Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભક્તિપૂર્ણ સમર્પણથી મુંબઈમાં ઉત્તરાયણપર્વની અવિસ્મરણીય ઉજવણી

મુંબઈ ખાતે બિરાજમાન પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં હજારો આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષ હરિભક્તોએ સમર્પણની ગંગા વહાવીને એક અવિસ્મરણીય ભક્તિપૂર્ણ માહોલ ખડો કર્યો હતો.

ઉત્તરાયણના પૂર્વદિન તા. ૧૩-૧-૨૦૦૫થી આ સમર્પણનો માહોલ છવાઈ ગયો હતો. આજે સંધ્યા-સભામાં વિવેકસાગર સ્વામીની પારાયણ બાદ સમર્પણના કેન્દ્ર બિન્દુ સાથે એક સંવાદ પ્રસ્તુત થયો હતો.

છેલ્લે સૌ ઉપર આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'જીવમાં ભગવાન અને સંતનો જેવો છે એવો મહિમા સમજાય તો સેવા કરવામાં વચ્ચે કોઈ આડું આવતું નથી. એટલા માટે મહારાજે કહ્યું : 'પોતાનું ધન-ધામ-કુટંબ-પરિવાર ભગવાન અને સંતને અર્થે કરી રાખવું.' પોતાનું જ છે, પણ ભગવાનનું કરી રાખવું, તો જ્યારે એમને જરૂર પડે ત્યારે આપતાં વાર ન લાગે. આપણું કરી રાખ્યું હોય તો થડકો થાય, કેમ અપાય ? કેમ થશે ? છોકરાનું શું થશે ? એ વિચાર આવી જાય, પણ આપણું કટંબ-પરિવાર સાચવનાર એ છે. આપણું તંત્ર ચલાવનાર એ છે તો એ આપતાં ખચકાટ થાય નહીં. ભગવાનને અર્થે કરવાથી નુકસાન થતું નથી. ભગવાન આપવા બેઠા છે અને આપે પણ છે, પણ મહિમા નથી માટે વિચાર આવતો નથી. આપી દઈશું તો આપણું શું થશે ? પણ આપણનેય એ જ સાચવે છે. ભગવાન જ કર્તા છે, કરાવે છે, કરે છે એ, આપે છે અને લે છે એ - એટલું જ આપણે સમજવાનું છે કે આપનાર કે લેનાર એ છે. ભગવાન સર્વકર્તા, સર્વ સુખના ધામ છે. 'કોઈનો પાડ ન રાખે મુરારિ, આપે વ્યાજ સહિત ગિરધારી.' બૅન્કમાં વ્યાજ સાથે રકમ મળવાની છે એવી શ્રદ્ધા છે તો મળે છે. જો એમાંથી મળતું હોય તો ભગવાન એનાથી પર છે તો એમાં વિશ્વાસ રાખીશું તો કેમ નહીં આવે ? જન્મ એમણે આપ્યો. જિવાડવાની ચિંતા એમને છે. એવો મહિમા સમજીએ તો ભગવાનને રાજી કરી શકાય.

આજે સભામાં ઉપસ્થિત કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ એસ.એસ. ઝેન્ડે તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી બને સાહેબે સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. સવારે પ્રાતઃપૂજામાં ઉપસ્થિત ધૂળે જિલ્લાના કલેક્ટર પ્રકાશભાઈ મૂંડેએ પણ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

તા. ૧૪-૧-૨૦૦૫નો દિન એટલે સમર્પણનો દિન. ઉત્તરાયણના આ દિવસે સંપ્રદાયમાં ઝોળી પર્વનો વિશેષ મહિમા છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની જે ઝોળીઓ ઉપર સંસ્થાનાં શિખરબદ્ધ મંદિરો રચાયાં એ ઝોળીની પરંપરાને સ્વામીશ્રીએ જીવંત રાખી છે.

આજે ઉત્સવને અનુરૂપ ઠાકોરજી સમક્ષ પણ પતંગના શણગાર હતા. સિંહાસનમાં પણ રંગબેરંગી પતંગો દૃષ્ટિગોચર થઈ રહી હતી. સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા. મંચ ઉપર પણ પતંગના શણગારો શોભી રહ્યા હતા.

પ્રાતઃપૂજાના અંતે, ખેતીવાડીમાં કરેલાં સંશોધનો અને પુરુષાર્થના પ્રતીકરૂપે રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ મેળવનારા સંનિષ્ઠ હરિભક્ત ડૉ. કીકાણીનું સ્વામીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

સાંજે સ્વામીશ્રીના સાન્નિધ્યમાં ચૂનાભઠ્ઠી વિસ્તારમાં આવેલા ભક્તિપાર્કના નયનરમ્ય ઉદ્યાનમાં ઝોળીપર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. 'પ્રમુખસ્વામી આઈ હૉસ્પિટલ'માં સૌ ઉપર આશીર્વર્ષા કરીને સ્વામીશ્રી ભક્તિપાર્કમાં સમર્પણસભામાં પધાર્યા. ઉત્સવસ્થળે અજમેરા પરિવાર તરફથી જયપુરી મહેલના આકારનો ભવ્ય મંચ બનાવવામાં આવ્યો હતો. આ મંચના ગવાક્ષ અને ઝરૂખાઓ રંગબેરંગી ફૂલથી શોભી રહ્યા હતા. સ્વામીશ્રીનું આસન મહેલના મુખ્ય ઘુમ્મટની નીચે રાખવામાં આવ્યું હતું. અક્ષરપુરુષોત્તમ મહારાજ પણ અહીં દર્શનદાન દઈ રહ્યા હતા. મંચની સામે ૧૪,૦૦૦ જેટલા હરિભક્તો બેઠા હતા. સૌ સ્વામીશ્રીએ ધરેલી ઝોળી છલકાવવા માટે ઉત્સુક હતા. મુંબઈમાં ઝોળી પર્વનો અગિયારમી વાર લાભ મળી રહ્યો હતો. વિવેકસાગર સ્વામી, આદર્શજીવન સ્વામીનાં પ્રવચનો પછી અજમેરા પરિવાર તરફથી ઈશ્વરભાઈ, ભોગીભાઈ, છગનભાઈ, છોટુભાઈ, નટભાઈ, રસિકભાઈ, રજનીભાઈ તથા સત્સંગમંડળ વતી ભાનુભાઈ પટેલ(પાર્લા)એ સ્વામીશ્રીનું સન્માન કર્યું. મહિલામંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા પતંગનો હાર કોઠારી સ્વામીએ સ્વામીશ્રીને પહેરાવ્યો.

યુવકોએ 'આયો રે સોનેરી અવસર આયો રે...' એ ગીતના આધારે સ્વાગતનૃત્ય રજૂ કર્યું. શોભિતસ્વરૂપ સ્વામીના 'વિવેકી નરને એમ વિચારીને જોવું...' એ કીર્તનગાન બાદ આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'આજના મકરસંક્રાંતિના પર્વમાં પુણ્યદાનનો વધારે મહિમા છે. દાન કરવું તે પોતાના કલ્યાણ માટે અને ભગવાન રાજી થાય એના માટે. ભગવાને આપ્યું છે અને ભગવાનને આપીએ છીએ. ભગવાન રાજી થાય તો આ લોક ને પરલોકના બેય લાભ આવી ગયા. અંતરના ભક્તિભાવથી કરે છે તે થોડું કરે તો પણ એનું અનંતગણું ફળ મળે છે. ભક્તિભાવથી કરેલી સેવા શાંતિ આપે છે. દાદાખાચરની એવી ભક્તિ હતી તો મહારાજ રાજી થઈ ગયા. આખા કુટુંબની એવી ભક્તિ. જે આજ્ઞા થઈ એ તત્પર થઈને કર્યું એટલે મહારાજ ત્યાં રહ્યા. એટલે જે જે કરવું એ ભગવાન રાજી થાય તે માટે કરવું. આપણે કથાવાર્તા, ભક્તિ, પૂજાપાઠ કે આવા સમૈયા-ઉત્સવો જે જે કરીએ એ બધાંમાં એક જ વિચાર રહેવો જોઈએ કે ભગવાન રાજી થાય. ભગવાન રાજી થાય એમાં બધું આવી ગયું. એમાં મોક્ષ પણ આવી ગયો. આપણે માગીએ એ આપે, પણ એમને વધારે આપવું હોય તો વંચિત રહી જઈએ.

૭-૦૦ વાગ્યે આસન ઉપર વિરાજીને સ્વામીશ્રીએ ઉત્તરાયણની સુંદર સંસ્કારદીક્ષા આપી. ત્યારબાદ ઊભા થઈ બંને ખભે ઝોળી લટકાવી, આંખો મીંચીને મધુર સ્વરે દાનની આહ્‌લેક જગાવતાં પહેલાં સ્વામીશ્રીએ આ આહ્‌લેકના મહિમાની વાત કરતાં કહ્યું : 'ભગવાન સ્વામિનારાયણના વખતથી અને ત્યારપછી પણ શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજના વખતથી ઉત્તરાયણના પર્વે સંતો ગામડે જઈ જઈને ઝોળી માગીને નિર્વાહ કરતા. સંતો જોડ સાથે ગામડે જાય. બે સંતો હોય એ ગલીએ ગલીએ જાય. ફળિયામાં જઈને એક સંત આ આહ્‌લેક જગાવે.' આટલું કહીને સ્વામીશ્રીએ ઉચ્ચ સ્વરે 'નારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો...' એ આહ્‌લેક જગાવી. ને ત્યારપછી ફરીથી સ્વામીશ્રી કહે : 'એક સંત આહ્‌લેક જગાવી લે એટલે સામેના સંત પણ ફરીથી આહ્‌લેક જગાવે.' આટલું કહેતાં સ્વામીશ્રીએ ફરી વાર 'નારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો...'ની આહ્‌લેક જગાવી. હાથ જોડીને આંખ મીંચ્યા પછી સ્વામીશ્રી ભાવસભર આહ્‌લેક જગાવી રહ્યા હતા. જે ક્ષણ માટે ૧૪,૦૦૦ હરિભક્તો તલસી રહ્યા હતા એ ક્ષણના આજે સ્મૃતિદાયક દર્શન થઈ રહ્યાં હતાં. તાળીઓથી આ ક્ષણને સૌએ વધાવી.

પછી સ્વામીશ્રી ઝોળી સાથે ઊભા રહ્યા. આજની રસોઈની સેવા કરનાર છોટુભાઈ અજમેરા તથા ભાઈઓએ ઝોળીમાં દાન અર્પણ કર્યું. ત્યારબાદ સ્વામીશ્રી નૃત્યમંચની ધાર આગળ વિરાજ્યા. સ્વામીશ્રીનાં દર્શન કરીને હરિભક્તોએ પોતે કરેલા સંકલ્પપત્રો ઝોળીમાં અર્પણ કર્યાં. સૌએ ભક્તિપૂર્ણ સમર્પણ કરીને સ્વામીશ્રીની દિવ્ય પ્રસન્નતા પ્રાપ્ત કરી. તા. ૧૫-૧-૨૦૦૫ના રોજ મુંબઈ ખાતે સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના બાલપ્રવૃત્તિના ઉપક્રમે વાલીદિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

સંધ્યા સત્સંગસભામાં 'વાલીદિન' નિમિત્તે સંતોનાં પ્રાસંગિક પ્રવચનો, નૃત્ય વગેરે બાદ વાલીઓને શિખામણ આપતો સંવાદ 'તૂટ્યા રે મોભ ઘરઘરના' પ્રસ્તુત થયો હતો. ત્યારબાદ બાળકોએ 'અમે નમણાં અમે કુમળાં નાનકડાં શાં ફૂલ...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. બાળસહજ શૈલીમાં રજૂ થયેલા આ નૃત્યની ચરમ સીમાએ કણાલ નામનો બાળક સ્વામીશ્રીને ભેટી પડ્યો ત્યારે સભામાં સૌ ભાવવિભોર બની ગયા હતા. નૃત્ય પછી જાદુગર ચંદ્રેશભાઈએ સ્વામીશ્રી આગળ આવીને એક ટીસ્યુ પેપર બાળીને પોતાની જાદુઈ પેટીમાં મૂક્યું. થોડીવારમાં તો એમાંથી મઘમઘમતો હાર તૈયાર થઈ ગયો. એ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ બાળસંસ્કારની અગત્યતા દર્શાવતાં સૌ વાલીઓને જણાવ્યું હતું કે 'પૈસા કમાવા પણ સાથે સાથે ધ્યાન રાખો કે ઘરમાં શું ચાલે છે ? ઘરની અંદર કેવું વાતાવરણ છે ? બાળકો શું ભણે છે ? બાળકો પાછળ ટાઇમ આપવો જોઈએ. છોકરા સાથે બેસી હેત-પ્રેમથી વાત કરવી તો છોકરો બગડ્યો હશે તો પણ સુધરી જશે, પણ ટાઇમ કાઢવાની જરૂર છે. ટાઇમ નથી કાઢતા એમાં છોકરા બગડી ગયા. એમાં માબાપની ઉપેક્ષા છે. પછી રોવાનું પણ થાય છે. નાનપણથી બાળક સાથે બેસવું, વાત કરવી. હેત-વહાલ કરવું. આત્મીયતા થશે તો આત્મીયતાથી તમારી વાત માનશે.

બાળક મોટો થાય તો એને પણ થોડું સમજવું જોઈએ. મા-બાપની સ્થિતિ સમજવી, બાપને મદદરૂપ થવું જોઈએ, કારણ કે સુખ-દુઃખ વેઠીને નાનપણથી આપણને ઉછેર્યા છે, એટલે મોટા થયા પછી મા-બાપને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. બધા વાલી એક વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘરમાં બાળકોને નાનપણથી સંસ્કાર આપો. આપણાં શાસ્ત્રો તો કહે છે કે ગર્ભમાંથી સંસ્કાર મળે છે. તા. ૧૬-૧-૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજામાં સંસ્થાની કેસેટોમાં શરણાઈના સૂર આપનાર મધુભાઈએ શરણાઈવાદન કરીને વાતાવરણ મંગલમય બનાવી દીધું.

આજે સાંજે યોજાયેલી રવિ સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીની વચનામૃત પારાયણ બાદ પ્રણવતીર્થ સ્વામીએ 'સત્સંગ વિના જન્મ-મરણ ભ્રમજાળ મટે નહિ...' એ કીર્તનનું ગાન કર્યું. સ્વામીશ્રીએ સત્સંગ તથા નિષ્ઠાની અદ્‌ભુત વાતો કરતાં કહ્યું હતું કે 'શ્રીજીમહારાજની દૃઢ નિષ્ઠા છે માટે યોગ સધાયો કે ન સધાયો, યોગીજી મહારાજને વિષે આત્મબુદ્ધિ થાય એ યોગ. એમાંથી પ્રીતિ ટળવી ન જોઈએ. એને વિષે મનુષ્યભાવ ન આવે, સદા દિવ્યભાવ જ રહે, એ ભગવાનનું સાક્ષાત્‌ સ્વરૂપ છે, નિર્દોષ છે, એ બોલે-ચાલે એ બધું દિવ્ય છે. કોઈપણ જાતની શંકા રાખ્યા સિવાય અલમસ્તાઈમાં રહેવું, આનંદમાં રહેવું તો સત્સંગમાં દિવ્યતા, દિવ્યતા ને દિવ્યતા રહે.

તા. ૧૭-૧-૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજામાં જયદીપ સ્વાદિયા તથા સ્થાનિક યુવકમંડળના ચુનંદા ગવૈયાઓએ ભજનો ગાઈને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.

સંધ્યા સત્સંગસભામાં આજે વિવેકસાગર સ્વામીના વચનામૃત નિરૂપણ બાદ મુંબઈ સત્સંગમંડળ તરફથી હરિકૃષ્ણ મહારાજનું 'ષોડશોપચાર' પૂજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પૂનાના ભાવિક અને નાના સત્સંગમંડળ તરફથી પણ ઠાકોરજીની ૮૫ રજતતુલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હરિકૃષ્ણ મહારાજની રજતતુલા નિમિત્તે ૭૫થી વધારે હરિભક્તો પૂનાથી આવ્યા હતા. અનોખી રીતે તેઓએ સ્વાગત શરૂ કર્યું. સભામંડપના છેડેથી 'ગજે બેઠા ગિરધારી રે...' એ પંક્તિઓને યાદ અપાવે એ રીતે હરિકૃષ્ણ મહારાજ હાથીની સવારીએ સભાગૃહમાં પધાર્યા હતા. આગળ યુવકો નૃત્ય કરી રહ્યા હતા. વાતાવરણમાં આ નૃત્ય અને ગીતના શબ્દોનો પ્રભાવ હતો. સ્વામીશ્રીએ હાથ જોડીને હરિકૃષ્ણ મહારાજનું અભિવાદન કર્યું. ગજ-આસન ઉપર હરિકૃષ્ણ મહારાજને વિરાજમાન કરવામાં આવ્યા. સત્સંગમંડળ વતી કોઠારી સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીને પુષ્પહાર અર્પણ કર્યા. ત્યારબાદ રજતતુલાનો વિધિ શરૂ થયો. પૂના સત્સંગમંડળ વતી રસિકભાઈ અજમેરા, પ્રેમજીભાઈ, મૂળજીભાઈ, વિપુલભાઈ, સુધીરભાઈ તથા રમેશભાઈએ આ વિધિમાં સંકલ્પ વગેરેનો લાભ લીધો. પૂજનવિધિ બાદ ૬૦ જેટલા હરિભક્તોએ તુલાવિધિનો લાભ લીધો હતો. અંતે પૂના સત્સંગમંડળ ઉપર પ્રસન્નતા વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું : 'પૂનાથી ઠેઠ મુંબઈ આવીને તમે હરિકૃષ્ણ મહારાજને બહુ રાજી કર્યા છે. હરિકૃષ્ણ મહારાજ તમારા બધાના સંકલ્પ પૂરા કરશે. બધાનો ધ્યેય એક જ છે કે ભગવાન રાજી થાય. જોગી મહારાજ અને શ્રીજીમહારાજ પણ પૂના પધાર્યા છે તો ભગવાનની દયાથી ત્યાં સત્સંગ સારો થશે.'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |