Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા કહે છે :

‘પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ,
ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ...’

અર્થાત્‌, જે સત્ત્વ, રજસ્‌ અને તમોગુણના મોહથી પર રહીને તેમનાથી દુઃખ નથી માનતો અને તે નિવૃત્ત થતાં તેમની ઇચ્છા નથી કરતો, જે તટસ્થની પેઠે સ્થિર રહે છે, જે ગુણોથી વિચલિત થયા વિના સ્વસ્થ રહે છે, સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી, જે સુખ-દુઃખને સમાન સમજે છે, જે ત્રણેય અવસ્થામાં પોતાનામાં એટલે કે આત્મામાં સ્થિર રમમાણ રહે છે, જેને માટી, પથ્થર તથા સોનું સમાન છે, જે પ્રિય અને અપ્રિયમાં સમભાવે વર્તે છે, જે અત્યંત ધીરજવાન છે, જે નિંદા અને સ્તુતિમાં સમભાવે વર્તે છે, જે માન-અપમાનમાં સમભાવે વર્તે છે, જે શત્રુપક્ષ અને મિત્રપક્ષમાં સમભાવે વર્તે છે, જે બધાં કર્મોમાં કર્તાપણાના અભિમાનથી રહિત છે, અર્થાત્‌ ભગવાનનું કર્તૃત્વ સમ્યક્‌ પ્રકારે સમજે છે, તે મનુષ્ય નહીં, ત્રણે ગુણથી પર થયેલો ગુણાતીત કહેવાય છે.
ટૂંકમાં, જે રાગ-દ્વેષ, મારું-તારું, માન-અપમાનથી અલિપ્ત છે, ગમે તેવા કઠિન અને વિપરીત સંજોગોમાં સદાય પરમાત્મામાં સ્થિર રહે છે, અનેકવિધ આધિ-વ્યાધિ-ઉપાધિઓ વચ્ચે પણ નિરંતર દિવ્ય નિજાનંદમાં રહે એ ‘ગુણાતીત સંત’.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અવગાહન કરીએ છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના શબ્દો અને ભગવદ્‌ ગીતાએ ગાયેલાં એ ગુણાતીત-લક્ષણો હ્રદયમાં ગૂંજ્યાં કરે છે.
એવી સર્વોત્તમ આધ્યાત્મિક સ્થિતિનું વર્ણન કરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આવા ગુણાતીત સંત માટે કહે છે :
‘એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’ (વચ. સા.પ્ર. ૧૦)
‘એવા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતાં થકા મનમાં બીએ છીએ અને તેનાં દર્શનને ઇચ્છીએ છીએ...’ (વચ. ગ.પ્ર. ૩૭)
‘એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા... અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય તેણે એવા સંતની સેવા કરવી.’ (વચ. ગ.અં. ૨૬)
આવા ગુણાતીત સંત પ્રમુખસ્વામી મહારાજ જીવનના ૮૬મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે એમને વંદના કરતાં તેઓના સહવાસી સંતોની કલમે તેમના સ્વાનુભવોના પ્રસંગો અહીં પ્રસ્તુત છે.
પ્રત્યેક પ્રસંગમાં પડઘાય છે : ‘ગુણાતીતઃ સ ઉચ્યતે...’
‘જેવા મેં નિરખ્યા રે...’ પ્રકાશન શ્રેણીમાંથી ચૂંટીને પ્રસ્તુત કરેલા સંતોના આ અનુભવોને માણીએ, એ ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજને કોટિ કોટિ વંદન કરીએ અને આપણે ય ગુણાતીત થવાના માર્ગે પ્રયાણ કરીએ.

 

નમ્રતાના મહાનિધિ

મહંત સ્વામી
ઉનાળુ વૅકેશન કે દિવાળીની રજાઓ પડતી ત્યારે અમે યુવકો બાણમાંથી તીર છૂટે તેમ યોગીબાપાની પાસે દોડી જતા. આવા એક વિચરણમાં હું યોગીબાપા સાથે પેટલાદ ગયો હતો. ભાદરણવાળા ભાઈલાલભાઈના ઘરે ઊતર્યા હતા. સાથે મોટાસ્વામી તથા પ્રમુખસ્વામી પણ હતા. એ વખતે દુઃખદ સમાચાર આવ્યા કે ભાવનગરના ભક્તરાજ કુબેરભાઈ ધામમાં ગયા છે.
યોગીબાપા આ સાંભળી ધૂન કરવા લાગ્યા. પછી ભાવનગર જવા તૈયારી કરી મને કહે, ‘તમે પ્રમુખસ્વામી સાથે સેવામાં રહેજો પછી ભેગા થઈશું...’ મેં હા પાડી.
એ જ દિવસે સાંજે સ્વામીશ્રીને જોડના સંતની સાથે અમદાવાદ જવાનું થયું. અમે ત્રણે આંબલીવાળી પોળમાં આપણું નાનું મંદિર હતું ત્યાં ઉતારે આવ્યા. આ જ પ્રાસાદિક મકાનમાં પ્રમુખસ્વામીને શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડીને, પ્રમુખ તરીકે વરણી કરી હતી. અહીં કોઠારી તરીકે બબુભાઈ સોમનાથ હતા. તેમને સંસ્થાનું મમત્વ ઘણું, વળી કરકસરિયો જીવ, તેથી રસોઈનું સીધું પણ માપમાં જ આપે. સ્વામીશ્રી તો રાજી થતા. પોતે જાતે જ રસોઈ બનાવે. કોણ જાણે સ્વામીશ્રીએ કેવી રીતે જાણી લીધું હતું કે મને રોટલીમાં વધુ રુચિ છે, ભાત ખાતો નથી. આથી સ્વામીશ્રી રોજ પોતાના ભાગની રોટલી મને આપી દેતા ! તેઓ માત્ર દાળ-ભાત જમી લેતા! ઘી બધું રોટલી પર ચોપડી દે. પોતાના માટે કશું રાખે નહીં. આ બધી વાતની મને જરા પણ જાણ થવા દીધી નહોતી. તે સમયે મારી નાની ઉંમર એટલે મને પણ ભૂખ બહુ લાગે. બીજી બાજું શરમ પણ આવે. સહેજે માગવા-કરવાની બાધા. પણ સ્વામીશ્રીએ સામેથી અંતરાય તોડ્યો! હું જેટલું જમું તેટલું પીરસતા જ રહે! સ્વામીશ્રી માટે કંઈ વધે છે કે કેમ એ જોવાની મને સૂઝ પણ નહીં. ખરેખર, આવો નિખાલસ, દિવ્ય પ્રેમ આજે સાંભરે છે. એ પાતાળ ઝરો આજે પણ વણખૂટ્યો વહ્યા કરે છે. અને એ તો જ વહી શકે, જો એમને પોતાની કાંઈ જ પડી ન હોય! પોતે પોતાનાથી પર રહે તો જ એ થાય!

