓ અને મોજ કરો. પરંતુ આપણી સનાતન ધર્મ પરંપરાએ ધનને લક્ષ્મીજીના રૂપે પૂજ્ય સ્થાન આપીને એને જાળવવાનું પણ ખૂબ મહત્ત્વ આંક્યું છે. આપણી સંસ્કૃતિ ધર્માર્થ કાર્ય માટે ધનને તત્કાળ વાપરવાની અને ભોગ માટે ધનને ખૂબ વિચારપૂર્વક વાપરવાની વિભાવના આપે છે.
આજનું ટીવી કલ્ચર યુવાનોની રગેરગમાં વહેવા લાગ્યું છે ત્યારે પ્રત્યેક ઘરની એક ફરિયાદ હોય છે : 'છોકરાંઓનાં ખર્ચા ખૂબ છે !' હા, વાતમાં તથ્ય છે. ટીવીમાં જાહેરાત જોઈ નવા શૂઝની, એટલે એ શૂઝ પહેરવાની રઢ ઊપડે. ટીવીમાં ગીત સાંભળ્યું અમુક શૂટીંગ-શર્ટીંગનું, અને તરત જ એ શર્ટ ખરીદવાનું ! એવું તો કેટકેટલું જાત જાતનું ! અને વળી ફેશનો ! ને મિત્રો સાથે હરવું-ફરવું છે, મોજશોખ કરવા છે - એ તો યુવાનીના રંગની ખરી મજા છે ! પણ ખાલી ખિસ્સે તો એ થાય જ કેમ ? કોલેજ-હાઈસ્કૂલમાં ભણતાં છોકરાંઓને મોજશોખ હવે જીવનની જરૂરિયાત બનતા જાય છે ! અને એ માટે ગમે ત્યાંથી ગમે તેમ કરીને ખિસ્સું ભરવાની યોજનાઓ વિચારવાની ! છૂટા હાથે વપરાતો, ઉડાઉ હાથે ખર્ચાતો પૈસો અનેક અનર્થ નોતરે છે. આર્થિક પાયમાલીથી લઈને સમસ્ત સમાજની પાયમાલી. ઇતિહાસ એનો સાક્ષી છે. રોજબરોજ આપણી નજર સામે બનતા અને છાપામાં ઠલવાતા અનેક સમાચારો એના પુરાવાઓ છે.
ભગવાન સ્વામિનારાયણે એટલે જ શિક્ષાપત્રીમાં અદ્‌ભુત સૂત્ર આપ્યું છે : 'આવક પ્રમાણે ખર્ચ કરવો.' એક નાનાશા ઘરમાં ખૂબ મોટો આર્થિક બોજ તાણતો પિતા હોય કે ખોટમાં જઈને દેવાળા ફૂંકતી ખૂબ મોટી પેઢીઓ હોય, આ સૂત્ર દરેકની સફળતા કે નિષ્ફળતાનું કારણ દર્શાવે છે !
માતાપિતાનો પૈસો મન ફાવે તેમ ઉડાવતાં તાગડધિન્ના કરતાં સંતાનોને સંબોધીને પ્રમુખસ્વામી મહારાજ ઘણીવાર કહે છે : 'આમ ખર્ચા કરે તો કુબેરનું ધન પણ ખૂટી જાય. ધન વાપરવામાં વિવેક જોઈએ. ખોટા ખર્ચા, બિનજરૂરી ખર્ચા નહીં ટાળો તો પાયમાલ થઈ જશો. બે-ત્રણ જોડી કપડાં હોય તે બરાબર છે, પણ કેટલાંક નબીરાને વીસ-પચ્ચીસ જોડ કપડાં ! તોય દર વર્ષે નવાં કરવા જોઈએ ? કેટલાંય જોડ જોડાં ! અને વળી વ્યસનોના ખર્ચા ! કંજૂસાઈ નહીં પણ કરકસર તો શીકવી જ પડે. જેમ બને તેમ જરૂરિયાતો ઓછી કરો. હા, વધુ પૈસા હોય તો ધર્મ અર્થે વાપરો સારાં કામમાં વાપરો, બીજા કરે માટે આપણે કરવું - એમ દેખાદેખીથી જ ખૂબ ખોટા ખર્ચા થતા હોય છે, પણ એમાં ખેંચાવું નહીં.'
આજના કિશોરોને ધનઉડાઉ પેઢીને સમજવા જેવો અદûભુત દાખલો ગોંડલના મહારાજા ભગવતસિંહજીનો છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી સંગ્રામસિંહજી રાજાને ત્યાં સન ૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે જન્મેલા સર ભગવત્સિંહજીએ ભારતના રજવાડાંઓને એક ઉત્તમ રાજાવીનું ઉહાદરણ પૂરું પાડ્યું હતું. એમની વહીવટ દક્ષતા, એમની કરકસર એટલે અદûભુત અર્થશાસ્ત્ર ! ખૂબ વ્યવહારુ અને કોઈને પરેશાનીરૂપ ન બને એવી કરકસર !
વિશ્વયુદ્ધ વખતે દેશનું મોટા ભાગનું લોખંડ યુદ્ધ સરંજામ માટે કારખાનાંઓમાં ઉપાડી જવામાં આવતું હતું ત્યારે લોખંડની એટલી બધી તંગી ઊભી થઈ કે ઓફિસોમાં વપરાતી ટાંચણીઓની પણ સખત ખેંચ ઊભી થઈ. ટાંચણીઓના ભાવ પણ ખૂબ વધ્યા. ખૂબ મોંઘા ભાવે મળતી ટાંચણી પણ તદ્દન હલકી કક્ષાની અને થોડા જ સમયમાં કટાઈ જાય તેવી ! સૌ લાચાર બનીને ચલાવી રહ્યા હતા.
એવા સમયમાં ભગવતસિંહજી રાજ્યની કચેરીમાં અણધાર્યા આવી ચડ્યા. તેમની સૂક્ષ્મ નજરે નોંધાઈ ગયું કે કાગળ પર લગાડેલી ટાંચણીઓ કાગળ સાથે કચરા ટોપલીમાં જાય છે. મોંઘી ટાંચણીઓ આમ જાય, રાજ્યને કેમ પોસાય ?
ભગવતસિંહ બાપુએ બીજે જ દિવસે દીવાનને ફરમાન કર્યું : 'આપણા રાજ્યના વાઘરીઓના મુખીને હાજર કરો.'
વાઘરીનો વડો હાજર થયો. બાપુએ કહ્યું : 'તમે રોજ દાતણ કાપીને વેચો છો તેની શૂળો સાફ કરીને ફેંકી દો છો?'
'હા બાપજી.'
'હવેથી એ બધી શૂળો ભેગી કરવાની. તેમાંથી સારી મજબૂત શૂળો-કાગળમાં ભરાવવાના કામમાં લાગે તેવી શૂળો જુદી તારવી રોજ તેનાં બંડલ કરવા ને સાંજે અહીં પહોંચાડી જવાં. સમજાય છે ?'
'હોવે બાપુ ! આપનો હુકમ શિર સાટે. આપનો હુકમ છે ને રોજે રોજની કોથળા ભરીને શૂળું દઈ જાશું.'
'કાલથી જ દેવા માંડો... અને તમે અટાણે બજારમાં શાક મારકેટ પાસે દાતણ વેચવા બેસો છો, તેનું રાજને કાંઈ ભાડું ચૂકવો છો કે નહીં ?'
'હોવે બાપુ ! દેવું તો પડે જ ને !'
'ઈ ભાડું હવેથી માફ ! પણ જો બાવળની શૂળો પહોંચાડવામાં ચૂકશો તો તે દિ'થી ભાડું ચાલુ થઈ જશે...' અને બીજા જ દિવસથી બાપુનું ફરમાન દરેક કચેરીએ લાગી ગયું : 'હવેથી સૌએ ટાંચણી-પીનને બદલે શૂળોનો જ ઉપયોગ કરવો. પીન કરતાં વધુ સારું કામ આપે છે અને ઉપયોગ કરી લીધા પછી ફેંકી દેવામાં આવે તો પણ રાજને કશું નુકસાન થતું નથી.'
બે વર્ષ પછી ગોંડલ નરેશે દીવાન પાસે આંકડો કઢાવ્યો. દીવાને કહ્યું : 'હજૂર ! આનાથી રાજ્યની તિજોરીને પૂરા એક લાખ ને બાવીસ હજાર રૂપિયાનો બચાવ થયો !'
ગોંડલ નરેશની કરકસરના એવાં અનેક ઉદાહરણો છે ! સમસ્ત રાજમાં તેમજ લોકોના ઘરમાં કોઈપણ કામની વસ્તુને નકામી બનાવીને ફેંકી દેવામાં ન આવે તે માટે બાપુ ખાસ તકેદારી રખાવતા. બાટલીઓ, કાચનો સામાન, ધાતુઓનો ભંગાર, કોથળા, ચીંથરાં આ તમામ વસ્તુઓમાંથી પૈસા ઉપજાવવામાં આવતા અને તિજોરીમાં જમા કરાવાતા.
ગોંડલમાં સરકારી ખર્ચે ચાલતું રાજનું બેનમૂન ગેસ્ટહાઉસ હતું. પણ મહારાજનો સખ્ત આદેશ હતો કે ગમે તેવા ઉચ્ચ દરજ્જાના મોંઘેરા મહેમાનને પણ ત્રણ દિવસથી વધારે સમય અતિથિગૃહમાં રહેવા દેવો નહિ અને જો રોકાય તો ચોથા દિવસથી ખર્ચનું બિલ આપવા માંડવું.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર તેમના કાઠિયાવાડના પ્રવાસ દરમિયાન અન્ય તમામ રજવાડાંઓની જેમ જ ગોંડલના પણ અતિથિ બન્યા હતા. રવીન્દ્રનાથના દરજ્જાને છાજે તેવી સુન્દર રીતે સર ભગવતસિંહજીએ ત્રણ દિવસ તેમની પરોણાગત કરી. પણ કવિ તેમની શાંતિનિકેતન નામની સંસ્થા માટે ફંડ કરવા નીકળ્યા હોઈ, ત્રણ દિવસમાં તેનું કાર્ય સમાપ્ત થાય તેમ ન હતું તેથી બે દિવસ વધુ રોકાઈ જવું પડ્યું. પાંચમે દિવસે જ્યારે તેઓ ટ્રેનમાં બેઠા ત્યારે અતિથિગૃહના મેનેજરે હળવેક રહીને તેમના હાથમાં વધારાના બે દિવસનું બિલ મૂકી દીધું અને વાંચીને કશુંય બોલ્યા વગર ટાગોરે ચુપચાપ રોકડાં નાણાં ચૂંકવી દીધાં.
રખે કોઈ આવા દાખલા પરથી સર ભગવતસિંહજીને કંજુસ માને ! આ એક જ એવા રાજવી હતા જેમણે સાચી જરૂરિયાતવાળાઓને જરાય સંકોચ વગર છૂટે હાથે નાણાં આપ્યાં હતાં. સ્વયં રવીન્દ્રનાથ ટાગોરને પણ તેમણે આપેલો ફાળો કાઠિયાવાડમાં ભાવનગર પછી બીજે નંબરે હતો. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીને ટાગોર સાથે અંગત સંબંધ હોવાથી જ ભાવનગરના મહારાજાએ વધારે નાણાં આપ્યાં હતાં. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સત્યાગ્રહની લડત ચલાવતા ત્યારે સર ભગવતસિંહજીએ તેમની લડતમાં સહાયરૂપ થવા ખાનગી રીતે નાણાં મોકલ્યાં હતાં.
આવી અદûભુત કરકસર વડે રાજની તિજોરીને જે લાભ થતો અને નાણાંનો બચાવ થતો, તેનો ઉપયોગ મહારાજાએ અથવા રાજકુટુંબે કંઈ પોતાના ભોગ વિલાસમાં કે હલકા શોખો પોષવામાં હરગિઝ નહોતો કર્યો. રાજની પાઈએ પાઈ લોક કલ્યાણનાં કાર્યો પાછળ વપરાતી હતી. રાજાશાહી દરમિયાનનાં ગોંડલ સ્ટેટનાં તમામ સરકારી બાંધકામ પર નજર ઘુમાવી જોશો તો રેલવે સ્ટેશનો-પુલો-રસ્તાઓ-દરબારી ઈમારતો-નદી પરના બંધો.... ક્યાંય એક કાંકરી સરખી પણ ખરતી દેખાશે નહિ. કેટલાંક બાંધકામ તો સદી પુરાણાં હોવા છતાંય આજે પણ એવાં જ - તદ્દન નવાં જેવાં જ લાગશે.
અને રાજની આવી કરકસર દ્વારા જે નાણાં બચી શકતાં હતાં તેનો પ્રજાને એ ફાયદો હતો કે ગોંડલમાં પ્રજાના કોઈ પણ વર્ગ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ન હતો. આખા હિંદમાં એક ગોંડલ જ એવું સ્ટેટ હતું જે સંપૂર્ણ 'ટેક્સફ્રી' ગણાતું હતું. ખુદ વાઈસરોય અને અંગ્રેજ સરકારને પણ નવાઈ લાગતી હતી : 'નામનાય કરવેરા વગર આ રાજ્ય પોતાનો વહીવટ કેવી રીતે ચલાવી શકતું હશે ?'
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ કરકસર માટે ઉચ્ચ આદેશ પૂરો પાડે છે. ૨૫ પૈસાનું પોસ્ટકાર્ડ પણ નકામું ન વપરાય એવી તકેદારી ! દાંત ખોતરવાની સળી પણ નકામી ન વેડફાય એમનું અનુસંધાન !
આજના ઉડાઉ યુગની વચ્ચે, સુખી થવાના ઈલાજરૂપે, શું દરેક કિશોરે, દરેક યુવાને અને દરેક પરિવારે બિનજરૂરી ખર્ચા ટાળવાનો કે કરકસર કરવાનો આ મંત્ર શીખવા જેવો જરૂરી નથી લાગતો ? અને પછી પેટ ભરવા 'આર્થિક બોજ' જેવો શબ્દ આપણે માટે નહીં રહે, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી કહે છે : 'કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા.'                                                                  

સાધુ અક્ષરવત્સલદાસ

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |