Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ

ધીર અને સ્થિર ગુણાતીત

આનંદસ્વરૂપ સ્વામી, ગાંધીનગર

 • એકવાર સ્વામીશ્રી સુરત પાસે સાંકરી ગામે પધાર્યા હતા. શરીરે તાવ અને પેટમાં દુખાવો હતો. ડૉક્ટરે કમળો હોવાની શક્યતા જણાવી. વિશેષ તપાસ માટે સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા. તપાસ કરતાં ખબર પડી કે કમળો નથી, 'ડીયોડનાઈટીસ' (નાના આંતરડાના અગ્ર ભાગમાં સોજો) છે. આ પરિસ્થિતિમાં પણ હરિભક્તોના કોડ પૂરા કરવા સ્વામીશ્રી તેમના ઘરે પધારતા.
  એ અરસામાં એક દિવસ સ્વામીશ્રી સાથે મને પધરામણીમાં જવાનો લાભ મળેલો. એમના શરીરે દુખાવો અને તાવ સ્પષ્ટ જણાતા હતા. પધરામણી કરીને મંદિરે મોડા આવ્યા. ઠાકોરજી જમાડવાના બાકી હતા, પણ મંદિરના ચોકમાં પગ મૂકતાં, સ્વામીશ્રીની નજર સભામંડપ તરફ ગઈ. ત્યાં બાળકો તથા હરિભક્તોની ભીડ હતી. કારણ પૂછતાં સ્વામીશ્રીને ખ્યાલ આવ્યો કે બાળકો સાથે એમનો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ છે. સંતોએ સ્વામીશ્રીને વિનંતિ કરી કે તેઓ ઠાકોરજી જમાડીને સભામાં પધારે. પરંતુ તેઓ સીધા જ સભામાં પધાર્યા, કારણ કે બાળકો રાહ જોઈ રહ્યા હતા. પોતાની અગવડનો સ્વામીશ્રીએ વિચાર ન કર્યો.
  પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ તરત જ શરૂ થયો. મોડું થવાથી પ્રશ્નો ઉતાવળે પુછાતા હતા. સ્વામીશ્રી બાળ-સુલભ ભાષામાં એક પછી એક જવાબ આપી રહ્યા હતા. ઓચિંતો એ પ્રશ્ન પુછાયો, 'આપનું અક્ષરધામ કેવું છે?' તરત જ સ્વામીશ્રી કહેઃ 'અક્ષરધામ તો શ્રીજીમહારાજનું છે. મારું ક્યાં છે?' એટલું કહીને અક્ષરધામનું વર્ણન કરવા લાગ્યા. ભૂખ, થાક, દુખાવો અને ઉતાવળી પ્રશ્નોત્તરીમાં પણ સ્વામીશ્રી સિદ્ધાંતને ચૂક્યા નહિ. તેમને ભગવાન સાથે સ્વામી-સેવકભાવનો સંબંધ અખંડિત છે. અનેક મનુષ્યોને આ સંબંધ કરાવવા તેઓ સતત વિચરતા રહે છે. તેમાં દેહ તથા મનના ભીડાને ગણતા જ નથી.

 • ૧૯૭૩ના વૈશાખ માસમાં સ્વામીશ્રી નાપાડ ગામે પધારેલા. ટ્રૅક્ટરમાં નગરયાત્રા નીકળી, જેમાં ઘણા હરિભક્તો ઉત્સાહથી જોડાયા હતા. સ્વામીશ્રી સાથે વિચરણમાં જોડાયેલા કિશોરો-યુવકો ટ્રૅક્ટરની આગળ નાચતા હતા. ધૂળની ડમરીઓ ઊડતી હતી. ટ્રૅક્ટરની હાલાકી, ધૂળ, પરસેવો, ઘોંઘાટ, ગિરદી વગેરે કશું જ સ્વામીશ્રીની નજરમાં ન હતું. તેઓ તો દૃષ્ટિ દ્વારા યુવકોને સુખ આપી રહ્યા હતા. નગરયાત્રા મંદિરે અટકી. સમૂહ મોટો અને મંદિર નાનું. સમાય શી રીતે ? એટલે નાની જગ્યામાં વધારે અકળામણ. સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કરી જેવા પોતાના આસને બિરાજ્યા કે હરિભક્તો દર્શન માટે પડાપડી કરવા લાગ્યા. થોડાક સમય પછી કાંઈક લાઇન ગોઠવાઈ. એમાં સ્વામીશ્રી સાથે વિચરણમાં જોડાયેલ એક કિશોર પોતાની બૅગ લઈ લાઇનમાં જોડાયો. બૅગ જોઈને અમને નવાઈ લાગી, પણ વધારે નવાઈ તો ત્યારે લાગી જ્યારે સ્વામીશ્રી પાસે પહોંચી, તેણે કહ્યું, 'આ બૅગને આશીર્વાદ આપો કે ન તૂટે.' ઉચ્ચતમ આધ્યાત્મિક પુરુષ પાસે આ કેવી માગણી ? અતિ મોટા ઝવેરીની દુકાને જઈ કોઈ રીંગણાંના ભાવ પૂછે એના જેવું કહી શકાય. આવા પ્રસંગોમાં સામાન્ય  માણસ તો હતાશ થઈ જાય કે મને કોઈ સમજી શકતું નથી; મારો લાભ લઈ શકતા નથી. અને આને લીધે ગુસ્સો પણ આવે એ સ્વાભાવિક છે. પણ સ્વામીશ્રીની વાત જ નોખી ! એ દર્શનની પડાપડી ને ધમાલમાં પણ એની બૅગ ઉપર વ્હાલથી હાથ ફેરવતા અને આશ્વાસન આપતાં કહેઃ 'આશીર્વાદ છે. જાવ બૅગ નહિ તૂટે !'
  એમના મનની એ અદ્‌ભુત સ્થિરતા જોઈને વારી જવાયું.

સહનશીલતાની ચરમસીમા

પુરુષોત્તમજીવન સ્વામી, કલકત્તા

 • ન્યુજર્સીમાં, સ્વામીશ્રીની અધ્યક્ષતામાં ભવ્ય કલ્ચરલ ફૅસ્ટિવલ આૅફ ઈન્ડિયા ઊજવાઈ રહ્યો હતો. ઉત્સવના સ્થળ પર જ સ્વામીશ્રી રોકાતા હતા. દરરોજ તેઓ ભોજન પણ ત્યાં જ લેતા. આ દિવસોમાં એક વખત હું તેઓની સેવામાં જોડાયો હતો. સ્વામીશ્રી જમી લે પછી રોજ મીઠાના પાણીના કોગળા કરે છે. મેં એક દિવસ રોજ પ્રમાણે પાણી આપ્યું. તેના કોગળા કરી સ્વામીશ્રીએ બે વખત મને પૂછ્યું, 'આ મીઠું છે ?'
  મેં કહ્યું, 'હા, આજે નવું જ બૉટલમાં ભર્યું છે !'
  સ્વામીશ્રી મૌન રહ્યા, ને ફરી બધા જ પાણીના કોગળા કરી લીધા. પરંતુ સ્વામીશ્રીએ બે વખત પૂછેલું એટલે મને શંકા પડેલી. તેથી રસોડામાં જઈને તરત જ એ બૉટલમાંથી ચાખી જોયું તો ખબર પડી કે એ મીઠું નહોતું લીંબુનાં ફૂલ હતાં ! સાયટ્રિક ઍસિડ હતો !! સહનશીલતાની કેવી ચરમસીમા!
  મારી સ્મૃતિના ઘણા પ્રસંગો આનંદમાં ઉમેરો કરે તેવા છે પણ આ પ્રસંગ સંભારતાં દુઃખ થઈ આવે છે. આપણી કેટલી બધી બેદરકારીને સ્વામીશ્રી વિશ્વાસના, વાત્સલ્યના અને સાધુતાના આવરણ નીચે ચાલવા દે છે ! ચલાવી લે છે ! કોઈ જ ઠપકો નહીં, શબ્દ પણ નહીં, અરે, ફરી એ પ્રસંગ સંભાર્યો પણ નથી !!
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |