| |
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ હંમેશાં કહેતા : 'ભગવાન સૌનું ભલું કરો' તથા 'ભગવાન ભજી લેવા' આ બંને સૂત્રો એમની વર્તન છવિના મોંઘેરાં રતન છે. વૈશાખી વિશેષાંકમાં એમનું સ્મરણ આ બંને સૂત્રો ઉપરાંત 'સંપ-સુહૃદભાવ-એકતા'ના એમના આદેશ પર વિચાર-વિમર્શ અત્રે પ્રસ્તુત છે.
(૧) આ મહાવાક્યોમાં તો વેદ-શાસ્ત્રનો સાર અને હજારો મહાનુભાવોના જીવાયેલા જીવનના અનુભવોને મળતું આવે એવું તત્ત્વ રહેલું છે.
(૨) યોગીબાપાના વેણે વેણે અન્યનું ભલું જ કર્યું છે. એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી. તેમના હાવ-ભાવ, બગાસાં, ખોંખારા પણ વ્યર્થ ગયાં નથી. અતિ પ્રીત અને હેત ઉપજાવનારા હતા.
(૩) યોગીબાપાનું ભલું કરવાનું, ભજન કરવાનું કાર્ય આજે પણ ચાલું જ છે. આજે તેઓ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા એ કાર્ય કરી રહ્યા છે.
'ભગવાન સૌનું ભલું કરો'
'ભગવાન સૌનું ભલું કરો.'
'ભગવાન ભજી લેવા.'
કેટલાં સાદાં વાક્યો!
અરે, સાદાં કરતાંય સાદાં લાગે છે.
સાવ ગામઠી ઉક્તિઓ લાગે છે.
જૂની જૂની, વપરાયેલી, ઘસાઈ ગયેલી ઉક્તિઓ લાગે છે. કેટલાયને તો તથ્ય વિનાની લાગે! જમાના બહાર લાગે.
કેટલાયને તો વણ-વિચારેલી, અમથી, ગૂઢાર્થ વિનાની, ચલતી ઢાળની, સામાન્યમાં સામાન્ય ઉક્તિઓ લાગે.
પણ યોગીબાપા એમનાં આ વાક્યો અનેકવાર બોલ્યા છે. કહ્યું છે ને - 'महद्भिः लीलया प्रोक्तं शीलालिखितमक्षरम्।' મહાપુરુષોએ સહજતાથી (ગમ્મતમાં પણ) ઉચ્ચારેલું વાક્ય શિલાલેખ જેટલું મહત્ત્વનું, પ્રમાણભૂત, અર્થસભર અને રહસ્યમય હોય છે. યોગીરાજના મુખેથી પુનઃ પુનઃ સરી પડતાં આ બંને સૂત્રો ઊંડો વિચાર માગી લે તેવાં છે.
દેખાય છે, બોલાય છે, વંચાય છે, સંભળાય છે એટલી સહેલાઈથી આ ઉક્તિઓ ફૂટી નીકળી નથી. આ મહાવાક્યોમાં તો વેદ-શાસ્ત્રનો સાર અને હજારો મહાનુભાવોના જીવાયેલા જીવનના અનુભવોનું મળતું આવે એવું તત્ત્વ રહેલું છે.
આ બે વાક્યોમાં હજારો ટન કલ્યાણકારી તત્ત્વ ભર્યું છે, જો યોગીમુખે બોલાય તો! નહીં તો જેનું જેટલું સામર્થ્ય તેટલું જોર પકડે.
યોગીબાપાનાં આ બે મહાવાક્યો તેમના જીવનમંત્ર સમાન હતાં. વિચાર કરવાથી તેમના સમગ્ર વ્યક્તિત્વની એ પરખ આપે છે. વિચાર વિના આ બે જીવનમંત્રોએ સૌને છેતર્યા હતા; તેમનાં સામર્થ્ય અને સ્વરૂપને ઢાંકી રાખ્યાં હતાં... અને બાવા ભલા-ભોળા, સીધા-સાદા ગણાઈ જતા. થતું - 'ઠીક, બહુ સારું, મજાનું બોલે છે...' બસ, એટલે જ વિચાર અટકી જતા. બેશક! એમના માટે ખૂબ પ્રેમ સૌને હતો. મહિમા હતો, પણ સાથે સાથે ખૂબ ભલા-ભોળા લાગતા. તેથી તેમને તેમના સાક્ષાત્ જ્ઞાનને, તેમના સમગ્ર જીવનને સમજી શકાયું નહીં. તેઓ નહીં, આપણે ભોળા હતા તેથી છેતરાઈ ગયા. 'બાપા' શબ્દ જ ભોળા માટે વપરાતો હોય છે.
કેટલું બધું સાચું છે નહીં? આપણે કેટલું બધું બોલીએ છીએ!!... પણ તેમાં આપણને તથા બીજાને કામનું કેટલું? કોઈનેય કામનું નહીં, કશુંય કામનું નહીં. ઘણું ન બોલતા હોઈએ તેમાં જ આપણું અને બીજાનું ભલું છે. બોલીને બગાડતા હોઈએ એવું બને! સ્પષ્ટવક્તાને દાવે કેટલું બગડે છે! 'મને દેખાય એવું બોલું છુ _' એમ કહીએ છીએ. આજુ બાજુ અને પાત્ર જોયા વગર સ્પષ્ટ બોલીએ છીએ. સત્ય પણ કડવું, અપ્રિય. પોતાનું ઉઘાડું કરવાને બદલે બીજા નબળાના દોષો કહીએ છીએ. બિનજવાબદાર આગળ બોલી નાંખીએ છીએ. ફજેત કરીએ છીએ. વેરઝ õરની લાળ-વરાળ, કટાક્ષ કરીને કાઢીએ છીએ! આમાં કોનું, કેટલું, કઈ રીતે ભલું થતું હશે?
'ભલું તો યોગીવાણીથી થયું છે. એકનું નહીં અનેકાનેકનું. જેમાં કોઈ દોષ-ત્રુટી ન મળે. જેટલું પવિત્ર જળ (Distil water) તેટલું વધારે મળ ધુએ, પણ જળ પોતે બગડે, જ્યારે યોગીવાણી ગંગાના જળ કરતાં પણ અધિક હતી. યોગીવાણી પાપોને ભસ્મ કરીને પુણ્ય ઉત્પન્ન કરે. મડદાંને બેઠાં કરે. નાસીપાસ થયેલા, જીવનથી કંટાળી ગયેલા, હતાશા-નિરાશા, દુઃખદારિદ્રયનો ભોગ બનેલા એવા કંઈકને ગૌરવપૂર્વક જીવન જીવતા કર્યા છે. 'હસતું મુખ રાખીને સૌને હસાવતા...' યોગીબાપાના વેણે વેણે અન્યનું ભલું જ કર્યું છે. એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી. તેમના હાવ-ભાવ, બગાસાં, ખોંખારા પણ વ્યર્થ ગયાં નથી. અતિ પ્રીત અને હેત ઉપજાવનારાં હતાં.
યોગીબાપા ધામમાં ગયા પછીની વાત છે. ધામમાં ગયે પંદર દિવસ થયા હતા. બે અંગ્રેજ ભાઈઓ સ્વામીબાપાની મુલાકાતે આવેલા. બાપાના સમાચાર જાણી દિલગીર થઈ મુંબઈ દાદર મંદિરે રવિસભામાં બેઠેલા. ગુજરાતી ભાષામાં કાર્યક્રમો ચાલે એટલે કંઈ સમજ્યા નહીં. સભામાં અંતે યોગીબાપાનું ટેપ કરેલું પ્રવચન મુકાયું. યોગીબાપાએ, કફનો ગળફો ભરાયો તેથી ખોંખારો ખાધો. અને આ અંગ્રેજ ભાઈઓ રોમાંચ અનુભવતાં આશ્ચર્ય સહ બોલી ઊઠ્યા, 'યોગી મહારાજ...! યોગી મહારાજ...!' કેવું કહેવાય! આપણા ગળફા, ખોંખારા ન્યુસેન્સ (Nuisance) કહેવાય. બીજાને ચીડ ચઢે. જ્યારે યોગીબાપાના ખોંખારે પેલા અંગ્રેજોને હેત ઊપજ્યું.
તેમના એક એક શબ્દ મધુર-અમૃત ભરપૂર સંજીવની તુલ્ય-મૃદુ-પ્રેમ નીતરતા, સત્ય-પ્રિય-હિતકર હતા. તેમની વાણીમાત્રથી પણ હજારોનું, લાખોનું ભલું તો શું છેલ્લો જન્મ થઈ ગયો છે. તેમાંય 'ભગવાન ભજી લેવા' અને 'ભગવાન સૌનું ભલું કરો' એમાં જે ભાવના પડેલી છે તે તો તેમના હૃદયના ધબકાર સાથે કદમ મિલાવતી. કોઈ સમગ્ર જીવન સુંદર રીતે જીવે અને અંતે સારરૂપે, ફળરૂપે સુખ, શાંતિ પામે તેવું તો યોગીબાપા બાળપણથી જ માણતા. તેમને 'ભલું કરવું' 'ભજન કરવું' બંને એક જ હતા. ભલું કરવું - ભજન કરવું એ તેમના માટે સાધના કે ફરજ કે સેવા ન હતી. જીવન જ હતું. આમ કરતાં સુખના ચસકારા જ ભરતા. તેમના રોમે રોમે, લોહીના કણે કણે ભજન જ કર્યું છે, સૌનું ભલું કર્યું છે. ઉપરથી ભગવાનને પણ સૌનું ભલું કરવા પ્રાર્થના કરતા. આ જીવનમંત્રો નાના બાળકની નિર્દોષતા નહીં, પણ જ્ઞાનસભર નિર્દોષતાથી લલકારતા. શબ્દો ભરેલા જ રહેતા. અમથા અને વણવિચારેલા નહીં. શબ્દોમાં પરિપક્વતા, પૂર્ણતા, પીઢતા હતી. આ વાક્યો ઉચ્ચારતાં તેમના મોઢામાં પાણી છૂટતું. વર્તવા કે વર્તાવવા નહીં, પણ દિવ્ય જીવનના ફળરૂપે આંબાકેરી સાખ હતી. શક્તિ પૂરવા કે દિશા આપવા તો હશે પણ તેઓ જીવનમંત્રો સંપૂર્ણપણે પોતા માટે જ બોલતા. પોતે સુખ-શાંતિના મહાસાગર હોવા છતાંય ભગવાનના સુખસાગરમાં ડૂબકાં ખાતા. સિંહનું બચ્ચું ધાવે ત્યારે હોઠ ઉપર ફીણ વળે. તે ફીણ ચાટનાર પણ શક્તિશાળી બને. તેમ યોગીબાપા આ બે જીવનમંત્રો માણતા. તેમના ફિહોટાએ પણ અનેકનું ભલું કર્યું છે. ભગવાનમાં શ્રદ્ધા-પ્રીત-વિશ્વાસ વધાર્યાં છે. નાસ્તિકો આસ્તિક બન્યા છે. ભવબંધન કપાયાં છે. જીવનપલટો થયો છે. આપણે તો પ્યાલો ભરી વાણીમાં નહીં પણ એક ફિહોટામાં જ કેટલાયને ડૂબાડી માર્યા છે. યોગીબાપાએ તાર્યા આપણે ડૂબાડ્યા.
કડવી, વણવિચારેલી, યોગ્ય રીતે નહીં બોલાયેલી વાણી પોતાનું અને બીજાનું બગાડે, પરંતુ સારી, વિચારેલી, અર્થ ભરપૂર, તત્ત્વસભર, સત્ય વાણી ઉચ્ચારી હોવા છતાંય પહેલાં તો તે આપણને જ કેટલી ઉપયોગી થઈ શકી છે? પછી બીજાની વાત. એક મહારોગ-અહમ્ના પોષણ સિવાય કંઈ નહિ. અહમ્ આડે બીજાનું શું થાય તે દેખાય જ નહીં. ભ્રમજાળ-તરી ગયાની-ઊભી કરીએ છીએ! આપણી ભેગા બધા છેતરાય છે. અહંના પોષણમાં ભલું દેખાય છે, પણ અંતે ફળ તો શકોરું. યોગીબાપા પણ કોઈના સ્વમાનનું ખંડન ન થવા દે અને પોતે પણ કરે નહીં. ઉપરથી તેઓ બીજાના સ્વમાનનું પોષણ કરતા, પણ મૂળમાંથી કાઢી નાખવા. તે કળા તેમને હસ્તગત હતી. શું કરવાનું અને કરાવવાનું છે તે તેમને એકદમ સ્પષ્ટ જ હતું.
એક ચિંતકે કહ્યું છે 'Books are more nuisance. They can do for ornaments, not for foundation.' અર્થાત્ પુસ્તકીયું જ્ઞાન વ્યર્થ છે. વાણી વગેરેને શણગારવા પૂરતું જ છે. જીવનના પાયા માટે નહીં.
ઈમર્સન કહે છે : 'I hate quotes. Tell me what you know.' અર્થાત્ તમે શું જાણો છો તે મને કહો. કોકનાં ઉદાહરણો અને અવતરણો સાંભળવાની મને ચીઢ છે.
ડૉ. રાધાકૃષ્ણન્ પણ કહે છે : 'તમારી જાતે અનુભવેલું અર્ધ સત્ય બીજા પાસેથી શીખેલા પૂર્ણ સત્ય કરતાં ક્યાંય અધિક છે.'
આમ સૂત્રો તો આપણેય લખીએ છીએ, પણ આપણે દોષોથી ભરપૂર છીએ. વળી, પોતાની જાતને ડાહ્યા, સમજુ , જ્ઞાનવાન, આધુનિક, અપ-ટુ-ડેટ માની બેઠા છીએ. અને યોગીબાપા ભોળા!
આજે આપણે કૂદીએ છીએ, તે ખીલાના જોરે. યોગીબાપા, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજીમહારાજની વાતો કરી શકીએ છીએ અને બીજાને અસર થાય છે (જેટલી થતી હોય તેટલી પણ) તેનું કારણ એ લોકોનું વર્તન છે. આપણી સામે તો એ નથી જ. એમનું બોલેલું પ્રત્યક્ષ નથી પણ એ જ પુરુષને પ્રમુખસ્વામી મહારાજરૂપે બધી બાબતમાં બધાં પ્રવચનના સારરૂપે દેખાડી શકાય છે. નજર સમક્ષ મૂર્તિમાન વર્તન છે તો ડંકો વાગે છે. બહાર જગતમાં મહાન પુરુષો થઈ ગયા, પણ તેનું નજર સમક્ષ વર્તન ક્યાંથી લાવવું? નજર સામે વર્તન અનુભવ્યા વિના જીવનપલટો થાય નહીં. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા યોગીબાપાનું ભલું કરવાનું, ભજન કરવાનું કાર્ય આજે પણ ચાલું જ છે.
આપણે ધન્ય ધન્ય બન્યા છીએ, જો સમજાય તો. સમજવાનું એ છે કે વર્તનવાળા પુરુષની જરૂર પહેલા હતી, આજે છે અને ભવિષ્યમાં પણ રહેવાની. કોઈપણ ક્ષેત્રે આ સિદ્ધાંતની વાત છે. વાતોના વડાં ન થાય. દેહાતીતે દેહભાવવાળાને દેહાતીત કરવા કમર કસી છે. જેટલો આપણો સહકાર એટલી બંનેને મજા.
એક બહુ જ મુદ્દાની વાત, આપણાં સૌના કામની વાત એ છે કે યોગીબાપા અને પ્રમુખસ્વામી 'ભલું થાવ' તે વાક્યથી શું કહેવા માગે છે? અને તેઓ શું ભલું કરે છે? અને આપણે - ભલું થાય - તેનાથી શું સમજીએ છીએ? તે સ્પષ્ટ થાય તો સત્સંગ કરવાની ખૂબ જ મજા પડે. જો સ્પષ્ટતા ન હોય તો લાચારી રહે, ખુમારી નહીં. અંદરખાને નાસ્તિકભાવ રહ્યા કરે. આપણા દેશકાળ કેમ નહીં સુધરતા હોય અથવા સ્વામી કેમ નથી સુધારતા? મારી ભૂલ છે? ભૂલ કેમ નથી બતાવતા? સમર્થ છે કે નહીં? આવો દુર્લભ સત્સંગ ભવ-ભવાદિનું દર્દ કાઢી નાંખે, પણ આ લોકની બે પૈસાની નાશવંત, તુચ્છ વસ્તુઓમાંથી મન નીકળે નહીં. ઘણા કહે કે વધારે નહીં રોટલા જ માગીએ છીએ. તે પણ કહેવાનું ન રહે. યોગીબાપા વાણિયાના તેલપળીના ધંધાની વાત કરતા. બે બે પૈસાના ગ્રાહકોમાંથી ઊંચો જ ન આવ્યો. આપણું એવું જ થાય છે. દેહ-કુટુંબની જરૂરિયાતોમાંથી ઊંચા જ નથી અવાતું. અને તેને કારણે અંતર્દૃષ્ટિ કરી સત્સંગ, મહારાજ, પ્રમુખસ્વામી મહારાજની અદ્ભુત પ્રાપ્તિના સુખથી વંચિત રહીએ છીએ. સાચા સત્સંગી, ખરા ભક્ત થવાય નહીં.
યોગીજી મહારાજ 'ભગવાન સૌનું ભલું કરો' - એમ કહેતા ત્યારે એમના મનમાં એક જ ચિત્ર રહેતું : આ જીવ પરમ સુખિયા થાય અને આ લોકની વાસના તૂટી જાય. ભગવાનના ધામ અને ભગવાનની મૂર્તિની વાસના થાય...
અને તે માટે તેઓ જેટલું કંઈ કરે-કરાવે તે દેહ મૂક્યા કેડે કામમાં આવે તેવું કરાવે, પણ આ એકદમ કંઈ થાય? તેને માટે ઘણું ઘણું કરવું પડતું. પહેલાં પદાર્થ આપવા પડે, સંકલ્પ આ લોક-પરલોકના પૂરા કરવા પડે, ધૂન-પ્રાર્થના-સંકલ્પ કરવા-કરાવવા પડે. એના જીવનમાં રસ-બસ થઈ જવું પડે અને સ્વામીબાપા એ બધું કરતા.
આજે પ્રમુખસ્વામી મહારાજ પણ આ બધું જ કરે છે. વ્યક્તિની સ્થિતિ, રહેણી-કરણી બધું સમજતા. તેને પોતાનો કરી પછી સાચી વાત ઉપર લઈ જાય. બાકી ડાયાબિટીસવાળાને મિષ્ટાન્ન અપાય? ને આપે તો તેનું ભલું કર્યું કહેવાય? તેમ વિષયો ઝ õર છે, બંધનરૂપ છે, દુઃખરૂપ છે. વળી દેહધારીને જરૂરના પણ છે; છતાં તેને સંતુલિત માત્રામાં, જરૂરી છે તેવું આપે. આ એમની રૂડી રીત છે. આપણને ઉપલક દૃષ્ટિથી તે સમજાય તેમ નથી. કારણ, આપણે 'ભલું થવું' એનો અર્થ જુ દો જ સમજીએ છીએ એટલે જામતું નથી. આપણને તો આ લોકનું બધું થાય, દીકરા-દીકરી પરણી જાય, જમીન, ખેતી, ધંધો, નોકરીનું થઈ જાય તેને જ કૃપા ગણીએ છીએ! પરંતુ આપણને જે સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે તે આપણા માટે બરાબર જ છે એમ દૃઢપણે સમજવું. મુશ્કેલીઓ ઘડતર, ચણતર અને નિર્વાસનિક કરવા માટે સર્જાય છે. એટલે તો યોગીજી મહારાજે પ્રાર્થના કરી છે કે 'હે શાસ્ત્રીજી મહારાજ! તમારી કસણીમાં હંમેશાં રહેવાય...' તેમણે કસણી દૂર કરવા પ્રાર્થના ન કરી. મહારાજ આપણને કૃપા કરીને કસણીમાં રાખે છે. કારણ, ગમે તેવો જ્ઞાની, ધ્યાની કે પરમ ભક્ત હોય પણ તેને વિષયનો યોગ થાય તો શાન ભૂલાડે જ. આથી તેનો યોગ જ ન થવા દેવો તેમાં જ આપણું પરમ ભલું છે. કાદવથી ખરડાવું અને પછી સ્નાન શા માટે? પહેલેથી ખરડાવું જ નહીં તે ન સારું! લાખો વર્ષોનો ઇતિહાસ જોતાં માલુમ પડશે કે ખરેખરા ભક્તોએ દુઃખ, કસણી, સંકટો જ માગ્યાં છે; આ લોકમાં તેમની સ્થિતિ એ જ સાબિતી છે.
ટૂંકમાં, યોગીબાપાએ તો વાણીથી, સંકલ્પોથી, ધૂન-પ્રાર્થનાથી, પોતાના અસલી જીવન અને વર્તનથી, પોતાના ચારિત્ર્યથી અને હાથ-પગથી, વિચરણથી, માન-અપમાન-તિરસ્કાર ખમીને, ધીરજ રાખીને, અપાર કષ્ટો સહન કરીને, સૌનું ભલું જ કર્યું છે. 'ભગવાન સૌનું ભલું કરો' અને 'ભગવાન ભજી લેવા' એ વાક્યો ઉચ્ચારી પોતાની મધુર વાણીથી આનંદ ઉપજાવીને સન્માર્ગ બતાવી જીવનનું ધ્યેય સ્થાપીને ભલું તો કર્યું છે, પણ આ બે મંત્રો બોલીને તેમણે પોતાની આધ્યાત્મિક સંપત્તિ અને વૈભવની ઝ ë_ખી પણ કરાવી છે. હવે તો પ્રમુખસ્વામી મહારાજ કઈ રીતે આપણું ભલું કરી રહ્યા છે, ને કરવાના છે તે રહસ્ય જીવનમાં સ્થાપિત થઈ જાય તો આપણા રગેરગમાં શક્તિ અને તાજગી આવી જાય. આપણા મનમાં આ બે જીવનમંત્રો ચાલુ-ચીલાવાળી વાત છે એમ ન રહે એટલું ચેતવાનું છે.
— સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
|
|