Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
સારંગપુરમાં પુષ્પદોલોત્સવે વરસી રંગની ઝડી... - આષાઢી સંવત ૧૮૬૮

૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં હજારો ભક્તો અને સંતોને એકત્રિત કરીને રંગોત્સવો ઊજવતા હતા, ત્યારે કેવો માહોલ રચાતો હશે? ભગવાન સ્વામિનારાયણના સમકાલીન પરમહંસ સંતોએ નજરે જોયેલા એ રંગોત્સવની અદ્‌ભુત દસ્તાવેજી સ્મૃતિઓ પોતાની વાતોમાં, ગ્રંથો તેમજ કીર્તન-કાવ્યોમાં ચિત્રાત્મક રીતે ગૂંથી લીધી છે. નિષ્કુળાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, માધવદાસ સ્વામી, અદ્‌ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતોનાં ગદ્ય-પદ્ય તેમજ તેમની વાતોના ગ્રં_થોમાં ઠેર ઠેર ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવોનું અદ્‌ભુત દર્શન માણવાં મળે છે.
આ બધામાં આધારાનંદ સ્વામીની નોંધ અનન્ય છે. 'હરિચરિત્રામૃતસાગર' ગ્રંથમાં તેમણે વરતાલ, ગઢપુર, અમદાવાદ, સારંગપુર, લોયા, પંચાળા, ધરમપુર, ડભાણ, કરિયાણા વગેરે સ્થળોએ ભગવાન સ્વામિનારાયણે ઊજવેલા રંગોત્સવોનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. તેમાં જાણે ગઈ કાલે જ એ ઉત્સવો ઊજવાયા હોય તેવી તાજગી છે. આવો, આધારાનંદ સ્વામીની કલમે ૨૦૦ વર્ષ પહેલાંના એ જુદા જુદા રંગોત્સવોમાંથી થોડાકનું આચમન કરીએ...
સારંગપુરમાં પુષ્પદોલોત્સવે વરસી રંગની ઝડી... - આષાઢી સંવત ૧૮૬૮
જીવાખાચરના દરબારમાં આવી શ્રીહરિ ઉત્તર દ્વારના ઊંચા ભવનમાં ઊતર્યા. મુક્તમુનિ સાથે જે ભણનારા સંતો બોટાદથી આવ્યા હતા તેમને શ્રીહરિએ સંભાર્યા. તેઓ ઊઠીને દંડવત્‌ કરવા લાગ્યા. તે સૌને શ્રીહરિ મળ્યા. પછી જે જે દેશમાં ગામોગામ હરિભક્ત હતા તેને સંભારીને પત્ર લખ્યા. સોરઠ, હાલાર, કચ્છ, વાગડ, મોરબી, ઝાલાવાડ, ચૂંવાળ, વઢિયાર, રાધનપુર, પાટણ વગેરે દેશમાં પત્ર લખાવ્યા. પત્ર લખતાં શ્રીહરિ સંત હરિભક્તોને કહેતા કે અમે લખાવતા નામ ભૂલી જઈએ તો તમે યાદ કરાવજો.
પત્રમાં લખ્યું કે સારંગપુરમાં ફૂલદોલનો ઉત્સવ કરવાનો છે. સંત વણી બધા આવશે. અમે આવ્યા છીએ, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો આવ્યા છે. દર્શનનો ભાવ હોય તે સોબત જોઈ સુખેથી આવે. સંબંધીની રજા વિના આવવું નહિ. આવવા જવાનો અને રહેવાનો ખર્ચ લેતા આવવું. ખર્ચનો યોગ ન હોય તેણે ઘર રહી ભજન કરવું.
ફાગણ સુદી એકાદશીએ દેશદેશથી હરિભક્તોના સંઘ આવવા લાગ્યા. શ્રીહરિ પલંગ પર વસંતી વસ્ત્ર પહેરી બેઠા હતા. ત્યાં ભક્તજનો દંડવત્‌ કરી પગે લાગી શ્રીફળ મૂકતા. જે ગામના હરિભક્તો હોય તે પોતાના ગામના હરિભક્તોનાં નામ લઈને તેમણે ઘણા કરી 'જય સ્વામિનારાયણ' કહ્યા છે એમ કહેતા અને તેમના સમાચારો કહેતા. શ્રીહરિ આદરથી સાંભળતા તેથી સૌના અંતરમાં આનંદ થતો અને સંતની સભાને પગે લાગતા. પછી શ્રીહરિ કહે તે પ્રમાણે ઉતારો કરી સભામાં આવી બેસતા.
હુતાશનીને દિવસે સવારમાં કાઠી રાજાઓ તથા હરિભક્તો સાથે શ્રીહરિ શણગારેલા અશ્વ ઉપર બેસી સુવર્ણનાં વસ્ત્રાલંકાર પહેરી છત્ર ચામર સાથે ધામધૂમપૂર્વક નાહવા ચાલ્યા. પૂરની વચ્ચે ચોક હતો ત્યાં આવ્યા ત્યાં જેતલપુરથી નિષ્કુળાનંદમુનિ અને નિત્યાનંદમુનિ, એ બે મુનિઓ આવ્યા. શ્રીહરિ ઘોડા ઉપરથી ઊતરી તેમને મળ્યા. બન્ને સંતો હજારી ફૂલના હાર કંડિયા ભરીને લાવ્યા હતા. શ્રીહરિ ચોરા ઉપર બેઠા. મુનિઓએ હાર, તોરા, બાજુબંધ, પોંચી, ગુચ્છ વગેરે ધરાવી પૂજા કરી.
શ્રીહરિ અશ્વ ઉપર બેસી ચાલ્યા. દક્ષિણ દિશામાં ગામની સમીપમાં જળ વિનાની નદી ઊતરીને આગળ ચાલ્યા. ત્યાં રમણીય જગ્યા છે. ત્યાં ખીજડાનું વૃક્ષ હતું ત્યાં શ્રીહરિ આવ્યા. ત્યાં વિપ્રોને ચોરાશી કરીને જમાડ્યા હતા. પુરમાં ભક્તો ન માય ત્યારે ત્યાં મુકામ કરતા. ક્યારેક સભા ત્યાં ભરતા અને ઘોડો પણ ત્યાં ખેલવતા. પુરની ફરતી બધી જગ્યા શ્રીહરિનાં ચરણથી અંકિત છે. શ્રીહરિએ તે જગ્યામાં આવીને ભક્તોને ધ્યાન કરવા ચાર ઘડી ઘોડો દોડાવ્યો અને બધી પ્રકારની ચાલમાં ચલાવ્યો. ઢોલ નગારાં વાગતાં હતાં. શ્રીહરિનો અશ્વ દેખીને કાઠી રાજાઓ આશ્ચર્ય પામતા અને કહેતા કે આવો ઘોડો ફેરવતા કોઈને આવડે નહિ. પછી નદીમાં ચાર ઘડી નાહ્યા.
નાહીને વસ્ત્ર પહેરી અશ્વ ઉપર બેસી મુકામે આવ્યા. રસોઈ તૈયાર થઈ હતી. ઘી, સાકર નાખીને સેવો બનાવી હતી તથા જલેબી, મોતીઆ, દૂધપાક, પૂરી, ભજિયાંનો થાળ બાજોઠ પર ધર્યો હતો. શ્રીહરિ નાહી પીતાંબર પહેરી રુચિ પ્રમાણે જમ્યા. ગામની પાંચ રસોઈઓ લીધી. બાકીની બહાર સંઘની લીધી. જે દેશના હરિભક્તોની રસોઈ થાય તે ભેગા થઈને પૂજા કરતા. સંધ્યા વખતે શ્રીહરિ ઊભા થઈને ધૂન બોલાવતા. બંધ રાખે અને ફરી બોલાવતા. એમ પાંચ વાર કરીને ભક્તોને આનંદ વધારતા. પછી શ્રીહરિ કહે, 'હરિભક્તોએ હરિભક્તની રીતમાં વર્તવું. સંતોએ સંતની રીતમાં વર્તવું. કાલે ફૂલદોલનો ઉત્સવ છે. જગતના જીવો લાજ મર્યાદા મૂકી ફાવે તેમ તોફાન કરે છે અને દારૂ પીધો હોય તેમ ઉન્મત્ત થાય છે. મનમાં જેવા સંકલ્પ હોય તેમ કરવા લાગે છે, અને પોતાનું અંતર ઉઘાડું કરે છે.'
સંત અને હરિભક્તો બોલ્યા કે અમારે તો તમારા વચનમાં જ વર્તવું છે. તેમાં સુખ-દુઃખ આવે તે ખુશીથી સહન કરવું છે. માયાને આધીન રહીને આજ સુધી કેટલાય દેહ લીધા તોપણ સંસારનું દુઃખ ઊભું રહ્યું છે.
સંત-હરિભક્તનાં વચન સાંભળી શ્રીહરિ પ્રસન્ન થયા.    

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |