Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વામીશ્રીના દિવ્ય સત્સંગલાભથી ધન્ય થતું મહેસાણા નગર

ઉત્તર ગુજરાતમાં મુખ્ય મથકસમા મહેસાણા નગરમાં પધારીને સ્વામીશ્રીએ સત્સંગની દિવ્ય સૌરભથી નગરને મહેકતું કરી દીધું હતું. સતત છ દિવસ માટે અહીં આધ્યાત્મિકતાની અભિવૃષ્ટિ કરવા માટે તા. ૨૭-૨-૨૦૦૫ના રોજ મધ્યાŽõ સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે ફૂલની બિછાતથી મંદિર મહેંકતું હતું. ભરબપોરે ઢળતા શિયાળાને લીધે વાતાવરણ આહ્‌લાદક લાગી રહ્યું હતું. સ્વામીશ્રીનાં દર્શન માટે ઊમટેલા હરિભક્તો મંદિરનાં પોડિયમ, ઘુમ્મટ અને પ્રદક્ષિણામાં શિસ્તબદ્ધ રીતે બેઠા હતા. ઠાકોરજીનાં દર્શન બાદ પ્રદક્ષિણામાં ઊભેલા ૮૪ કલાક સતત પ્રદક્ષિણા કરીને ભક્તિભાવ અર્પણ કરનાર હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા.
સાંજે ૬-૦૦ વાગે મંદિરના પ્રાંગણમાં યોજાયેલી સ્વાગતસભામાં હજારો હરિભક્તો છલકાઈ ઊઠ્યા હતા. સભામાં વિવેકસાગર સ્વામીએ તૈત્તિરીય ઉપનિષદની આનંદવલ્લીની પાંચ દિવસીય પારાયણનો પ્રારંભ કર્યો હતો. પારાયણ-નિરૂપણ પછી સ્વામીશ્રીના સત્કારમાં કલોલના યુવકમંડળે સ્વાગતનૃત્ય રજૂ કર્યું, ત્યારબાદ સભામાં સંતો, ઉપસ્થિત મહાનુભાવો અને અગ્રણી સત્સંગીઓએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. નારણભાઈ(ધારાસભ્ય), કલેક્ટર શ્રી ભાણ(પાટણ), ડૉ. જી.કે. પટેલ(નગરપાલિકાના પૂર્વ પ્રમુખ), મણીભાઈ પટેલ (સરદાર ડેરી, મહેસાણા), માધુભાઈ એમ. પટેલ(વાઈસ ચાન્સેલરશ્રી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ), પી.આર. ચૌધરી(જી.ઈ.બી. મહેસાણા), તેમજ ઉત્તરગુજરાતના અગ્રણી હરિભક્તો વગેરેએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વામીશ્રીને વધાવ્યા. આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ કહ્યું: ''યોગીજી મહારાજ વાત કરતા કે રવિવારનો દિવસ એટલે ભગવાન ભજવાનો દિવસ. સ્વામીનો આદેશ હતો કે ૨૫,૦૦૦ રૂ. નફો થાય તો એ મૂકી દઈને પણ કથાવાર્તામાં જવું. સાંજે મંદિરે જઈએ તો આખા દિ'ની પ્રવૃત્તિનો માનસિક થાક લાગ્યો હોય તેનું નિવારણ થઈ જાય, શાંતિ થઈ જાય. મૂળ તો ભગવાન સાથેનો સંબંધ કાયમ રહેવો જોઈએ. વહેવારને લઈને ભગવાન ન ભૂલી જવાય. ભગવાનનું અનુસંધાન આપણા જીવનમાં ક્ષણે ક્ષણે હોવું જોઈએ. 'નિશદિન સંત સમાગમ કીજે' ૨૪ કલાક ક્યાં નવરા છીએ ? એટલે જોગી મહારાજે દયા કરી કે અઠવાડિયે એકવાર સત્સંગ કરો. કેટલાંકને એમ કે અમારે સમય ક્યાં છે? પણ લગ્ïનમાં, પાર્ટીમાં આપણું કામ મૂકી સાચવી લઈએ છીએ તો આ રવિવારનો દિવસ ભગવાન માટે. ભગવાનના આપણા પર કેટલા ઉપકાર છે ? ભગવાન રાજી કરવા રવિવારનો દિવસ કાઢવો. આ સત્સંગ કરશો એટલું અજ્ઞાન જશે''
તા. ૨૮-૨-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં મહેસાણા ખાતે સ્વામીશ્રી દ્વારા સ્થાપિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલયના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ રજૂઆતો કરી હતી. વિવેકસાગર સ્વામીની પારાયણ પછી વિદ્યાર્થીઓના વાલીઓએ અનુભવો પ્રસ્તુત કર્યા હતા. વિદ્યાર્થીઓએ 'બ્રહ્મવિદ્યાની કૉલેજ' એ નામક સંવાદ રજૂ કર્યો. આજના કૉલેજના વાતાવરણને લીધે વિદ્યાર્થીઓની બગડેલી માનસિકતા અને છાત્રાલયમાં રહેલા છાત્રોની એકાગ્રતા અને આત્મબળ બંનેનું સુપેરે ચિત્રણ કરવામાં આવ્યું હતું. વિદ્યારત્ન સ્વામીએ સંબોધન કર્યા પછી પ્રતિનિધિ વિદ્યાર્થીઓએ હાર અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા. અહીંના છાત્રાલયમાં રહેતા ૧૨૮ વિદ્યાર્થીઓએ દરેકે નાના-મોટા નિયમ લીધા હતા. આ નિયમોના આલેખનથી બનાવેલો હૃદયહાર પ્રતિનિધિ વિદ્યાર્થીઓએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. સ્વામીશ્રીના હૃદયમાં સ્થાન મેળવવાની ઝંખના સાથે એક વિશાળ હૃદય વિદ્યાર્થીએ સ્વામીશ્રીને અર્પણ કર્યું.
સૌ પર આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું: ''આજે છાત્રાલયના વિદ્યાર્થીઓએ આપણી સમક્ષ બહુ સારો સંવાદ રજૂ કર્યો છે. જોગી મહારાજ આને બ્રહ્મવિદ્યાની કોલેજ કહેતા. આપણે ભણીને કુટુંબની, દેશની, રાષ્ટ્રની સેવા કરવી છે, સાથે સાથે આપણામાં આધ્યાત્મિક સંસ્કાર પણ હોવા જોઈએ. સત્ય-દયા-અહિંસા-બ્રહ્મચર્ય આ ગુણો કેળવવા જોઈએ. એ આધ્યાત્મિક મૂડી પણ વધારવાની છે. એ આ બ્રહ્મવિદ્યાની કોલેજમાં મળે છે.
મોટા પુરુષનો આ પરોપકાર છે. આવા સંસ્કારી સમાજથી બધાને શાંતિ થશે. સંયમ વિના કોઈ પણ વસ્તુ સિદ્ધ થાય નહિ. પહેલાં છોકરાને ગુરુકુળમાં મૂકી આવે તે ૨૫ વરસ સુધી જોવાના નહિ. ત્યાં •ષિમુનિઓ પોતાનો બાળક છે એમ મમત્વથી ભણાવતા. છોકરા સ્વાવલંબી થતા. અત્યારે સુવિધા જોઈએ, ન હોય તો ધમાલ કરે, પણ સુવિધા નહિ, સંસ્કારની જરૂર છે. જેનાથી સારા બનવાના છીએ એની ઉપેક્ષા થઈ ગઈ છે. મંદિરો, ગ્રંથો, સંતોની જરૂર છે. પોલીસ, દવાખાનાં, ન્યાયતંત્ર એ બધાની જરૂર છે એમ મંદિર એક કૉલેજ છે. અહીં સ્વતંત્રપણે ન વર્તાય એટલે અહીં ન ફાવે, પણ ભણવામાં તો સંયમ જ જોઈએ. લોકો કહેશે આ તો ભગતડો થઈ ગયો, પણ ભગતડા થવાની વાત જ નથી, પણ સારા નાગરિક આપણે બનાવવા છે ને દેશ-સમાજ માટે કરી છૂટે એ માટેની વાત છે.''
સભા બાદ પ્રામાણિક કલેક્ટરની ઊંચી છાપ ધરાવતા વ્યાસ સાહેબે સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
સ્વામીશ્રીના દિવ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થતાં તેઓ બોલી ઊઠયા : 'આપનું કાર્ય તો અકલ્પનીય જ છે. એક સાથે આટલી બધી પ્રવૃત્તિ કરવી એ કલ્પના બહારની વાત છે. અમે તો આપને ભગવાનનું સ્વરૂપ જ માનીએ છીએ.'
સ્વામીશ્રીના નિઃસ્વાર્થ અને પવિત્ર જીવનથી જાહેર સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ અભિભૂત થઈ જાય છે.