Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સાબરકાંઠામાં સ્વામીશ્રીના દિવ્ય સત્સંગનો અનુપમ માહોલ...

વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના પાવનકારી વિચરણથી ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં અધ્યાત્મની વસંત મહોરી ઊઠી હતી. હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડબ્રહ્મા, હિંમતનગર, મોડાસા, ઈડર અને પોશીના જેવાં પાંચ ક્ષેત્રોમાં ચાલી રહેલાં ૧૦૨ જેટલાં સંયુક્ત મંડળો અને ૧૫૦ જેટલાં બાળમંડળ સહિત હજારો મુમુક્ષુઓને સત્સંગલાભ આપીને સ્વામીશ્રીએ સૌને દિવ્ય પ્રેરણાઓથી ચેતનવંતા કરી દીધા હતા. કાશ્મીરમાં પડેલાં વિક્રમજનક બરફને લીધે રણની નજીક આવેલા આ વિસ્તારમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું_ હતું. છતાં પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર અહીં વિચરણ કરીને સ્વામીશ્રીએ સૌને અપૂર્વ સત્સંગ લાભ આપ્યો હતો.
તા. ૨૧-૨-૨૦૦૫ના રોજ વડોદરાથી સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે સ્વામીશ્રી પધાર્યા ત્યારે સંધ્યા સમયે શાનદાર સ્વાગત સભામાં મુમુક્ષુઓ વિશાળ સંખ્યામાં ભક્તિભાવપૂર્વક ઊમટ્યા હતા. મહાવીરનગરમાં મહેશભાઈ અમીચંદભાઈ તથા ભાગીદારોની જમીન ઉપર આ સમારોહમાં વિવેકસાગર સ્વામીએ આજથી હરિલીલામૃત પારાયણનો મંગલ પ્રારંભ કર્યો. સ્વામીશ્રીનો સત્કારવિધિ કરતાં સાબરકાંઠા જિલ્લામાં વિચરણ કરતાં શ્રીરંગ સ્વામી, દિલીપભાઈ ગાંધી, વાય.એન.બારોટ, જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ જજ પરીખ સાહેબ, ચીફ આૅફિસર પીયૂષભાઈ રાવ, મોહનભાઈ પી. પટેલ વગેરેએ પુષ્પહારથી વધાવ્યા. ત્યારબાદ ઊંટની સવારી સાથે સ્વાગતનૃત્ય કરીને યુવકોએ વિશિષ્ટ સ્વાગતાંજલિ અર્પી.
અંતે આશીર્વચનો કહેતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે ''જેટલી અપેક્ષાઓ વધારે એટલી અશાંતિ. સંતોષ થાય તે સુખી. સંતોષ થાય કેવી રીતે ? સંત થકી આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે સંતોષ અને શાંતિ થાય. જ્ઞાન વગર સુખ નથી. જ્ઞાન કયું ? આત્મા-પરમાત્માનું. સમૃદ્ધિથી સુખી નથી થવાતું એ જોઈએ છીએ, છતાં એ મમત મુકાતું નથી, એટલે દુઃખી થઈએ છીએ. ધર્મ એ શાંતિનું ફાઉન્ડેશન છે. એ દૃઢ કરવાનું છે. લોકો અત્યારે ઘરમાં બેસી ટી.વી.માં નિરાંતે ખૂન, મારામારી, અનીતિ, વ્યભિચાર એવાં જ ચિત્રો જોતાં હોય, પછી શાંતિ ક્યાંથી હોય ? માટે જીવનમાં પ્રથમ ધર્મ જોઈએ. ધર્મ પછી અર્થ પુરુષાર્થ કહ્યો. પૈસાની જરૂર છે, પણ એ નીતિથી મેળવો. છેતરપીંડી, લુચ્ચાઈથી નહિ. ધર્મની રીતે ધન પ્રાપ્ત કર્યું હોય એ સુખ-શાંતિ આપે. ત્રીજું નીતિમાં રહી ગૃહસ્થાશ્રમ કરવાનો છે, દુરાચાર નથી કરવાનો. વ્યભિચાર એ દૂષણ છે. પત્નીને મૂકીને બીજે જશો તો ઘરમાં ક્લેશ થવાનો જ છે. પત્ની બીજે જાય તો એ પણ ક્લેશ કરે છે અને છેલ્લો પુરુષાર્થ મોક્ષ. મોહનો નાશ એ મોક્ષ. સત્સંગ-સમાગમ કરતાં કરતાં, શાસ્ત્રોનું વાંચન કરતાં મોહ-આસક્તિ નીકળી જાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર પુરુષાર્થ સંત સમાગમથી આવે. પશ્ચિમના વાયરામાં પડ્યા એટલે દુઃખી છીએ. હવે તો ઘરમાં મંદિરને બદલે ટી.વી. આવ્યું. અશ્લીલ ચિત્રો આવ્યાં એટલે ભગવાનની મૂર્તિ જતી રહી, અશ્લીલ પુસ્તકો આવ્યાં એટલે શાસ્ત્રો જતાં રહ્યાં. માટે બહુ વિચાર કરી આપણે જીવન જીવવું છે. તો એવું શુદ્ધ જીવન જીવવાનું બળ ભગવાન આપે એ જ પ્રાર્થના.'' સ્વામીશ્રીનાં દર્શને આજે ડિસ્ટ્રિક્ટ જજ ડી.આર. શાહ પણ આવ્યા હતા.
તા. ૨૨-૨-૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજાથી બાળદિનની વિશિષ્ટ ઉજવણી કરતાં બાળકોએ પ્રવચન, કીર્તન વગેરે અભિવ્યક્ત કર્યું હતું. સાંજે ભ્રમણ દરમ્યાન સત્સંગી કિશોરોની શાયોના ક્લબની બાસ્કેટબૉલ ટીમના પ્રશિક્ષક કાનાજી ઠાકોરે સ્વામીશ્રીને સૌનો પરિચય આપતાં કહ્યું હતું, 'ડૉક્ટર સ્વામીએ અમને પ્રેરણા આપી હતી કે તમે બધા રમો તો છો, પરંતુ રમતા પહેલાં થોડી પ્રાર્થના કરવાનું રાખો અને તેઓના આ આદેશનું અનુસરણ કર્યા પછી અમારી ટીમની ખૂબ પ્રગતિ થઈ છે.' સ્વામીશ્રીએ સૌ પર પ્રસન્નતા વરસાવી.
આજે સંધ્યા સત્સંગસભામાં બાળદિનના ઉપક્રમે બાળકોએ બાળમંડળના સંસ્કારોનો પ્રભાવ નાનાં નાનાં સંવાદો દ્વારા પ્રસ્તુત કર્યો. ત્યારબાદ વડીલ સંતો અને અગ્રેસર કાર્યકરોએ ગોપાલકુંજ, મારુતિનગર, હિંમતપુર વગેરે વિસ્તારનાં મહિલામંડળો તેમજ હિંમતનગર બાલિકામંડળે બનાવેલા વિવિધ હાર અર્પણ કર્યા. આ પ્રસંગે ડીસ્ટ્રીક્ટ જજ શાહ, જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ જજ પરીખ વગેરેએ પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. છેલ્લે દરેક યજમાનને વ્યક્તિગત રીતે આશીર્વાદ આપ્યા પછી સૌ ઉપર અમી વરસાવતાં સ્વામીશ્રીએ સદાચારની પ્રેરણા આપી.
તા. ૨૩-૦૨-૨૦૦૫ના રોજ પ્રાતઃપૂજા બાદ આજના મહિલાદિન નિમિત્તે શ્રી એચ. એમ. પટેલ તેમજ પારાયણના યજમાનો પ્રેમજીભાઈ એસ. પટેલ(બાયડ), બેચરભાઈ એમ. પટે(ઈડર) વગેરેએ આશીર્વાદ લીધા. બપોરે ભોજન દરમ્યાન મોડાસા ક્ષેત્રની સત્સંગ પ્રવૃત્તિનો અહેવાલ ડૉ. જીતુભાઈએ આપ્યો. બી.એ.પી.એસ. સત્સંગનાં તમામ ક્ષેત્રોમાં મોડાસામાં સૌથી વધારે ડૉક્ટર કાર્યકરો છે. સંધ્યા સમયે સ્વામીશ્રી હિંમતનગરના જ ઉપનગરસમા કાંકણોલ ગામે મંદિર માટે અર્પણ કરાયેલી જીવાભાઈ બબાભાઈ પટેલની સાડા છવ્વીસ એકર જમીન પર પધાર્યા. ખેતરની વચ્ચોવચ આવેલા એક લીમડાના વૃક્ષ હેઠળ મૂકેલી ખુરશી ઉપર સ્વામીશ્રી વિરાજ્યા અને સમગ્ર જમીન નિહાળીને જીવાભાઈ તથા તેઓના સંબંધીઓને આશીર્વાદ આપતાં કહ્યું, 'જમીનનું દાન તો પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી રહેશે અને લાખો લોકો ભગવાન ભજશે એનું પુણ્ય તમને પણ મળશે.' વિશેષ ધૂન-પ્રાર્થના કરતાં સ્વામીશ્રીએ સૌની સુખાકારીના શુભ સંકલ્પો કર્યા. ઢળતી સંધ્યાએ થોડાંક શીત વાતાવરણમાં આહ્‌લાદકતાની વચ્ચે સાદી ખુરશી ઉપર વિરાજેલા સ્વામીશ્રીનાં આ દર્શન ખૂબ જ અદ્‌ભુત હતાં.
ત્યારબાદ શ્રદ્ધાપાર્કના મહાકાળી મંદિરના પ્રાંગણમાં સંધ્યા સત્સંગસભામાં પધાર્યા.
વિવેકસાગર સ્વામીના પારાયણ-વ્યાખ્યાન બાદ મોડાસા મહિલામંડળ, હફસાબાદ મહિલામંડળ, શાંતિનગર મહિલામંડળ વગેરે દ્વારા બનાવાયેલા વિવિધ હાર વડીલોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા. અંતે સૌ ઉપર આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ કહ્યું, ''આપણે બધું કરીએ છીએ, પણ હું કોણ છું ? એ ખબર નથી. આપણે તો માન્યું છે કે હું પટેલ છું, વાણિયો છું, બ્રાહ્મણ છું. નાત, નામ માની બેઠા, પણ એ સ્વરૂપ આપણું નથી, એ તો દેહ પડશે ત્યારે સ્વાહા થઈ જવાનું છે. નામ, ઠામ, દેશ, વેશ કશું રહેવાનું નથી. આપણું સ્વરૂપ આત્મા છે. એ જ્ઞાન થાય તો કોઈ દુઃખ, ભય રહેતો નથી. મૃત્યુનો ભય પણ રહેતો નથી. આત્મા તો તેજસ્વી છે. એમાં દિવ્યતા છે. આત્મા મરતો નથી. મરે છે એ દેહ મરે છે. માટે બધું જ કામકાજ કરો પણ નાતજાતના ભાવ છોડીને આત્મભાવે કરો. પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ત્રણ દેહના ભાવને મૂકીને ભક્તિ કરવી તો મુક્તિ થશે. સંસારનાં કામ તમે કરો છો પણ એમાં ઊંડા ઊતરો તો સારી રીતે થાય છે, તો ભગવાનની બાબતમાં પણ ઊંડ
ા ઊતરો તો થાય.''

 
 
s
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |