Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

બલિદાન આપીને પોતાની જાતને ઘસી નાંખવાનો ઉમંગ...
સાધુ નિર્મલચરિતદાસ

સમુદાયને સમર્પિત થવાનો આદેશ આપવો એ કોઈ પણ સંસ્થાના મહાન સૂત્રધારનું પ્રથમ લક્ષણ નથી. પહેલાં પોતે સમર્પિત થવું અને ઉમંગપૂર્વક ઘસાઈ છૂટવું — એ એમની સ્વાભાવિકતા છે. શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના ઉચ્ચ હેતુઓની સિદ્ધિ માટે પોતાની જાતને પહેલાં સમર્પિત કરી દીધી હતી. જીવનની એક એક ક્ષણ તેઓ અક્ષરપુરુષોત્તમ માટે જ જીવ્યા હતા. શુદ્ધ ઉપાસના-પ્રવર્તન યજ્ઞમાં તેઓએ સ્વયંની આહુતિ આપી દીધી હતી.
સમસ્ત જીવન-સમર્પણનો આ રંગ કેવો કસુંબલ હતો! ૮૫ વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજને હૃદયરોગનો હુમલો આવ્યો. પછી પણ નિષ્ઠા-પ્રવર્તનનું કાર્ય અટક્યું નહિ. એક વખત ગુલઝારીલાલ નંદાજી સ્વામીશ્રીનાં દર્શને પધારેલા. શાસ્ત્રીજી મહારાજે નાદુરસ્ત તબિયત હોવા છતાં એમને શ્રીજીમહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો રાત્રે ૧૧ થી ૧ વાગ્યા સુધી કરી. બબુભાઈ કોઠારીથી રહેવાયું નહિ. તેમણે કહ્યું : 'સ્વામી ! ડૉક્ટરે આપને બોલવાની સ્પષ્ટ ના પાડી છે, તો પણ બે કલાક વાતો કેમ કરી?'
શાસ્ત્રીજી મહારાજે કહ્યું : 'અક્ષર-પુરુષોત્તમની વાતો કરતાં દેહ પડી જાય તો ભલે પડી જાય, દેહ લેખે લાગે.'
પોતાના ઉચ્ચ હેતુ માટે આટલી બધી ધગશ ?! આટલો બધો ઉમંગ ?! નસેનસમાં પોતાની જાતને ઘસી નાખવાની કેવી તત્પરતા ! સમય, સંજોગ કે શરીર સાથ ન આપે, છતાંય એમાં ક્યારેય ઓટ આવે નહીં, ભરતી, ભરતી અને ભરતી ! ઉમંગનો એ કેવો મહાસાગર હશે !
આજથી ૬૦ વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજ એક રાત્રે થર્ડ ક્લાસમાં રેલવેમાં મુસાફરી કરીને મૂળીમાં સ્ટેશન ઉપર પહોંચ્યા, ત્યારે ખ્યાલ આવ્યો કે લેવા આવનાર રૂપસંગજી દરબાર પહોંચી શક્યા નથી. અંધારી રાતમાં આકાશમાંથી સતત વરસાદ વરસી રહ્યો છે. પગમાં વાની પીડા છે. એક પણ ડગલું માંડી ન શકે તેવી દયનીય સ્થિતિ છે. પણ એવા સંજોગોમાંય હામ હાર્યા વગર, અકળાયા વગર, અમળાયા વગર, ભોગાવા નદી ઓળંગીને શાસ્ત્રીજી મહારાજ બે કલાક સુધી ચાલતાં ચાલતાં સામે કાંઠે જવા નીકળ્યા. રાત્રે સાડા અગિયારે પૂછતાં પૂછતાં ઉતારે પહોંચ્યા ત્યારે બીજા સૌ ત્રાહિમામ્‌ હતા, અને શાસ્ત્રીજી-મહારાજના મોં પર ઉમંગ હતો! સંસ્થાના વિકાસ માટે, તેમણે આવું જીવનભર કેટકેટલું ખેડાણ કર્યું હશે ? સંસ્થાના ઉત્કર્ષ માટે પોતાની જાતને ઘસી નાંખવામાં એમણે નથી જોયો સમય, નથી જોઈ સ્થિતિ કે નથી જોઈ પરિસ્થિતિ. હૈયે એક જ ઊલટ હતી કે કેમેય કરીને સંસ્થાના વિકાસમાં અને અક્ષરપુðરુષોત્તમ સિદ્ધાંત નિષ્ઠાના પ્રવર્તનમાં સર્વસ્વનું બલિદાન અપાય.

હર્ષદભાઈ દવેને એક વાર એમણે કહ્યું હતું : 'અક્ષરપુરુષોત્તમની સેવા કરતાં દેહ પડે તો તે સાર્થક થયો કહેવાય !' એક સંસ્થાના વિકાસ માટે બલિદાનનો  આથી વધુ ઊંચો આદર્શ કયો હોઈ શકે !    
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |