Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પોશીનાના આદિવાસી ક્ષેત્રમાં પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય સત્સંગલાભે

ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા તાલુકાનાં ટેકરીયાળ જંગલોમાંથી અનેરી ફોરમ ફોરી રહી છે. જે ટેકરીઓ પહેલાં ધિંગાણાં અને લૂંટફાટ નિહાળતી હતી, એ ટેકરીઓ પર હવે સભાઓ અને મંત્રગાન ગુંજી રહ્યાં છે. અહીં ઠેર ઠેર તિલકચાંદલાધારી આદિવાસીઓના સંસ્કારોની આભા પ્રસરી રહી છે. થોડાંક વર્ષો પહેલાં જ આ વિસ્તારમાં જે લોકોની ધાક વાગતી હતી અને જેઓના નામથી પોલીસ પણ ધ્રૂજતી હતી એવા ખૂંખાર આદિવાસીઓમાં પ્રમુખસ્વામી મહારાજના સત્સંગના પ્રતાપે પરિવર્તનનો પવન ફૂંકાયો. વ્યસન અને વહેમના બંધનની કેદ છૂટી અને આધ્યાત્મિકતાનો સોનેરી સૂરજ ઊગ્યો. એક એક આદિવાસીનું પરિવર્તન એ સ્વયં ઇતિહાસ છે અને એ પ્રત્યેક આદિવાસી સ્વયં સ્વામીશ્રીએ સર્જેલી ક્રાંતિના દૂત છે.
જીવન પરિવર્તનની સુવાસથી મહેકતા હજારો આદિવાસીઓ વચ્ચે પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ પધાર્યા ત્યારે એક અનોખો માહોલ સર્જાઈ ગયો હતો. તા. ૨૪-૦૨-૨૦૦૫ના રોજ આ આદિવાસી પ્રદેશમાં પોશીના ગામમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યોજાયેલા આદિવાસી સંમેલનમાં, સ્વામીશ્રીને સત્કારતા આદિવાસીઓ આનંદવિભોર થઈને ધ્રબાંગ.. ધ્રબાંગ... ઢોલના તાલે ઝૂમી રહ્યા હતા. પોશીના ગામ માટે તો એમ કહેવાય છે કે પોશ એટલે કે 'વસ્ત્ર' અને 'ઈ' એટલે 'અહીં' અને 'ના' એટલે 'નહિ.' જ્યાં પહેરેલા વસ્ત્રની પણ સલામતી ન રહે એવું ક્ષેત્ર એટલે પોશીના. પરંતુ સ્વામીશ્રીની દિવ્ય પ્રેરણાને લીધે આ વિસ્તારમાં ક્રાંતિ સર્જાઈ અને પોશીનાએ પોતાના નામની સાર્થકતા ગુમાવી. સ્વામીશ્રીએ સામેથી જ આ નગરમાં આવવાની કૃપા કરી હતી. છેલ્લાં દસ દિવસથી આદિવાસીઓની પરંપરા મુજબ ઢોલ દ્વારા સમગ્ર ડુંગરાળ પ્રદેશમાં સ્વામીશ્રીના આગમનના સમાચાર ગુંજતા હતા. ટૂંકી તૈયારીઓમાં આજના દિવસે ૫૦ કિલોમીટર દૂરથી પણ આદિવાસીઓ સ્વામીશ્રીના દર્શને આવી પહોંચ્યા હતા. તુવેર, ધોડી, ઝાંઝવા, દિગ્થળી, ભરમિયાં, કોદરિયા, પાલિયાબિયા, ખંઢોળા, ખણીઘાટી, પીપળિયા વગેરે દૂર દૂરનાં અંતરિયાળ ગામોમાંથી ચાલતાં ચાલતાં હજારો આદિવાસીઓ આવી પહોંચ્યા હતા. પીપલિયા અને તુવેર ગામના તરવરિયા ઢોલીઓએ એક સાથે પંદર જેટલા ઢોલ એક નાદમાં વગાડીને સ્વામીશ્રીના આગમનને વધાવ્યું. પરંપરાગત પરિવેõશ અને પરંપરાગત શૈલીમાં નાચતાં નાચતાં તેઓ સ્વામીશ્રીના આગમનને વધાવી રહ્યા હતા. ઠેર ઠેર કેસુડાનાં તોરણો સ્વામીશ્રીના આગમનને વધાવી રહ્યા હતા. પોશીનાના નગરજનો સ્વામીશ્રીની આ સવારી જોઈને ભાવવિભોર થઈને ચિત્રવત્‌ ઊભા રહી ગયા હતા. કળશધારી મહિલાઓ અને પરંપરાગત પરિવેશ સાથે ઊભેલા વનવાસી હરિભક્તોએ સ્વામીશ્રીના આગમનને વધાવ્યા પછી સ્વામીશ્રી મંચ ઉપર પધાર્યા. આદિવાસીઓની સુશોભિત પર્ણકુટિરના પ્રાંગણમાં સ્વામીશ્રી વિરાજ્યા હોય એવું મનોહર દૃશ્ય અનુભવાઈ રહ્યું હતું. મંચની ધારે માટીના બનાવેલા પવિત્ર કુંભ, આસોપાલવનાં પાંદડાં, શ્રીફળનીશોભા સાથે કેસુડા અને આંબાનાં ઉપવન પણ ખીલેલાં હતાં. 'કાયદો જે કામ કરી શકતો નથી, એ કામ આપે પ્રેમથી કર્યું છે એને લીધે અમારું કામ ઘણું જ સરળ થઈ ગયું છે.' આ ભાવના સાથે અહીંના નવા નિમાયેલા પ્રામાણિક પોલીસ આૅફિસર બાજપેયીએ સ્વામીશ્રીને સૌથી પહેલાં સત્કાર્યા. પોશીના વિસ્તારના ઇતિહાસની સવિસ્તાર વાત કરતાં આ વિસ્તારમાં કાર્ય કરી રહેલા ગુલાબસિંહે કહ્યું કે 'પ્રમુખસ્વામીજીના પ્રતાપે આજે આદિવાસીઓ પણ શુદ્ધ બ્રાહ્મણની જેમ પૂજા કરે છે એ નાનોસૂનો ચમત્કાર નથી. હું દૃઢપણે માનતો થયો છુ _ કે જ્યાં સુધી સત્સંગ ન હોય ત્યાં સુધી કોઈ વિકાસ થઈ શકે નહીં, કારણ કે આજથી ૨૨ વર્ષ પહેલાં આદિવાસીઓના વિકાસ અને પ્રગતિ માટે મેં સરકારી નોકરી છોડી દીધી હતી. મેં ઘણા પ્રોજેક્ટ બનાવ્યા. ઘણા રૂપિયા મેં ગુમાવ્યા છતાં હું જોઈએ એવું કામ કરી શક્યો ન હતો, પણ સત્સંગ થયા પછી અત્યારે આદિવાસીઓના પરિવર્તનને હું જોઈ શકું છુ _.'
વિવેકસાગર સ્વામી અને ઈશ્વરચરણ સ્વામીનાં પ્રેરક પ્રવચનો પછી આ વિસ્તારના કાર્યકર જેઠાભાઈ પરમારે આદિવાસી ભાષામાં સ્વામીશ્રીએ કરેલા આમૂલ પરિવર્તનોની ગાથા વર્ણવી. જેઠાભાઈ તથા કરમાભાઈ અને મંડળીએ એકતારા, મંજિરા અને ઢોલકના તાલે 'આજે આજે સોનારો સૂરજ ઊગ્યો રે...' અને 'હાલો હાલો સ્વામિનારાયણવાળે ઘેર કે ગજરો લૂંટવો છેહ...' એ ગીતનું પરંપરાગત શૈલીમાં ગાન કર્યું. છેલ્લે આ બધા જ આદિવાસી ભાઈઓ સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે આવ્યા એ વખતે કરમાભાઈના તંબુરાના તારને છેડીને સ્વામીશ્રીએ દિવ્ય સ્મૃતિ આપી. અમદાવાદ સત્સંગમંડળ, ચેખલા સત્સંગમંડળ, પોશીના કિશોરીમંડળ, ઝાંઝવા મંડળ, પોશીના કિશોરમંડળ, બાલિકામંડળ બનાવેલા હાર સંતો, સરપંચ માલજીભાઈ દાભી, આ વિસ્તારના નિર્દેશક સંદીપભાઈ જોષી તથા અન્ય અગ્રણી કાર્યકર-હરિભક્તોએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય રમીલાબેન અને ખેડબ્રહ્મા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પ્રમુખ જ્યોત્સનાબેન પણ મહિલાવિભાગમાં ઉપસ્થિત હતાં.
સૌ ઉપર અમીવર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું: ''આજની સભાની પણ જય. બધા આદિવાસી ભાઈઓનાં ભજન સાંભળ્યાં. એમનો પ્રેમ, અંતરનો ગાવાનો ભાવ સુંદર હતો કે સત્સંગથી સોનાનો સૂરજ ઊગ્યો છે. ભગવાન સોનાના સૂરજ સમાન છે એમના ભક્તો-સંતો એ પણ સૂરજ સમાન છે. એમનો ઉદય થાય ત્યારે અંતરમાં તેજ આવે છે. તમને આ સત્સંગનો મારગ હાથમાં આવ્યો એ સોનાનો સૂરજ થયો. એનાથી ભગવાનની, ધર્મની, નીતિનિયમની વાત થઈ એટલે વધારે પ્રકાશ થતો ગયો. જ્યારે ભગવાન ને સંત પધારે, ત્યારે અંતરમાં ઉજાસ થઈ જાય છે, જીવને શાંતિ થઈ જાય છે. આ સત્સંગનું પ્રસારણ આ એરિયામાં વધારે ને વધારે થાય એ માટે આદિવાસી ભાઈઓ મંડ્યા છે. ગામે-ગામ મંડળો સ્થપાયાં છે તો વધારે ને વધારે બધાને સુખ થશે. કળિયુગના સ્થાન આપણાં જીવનમાંથી, કુટુંબમાંથી, સમાજમાંથી, રાષ્ટ્રમાંથી દૂર કરીએ તો જુ દો જ આનંદ થશે. આ પૂર્વની પટ્ટીમાં બધે જ અમે ફરીએ છીએ પણ જેને જેને આ સત્સંગ થયો, વ્યસનોથી મુક્ત થયા, અભ્યાસ સારો કર્યો તો ઘર સારાં થયાં, ઘરમાં ભગવાનનાં મંદિરો થયાં અને ભણી ઠેઠ સુધી આગળ ગયા છે. ભજે એના ભગવાન છે. ભગવાન ગરીબનિવાજ છે. સંપત્તિ અને સત્તા જોઈને ભગવાન રાજી થતા નથી. તમને જોઈને આનંદ થાય છે કે તમે બધું મૂકી દીધું. કોઈને પણ લૂંટી લેવા, ત્રાસ થાય એ આપણું કામ નથી. મહેનતથી જે કાંઈ મળે એનાથી નિર્વાહ કરો. બીજાનું લઈને સુખી ન થવાય. સત્સંગ ન થાય ત્યાં સુધી જીવન ઊજળું બનતું નથી. જેના જીવનમાં કામ, ક્રોધ, ઈર્ષ્યા, લોભ, મોહ, છળ-કપટ, મારું-તારું છે જ નહિ, એવા શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ સંત મળે તો અંતઃકરણ શુદ્ધ કરે. નીતિનિયમમાં રહેવું તો ભગવાનની કૃપા થશે અને બધી સુવિધાઓ મળશે. મોટા મોટા ઉદ્યોગો આવશે ને કામ થશે. નર જો ભક્તિ કરે તો નારાયણને પામે અને એ નર જો ચોરી, જૂઠું, અનીતિ, વ્યસનો કરે તો નરકમાં જાય. અંધશ્રદ્ધા કાઢવાની છે. શરીરમાં રોગ આવે તો ભુવા-જાગરીયા પાસે પશુને મારવાથી રોગ જવાનો છે ? ભગવાનનો આશરો કરો. કહે, 'માતા કોપી ગઈ.' પણ માતા શું કામ કોપે ? અંધશ્રદ્ધાથી રોગ મટતો નથી. દરિદ્રતા મટતી નથી. એવું થાય ત્યારે ભજન કરો, તો સુખ-શાંતિ થાય છે. પ્રાર્થના કરીએ કે આ સમાજમાં બધા સુખી થાય. અભ્યાસ વધે અને પૈસેટકે પણ સુખી થાય. આ એરિયામાં પાણીની સુવિધા થઈ જાય ને અનાજ પાકે એ માટે ભગવાનને પ્રાર્થના.''
૧૨-૩૦ વાગે આ વિરાટ સંમેલનની પૂર્ણાહુતિ થઈ ત્યારે આજુ બાજુ નાં અંતરિયાળ ગામો ને દૂરથી આવેલા ૮૦૦૦ જેટલા આદિવાસીઓનાં મુખ ઉપર સ્વામીશ્રીનાં દર્શન ને સમાગમ કર્યાની કૃતાર્થતા તરવરી રહી હતી.
આજે સ્વામીશ્રીના આગમનને વધાવવા આખા નગરમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી, સ્વામીશ્રીની દૃષ્ટિ નગર ઉપર પડે એ માટે શેરીઓમાંથી સ્વામીશ્રીને લઈ જવામાં આવ્યા. ૧૨-૪૦ વાગ્યે સ્વામીશ્રી 'મોટા પોશીના જૈન દેરાસર ટ્રસ્ટ'માં પધાર્યા. દેરાસરના પ્રાંગણમાં 'મગન વિહાર' ગેસ્ટ હાઉસમાં નીચેના માળે છેલ્લા રૂમમાં સ્વામીશ્રીનો ઉતારો રાખવામાં આવ્યો હતો.
આ પંથકમાં ૧૪૭ જેટલા આદિવાસીઓનાં ગામ છે. જેમાંથી ૯૬ ગામમાં સત્સંગની પ્રવૃત્તિ ચાલી રહી છે અને ૨૪ ગામમાં સત્સંગસભાઓ નવી શરૂ થઈ છે. બપોરે ભોજન દરમ્યાન આ વિસ્તારમાં કાર્ય કરી રહેલા સ્થાનિક સંતો-કાર્યકરોની સાથે સ્વામીશ્રીએ ઔપચારિક વાતો કરી. સ્વામીશ્રીએ સૌ કાર્યકરો અને આદિવાસીઓની ધગશ જોઈને આશીર્વાદ આપતાં કહ્યું: 'મહારાજની દયાથી ઠેલ વાગી ગયો છે હવે ૧૪૭ ગામોમાં સત્સંગ કરાવી દેવો. મહારાજ દયા કરશે અને તમારા પ્રયત્નોમાં ભળશે.' ભોજન બાદ વનવાસી પરિષદના હોદ્દેદારોને મળીને ઈ. ટી.વી.માંથી આવેલા કૅમેરામૅનને ઇન્ટરવ્યૂ આપતાં સ્વામીશ્રીએ આદિવાસી કલ્યાણ પ્રવૃત્તિ ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ સોમભાઈ મોદી પણ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓએ કહ્યું: 'આ વિસ્તારના આદિવાસી પંથકમાં હું પહેલાં પણ આવેલો છુ _, પરંતુ આપનો સત્સંગ થયા પછી આ આદિવાસીઓમાં જે પરિવર્તન મેં નોંધ્યું છે એની પ્રેરણાને લીધે જ આજે હું આ સંમેલનમાં_ આવ્યો છુ _.'
સાંજે જૈન દેરાસરના ટ્રસ્ટીઓને આશીર્વાદ આપીને સ્વામીશ્રીએ ૧૨૦૦ વર્ષ જૂના દેરાસરમાં શાંતિનાથ ભગવાનનાં દર્શન કર્યાં અને અહીંથી ૬-૧૫ વાગે ખેડબ્રહ્મા પધાર્યા. આજે મહા સુદ પૂર્ણિમા હતી. ખેડબ્રહ્મામાં પૂર્ણિમાનો ખૂબ જ મહિમા છે અને આ દિવસે ૧૫૦૦થી વધારે હરિભક્તો દરપૂનમે ભેગા થાય છે. આજે આ સૌ પૂનમિયા ભક્તો અને મુમુક્ષુઓની ભાવનાની પૂર્તિ માટે સ્વામીશ્રીએ ખેડબ્રહ્માને ખાસ લાભ આપ્યો હતો. પાંચ વર્ષ પછી સ્વામીશ્રી ખેડબ્રહ્મા પધારી રહ્યા હતા એટલે સ્વામીશ્રીની આ અનહદ કૃપાથી સૌ કૃતકૃત્ય હતા. ખેડબ્રહ્મા મંદિરના પરિસરમાં આૅફિસ વગેરેના નવા બાંધકામ અને લેન્ડસ્કેપીંગ વડે પ્રાંગણને સુંદર બનાવી દેવામાં આવ્યું હતું. મંદિરનાં પગથિયાંને પુષ્પની બિછાત વડે અને મંદિરના હૉલને પુષ્પની રંગોળી અને વચ્ચે જલતી મીણબત્તી વડે શણગારવામાં આવ્યા હતા. આરતી ઉતારીને દંડવત્‌ કર્યાં પછી સ્વામીશ્રી સભામાં પધાર્યા. વિવેકસાગર સ્વામીના પ્રવચન પછી મુખ્ય હરિભક્તોએ સ્વામીશ્રીનું સન્માન કર્યું. સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું : ''આજે પૂનમનો દિવસ છે. ઠાકોરજીનાં દર્શન થયાં, આપ સૌનાં દર્શન થયાં. આપ ભક્તો દરપૂનમે આ કરો છે. એ ધન્યવાદ છે. સંતો પણ બળિયા છે, બધાને કથાવાર્તા કરી અંતઃકરણ સાફ કરે છે અને સદ્‌ગુણી બનાવી ભગવાનની સેવામાં મૂકે છે. તો આપણે શુદ્ધ થઈ ભગવાનની સેવામાં પહોંચી જઈએ એવું બળ, એવી નિષ્ઠા, એવી ભાવના સર્વને થાય એ જ પ્રાર્થના.''
અહીંથી સૌની ભાવભીની વિદાય લઈને સ્વામીશ્રી પુનઃ હિંમતનગર મંદિરે પધાર્યા. અહીં આજે અમદાવાદથી આવેલા સંતોએ સભામાં કીર્તન-આરાધનાનો લાભ આપ્યો હતો.
તા. ૨૫-૦૨-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીના કથામૃત પછી પ્રો. શેલત લિખિત 'ડાયરેક્ટર' નામક સંવાદ રજૂ કરવામાં આવ્યો. રેહડા સત્સંગમંડળ, મજરા બાળમંડળ, રાયગઢ મહિલામંડળ વગેરે મંડળોમાંથી આવેલા હાર સ્વામીશ્રીને અર્પણ કરવામાં આવ્યા.
હિંમતનગર એસ.ટી. ડિવિઝ નના નિયામક હરીશભાઈ કવટા તથા હિંમતનગર ઇન્કમટેક્સ આૅફિસર નગીનભાઈ રાઠોડે હાર અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ સૌને જીવનમાં શ્રદ્ધા-ભક્તિ દૃઢ કરવાનો આદેશ આપ્યો.
તા. ૨૬-૦૨-૨૦૦૫ના રોજ 'યુવાદિન' નિમિત્તે યુવકોએ પ્રાતઃપૂજામાં કીર્તનો ગાયાં.
આજે સંધ્યા સત્સંગસભામાં 'યુવાદિન' અંતર્ગત આ વિસ્તારના કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્તિક મહેશભાઈ પટેલ, સ્વપ્નીલ કાનાજી ઠાકોર, સંકેત કીર્તિકુમાર, પ્રકાશ રસિકભાઈ દરજી, ભાવેન એમ. મિસ્ત્રી, રોનક એમ. મિસ્ત્રી, જૈમિન એમ. મિસ્ત્રી વગેરે સંસ્થાના સિતારાઓને સ્વામીશ્રીએ ખૂબ આશીર્વાદ આપ્યા. સન્માનવિધિ પછી તલોદ મહિલામંડળ, રામબાગ મહિલામંડળ, વડાલી મહિલામંડળ, ભંડવાલ મહિલામંડળ, રવિપાર્ક મહિલામંડળ, હમીદપુરા સત્સંગમંડળ તથા હિંમતનગર કિશોરીમંડળે બનાવેલા હાર પ્રતિનિધિ હરિભક્તોએ સ્વામીશ્રીને અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે મહિલામંડળે પંચતત્ત્વોની વિશિષ્ટ વિભાવના સાથે પ્રતીકરૂપે પાંચ માટલી તૈયાર કરી હતી. પૃથ્વી, જળ, તેજ, વાયુ તથા આકાશતત્ત્વની માટલી અગ્રેસર હરિભક્તોએ સ્વામીશ્રીને અર્પણ કરી. ધારાસભ્ય રણજિતસિંહ ચાવડાએ પણ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. શ્રીરંગ સ્વામીએ આભારવિધિ કર્યો.
આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું: ''ભગવાનના મંદિરમાં ભગવાન સાક્ષાત બેઠા છે. ભલે એ બોલતા ચાલતા નથી એવું લાગે છે, પણ એ બોલે-ચાલે છે અને આપણાં અંતઃકરણના વિચારોને પણ જાણે છે, આપણી રક્ષા કરે છે, કાર્યો કરે છે. લોકોને થાય આવા મંદિરોથી કે ધાર્મિક ઉત્સવ-સમૈયાથી શું લાભ થાય છે ? પણ એનાથી પણ લાભ થાય છે. આસુરી બુદ્ધિવાળા હોય ને અંત સમે આની સ્મૃતિ થાય તો એનુંય કલ્યાણ થાય. આવા ઉત્સવોમાંથી એક વાત પણ યાદ રહી ગઈ હોય તો કામ થઈ જાય. આવા સમારંભમાં પરિવર્તન થાય છે. લગ્ïનમાં સમારંભો ક્યાં ઓછા કરીએ છીએ ? રાજકીય રીતે પણ શિબિરો-અધિવેશનો થાય છે. પણ મંદિરમાં જ ખોટો ખર્ચો કહીએ છીએે. ઉત્સવોથી, મંદિરોથી માણસનું અંદરથી પરિવર્તન થાય છે. શિક્ષણની સાથે સંસ્કારની જરૂરિયાત છે. એ આ ધર્મથી, મંદિરથી, સત્સંગથી પ્રાપ્ïત કરે છે. અહીં આવી છોકરાઓ બગડી નથી જતા, ઊલટા સુધરે છે. સમાજમાં દવાખાના-કોલેજોની જરૂર છે એમ મંદિરોની જરૂર છે.''
આજે સ્વામીશ્રીના નિવાસનો છેલ્લો દિવસ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો, ભાવિકો ઉપસ્થિત હતા.
હિંમતનગરમાં યોજાયેલી લોક-અદાલત નિમિત્તે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દવે, ડિસ્ટ્રિક્ટ જજ શાહ, જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ ચૌધરી, અને ભટ્ટ સાહેબ વગેરે ન્યાયાધીશો આજે ખાસ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સૌએ સ્વામીશ્રીનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અત્યારે ૩૧૨ ગામમાં વહેતી સત્સંગસરિતાના મહાપટના ઉદ્‌ભવમાં સ્વામીશ્રીનો ભગીરથ પુરુષાર્થ રહ્યો છે. ભરઉનાળાના રેતના વાવાઝ ùડાની વચ્ચે દેહની પરવા કર્યા વગર સ્વામીશ્રી અવિરત વિચર્યા છે. આ વિસ્તારના કુલ ૯૯ ગામોમાં સ્વામીશ્રીએ જાતે જઈને પધરામણીઓ કરી છે. ક્યાંક તો મોઢામાં રેતી ભરાઈ જાય એવા ભયંકર વાવાઝ ùડામાં પણ પારાયણો કરી છે, એવાં સ્થળોએ રાત પણ વીતાવી છે. એવી પરિસ્થિતિમાં પધરામણીઓ પણ કરી છે. નાનામાં નાના ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે માઈલો સુધી સ્વામીશ્રી પહોંચ્યા છે. ક્યાંક તો વળી થાક્યાપાક્યા પધરામણીઓ કરીને આવ્યા પછી માંડ અડધો કલાકની ઊંઘ મળી હોય ને માટલું ફાટ્યું હોય ને એમાં પથારી તરબોળ બની ગઈ હોય એવું પણ બન્યું છે. ક્યાંક તો વળી એક ગામથી બીજે ગામ જવામાં મોડું થયું હોય અને જે તે ગામના હરિભક્તોએ નગરયાત્રાની તૈયારી કરી દીધી હોય, સાથેના સંતોએ ના પાડી હોય એ વખતે ભરઉનાળે થનગનતા રાહ જોઈને ઊભેલા હરિભક્તના માથા ઉપર હાથ મુકાવીને સ્વામીશ્રીએ તેઓની લાગણી સમજાવી હોય એ વાત પણ આ જ વિસ્તારમાં બની છે.
પ્રબળ પુરુષાર્થના સિંચન વડે ઊગી નીકળેલા આ સત્સંગસમુદાયને પુનઃ સંવર્ધિર્ત કરીને સ્વામીશ્રીએ અહીંથી વિદાય લીધી.
સાબરકાંઠા વિસ્તારમાં ફરી રહેલા પાંચ સંતો શ્રીરંગ સ્વામી, અમૃતતનય સ્વામી, ધર્મવિનય સ્વામી, નૈષ્ઠિકજીવન સ્વામી તથા ધર્મસાગર સ્વામી, અગ્રેસર કાર્યકરો તથા આબાલવૃદ્ધ અનેક સ્વયંસેવકોના ભક્તિભર્યા પુરુષાર્થથી ખૂબ સુંદર કાર્યક્રમો યોજાઈ ગયા. સૌ પર પ્રસન્નતા વરસાવીને સ્વામીશ્રી ખેરાલુ પધાર્યા હતા.