Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
ગઢપુરમાં ફૂલદોલની રંગઝડીઓ... - આષાઢી સંવત ૧૮૭૧

૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં હજારો ભક્તો અને સંતોને એકત્રિત કરીને રંગોત્સવો ઊજવતા હતા, ત્યારે કેવો માહોલ રચાતો હશે ? ભગવાન સ્વામિનારાયણના સમકાલીન પરમહંસ સંતોએ નજરે જોયેલા એ રંગોત્સવની અદ્‌ભુત દસ્તાવેજી સ્મૃતિઓ પોતાની વાતોમાં, ગ્રંથો તેમજ કીર્તન-કાવ્યોમાં ચિત્રાત્મક રીતે ગૂંથી લીધી છે. નિષ્કુળાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, માધવદાસ સ્વામી, અદ્‌ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતોનાં ગદ્ય-પદ્ય તેમજ તેમની વાતોના ગ્રં_થોમાં ઠેર ઠેર ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવોનું અદ્‌ભુત દર્શન માણવાં મળે છે.
આ બધામાં આધારાનંદ સ્વામીની નોંધ અનન્ય છે. 'હરિચરિત્રામૃતસાગર' ગ્રંથમાં તેમણે વરતાલ, ગઢપુર, અમદાવાદ, સારંગપુર, લોયા, પંચાળા, ધરમપુર, ડભાણ, કરિયાણા વગેરે સ્થળોએ ભગવાન સ્વામિનારાયણે ઊજવેલા રંગોત્સવોનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. તેમાં જાણે ગઈ કાલે જ એ ઉત્સવો ઊજવાયા હોય તેવી તાજગી છે. આવો, આધારાનંદ સ્વામીની કલમે ૨૦૦ વર્ષ પહેલાંના એ જુદા જુદા રંગોત્સવોમાંથી થોડાકનું આચમન કરીએ...
ગઢપુરમાં ફૂલદોલની રંગઝડીઓ... - આષાઢી સંવત ૧૮૭૧
શ્રીહરિએ ગઢપુરમાં હુતાશની અને ફૂલદોલનો ભારે ઉત્સવ આરંભ્યો. સાંજે અને સવારે સંતસભામાં શ્રીહરિ દર્શન દેતા. સંતો હોળી ને ધુમારનાં પદ ગાતા. બન્ને દરબારમાં રંગમંડપ રચ્યા. મધ્યાહ્‌ન સુધી શ્રીહરિએ સભા કરી. અભયના દરબારમાં મહાન ઉત્સવ થઈ રહ્યો. હરિભક્તો અપાર ગુલાલ લાવ્યા તે શ્રીહરિએ ખૂબ ગુલાલ ઉડાડી સંત, હરિભક્તો, દરબાર અને ભવનોને ગુલાલમય બનાવી દીધા. એમ નિત્ય રંગક્રીડા કરી બપોર પછી સંત, હરિભક્તો સાથે ઉન્મત્તગંગામાં નહાવા જતા. સંતો કીર્તન ગાતા. સંતની સાથે શ્રીહરિ પણ વસંત હોળીનાં પદ ગાતા.
બે કલાક જળક્રીડા કરતા. ઉત્તમ રાજા પણ સાથે નહાવા જતા.  નાહીને આવતા જીવેન્દ્ર શ્રીહરિને પોતાના દરબારમાં પધરાવતા, તેમના ઊંચા ભવનની ઓસરીમાં પલંગ બિછાવી બેસાડતા. પાછલો પહોર દિવસ રહે ત્યારે ઓસરી આગળ ચૉકમાં સભા થતી અને સંતો વાજિંત્રો સાથે હોળી ધુમાર અને વસંતના પદ ગાતા. પછી સાંજે મશાલ થાય ત્યારે નારાયણ ધૂન સૌ સાથે તાળી પાડી કરતા. પહોર રાત સુધી વાતો કરતા.
એક પહોર રાત જાય ત્યારે શ્રીહરિ ત્યાંથી ચાલતા, દશ બાર મશાલો થતી. તાંસા, ઢોલ, શરણાઈ વગેરે વાજિંત્રો વાગતાં, પુરજનો શોભા જોવા આવતા. હુતાશનીના દિવસે અભયરાજાએ ચોકમાં રંગના હોજ બનાવ્યા અને શ્રીહરિએ કહ્યું કે 'અમે રંગ બનાવીએ છીએ અને સંતો માટે પિચકારીઓ કરાવીએ છીએ. તમો સંતો સાથે કેવા રમો છો, તે અમે એક વાર જોઈશું. તમારો ખેલ દેખે નહીં ત્યાં સુધી તમારો રંગ લાગે નહિ.'
શ્રીહરિએ તેમને રંગ કરવાની આજ્ઞા દીધી. રંગ અને પિચકારી બનાવરાવ્યાં. ગુલાલ પણ અપાર મગાવ્યો. રંગના હોજ ભરાવ્યા. શ્રીહરિ જોવા માટે આવ્યા. જીવેન્દ્ર સાથે હતા તે હોજ દેખીને દંગ થઈ ગયા ને શ્રીહરિને કહેવા લાગ્યા કે 'અમે એવા જ હોજ બનાવીએ છીએ, તમે સંત હરિભક્તો સાથે રંગ રમો.' હુતાશનીના દિવસે વાજિંત્ર વાગવાં લાગ્યાં. સંતસભામાં શ્રીહરિ સિંહાસન પર બેઠા હતા. ગામ ગામના ભક્તો પૂજા કરી ખારેક, ખજૂર, શ્રીફળ, સાકરના હાર અર્પણ કરતા. વસંતી વસ્ત્રો અને પુષ્પના હાર અને ગુચ્છ વગેરે પહેરીને શ્રીહરિ બેઠા હતા. હારનો ભાર થઈ જાય ત્યારે સંત હરિજનોને આપતા. તેથી સભા ફૂલવાડી જેવી લાગતી. ફૂલદોલને દિવસે સંતો સહિત સુરતના હરિભક્તોની રસોઈ જમ્યા અને રંગ રમવા તૈયાર થયા. સંત હરિભક્તો સાથે શ્રીહરિ રંગે રમતા. રંગનો એક હોજ સંતોને આપ્યો. બીજો હોજ હરિભક્તો સહિત પોતાના પક્ષમાં રાખ્યો. સંતો પિચકારી લઈને તૈયાર ઊભા રહ્યા. હરિભક્તો પણ ઊભા હતા. વાજિંત્ર વાગવાં લાગ્યાં. પુરના લોકો જોવા આવ્યા. ફરતા દશ દશ ગાઉ સુધીના લોકો જોવા આવ્યા હતા. શ્રીહરિએ નેત્રની શાન કરી કે બેઉ બાજુથી પિચકારીઓ છૂટી. રંગથી બધા ભીંજાઈ ગયા. એક કલાક સુધી રંગ છોડ્યો. બન્ને હોજ ખાલી થયા, રંગખેલ જોઈને અતિ આશ્ચર્ય પામ્યા. ચોક અને લીમડો બધું રંગાઈ ગયું. રંગનો રેલો બજારમાં થઈને ઘેલામાં પહોંચ્યો. બજારમાંથી રંગની પ્રસાદી લોકો માથે ચઢાવતા, પછી ગુલાલની ધૂમ મચી અને આકાશમાં આંધી ચઢી હોય તેવું દેખાયું. દરેકના શરીર, ભૂમિ ને આકાશ ગુલાલમય બની ગયા. રંગ અને ગુલાલે રમીને ગુલાલ ઉડાડતા બજારમાં ચાલ્યા, સંત હરિભક્તો પણ હતા. શ્રીહરિનાં અંગ લાલ થઈ ગયાં. બપોર થયા હતા. બુકાની બાંધી હતી. શ્રીહરિની સાથે જીવેન્દ્ર હતા. તેમણે હાથ જોડીને કહ્યું કે અમે રંગ બહુ તૈયાર કર્યો છે, ત્યારે શ્રીહરિ કહે ચાલો હમણાં જ અમે આવીએ. આમ કહી ગુલાલ ઉડાડતા વાજતે ગાજતે જીવેન્દ્રના દરબારમાં આવ્યા, ત્યાં પણ રંગના બે હોજ હતા. ગુલાલ પણ ખૂબ હતો, ત્યાં પણ સંત હરિભક્તો સાથે ક્રીડા કરી સૌને પ્રસન્ન કર્યા.
જીવેન્દ્રના દરબારમાં તથા રાજ બજારમાં રંગનો કીચડ થઈ ગયો અને રંગનું પાણી ઘેલામાં ગયું. એક પહોર સુધી રંગ રમ્યા. દેવતાઓ પણ દર્શને આવ્યા. સંત હરિજનો સાથે  રંગમાં રસબસ થયેલા શ્રીહરિ ગુલાલ ઉડાડતા બજારમાં ચાલ્યા, તે વખતની શોભાનું વર્ણન થાય તેમ ન હતું. અપાર લોકો ભેગા થયા હતા. ઉન્મત્તગંગામાં નહાવા આવ્યા ત્યારે અતિ શોભા થઈ. શ્રીહરિનાં વસ્ત્રો તથા મૂર્તિ નખશિખ રંગમાં રસબસ થઈ ગઈ હતી. સંત હરિભક્તો પણ તેવા થઈ ગયા હતા. સૌ ગંગામાં નાહ્યાં તેથી સમુદ્ર સુધી રંગ પહોંચ્યો, જેની પ્રસાદી બીજી નદીઓને પણ મળી. શ્રીહરિની રંગક્રીડા એવી છે કે જે એક વાર જુએ તેને પણ કાળ કર્મનો ડર નાશ પામે છે.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |