Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અમદાવાદ જિલ્લાના મહીજડા ગામે નવનિર્મિત મંદિરનો પ્રતિષ્ઠાવિધિ

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સમયથી અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આરંભાયેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગપ્રવૃત્તિ આજે વિકાસનાં નૂતન સોપાનો સર કરી રહી છે. તાજેતરમાં તા. ૨૪-૪-૨૦૦૫ના રોજ અમદાવાદમાં બિરાજમાન સ્વામીશ્રીએ, દસક્રોઈ તાલુકાના મહીજડા ગામના નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓનો પ્રતિષ્ઠા પૂર્વવિધિ કર્યો ત્યારે સૌને તેની વિશેષ પતીતિ થઈ હતી.
મૂળ ચિત્રાસર રહેતા અંબાલાલભાઈ સને ૧૯૬૪માં સારંગપુરના જીવાખાચરના વંશજ હકા બાપુના યોગમાં આવ્યા અને તેઓના સંપર્કથી અહીં સત્સંગની શરૂઆત થઈ હતી. ચતુરભાઈ, કાશીભાઈ, અંબાલાલ છોટાભાઈ, ચુનીલાલ ગોકળભાઈ, હેમાભાઈ, રતિભાઈ, પ્રભુભાઈ વગેરેના પ્રયત્નોથી અહીં સત્સંગનો વિકાસ થયો હતો. સ્વામીશ્રીએ પણ અનેક વખત અહીં પધારીને ખૂબ પુરુષાર્થ કરીને સત્સંગને વેગ આપ્યો છે. ૩૫૦૦ ની વસ્તી ધરાવતા આ ગામમાં સત્સંગનો વિકાસ થતાં જ મંદિરની જરૂરિયાત ઊભી થઈ. રમણભાઈ, કિરણભાઈ, મંગાભાઈ, હેમાભાઈ, નટવરભાઈ વગેરે હરિભક્તોએ બસસ્ટેન્ડ પાસે મંદિર નિર્માણ માટે જમીન દાનમાં આપી હતી. તા. ૫-૩-૨૦૦૪ના રોજ મહંત સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ મંદિરનિર્માણમાં કાશીભાઈના સુપત્ર મંગાભાઈ તથા અંબાલાલ ભાઈના સુપુત્રો નંદુભાઈ, ભીખાભાઈ, દીપેશભાઈ, જયેશભાઈ, યોગેશભાઈ, કિરણભાઈ, હિતેશભાઈ વગેરેએ તન-મન-ધનથી સહકાર આપ્યો હતો. આ ઉપરાંત અંબાલાલભાઈ, કનુભાઈ, ભીખાભાઈ, ભાવુભાઈ દરબાર, શનાભાઈ, ગોવિંદભાઈ (અમેરિકા), નટવરભાઈ (અમેરિકા), ત્રિકમભાઈ વગેરેએ પણ મંદિર નિર્માણના કાર્યમાં આર્થિક સહાય કરી હતી. કનુભાઈ પૂનમભાઈ, દુર્લભભાઈ તથા દિલીપભાઈએ મૂર્તિઓની સેવા કરી હતી. સમગ્ર સત્સંગમંડળે મંદિરના કળશ અને ધજાની સેવા કરી હતી. માત્ર ૧૩ મહિનાના ટૂંકા ગાળમાં જ મંદિર નિર્માણનું કાર્ય પૂરું થયું હતું.
પૂજા બાદ સ્વામીશ્રીએ પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું પૂજન કરી આરતી ઉતારી તથા મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ હરિભક્તો પર અક્ષતવર્ષા કરી સૌને આશીર્વાદ આપ્યા હતા.
સ્વામીશ્રીના સાંનિધ્યમાં અમદાવાદ ગ્રામ્યક્ષેત્રના હરિભક્તોની એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા બાદ સભાનો પ્રારંભ થયો હતો. વિદ્વાન સંતોનાં પ્રવચન બાદ શુકન બારોટે શ્લોકગાન તથા દેવાંશ દરજી નામના બાળકે વચનામૃતનું નિરૂપણ કર્યું હતું. ત્યારબાદ ધર્મનંદન સ્વામી અને કાર્યકરોએ આ વિસ્તારના કેટલાક હરિભક્તોના પ્રેરક પ્રસંગો રજૂ કર્યા હતા. ધોળકાના પ્રતાપભાઈ દારૂના અઠંગ વ્યસની હતા. પ્રતિષ્ઠા પૂર્વે સ્વામીશ્રીનાં દર્શનથી તેઓને અંતર્દૃષ્ટિ થઈ અને સંતોના યોગથી વ્યસનમુક્ત થઈ ગયા. ધીમે ધીમે સત્સંગની પાકી દૃઢતા થઈ. મંદિરની પ્રતિષ્ઠા બાદ દરરોજ તેઓ તેમના પત્ની સાથે મંદિર વાળવા નિયમિત રીતે પહોંચી જાય છે! જલાલપુર ગામના દક્ષેશ પટેલ દિલ્હી અક્ષરધામ નિમિત્તે અઢાર મહિનાના ધારણાંપારણાં કરી રહ્યા છે. આવા વ્રતની વચ્ચે પણ આજે ૪૦ કિલોમીટર પદયાત્રા કરીને તેમણે ગુરુભક્તિ અદા કરી હતી. કઠલાલથી પણ મહિલાઓ તથા બાળકો પદયાત્રા કરીને સ્વામીશ્રીનાં દર્શને આવ્યાં હતાં. વિરમગામના નિશિથભાઈ, અસલાલીના રાજુભાઈ વગેરેના પ્રસંગો પણ આવા જ પ્રેરક છે. આ પ્રસંગોની રજૂઆત બાદ વિવિધ મંડળોએ ભક્તિભાવપૂર્વક બનાવેલા હાર કાર્યકરોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા હતા.
સભાના અંતમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ સૌને કૃતાર્થ કર્યા હતા.
આશીર્વાદ બાદ ગ્રામ્યવિસ્તારના સૌ હરિભક્તોને સ્વામીશ્રીના સમીપદર્શનનું સુખ પ્રાપ્ત થયું હતું.
આજે સંધ્યા સત્સંગસભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વામીશ્રીના દર્શન-આશીર્વાદ માટે ખાસ પધાર્યા હતા. શ્રી નરેન્દ્રભાઈએ હાર અર્પણ કરી સ્વામીશ્રીનું અભિવાદન કર્યું હતું. હિન્દુ અસ્મિતાની વિગતસભર અને મનનીય છણાવટ કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ïïવિશાળ સત્સંગસભાને સંબોધતાં જણાવ્યું હતું કે ''ગુજરાત અનેક રીતે ભાગ્યશાળી છે, આપણે મહાભાગ્યશાળી છીએ કે પ્રમુખસ્વામી જેવા મહાપુરુષ આજના યુગમાં આપણું માર્ગદર્શન કરી રહ્યા છે. તેઓ હિન્દુ ધર્મની મહાન પરંપરાનો એવો મણકો છે, રાષ્ટ્રને સમયાનુકૂલ શક્તિની જરૂર છે એ તેઓ આપતા રહે છે. કાર્ય કરીને તેઓ આપણને રાહ દેખાડે છે. અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયે માનવજાતનું શું કલ્યાણ કર્યું છે એ મૂલવવા માટે આપણે બહુ નાના પડીએ, પણ ૨૫ વર્ષ પછી એનું સાચું મૂલ્યાંકન થશે કે જીવનમાં આધુનિકતા અને વૈજ્ઞાનિકતા, દિવ્યતા અને ભવ્યતા એનો સુમેળ કરીને વૈશ્વિક પરિવેશની અંદર આ સમાજ જીવનને આધ્યાત્મિક ચેતના આપવાનું કામ આ યુગમાં પ્રમુખસ્વામીના નેતૃત્વમાં કેવું થયું છે! આ સામર્થ્યને આપણે પૂજીએ છીએ. આ ત્યાગ ને તપશ્ચર્યાને પૂજીએ છીએ.''
તા. ૨૫-૪-૨૦૦૫ના રોજ સવારે મંદિરના ચોકમાં કાષ્ઠની કલાકોતરણીયુક્ત પાલખીમાં ઠાકોરજી સાથે ત્રણ મોરના કપાળ ઉપર પણ ચાંદલા કરી પાલખીને પ્રસાદીની કરી હતી. આજે પૂજા દરમ્યાન સંતોએ 'સ્વામિનારાયણ ચરિત માનસ'માંથી શ્રીહરિના દિવ્ય લીલાચરિત્રની સ્મૃતિ કરાવી હતી.
સાંજે નવા મુમુક્ષુઓને વર્તમાન ધરાવી સ્વામીશ્રી સભામાં પધાર્યા. વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ 'પ્રમુખસ્વામી આરોગ્ય કેન્દ્ર'માં સેવા આપતા ડો. વી.પી. પટેલ, ડો. આશિષભાઈ વ્યાસ તથા ડો. બાજડિયાને સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યા હતા. વિવેકમુનિ સ્વામીએ 'કાર્યકર માર્ગદર્શિકા' નામની હિન્દી પુસ્તિકાનું સ્વામીશ્રી પાસે ઉદ્‌ઘાટન કરાવ્યું. અમદાવાદના જુદા જુદા ૨૩ વિસ્તારના ૩૦૫ યુવકોએ ચોવીસ કલાક સુધી ૧૯૫ જનમંગલના પાઠ કરીને સ્વામીશ્રીના સુસ્વાસ્થ્યની મંગલ કામના કરી હતી. આ યુવકો અને પારાયણના યજમાનોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા.
સભાના અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ ભક્તિસભર જીવન જીવવાની પ્રેરણા આપી હતી.
તા. ૨૬-૪-૨૦૦૫ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં માઉન્ટ આબુથી સંસ્થાના છાત્રાલય-વિદ્યામંદિરનાં ૧૨૦ બાળકો દર્શને આવ્યા હતા. તેઓએ સમૂહમાં ચોસઠપદીનું ગાન કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પ્રાતઃપૂજા બાદ ૩૦ જેટલા બટુકોને સ્વામીશ્રીના આશીર્વાદ સાથે સમૂહયજ્ઞોપવીત આપવામાં આવી હતી. સંધ્યા સત્સંગસભામાં સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા હિન્દીમાં પ્રકાશિત 'અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કા ઉપદેશામૃતમ્‌' પુસ્તકનું સ્વામીશ્રીએ ઉદ્‌ûઘાટન કર્યું હતું.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |