Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
અમદાવાદમાં રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ... - આષાઢી સંવત ૧૮૮૨

૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં હજારો ભક્તો અને સંતોને એકત્રિત કરીને રંગોત્સવો ઊજવતા હતા, ત્યારે કેવો માહોલ રચાતો હશે ? ભગવાન સ્વામિનારાયણના સમકાલીન પરમહંસ સંતોએ નજરે જોયેલા એ રંગોત્સવની અદ્‌ભુત દસ્તાવેજી સ્મૃતિઓ પોતાની વાતોમાં, ગ્રંથો તેમજ કીર્તન-કાવ્યોમાં ચિત્રાત્મક રીતે ગૂંથી લીધી છે. નિષ્કુળાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, માધવદાસ સ્વામી, અદ્‌ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતોનાં ગદ્ય-પદ્ય તેમજ તેમની વાતોના ગ્રં_થોમાં ઠેર ઠેર ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવોનું અદ્‌ભુત દર્શન માણવાં મળે છે.
આ બધામાં આધારાનંદ સ્વામીની નોંધ અનન્ય છે. 'હરિચરિત્રામૃતસાગર' ગ્રંથમાં તેમણે વરતાલ, ગઢપુર, અમદાવાદ, સારંગપુર, લોયા, પંચાળા, ધરમપુર, ડભાણ, કરિયાણા વગેરે સ્થળોએ ભગવાન સ્વામિનારાયણે ઊજવેલા રંગોત્સવોનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. તેમાં જાણે ગઈ કાલે જ એ ઉત્સવો ઊજવાયા હોય તેવી તાજગી છે. આવો, આધારાનંદ સ્વામીની કલમે ૨૦૦ વર્ષ પહેલાંના એ જુદા જુદા રંગોત્સવોમાંથી થોડાકનું આચમન કરીએ...
અમદાવાદમાં રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ... - આષાઢી સંવત ૧૮૮૨
હુતાશની નજીક આવી. ત્યારે તેનો ઉત્સવ કરવા માટે ગઢપુરથી મુહૂર્ત જોઈને શ્રીહરિ શ્રીનગર (અમદાવાદ) જવા સંત-હરિભક્તોને સાથે લઈને અશ્વ ઉપર બેસી ચાલ્યા.
શ્રીહરિ શ્રીનગર આવ્યા. તેરશને દિવસે જેકિન્સન સાહેબે શ્રીહરિને ભાવથી પધરાવ્યા. શ્રીહરિ સદûગુરુઓ તથા કાઠી સવારો સાથે અશ્વ ઉપર બેસીને ચાલ્યા. માથે છત્ર શોભતું હતું. દોઢ પહોર દિવસ ચઢતા ચાલ્યા. પુરના હરિભક્તો પણ શ્રીહરિની સાથે ચાલ્યા. ભદ્રમાં રાજદ્વાર હતું ત્યાં મોટા સાહેબનો બંગલો હતો. દેવ ભવન જેવો તે શોભતો હતો. શ્રીહરિ બંગલા પાસે આવ્યા ત્યારે જેકિન્સન સાહેબ સામા આવ્યા. ટોપી ઉતારી પગે લાગ્યા. શ્રીહરિ અશ્વથી ઊતરીને પોતાની ઇચ્છા પ્રમાણે દસ બાર સંત હરિભક્તોને સાથે લઈને બંગલા ઉપર સાહેબની સાથે ચાલ્યા. સાહેબે હાથ ગ્રહીને શ્રીહરિને ખુરસી ઉપર બેસાડ્યા ને પોતે સામે બેસીને બોલ્યા કે 'શહેરમાં તમે આવ્યા તેથી અમો બહુ ખુશી થયા. આપના જેવા આજ સુધી કોઈ દેખ્યા સાંભળ્યા નથી.'
પછી સાહેબે શ્રીહરિને ગુલાબના હાર પહેરાવી પૂજા કરી. વિવિધ પ્રકારના વસ્ત્રના તાકા તથા મેવા અર્પણ કર્યા. પછી અશ્વે બેસી શ્રીહરિ મંદિરમાં આવ્યા. વસંતપંચમીથી આરંભીને સંતો નિત્ય હોળીના પદ ગાતા. હરિભક્તો ખારેક, ખજૂર વગેરે હોળીને દિવસે લાવ્યા ને સંતો ઉત્સવ કરવા લાગ્યા ને શ્રીહરિએ સભામાં વારે વારે ઘણો ગુલાલ ઉડાડ્યો.
ધુળેટીને દિવસે નરનારાયણની સન્મુખ પૂર્વ-પશ્ચિમ લાંબી મોટી પાટ ઢાળી હતી તેના ઉપર શ્રીહરિ વિરાજમાન થયા. સંતોની સભા થઈ ને તે હોળીનાં પદ ગાવા લાગ્યાં. પહોર દિવસ ચઢ્યો ત્યારે બ્રહ્મચારીએ કેસૂડાં, કેસરને પલાળીને સુંદર રંગ કર્યો, તે નરનારાયણ દેવની પ્રસાદી કરાવી પિત્તળ તથા તાંબાનાં પાત્રોમાં શ્રીહરિ આગળ ધર્યો. આધારાનંદ મુનિએ શ્રીહરિને હાથમાં એક પિચકારી આપી. વીશ પચીશ વાર રંગ ભરીને શ્રીહરિએ પિચકારી છાંટી. પિચકારીમાં બહુ રંગ માતો નહિ તેથી શ્રીહરિને ગમ્યું નહિ. તેથી સોના-રૂપાના બે કટોરા ભરીને રંગ ઉડાડવા લાગ્યા ને સંત હરિજનની સભાને રસબસ કરી દીધા. નરનારાયણ દેવના મંદિરના ચોકમાં બધે રંગ રંગ થઈ ગયો. પછી ગુલાલ ઉડાડ્યો ને બધા ગુલાલમાં ગરકાવ બની ગયા. ગોવિંદ ચોકસી આદિક ભક્તો વસંતપંચમીથી દોઢ માસ સુધી સંધ્યા આરતી પછી નિત્ય શ્રદ્ધાથી ઉત્સવ કરતા. એક માસ હિંડોળાનો ઉત્સવ કરતા. અને બીજા પર્વના દિવસોમાં પણ કરતા. તે ઉત્સવીઆ શ્રીહરિના હાથથી રંગાયા વિનાના રહી ગયા તે સાંભળીને શ્રીહરિ, એક રંગનું માટલું રાખી મૂક્યું હતું તે લેવડાવીને મંડપમાં આવ્યા ને ઉત્સવીઆ ઉપર રંગ નાખી રસબસ કરી દીધા. પછી ગુલાલ નાખ્યો એમ આખો મંડપ કોળી, રૂપચોકી, બધું રંગમય બની ગયું. પછી શ્રીહરિ અશ્વે બેસીને રાજબજારમાં વાજતે ગાજતે ચાલ્યા. કુબેરસિંહની પોળ ઉપર સડક પર રાજબજારમાં આવ્યા અને બાદશાહ વાડીના નગરકોટ ને દરવાજે નીકળ્યા. એક ગાઉ સુધી માર્ગમાં સૌ ચાલતા આવતા હતા. સૌને જાણે શ્રીહરિ પોતાની પાસે ચાલતા હોય એમ જણાતું હતું. બાદશાહવાડીની પશ્ચિમ કોરે સાબર ગંગા વહે છે ત્યાં આવ્યા. અશ્વથી ઊતરીને માર્ગથી પૂર્વ બાજુ રંગ ભર્યા શ્રીહરિ સાબરગંગામાં નહાયા. જેથી નદીનું પાણી પણ રંગીન થઈ ગયું. બે ઘડી નાહીને શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં. ભક્તોએ શ્રીહરિને હાર પહેરાવી કુંકુમનો ચાંદલો કર્યો. અશ્વ ઉપર બેસીને માથે લાલ છત્રની શોભાને ધારતા શ્રીહરિ ગામ મોટેરા, જે સાબરના ઉત્તર તટે નજીક હતું તેમાં પુરુષોત્તમ પટેલ વગેરેને દર્શન દેવા માટે નદી ઊતરીને ગયા. પુરજનોને દર્શન દઈને વાજતે ગાજતે શ્રીનગરમાં આવ્યા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |