Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ઝાલાવાડ પ્રદેશમાં સ્વામીશ્રીની દિવ્ય સત્સંગવૃષ્ટિ

૧૩-૩-૨૦૦૫ના રોજ ગુજરાતના ઝાલાવાડ પ્રદેશમાં લીંબડી અને સુરેન્દ્રનગર ખાતે કુલ દસ દિવસ સુધી બિરાજીને સ્વામીશ્રીએ સત્સંગની અનેરી વસંત મ્હોરાવી દીધી હતી.
મહેળાવથી વિદાય લઈને સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે, આ પ્રદેશમાં સત્સંગપ્રસાર માટે સમર્પિત થઈ જનાર અક્ષરનિવાસી હરિપ્રકાશ સ્વામીની પુણ્યસ્મૃતિમાં યોજાયેલ પારાયણમાં ઝાલાવાડ પંથકના હજારો હરિભક્તો સભામાં ઉપસ્થિત હતા. ઘનશ્યામચરણ સ્વામીના નિરૂપણ પછી વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું. કિશોરમંડળના સ્વાગત-નૃત્ય અને સ્વાગતવિધિ બાદ રાજ્યના પૂર્વ પશુપાલન મંત્રી કિરીટસિંહ રાણાએ પણ આશીર્વાદ મેળવ્યા.
સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના મહંત લાલદાસજી મહારાજે સંબોધતાં જણાવ્યું કે 'અખિલ ભૂમંડલને સત્યનો માર્ગ બતાવનાર પ્રમુખસ્વામી છે. બાપાનું વિચરણ શબ્દકોશની બહારની વાત છે. આંકડા સીમિત થઈ જાય અને વ્યાખ્યાઓ વામણી બને એવું તેઓનું વિચરણ છે. આટલી ઉંમર હોવા છતાં સતત લોકોનાં દુઃખ અને દર્દને તેઓ દૂર કરતા રહે છે. સાધુ એને જ કહેવાય જેની જ્ઞાન, શક્તિ, બુદ્ધિ સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત હોય અને સમગ્ર જીવન ધર્મ માટે ને લોકોને શુદ્ધ જીવન તરફ લઈ જવા માટે હોય. આપ સંત શિરમોર છો. ત્યાગ, સમર્પણ, યોગસાધનાની જે વાતો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે એ આપે વાણી ને વર્તનનું એક દોરડું બનાવી દીધું છે.'
ત્યારબાદ પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ પોતાની ભાવના પ્રવચન દ્વારા અભિવ્યક્ત કરી. અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું: ''ઝાલાવાડ પ્રદેશ પર ભગવાન સ્વામિનારાયણની દૃષ્ટિ છે. શાસ્ત્રીજી મહારાજે, જોગી મહારાજે અનેક વખત અહીં આવી ભજન-ભક્તિ કથાવાર્તાનું સુખ આપેલું છે. એ પરંપરામાં એ સત્સંગ આપ બધાએ સાચવ્યો છે એ બહુ આનંદની વાત છે. અહીં હરિપ્રકાશ સ્વામી અને આ ઘનશ્યામ સ્વામી તો ખૂબ વિચર્યા છે. આપણા ગામમાં મંદિરો ન હોય ને સંતોનું વિચરણ ન હોય તો સત્સંગ ઘસાઈ જાય. આપણે ઘણી મિલકતો મેળવીએ, પણ એ શરીરના સુખ માટે છે, પણ આત્માનું સુખ-આનંદ જુદું છે અને પરમાત્માને ભજીને અક્ષરધામમાં જવું છે એ વાત અલૌકિક છે.''
આધેડ વયના કાર્યકર શાંતિભાઈ પીપળીયાએ સ્વામીશ્રીના સ્વાસ્થ્ય નિમિત્તે ચોર્યાસી કલાકના નિર્જળ ઉપવાસ કર્યા હતા. તેમને તથા અન્ય ઉપવાસીઓએ આશીર્વાદ મેળવ્યા.
તા. ૧૪-૩-૨૦૦૫ના રોજ સ્વામીશ્રી પ્રાતઃપૂજા કરીને ઉતારે પધાર્યા ત્યારે પાણવીના પૂજા ડોડિયાના વંશજ ભૂપતભાઈ તથા બાબુભાઈએ શણગારેલા અશ્વોના કમનીય દાવ અને નર્તન પ્રસ્તુત કરીને વિશિષ્ટ સ્વાગત કર્યું હતું. અંતે બંને અશ્વોએ બેય પગ નીચા વાળીને સ્વામીશ્રીને પંચાંગ પ્રાણામ કર્યા, સ્વામીશ્રીએ બંનેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપી, ચિરંતન સ્મૃતિ આપી.
આજે લીંબડી અને ચૂડા ક્ષેત્રના મહિલામંડળ તરફથી હરિકૃષ્ણ મહારાજની રજતતુલાનો કાર્યક્રમ યોજાયો હતો. પારાયણ તથા વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડે પણ લાગણીઓ અભિવ્યક્ત કરી. વિનયમૂર્તિ સ્વામીએ 'વધાવીએ સૌ આનંદે આજ....' એ પ્રાસંગિક કીર્તન ગાયા પછી સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : ''દેહના સુખ માટે બધું જ કરીએ છીએ, પણ આત્માના સુખ માટે શું ? તો વાણીથી ભગવાન અને સંતના ગુણ ગાવા, કાનથી કથા સાંભળવી, પગે ચાલી મંદિરે જવું ઇત્યાદિ ક્રિયા ભગવાનમાં જોડી દેવી. પણ આજે કહે ટાઈમ નથી. આપણે વ્યાવહારિક પ્રસંગમાં જવું પડે કારણ કે એમને ખોટું ન લાગે. તો ભગવાનને ખોટું ન લાગે?
માણસને થાય કે હું સારો દેખાઉં, મારી સમાજમાં પ્રતિષ્ઠા વધે, પણ સારા દેખાવામાં જેટલા સદ્‌ગુણો હશે, જેટલું ભગવાન માટે કરીશું, એટલું સારું છે. ભગવાન કોઈનું લેવા આવ્યા નથી. તમે આપશો તેનાથી હજારગણું આપશે. એ આપણા દુર્ગુણો લેવા અને સદ્‌ગુણો આપવા આવ્યા છે. બેંકમાં વિશ્વાસ છે. તો બેંક કરતાં ભગવાન મોટા નથી? ભગવાન માટે કરેલું શાંતિ આપે. તો આપ જે કરી રહ્યા છો એનાથી ભગવાન રાજી થાય એ માટેનો આ અવસર છે. અહીં સુંદર મંદિર થશે, ભગવાન વિરાજમાન થશે. એમાં જે જે ભગવાન માટે કામ આવશે તેનાથી શાંતિ થશે.''
આજના ષોડશોપચાર પૂજનના મુખ્ય યજમાનો ભૂપેન્દ્રભાઈ શાહ પરિવાર, યોગેશભાઈ ધીરુભા રાણા તથા પરિવાર(ભલગામડા) અને મહિલા-મંડળના પ્રતિનિધિ તરીકે મૂળજી દાદાએ ઠાકોરજીની તુલાવિધિનો લાભ લીધો હતો.
તા. ૧૫-૩-૨૦૦૫ના રોજ પારાયણનો પૂર્ણાહુતિ દિન હતો. ગુણસાગર સ્વામીએ 'જનમ સુધાર્યો રે...' એ કીર્તનનું ગાન કર્યું. આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ હરિપ્રકાશ સ્વામીની સેવાઓને અંજલિ આપીને ઝાલાવાડના ભક્ત સમુદાયને સત્સંગ સદાય તાજો રાખવાની દૃઢતા કરાવી. અંતે પૂર્ણ યજમાનો ડૉ. કિશોરસિંહ, દિલીપસિંહ જે. પરમાર તથા ભગવતસિંહ ગોવુભા (અચારડા) તથા પરિવારે પૂર્ણાહુતિ પૂજનવિધિ કર્યો હતો.
સાંજે સૌની ભક્તિભીની વિદાય લઈને સ્વામીશ્રી સુરેન્દ્રનગર પધાર્યા હતા. દેવભૂષામાં સજ્જ બાળકોએ પુષ્પદલથી સ્વાગત કર્યું. એક વર્ષ ને દશ મહિના પછી સ્વામીશ્રી અહીં પધારતા હતા તેથી ભક્તોમાં અનેરો આનંદ છવાયો હતો. પ્રાસંગિક સત્કાર સભામાં નારાયણમુનિ સ્વામીએ પ્રવચન-લાભ આપ્યો. સ્વામીશ્રીને સત્કારવા માટે અહીં ભવ્યતાની જગ્યાએ ભક્તિનું આયોજન કર્યું હતું. ૮૫ પુરુષો-મહિલાઓએ નિર્જળ ઉપવાસનો હાર ચરણોમાં અર્પણ કર્યો હતો. સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ પાઠવ્યા.
તા. ૧૬-૩-૨૦૦૫ના રોજ શરૂ થતી બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને આશીર્વાદ આપીને સ્વામીશ્રીએ આત્મવિશ્વાસ જગાડ્યો. આજથી અક્ષરનિવાસી હરિપ્રકાશ સ્વામી તથા વિશુદ્ધ દર્શન સ્વામીની પુણ્યસ્મૃતિમાં નારાયણભાઈ ચોટલિયા, હરિકૃષ્ણભાઈ જે. ભટ્ટ તથા તુલસીદાસ મૂળજીભાઈ દેપાલા સાત દિવસની પારાયણ શરૂ થઇ હતી. નિત્ય સવાર-સાંજ બ્રહ્મદર્શન સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ કથામૃતનો સુંદર લાભ આપ્યો. બાળકો-યુવકોના વિવિધ નૃત્ય કાર્યક્રમો ઉપરાંત સૌને સ્વામીશ્રીના પ્રેરક આશીર્વાદનો સતત સાત દિવસ સુધી લાભ મળ્યો. નિત્ય સંધ્યા સત્સંગસભામાં આ પ્રદેશના મહાનુભાવોએ પણ આવીને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તા. ૧૭-૩-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં નગરપાલિકાના પ્રમુખ નીલેશભાઈ શેઠ, ચીફ આૅફિસર ધોરાવાલા તથા કેટલાક સભ્યોએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ ભોજક સાહેબ, સિવિલ જજ જાની સાહેબ તથા પટેલ સાહેબ વગેરેએ પણ આજે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તા. ૧૮-૩-૨૦૦૫ના રોજ જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર સી.યુ.શાહ, તેઓના સેક્રેટરી મહીપતભાઈ તેમજ સ્વામીશ્રીની મુલાકાતે શહેરના પ્રતિષ્ઠિત ડૉક્ટરો વગેરે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સંધ્યા સત્સંગસભામાં પારાયણ બાદ જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ તથા જગદીશભાઈ ïïત્રિવેદીએ જ્ઞાન સાથે ગમ્મત કરાવી હતી. સ્વામીશ્રીએ બંને હાસ્ય કલાકારોને આશીર્વાદ આપ્યા.
તા. ૧૯-૩-૨૦૦૫ના રોજ ૮૦ કિલોમીટર દૂર હળવદની નજીક આવેલા માનસર ગામથી ૧૮ હરિભક્તો ચાલીને આવ્યા હતા. લીંબડીથી ૭૮ અને સેજકપુરથી ૨૫ હરિભક્તો પદયાત્રા કરીને આવ્યા હતા. નડિયાદની ડી.ડી.આઈ.ટી. કૉલેજને રાજ્યની વિધાનસભાએ અલગ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો હતો, આથી આ યુનિવર્સિટીના કાર્યવાહક હર્ષદભાઈ દેસાઈએ યુનિવર્સિટીના વિકાસ માટે સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.
રાજ્યના શહેરી વિકાસમંત્રી આઈ.કે. જાડેજા તેમજ સુરેન્દ્રનગરના સામાજિક કાર્યકર નાગજીભાઈ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. અનાથઆશ્રમનું સંચાલન કરતા નાગજીભાઈ સાદાઈ, પ્રેમ અને શિસ્તના આગ્રહી છે. સ્વામીશ્રીનાં દર્શન કરતાં તેમણે કહ્યું: 'હું તો જાહેર ફંક્શનોમાં પણ કહું છુ _ કે તમને જીવતો દેવ(સ્વામીશ્રી) મળ્યો છે. આ દેવને સૌ બાથમાં લઈ લો, નહીં તો પાછળથી પસ્તાવાનો વારો આવશે.'
આજે સંધ્યા સત્સંગસભામાં ગુજરાત તલાટી મંડળના ઉપપ્રમુખ અને સુરેન્દ્રનગર જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ હેરમા દર્શને આવ્યા હતા.
તા. ૨૦-૩-૨૦૦૫ ને રવિવારના રોજ સુરેન્દ્રનગર તથા નજીકનાં શહેરોના હજારો હરિભક્તો દર્શને ઊમટ્યા હતા. ધ્રાંગધ્રાથી ૮૦ હરિભક્તો સાઇકલયાત્રા કરીને આવ્યા હતા.
આજે રવિસભા હતી. મંદિરમાં બંધાતા સભામંડપ માટે બાળમંડળે પોતાની બચતમાંથી એકત્રિત કરેલાં નાણાંનો પ્રતીકાત્મક ચૅક ચાર બાળકોએ ઠાકોરજીને અર્પણ કર્યો. વિશ્વહિન્દુ પરિષદના સુરેન્દ્રનગર વિસ્તારના પ્રમુખ વસંતભાઈ પટેલ તથા મહામંત્રી પ્રવીણભાઈ સોલંકીએ સ્વામીશ્રીના આશીર્વાદ લીધા.
યોગીચરણ સ્વામીના 'હાંજી ભલા સાધુ...' એ કીર્તનગાન બાદ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ યોગીજી મહારાજની અલૌકિક સાધુતાનો મહિમા ગાયો હતો.
દેહના ભાવ નહિ. કોઈ ગમે તે કહે પણ સવળું જ લેવાનું. કોઈના પર ક્રોધ નહિ, ઈર્ષ્યા નહિ અને માન તો એમના જીવનમાં હતું જ નહિ. માનનું કચુંબર કરી નાખ્યું'તુ. હમણાં મગ્નિરામનું સાંભળ્યું કે દેહને બધું સારું સારું ગમે છે અને ન મળે તો દુઃખ થાય, ક્લેશ-કજીયો થાય, અશાંતિ થાય. જ્યાં સુધી દેહના ભાવ છે, ત્યાં સુધી ભગવાનનું સુખ આવે નહિ, એટલે પહેલામાં પહેલી શરીરની ઉપાધિ ત્યજવાની છે.
આપણે માનીએ છીએ, પણ પૈસામાં સુખ નથી. પૈસા ના મળે તો એનું દુઃખ છે અને પૈસા મળે તો એનું પણ દુઃખ છે. બહુ પૈસા ભેગા થયા હોય તો લોકો નજર રાખે, ગુંડાઓ ઉઠાવી જાય. એટલે ભગવાન જેટલું આપે અને જે રીતે આપે એમાં સંતોષ રાખવો.