યોગીજી મહારાજ ભાવનગર પધાર્યા હતા અને મને સ્વામીશ્રી સાથે અમદાવાદ રહેવાની આજ્ઞા કરી હતી. તે સમયે સ્વામીશ્રીને અમદાવાદથી અટલાદરા જવાનું થયું. હું યુવક તરીકે સાથે સેવામાં હતો. સ્વામીશ્રીએ ટ્રેનમાં બેઠક લીધી, પણ નિયમ-ધર્મની મર્યાદા સચવાય તે માટે સ્વામીશ્રી વધારે સારી બેઠક ક્યાં મળે તેમ છે, તેની તપાસ કરવા ઊતર્યા. મને કહે, ‘તમે બેસો.’ થોડી વારે આવ્યા, ને કહે, ‘ચાલો, આગળ સારી જગ્યા છે.’ એમ કહેતાં એમણે પોતાનું પોટલું લીધું ને હું પણ તેમની પાછળ ચાલવા લાગ્યો!
કોણે જગ્યા શોધવાની હતી ? મારે કે સ્વામીશ્રીએ ? પણ ગુરુએ સેવક ધર્મ બજાવ્યો ! યોગ્ય જગ્યાએ અમે ગોઠવાઈ ગયા. એવામાં સ્વામીશ્રીએ મને પૂછ્યું, ‘તમારી થેલી ક્યાં ?’ એ તો હું પેલા ડબ્બામાં ભૂલી જ ગયેલો. હું મૌન રહ્યો. ને હજુ તે લેવા ઊભો થાઉં તે પહેલાં તો સ્વામીશ્રી કશું જ કહ્યા વિના મારી થેલી લેવા ઊપડી ગયા ! ગાડી ઊપડવાનો સમય થઈ ગયો હતો. ગીરદી એટલી હતી કે સ્વામીશ્રીને ઉપવાસ પડવાનો ભય પૂરેપૂરો હતો. પણ સ્વામીશ્રી થોડી ક્ષણોમાં તો થેલી લઈને આવી ગયા ! હું હતો તો ૧૭-૧૮ વર્ષનો, પણ મારી બે વર્ષના બાળકની જેમ સંભાળ રાખી. તેમણે મને કશું જ કહ્યું નહીં. સલાહ-સૂચન પણ નહીં કે ‘ધ્યાન રાખવું... પોતાનો સામાન તો સાચવવો જોઈએ ને !’ આવું કાંઈ જ નહીં ! સ્વામીશ્રીએ મનમાંય નહીં લીધેલું. આ તે કેવું કહેવાય ! મેં ભૂલ કરી એનું દુઃખ લગાડ્યા સિવાય સ્વામીશ્રી જે રીતે વર્ત્યા તેમાં ઘણું બધું સમજાઈ ગયું.
સ્વામીશ્રી તો જાણે કાંઈ બન્યું નથી તેમ સંસ્થાનાં કાગળિયાં જોવા લાગ્યા... હું તેમને જોતો સૂનમૂન બેસી રહ્યો...
આ પ્રસંગ સહેજે પ્રયાસ વિના સાંભરે છે. જેમ જેમ તેના પર મનન કરું છું તેમ વધારે ને વધારે શીખવા મળે છે. સ્વામીશ્રીમાં હેત વધે છે. ગદ્‌ગદ થઈ જવાય એટલી બધી મમતા ને પ્રીતિ એમણે વરસાવ્યા જ કરી છે.
આવું અકારણ હેત-આવું મમત્વ શા માટે ? સ્વામીશ્રીને મારી પાસેથી કાંઈ જ અપેક્ષા નહીં. હું તો અમદાવાદમાં તે સમયે એમની સેવા માટે સાથે મુકાયેલો. તેને બદલે તેમણે મારી સેવા કરી ! ગુરુ જ સેવકની સેવા કરે, ધ્યાન રાખે તે કેવી અવળી ગંગા ! મારી સેવા કે દેખરેખથી શું એમની પ્રસિદ્ધિ થવાની હતી? કે બીજો કોઈ લાભ મળવાનો હતો ? એમને તો મારા જેવા કેટલાય યુવકો હતા.
બીજાની સંભાળ જે સમજે એમને કદી પોતાના દેહનો વિચાર આવતો નથી. સ્વામીશ્રી માટેનો આ મારો પ્રત્યક્ષ અનુભવ છે, તે તો એથી યે અધિક છે કે એમના પ્રેમનું વર્ણન કરવું જ અશક્ય છે. તે પ્રેમ વર્ણનથી નહીં, અનુભવથી સમજાય...
૧૯૮૩માં સ્વામીશ્રીને હ્રદયરોગનો ગંભીર હુમલો થયો ત્યારે અમે બધા ચાલુ વિચરણે - સુંદલપુરા સ્વામીશ્રીની ખબર જોવા આવ્યા હતા. સ્વામીશ્રી એ સમયે માંદગીને બિછાનેથી સંતોને બોલાવીને મારી ચિંતા કરવા લાગ્યા હતા : ‘મહંત સ્વામી આવ્યા છે, તેમને માટે મગ કરી આપજો...’
પૂજ્ય ડૉક્ટર સ્વામીની, બીજા ડૉક્ટરોની પણ સરભરાની વાત તેઓ કર્યે જતા હતા. ગમે તેવો શૂરવીર હોય પણ આવા સમયે પોતા સિવાય કોઈનોય વિચાર ન આવે. ગુણાતીત પુરુષ વિના આવું અશક્ય છે. 
જ્યારે જ્યારે હું સ્વામીશ્રીનાં દર્શન કરું છું, ત્યારે ત્યારે એ જ દેખાઈ આવે છે કે એમણે શરીરના કૂચા બોલાવી નાખ્યા છે. કાંઈ રહ્યું જ નથી. મને થઈ જાય છે કે આપણે એમને માટે શું કરીએ છીએ? કાંઈ કહેતાં કાંઈ જ નહીં. હું ઘણીવાર દેશ-વિદેશમાં પધરામણી અને વિચરણમાં એમની સાથે રહ્યો છું. બધાને સ્વામીશ્રીને જ મળવું હોય. કેટલાય પ્રશ્નો ફરિયાદો-તકલીફો ઠાલવે. બધી જવાબદારી એમના શિરે! દૈહિક અને માનસિક બંને ભીડા તેમણે વેઠવાના! વિચિત્ર જડ માણસો અને દાવો કરનાર પણ આવે. હક જમાવનાર અને ફરજ પાડનાર પણ આવે. આપણા શબ્દોમાં કહીએ તો ત્રાસ જ લાગે. સંતો, હરિભક્તોની જવાબદારી, સંસ્થાકીય વહીવટની જવાબદારી, દરેકનું મન સાચવીને કામ કરવાનું. રાત હોય કે દિવસ, ગમે તેવી તબિયત હોય કે ગમે તેવી ૠતુ હોય, પ્રવૃત્તિઓ તો એકધારી ચલાવ્યા જ કરવાની! આવું તો કેટકેટલુંય આંખ સામે તરવરે. એ વિચાર કરતાંયે ધ્રુજી જવાય... આશ્ચર્યમાંથી ઊંચા જ ન અવાય.

છેલ્લા કેટલાય સમયગાળામાં, સંપ્રદાયમાં કે સંપ્રદાય બહાર, વિપરીત સંજોગોમાં ને મુશ્કેલીઓમાં આવો ભીડો વેઠનાર બીજા કોઈ નહીં હોય કે ભવિષ્યમાં પણ કોઈ વેઠશે નહીં ! એક પ્રસંગ યાદ આવે છે.
બામણગામના વિચરણની વાત છે. વૈશાખ મહિનાના સખત તાપમાં સ્વામીશ્રી બપોરે ત્રણ વાગે પધરામણીઓ કરી રહ્યા હતા. વિચરણમાં હું સાથે હતો. એ ગામ ઊંચાણ-નીચાણના ઢોળાવોવાળું છે. પધરામણીઓમાં ઢોળાવો ચઢવા-ઊતરવામાં કસ નીકળી જતો. સ્વામીશ્રી એક ટેકરો ચઢી રહ્યા હતા. હાંફ ચડ્યો હતો. પગની પિંડીઓમાં કળતર થતું હોય તેવું મને લાગ્યું. એટલે મને તેમને માટે દયા આવી, આટલો ભીડો આ ઉંમરે શા માટે ? હવે એમણે આરામ કરવો જોઈએ...
ત્યાં તો તરત સ્વામીશ્રીએ મારી સામું જોયું ને જરા હસ્યા. મને થયું, આ કાંઈ હસવાની વાત છે? આપના દેહના ચૂરેચૂરા થઈ રહ્યા છે, અને આપ હસો છો? મને થયું કે હમણાં સ્વામીશ્રી આ ચઢવામાં કઠિન ટેકરાઓની વાત કરશે પરંતુ એવામાં સ્વામીશ્રી કહે, ‘અહીં બધે યોગીબાપાએ પધરામણી કરેલી છે!!’
અરે! પોતાનું લેશ પણ અનુસંધાન નહીં! ગુરુ સામે જ એમની નજર છે. એમને રાજી કરી લેવાનો જ એમનો વિચાર છે. પોતાના-દેહની કોઈ દયા જ નથી ! નોકરની જેમ કસ કાઢે છે. આવી રીતે દેહથી પર થઈને આખા સત્સંગ સમુદાયમાં દરેકની સેવા કરી છૂટ્યા છે, એ મારો પોતાનો પ્રત્યક્ષ અનુભવ છે.  

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |