Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના સાંનિધ્યમાં અટલાદરામાં વસંતપંચમીનો ઉત્સવ

વસંતપંચમી એટલે સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં, સમસ્ત ભારતીય અધ્યાત્મ પરંપરાનો મહિમાવંતો દિવસ. શિક્ષાપત્રી, સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી અને બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પુણ્યવંતો પ્રાગટ્ય દિન. અટલાદરામાં તા. ૧૩-૨-૨૦૦૫ના રોજ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ મહાપુરુષોની દિવ્ય સ્મૃતિ સાથે વસંતપંચમી ઉત્સવ દબદબાપૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
આજના દિવસની પ્રાસંગિક સભામાં ડૉક્ટર સ્વામીના પ્રચવન પછી વિવેકસાગર સ્વામીએ પીએચ.ડી. થયેલા ભદ્રેશ સ્વામીના મહાનિબંધની પૂર્વભૂમિકા બાંધી. સ્વામીશ્રીએ ભદ્રેશ સ્વામીને આશીર્વાદ આપ્યા.
ત્યારબાદ આજના પ્રસંગે કેટલાંક પુસ્તકો અને કૅસેટનું ઉદ્‌ઘાટન થયું. યુવકોએ 'ભૂતળમાં પ્રગટ્યા તમે શાસ્ત્રીજી મહારાજ...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. ૧૫,૦૦૦થી વધારે હરિભક્તોની સભામાં આજે ૧૧૦ સંતોની ઉપસ્થિતિ પણ હતી. આ સૌ ઉપર વસંતવર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે 'શાસ્ત્રીજી મહારાજે આ પૃથ્વી પર આવીને અદ્‌ભુત કાર્ય કર્યું છે અને એના ડંકા દેશ-પરદેશમાં વાગ્યા છે. શાસ્ત્રીજી મહારાજ મહારાજનું જ કાર્ય કરવા પૃથ્વી પર આવેલા હતા. એમનું ધ્યેય નક્કી હતું કે આ પૃથ્વી પર મંદિર કરી અક્ષરપુરુષોત્તમ ઉપાસના સ્થાપન કરવી છે. આ જ્ઞાન દરેકને પચે નહિ. આ ખૂણિયું જ્ઞાન કહેવાતું, એ દરિયા પાર જઈ આખી દુનિયામાં જય જયકાર થઈ ગયો. બધાય સ્વામિનારાયણનું નામ લેતા થઈ જશે. મીસ્ટિક ઈન્ડિયા - નીલકંઠ વણીના વનવિચરણ પર ફિલ્મ બનાવી છે. એટલી અદ્‌ભુત બની છે કે સિંગાપુરમાં પ્રધાન અને તમામ દેશોના એમ્બેસેડરો જોવા આવ્યા ને બધાય રાજી થઈ ગયા. ફ્રાંસમાં બતાવી, બધા રાજી થઈ ગયા. ફ્રાન્સ ભાષામાં તૈયાર (કૉમેન્ટ્રી) કરી એની મેતે, એમના ખર્ચે ફ્રાન્સ(ની) ભાષામાં કરીને બતાવ્યું. આખી દુનિયામાં આ ફિલ્મ બતાવવામાં આવશે એટલે સ્વામિનારાયણનું નામ આખી દુનિયામાં પહોંચી ગયું. પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ લેવાશે એ મહારાજ, સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજનો સંકલ્પ - એ આ ફિલ્મ દ્વારા આખી દુનિયામાં મહારાજનું નામ ગાજતું થશે.
આ જ્ઞાન સાચું છે, એટલે શાસ્ત્રીજી મહારાજ ધ્યેયમાંથી ડગતા ન'તા. એટલે બધાય રહી ગયા ને શાસ્ત્રીજી મહારાજનો ડંકો હકીકતે વાગ્યો છે. વડતાલના ટ્રસ્ટી દોલતરામે કહ્યું, 'ભવિષ્યમાં તમારા શિષ્યો, તમારી સોનાની મૂર્તિ પધરાવશે.' શાસ્ત્રીજી મહારાજને ભગવાન થવું ન'તું. નહિતર મંદિરોમાં પહેલાં પોતાની મૂર્તિ પધરાવી હોત, પણ મહારાજની ઉપાસના, આજ્ઞા, શાસ્ત્રો પ્રમાણે રહ્યા. વચનામૃતમાં એક અક્ષરનું પણ આઘુંપાછું કર્યું નથી. સંપ્રદાયના બધા ગ્રંથોમાંથી કાનોમાત્ર ફેર કર્યા સિવાય અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન દૃઢ કર્યું છે. હવે એ જ્ઞાનને પચાવવા એમની આજ્ઞા-ઉપાસના, નિયમ-ધર્મ, સાધુતા એ જીવમાં દૃઢ કરીએ. વર્તન વાતો કરશે. આપણું વર્તન, નિષ્ઠા, સમજણમાં પણ મક્કમતા સાથે કે ગમે એટલો વિરોધ થાય તોય વાત કરવામાં કસર રાખવી નહિ, તો મોટી સેવા થશે.'
સંધ્યા સત્સંગસભામાં અનોખી રવિસભા હતી. બધા જ મોટેરા સંતોએ પ્રશ્નોત્તરીમાં સ્વામીશ્રી સાથેના સ્મૃતિદાયક પ્રસંગો રજૂ કર્યા. પછી શહેરમાંથી આવેલા વિવિધ મંડળોના હાર વારાફરતી મોટેરા સંતોએ સ્વામીશ્રીને પહેરાવ્યા. આશીર્વાદમાં સ્વામીશ્રીએ ગુરુને રાજી કરવાનો અદ્‌ભુત કીમિયો બતાવ્યો. અંતે સૌએ મંત્રપુષ્પાંજલિ અને આરતી કરી.
તા. ૧૪-૨-૨૦૦૫ના રોજ વેલેન્ટાઈન ડે નિમિત્તે યુવાનોએ વિવિધ પ્રકારના 'ડે'ની વિસ્તૃત માહિતી આપી. ઘણા કિશોરોએ સવારથી ધોતિયું અને ઝભ્ભો પહેર્યાં હતાં અને ઘણા કિશોરોએ કૉલેજ કે સ્કૂલમાં કોઈપણ પ્રકારના ડે ની ઉજવણીમાં ભાગ ન લેવાનો દૃઢ નિર્ધાર કર્યો હતો. આ યુવકો આજે સ્વામીશ્રી પાસે નિયમ લેવા માટે આવ્યા હતા. સ્વામીશ્રીએ યુવકોને સંબોધીને કહ્યું : 'આપણે કોઈ ડે-બે ઊજવવા જ નથી. આપણે તો મહારાજના આદેશ પ્રમાણે કામ કરવાનું છે. આપણે કોઈને ફૂલ પણ આપવું નથી. એ બધામાં મનને થોડોક આનંદ લાગે, પણ પાછળ કેટલું બધું ભવિષ્ય બગડે છે ? એનો કોઈને ખ્યાલ આવતો નથી. માટે એ બાબતમાં ધ્યાન રાખજો. નિયમ લીધો છે તો આજીવન પાળો. અહીં દેખાવ કર્યો ને ત્યાં ફસકી જાય એવું ન કરવું. ત્યાં પાછા એવા છોકરા મળી જાય અને મન ઢીલું પડી જાય તો એ બાબતમાં મન મક્કમ રાખજો. આ ઉત્સવો સાથે આપણે કોઈ જ લેવાદેવા નથી. આપણા ભારતીય ઉત્સવો ઊજવો. ત્યાં તો ફાધર ડે અને મધર ડે ઊજવે, પણ પછી માબાપને કોઈ પૂછે જ નહીં. આપણે એવું નથી. આપણી સંસ્કૃતિ મહાન છે. માટે આવા ખોટા ઉત્સવો ઊજવવાની જરૂર નથી.'
ઘેટાંઓની ટોળાશાહી વચ્ચે આવા સિંહબચ્ચા સ્વામીશ્રીના સત્સંગમાં જ સંભવી શકે.
તા. ૧૫-૨-૨૦૦૫ના રોજ પંચમહાલ જિલ્લાના પદયાત્રીઓને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
તા. ૧૬-૨-૨૦૦૫ના રોજ સભામાં બાળકોએ તથા સંતોએ કીર્તન-આરાધના રજૂ કરી હતી. સંસ્થા દ્વારા સ્થાપિત ચાણસદની સ્કૂલના વિદ્યાર્થીઓએ કોળી નૃત્ય કરીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ આર. પટેલે શાળાનો અહેવાલ રજૂ કર્યો. શાળામાં ઉજ્જ્વળ કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને સ્વામીશ્રીના હસ્તે ઍવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આગળ વધવા માટે કરેલા વિવિધ સંકલ્પના પત્રનું બુકે શાળાના સલાહકાર શંકરભાઈ પટેલે તથા બીજું એક બુકે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલે સ્વામીશ્રીને અર્પણ કર્યું. ત્યારબાદ શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ ભેગા થઈને 'કઈ સંસ્કૃતિ સારી - પશ્ચિમની કે પૂર્વની ?' એ વિષયક સંવાદ ધારદાર દલીલો સાથે રજૂ કર્યો.
સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું : 'સંયમ વગરનું જીવન વ્યર્થ છે. આંખના સંયમમાં ભગવાન ને સંત જોવા, બાકીનું જે અશ્લીલ હોય એ ન જોવું એ સંયમ. આપણે તો થષઠાફુર્રં તર, સખઠાફુર્રં તર... પતિને દેવ જેવા જાણી સેવા કરવાની વાત છે. પરદેશમાં કાંઈ છે નહિ, એમાંથી વર્ણસંકર પ્રજા થઈ. કોણ મા ને કોણ બાપ ? એ પણ ખબર ન પડે. જ્યારે આપણી પરંપરા તો એ છે કે માબાપથી જે પ્રજા થઈ હોય એ ઠેઠ સુધી સંસ્કારો હોય છે. આ તો પશ્ચિમના વૈભવથી લલચાયા છે. પણ આપણે આપણી સંસ્કૃતિ મૂકીને એમની અપનાવી લઈએ ને પછી કહીએ કે અમારી સંસ્કૃતિ ઊંચી છે એ કઈ રીતે બને ? જઈએ એટલે આપણે યુરોપિયન-અમેરિકન બની જઈએ, પણ તમે ગમે એટલું એને માટે કે દેશ માટે કરશો, તો પણ એ તમને સેકંડ સીટીઝન જ કહેશે. તમે અમારાથી નીચા છો, હલકા છો એમ માને. આપણને થાય કે એની જોડે દારૂ પીએ, નાચગાનમાં જઈએ, સિગારેટ પીએ એટલે સુધર્યા. ભોગ ભોગવ્યા એ જીવન નથી, સંયમ એ જીવન છે. આપણે જન્મથી હિન્દુ છીએ એ વાતો કરવાથી આ સંસ્કારો આવતા નથી. જીવમાં વણાઈ જવું જોઈએ. નીતિ-પ્રામાણિકતાથી કામ કરવાનું છે. એની કિંમત છે, પછી ભલે નાનો હોય, ઓછું ભણ્યો હોય કે કોઈ સત્તાઓ ન હોય, પણ એની કીંમત છે.'
તા. ૧૭-૨-૨૦૦૫ના રોજ સભામાં અટલાદરા ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના યુવાનોએ પ્રવચન, કીર્તન, સંવાદ - 'પ્રમુખસ્વામી ક્યાં છે ?' વગેરે કાર્યક્રમો રજૂ કર્યા પછી સ્વામીશ્રી મંચ પર પધાર્યા. છાત્રોએ વિવિધ નિયમ ગ્રહણ કર્યા પછી નિયમગ્રહણના પ્રતીકરૂપે બનાવેલો માળાનો હાર સૌ વતી રાજેશભાઈ કુવાડિયા તથા આલોકભાઈ પટેલે સ્વામીશ્રીને અર્પણ કર્યો. ત્યારબાદ સત્સંગશિક્ષણ પરીક્ષા તેમજ છાત્રાલયમાં રહીને અભ્યાસ, કારકિર્દી ને અન્ય આવડતોમાં વિશેષ યોગ્યતા મેળવનારા વિદ્યાર્થીઓને સ્વામીશ્રીએ સ્મૃતિચિહ્‌ન અર્પણ કર્યું. સ્વામીશ્રીના સ્વાસ્થ્ય નિમિત્તે ઘણા છાત્રો એકાદશીને દિવસે ઉપવાસ પણ કરે છે. અંતે આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ સદાચારનો મહિમા સમજાવ્યો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |