Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

અંત સમયના બેલી

... અને એ વિચાર આવતાં જ રામભાઈની આંખો પળવાર બંધ થઈ ગઈ ને બંધ પોપચાંમાંથી બહાર આવી ગયેલાં આંસુની ભીનાશ પાંપણો પર અંજાઈ ગઈ.
'બહુ દયા કરી મહારાજ !' પરાણે પરાણે મોં ખોલીને ધૂંધળી આંખે ગળગળા સાદે તેઓ માંડ માંડ એટલું બોલી શક્યા.
મધરાત વીતી ગઈ હતી. પોષ મહિનાની કડકડતી ઠંડીએ રાતને થીજાવી દીધી હતી. તમરાનો તમરવ અને દૂ...ર સીમાડે લાળી કરતાં શિયાળિયાઓ સિવાય વાતાવરણ નિઃસ્તબ્ધ હતું. પથારીમાં સૂતાં સૂતાં જ રામભાઈએ ચારેબાજુ નજર કરી. એમ કે, કોઈ છે આજુબાજુ ? પણ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની હસતી છબીઓ અને ઘી નો ટમટમતો દીવો - એ સિવાય બીજું કોઈ નજરે ચડ્યું નહિ. રામભાઈથી બે હાથ જોડાઈ ગયા. ટમટમતો દીવો જોઈને રામભાઈએ મનોમન સ્મિત વેર્યું ! આ જ પોતાનો જીવનદીપ કે...!
ઊંઘ આવતી નહોતી. રામભાઈ પાસે એનાં ઘણાં બધાં કારણો હતાં. થોડીવાર તો તેમને પોતાની જાતને બાણશય્યા પર સૂતેલા ભીષ્મની સાથે સરખાવવાનું મન પણ થઈ ગયું...
'એને બાણની પથારી અને મારે કૅન્સરની... ઈય મારી જેમ ઉત્તરાયણની વાટ જોતા'તા. ઉત્તરાયણને હવે એક જ દી' બાકી રહ્યો. કાલે જ ખીહર. બસ, પછે આ ખોળિયું ખાલી કરી દેવાનું... બહુ વરહ આ દેહમાં કાઢ્યાં. હવે આમાંથી છૂટવાનું ને ભગવાનના ધામમાં પોગવાનું... સ્વામી બાપાએ વચન દીધું છે એટલે હવે એક-બે દા'ડામાં જ વાત પૂરી... વાહ મા'રાજ... વાહ મારા બાપલા...'
અને મનોમન સ્વગત બોલતાં એમને રોમેરોમમાં રોમાંચ થઈ ગયો. આનંદના આવેશમાં મોટેથી 'વાહ' બોલવા ગયા પણ કૅન્સરથી લપકારા મારતું સૂઝેલું મોં પૂરું ખૂલી શક્યું નહિ.'
હવે પોતાની જીવનયાત્રા પર પૂર્ણવિરામ મુકાવાનું છે - એની કલ્પના રામભાઈને હર્ષ ઉપજાવતી હતી. મૃત્યુનો અતિથિ-સત્કાર !  મૃત્યુને વધાવવાનો આનંદ ! આવું કેમ ?! રામભાઈને પોતાને આનું ખૂબ આશ્ચર્ય થતું હતું. લોકો તો મોતની કલ્પનામાત્રથી થરથરતા હોય છે, અરે ! અર્ધી દુનિયાનો શહેનશાહ સમ્રાટ સિકંદર પણ મોતના તેડા આગળ રાંક જેવો થઈ ગયો હતો, તો પછી બીજાની...
રામભાઈ વિચારોના વનરાવનમાં ખોવાઈ ગયા. હાથમાં ફરતી માળાના મણકા સ્થિર થઈ ગયા. નજર સામે ૬૦-૭૦ વર્ષનો ભૂતકાળ સરકવા લાગ્યો...
'નાનો હતો તંયે બાપુની (પિતા કેસરભાઈની) આંગળી પકડીને સત્સંગમાં જાતો. ગણેશ ભગત કથાવાર્તા કરતા. શાસ્ત્રીજી મહારાજના મહિમાની બહુ વાતું થાતી. મનમાં દર્શનની બહુ તાણ રહેતી કે ઈ કેવાક હશે ? એક વખત આંય મોજીદડ આવ્યા'તા. તંયે પે'લવે'લાં દર્શન કર્યાં. શું એમનું તેજ ! જોગીબાપા પણ હારે હતા. બાપુ ઉપર તો શાસ્ત્રીજી મહારાજના ચાર હાથ હતા. બહુ રાજીપો લીધો'તો. તી કેડ્યે તો જોગીબાપા મોજીદડે બહુ આવતા. પારાયણું ને કથાવાર્તાના અખાડા હલાવતા. મહિમાની વાતું ઘૂંટાતી. જોગીબાપા પ્રાપ્તિની એવી વાતું કરતા કે કેફનાં ગાડાં જોઈ લ્યો. બાપા ગમ્મતીય બહુ. બહુ દાખલા દિયે. મેં ઈમના બહુ ધબા ખાધા. કેવું હેત કરતા ! હજાર હજાર માયું ભેગી થાય તોય એવડું હેત નો થાય ! તી કેડ્યે પ્રમુખસ્વામી બાપાનો ય બહુ લાભ લીધો. ઈમણે તો કેવું કર્યું ! ઓ હો હો...!'
૬૦-૭૦ વર્ષની અનેક યાદગાર ઘટનાઓનાં મોજાંઓ પર સરકતું સરકતું રામભાઈનું મન છેલ્લા અઠવાડિયાની ઘટનાઓ પર સ્થિર થઈ ગયું...
એ ઘટના આમ હતી...
તા. ૬ઠ્ઠી જાન્યુઆરીનો એ દિવસ હતો. છેલ્લા કેટલાય સમયથી કૅન્સરના હુમલાથી ઘેરાયેલા રામભાઈની અંતિમ ઇચ્છાને પૂરી કરવા માટે પ્રમુખસ્વામી મહારાજ ખાસ મોજીદડ પધાર્યા હતા. આમ તો આ બાજુ એમનો કાર્યક્રમ ગોઠવાય એવી કોઈ શક્યતા જ નહોતી, પરંતુ માત્ર રામભાઈ માટે જ પોતાનાં અન્ય રોકાણો અને કાર્યક્રમો બદલીને તેઓ મોજીદડ આવી પહોંચ્યા હતા.
રાતના ૯-૩૦ વાગે મોજીદડ પહોંચ્યા કે સીધા જ તેઓ રામભાઈની પથારી પાસે પહોંચ્યા. રામભાઈના મસ્તક પર તેમનો શીતળ સ્પર્શ થયો ત્યારે રામભાઈને લાગ્યું કે માત્ર આ શરીરની જ નહીં, જન્મોજન્મની તમામ વેદનાઓનો હવે અંત આવી રહ્યો છે. જીવનના આ અંતિમ સંગ્રામમાં પ્રાણપ્યારા ગુરુહરિનાં દર્શન-સ્પર્શથી તેઓ રોમાંચિત થઈ ઊઠ્યા હતા.
'અહોહો ! મારા જેવા સામાન્ય આદમી ઉપર આટલી બધી મહેર કીધી ! ક્યાં હું ગામડા ગામનો સાધારણ માણસ ને ક્યાં આપ મહાપુરુષ ! મને પોતાનો ગણ્યો... છે... ક વડોદરેથી આંય લગી દોડાદોડ કીધી !'
રામભાઈને ઘણું કહેવું હતું પણ મોંનું બંધન નડતું હતું. એટલે આંખોએ હોઠનું કાર્ય શરૂ કરી દીધું હતું.
'રામભાઈ જેવા ભક્તને આવું દુઃખ કેમ આવ્યું હશે ?' આજુબાજુ ઊભેલાઓમાંથી કોઈકના મનમાં ઘોળાતા આ સવાલનું સમાધાન કરતાં સ્વામીશ્રીએ ચારેતરફ એક નજર કરી અને પછી કહ્યું : 'રામભાઈ ! શરીર તો છૂટવાનું જ છે એટલે ગમે તે રીતે છૂટે, પણ ધીરજ રાખે તે મહારાજને ગમે છે. 'દાસના દુશ્મન હરિ કેદિ હોય નહિ.' ભગવાન જે કરતા હશે તે ઠીક જ કરતા હશે. કરેલી ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી. દુઃખ તો જીવનનો ક્રમ છે. મહાપુરુષોને પણ દુઃખ તો આવ્યું જ છે ને ! મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ હતા, છતાં ક્ષયરોગ કાયમ રહ્યો. યોગીબાપા પણ પાંચ-સાત રોગ ભેગા લઈને ફરતા. દુનિયાની ર્દ્દષ્ટિએ દુઃખ લાગે પણ ભક્તને એ દુઃખ લાગતું નથી...'
રામભાઈ સ્વામીશ્રીનાં વચનોને અમૃતની જેમ પી રહ્યા હતા.
રામભાઈની ઝંખનાને તૃપ્ત કરતાં સ્વામીશ્રીએ ત્રણ દિવસ સુધી અહીં કથાવાર્તાનો અખાડો ચલાવ્યો. સવાર-સાંજ કથાવાર્તા અને ભજનભક્તિની રમઝટ, આત્મા-પરમાત્માના પરાત્પર જ્ઞાનના પડછંદા અને પ્રગટ પરબ્રહ્મની પ્રાપ્તિના છલકાતા આનંદથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું. કથાવાર્તાની દિવ્ય ભાગીરથીમાં નિત્યસ્નાન કરીને પરમ આનંદ પામતા રામભાઈ દિવસે દિવસે હૈયાના ભારથી મુક્ત થતા જતા હતા.
તા. ૭મી જાન્યુઆરીએ સવારે સ્વામીશ્રી રામભાઈને દર્શન દેવા પધાર્યા ત્યારે રામભાઈએ કેટલાય વખતથી મનમાં રમતો પ્રશ્ન પૂછ્યો : 'બાપા ! હવે મારે કોઈ વાસના રહી નથી, હવે મને ધામમાં ક્યારે લઈ જશો ?'
સ્વામીશ્રીના મુખારવિંદ પર અર્થગંભીર સ્મિત ફરી વળ્યું : 'રામભાઈ ! તમારે હવે કાંઈ કરવાનું બાકી નથી.' તેમના મસ્તક પર અભય હસ્ત મૂકતાં સ્વામીશ્રીએ આગળ કહ્યું : 'તમે આ લોકનુંય કર્યું, કુટુંબ-પરિવારનુંય કર્યું અને આત્માનું પણ કર્યું છે. હવે ભજન કરજો અને બધેથી વૃત્તિ ઉખેડીને એક ભગવાનમાં રાખજો. હવે ઉત્તરાયણનો સૂર્ય થાય પછી બધું કરશું, ભગવાનના ધામમાં....'
છેલ્લા શબ્દો સાંભળતાં રામભાઈ રાજી રાજી થઈ ગયા. સૂતાં સૂતાં જ હાથ જોડી આંખોના સૂચક ઇશારાથી તેમણે આભાર વ્યક્ત કરવાની ચેષ્ટા કરી.
ત્રીજે દિવસે સાંજે ૪-૦૦ વાગે સ્વામીશ્રી મોજીદડથી મોરબી તરફ જઈ રહ્યા હતા. ત્યારે ખાસ રામભાઈની પથારી પાસે પધાર્યા. સાથે પોતાના પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજની નાની ચલમૂર્તિ પણ હતી. સ્વામીશ્રીએ રામભાઈને ઠાકોરજીની આ મૂર્તિનાં દર્શન કરાવ્યાં, છાતીએ પધરાવ્યા અને મસ્તકે પધરાવ્યા. સાથેના સૌ સ્વામીશ્રીની આ ચેષ્ટા સ્તબ્ધતાપૂર્વક નિહાળી રહ્યા હતા.
પુનઃ રામભાઈને ઠાકોરજીનાં દર્શન કરાવી સ્વામીશ્રીએ તેમના મસ્તકે પોતાનો અભય હસ્ત ફેરવ્યો. રામભાઈના રોમેરોમમાં દિવ્ય આનંદનો મહાસાગર હિલોળા લઈ રહ્યો હતો. તેમના મુખમાં મુક્તાનંદ સ્વામીની પંક્તિ રમતી હતી :
'જનમ સુધાર્યો રે હો મારો...'
થોડીવારે વાતાવરણની સ્તબ્ધતા તોડતાં સ્વામીશ્રીએ તેમને કહ્યું : 'રામભાઈ, હવે આ મૂર્તિમાં હંમેશ વૃત્તિ રાખજો. ઉત્તરાયણ આવે છે, પછી મહારાજ જ્યારે ધારે ત્યારે પહોંચી જવું...' પછી સંતો તરફ ફરીને તેમને કહ્યું : 'સંતો, આજે એવું ભજન બોલો કે આ મૂર્તિ રામભાઈના અંતરમાં ઊતરી જાય...'
સંતોએ ભજન ઊપાડ્યું...
'તમારી મૂર્તિ વિના મારા નાથ રે
બીજું મને આપશો મા...
હું તો એ જ માગું છું જોડી હાથ રે
બીજું મને આપશો મા...
કરો ઇતર વાસના દૂર રે,
રાખો પ્રેમાનંદને હજૂર રે, બીજું મને આપશો મા...'
શબ્દો ખૂબ રોમાંચક હતા.
કીર્તનની સ્વરલહરી વાતાવરણમાં દિવ્ય સ્પંદનો પ્રસરાવી રહી હતી. નેત્ર ઢાળીને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ બે હાથ જોડીને ઊભેલા સ્વામીશ્રી તો પ્રાર્થનામાં જાણે ખોવાઈ ગયા હતા.
ભજનની છેલ્લી પંક્તિ પૂરી થઈ ત્યારે સ્વામીશ્રીએ વાત્સલ્યભેર કરુણાભર્યા નયણે રામભાઈ ભણી જોયું. પોતાનું ભગવું ગાતરિયું - ઉપવસ્ત્ર રામભાઈના શરીર પર ઓઢાડ્યું, જાણે - અનાસક્તિયોગની વિરક્તભાવની આ અંતિમ દીક્ષા હતી. 'રામભાઈ !' સ્વામીશ્રીએ એમને સંબોધવા હોઠ ખોલ્યા. આશ્ચર્યચકિત બની આ બધું એકીશ્વાસે નિહાળી રહેલા સૌના કાન સરવા થઈ ગયા. સ્વામીશ્રીએ કહ્યું : 'અમે ભગવાન આગળ તમારી અરજી નાંખી દીધી છે. માટે હવે વૃત્તિ ભગવાનમાં રાખજો. આજથી આપણે ભગવું ઓઢી લીધું છે. એટલે સંસારથી વિરક્ત થઈ ગયા. માટે હવે ભજન જ કરવું... હવે ઉત્તરાયણ પછી...'
ખુલ્લી હથેળીમાં રાખેલું આમળું જોતા હોય એટલી સહજતાથી સ્વામીશ્રી રામભાઈના આત્માને અને એના અંતિમ પ્રયાણને જોઈ રહ્યા છે એમ સૌને લાગતું હતું. અનંત જીવોના નાડીપ્રાણના સંચાલક - સર્વાત્મા બ્રહ્મની સર્વશક્તિમત્તાની એક આછી તેજરેખા, સૌની આંખોમાં અંજાઈ ગઈ.
આ અતિ અલૌકિક દિવ્ય સુખના ભોક્તા બની રહેલા રામભાઈ પાસે પ્રત્યુત્તરના કોઈ શબ્દો નહોતા, માત્ર જોડેલા બે હાથ અને સજળ આંખોથી એમણે આભાર વ્યક્ત કર્યો. ભવોભવનો ભાર હળવો થયાની લાગણી એમના ચહેરા પર લીંપાઈ ગઈ હતી.
બસ, એ દિવસથી રામભાઈ, રામભાઈ નહોતા રહ્યા. સ્વામીશ્રીએ આપેલ સુખસાગર પરમાત્માની મૂર્તિમાં એમનું અસ્તિત્વ ખોવાઈ ગયું હતું. કૅન્સરનું અસહ્ય દર્દ હવે એમના આત્માને દાહ દઈ શકતું નહોતું, કૅન્સરનું રાજ્ય માત્ર શરીર પૂરતું જ હતું.
એમના નેત્ર સામે એ છેલ્લા દિવસનું દૃશ્ય ૨૪ કલાક રમ્યા કરતું હતું. પ્રમુખસ્વામીની છબીમાં એમને પોતાનો ભવસાગરનો તારણહાર દેખાતો હતો... હરિકૃષ્ણ મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ... પ્રમુખસ્વામી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ... ચિત્તમાં રમતી એ બે મૂર્તિઓ ક્યારેક એક થઈ જતી હતી.
'આજે ય ઊંઘ નથી આવતી ?'
...આ બધી સ્મૃતિઓમાં રમમાણ રામભાઈના કાને એકદમ કોઈ સ્વજનનો શબ્દ પડ્યો.
રામભાઈ મનોમન હસ્યા. જવાબરૂપે મનમાં મુક્તાનંદ સ્વામીની પંક્તિઓ ઘુંટાવા લાગી...
'પિયા પાયા તો ફિર ક્યા સોના !'
હવે તો જાગવાનું થયું. અનંત જનમો સુધી સૂતા. કોઈ જગાડનાર નહોતું મળ્યું. આ જનમે એ મોહનિદ્રા પૂરી થઈ... મારો પિયુ પરમાત્મા મળી ગયો... હવે સૂવાતું હશે...?
આ સ્વગતોક્તિ બહાર અભિવ્યક્ત થઈ શકી નહીં, પણ જોનારને લાગ્યું કે તેમને હવે 'ઊંઘવું' નથી.
ઉત્તરાયણ આવી, ગઈ. રામભાઈ તો પોતાની સૂધબૂધ પરમાત્મામાં લીન કરીને બેઠા હતા. છતી દેહે એમને હવે વિદેહસુખનો અનુભવ થતો હતો. એમને મન પરમાત્માનું ધામ હવે અનંત જોજન દૂર નહોતું રહ્યું.
૨૦મી તારીખે રામભાઈએ ઘરનાં બધાં સભ્યોને પોતાની પાસે બોલાવ્યાં. સ્વામીશ્રીએ ઓઢાડેલ ગાતરિયું એમણે મંગાવ્યું. મસ્તકે વીંટાળ્યું પછી બધાને સંબોધતાં કહ્યું : 'હવે મારે ધામમાં જવાનું થયું છે. બધા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરો.' દસેક મિનિટ મહામંત્રની ધૂન વાતાવરણમાં ગૂંજતી રહી. રામભાઈ પણ ધૂન બોલવામાં સામેલ હતા. ધૂન પછી સ્વામીશ્રીએ આપેલ ગાતરિયું વારંવાર આંખે અને ગળે અડાડ્યું. અંતે સૌને કહ્યું : 'હવે મહારાજ મને ધામમાં લઈ જશે.' આટલું બોલીને રામભાઈ પુનઃ લીન થઈ ગયા... ભગવાનની દિવ્ય મૂર્તિમાં ખોવાઈ ગયા.
અને એ વાતની પ્રતીતિ કરાવતી સવાર બીજે દિવસે જ ઊગી.
રામભાઈના શ્વાસોશ્વાસમાં સ્વામિનારાયણ મંત્રની રટણા હતી. બ્રાહ્મમુહૂર્તનો સમય થયો હતો. રામભાઈએ બહિશ્ચક્ષુ બંધ કરીને અંતશ્ચક્ષુ ખોલ્યાં હતાં. અને તેઓ જાણે અંતિમ આદેશની રાહ જોઈ રહ્યા હોય તેમ પળ પળ પસાર કરી રહ્યા હતા. અને બરાબર વહેલી સવારના પાંચ વાગે વિદેહી રામભાઈએ દેહ છોડી મહાપ્રસ્થાન કર્યું. સ્વામીશ્રીએ પોતાનું વચન સત્ય કર્યાની પ્રતીતિ કરાવી.
રામભાઈના જીવનની પૂર્ણાહુતિ મંગલ બની રહી.
અને એટલે જ રામભાઈનાં ધર્મપત્ની કે પુત્રોમાં-બંધુઓમાં શોકનું વાદળ સુધ્ધાં ફરકી શક્યું નહોતું. આ તો એક મંગલમય આનંદમય પ્રસ્થાન હતું. આમાં રડવાનું હોતું હશે ? ભગવાનના ધામમાં ગયા એનો તો ઉત્સવ કરવો જોઈએ ! અને ખરેખર ! રામભાઈના ઘરે લૌકિક કરવા આવનાર દરેકને એનું જ આશ્ચર્ય સમાતું નહોતું ! અહીં તો દરેકને ખુશાલીમાં મિષ્ટાન્નનો પ્રસાદ આપવામાં આવતો હતો ! રોકકળને બદલે માળાઓ કરીને પ્રભુસ્મરણ દ્વારા અંજલિ અપાતી હતી ! ભક્તચિંતામણિનો પાઠ ચાલી રહ્યો હતો અને વાતાવરણમાં નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિઓ ગુંજતી હતી :
'મારા જનને અંતકાળે, જરૂર તેડવા આવવું૧
બિરુદ મારું એ ન બદલે, એમ સર્વે જનને જણાવવું....'
લૌકિક કરવા આવેલાઓમાંથી કોઈકે કહ્યું : 'રામભાઈનું મૃત્યુ થયું... બહુ ખોટું થયું...'
રામભાઈના એક સ્વજને કેફમાં કહ્યું : 'મૃત્યુની તાકાત નહીં કે રામભાઈને અડી શકે ! આશરો કોનો કર્યો તો ! મોતનો અધિકાર તો ખાલી ખોળિયાને પંચભૂતમાં મેળવવા પૂરતો જ હતો, બાકી રામભાઈ તો ક્યારનાય પરમાત્માની આંગળી પકડીને ખોળિયું છોડીને ચાલી નીકળ્યા'તા પરદેશ ! અહીં તો પ્રગટની ઉપાસના છે. એટલે પહોંચ્યાનાં પરમાણાં અવિચળ આવિયા જી...' ભગવાનના ધામમાં ગયા એમાં ખોટું શું થયું છે ?'


- સાધુ અક્ષરવત્સલદાસ

૧. રામભાઈ જ્યારે સવારે ૫-૦૦ વાગે ધામમાં ગયા, ત્યારે એ જ ગાળામાં ગામની ત્રણ વ્યક્તિઓને આ જ સંદર્ભનાં વિશિષ્ટ દર્શન થયાં હતાં.
(૧) મુકુંદભાઈ નામના બ્રાહ્મણ છે. તેઓ સ્વામિનારાયણના આશ્રિત નથી. એ જ દિવસે, એ જ સમયે તેઓને એવાં દર્શન થયાં કે રામભાઈ અને ગુરુ ગણેશભક્ત એકબીજાના હાથ પકડીને ઉતાવળે ઝાંપા બહાર જઈ રહ્યા છે.'
(૨) મોજીદડના હરિભક્ત પીતાંબરભાઈ મિસ્ત્રીનાં પત્નીને દર્શન થયાં કે 'સારંગપુર મંદિરના મધ્યખંડના ધામ, ધામી અને મુક્ત રામભાઈના ઘરે આવ્યા અને રામભાઈને ક્હ્યું, 'ચાલો.' એમ કહીને તેઓને દરવાજા બહાર લઈ ગયા.
(૩) રામભાઈના ભાઈ ઘનશ્યામભાઈ, તેઓનાં દીકરીને રાત્રે ર-૦૦ વાગે એવાં દર્શન થયાં કે 'શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી બાપુના (રામભાઈના) ઘરે આવ્યા અને રામભાઈને કહે, 'ચાલો આપણે જવું છે.' રામભાઈ કહે, 'પણ ક્યાંથી જઈશું ?' ત્યારે ત્રણેય સ્વરૂપો નિર્ણય લે છે કે 'આપણે ઉપરથી જતા રહીએ.' એમ કહીને તેઓને ઉપરથી લઈ જાય છે.' આ વાત રાત્રે ને રાત્રે એણે પોતાનાં માતુશ્રીને કરી, ત્યારે એનાં માતુશ્રી કહે 'આ તો સ્વપ્નું કે'વાય. સૂઈ જા.' પરંતુ સવારે ૫-૦૦ વાગ્યે જ્યારે રામભાઈ ધામમાં ગયા, ત્યારે એ વાતની પ્રતીતિ આવી. દાસ

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |