Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અમદાવાદમાં નવાવાડજ તથા મણિનગરમાં નવનિર્મિત કલાત્મક સંસ્કારધામોમાં પ્રતિષ્ઠામહોત્સવો

ભગવાન સ્વામિનારાયણે જ્યાંથી મંદિરનિર્માણનો આરંભ કર્યો હતો એ કર્ણાવતી નગરી અમદાવાદ શહેરના અધિકાંશ વિસ્તારોમાં, પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્કારધામ-મંદિરો સત્સંગપ્રવૃત્તિથી અહોરાત્ર ગૂંજતાં રહે છે. તાજેતરમાં તા. ૨૭-૪-૨૦૦૫ના રોજ શહેરને સ્વામીશ્રીએ નવાવાડજ અને મણિનગર એમ બે વધુ કલાત્મક અને સુવિધાસજ્જ નૂતન સંસ્કારધામ મંદિરોની ભેટ આપી હતી. આજે પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ આ નૂતન સંસ્કારધામોમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું પૂજન કરી આરતી ઉતારી હતી. આ ઉપરાંત નિર્ણયનગર, નિકોલ અને ચાંદલોડિયા વિસ્તારના સંસ્કારધામોનું ખાતમુહૂર્ત પણ સ્વામીશ્રીએ કર્યું હતું.
સને ૧૯૭૩માં અમદાવાદના ઉપનગર નવાવાડજમાં વી. વી. મહેતાના ઘરે સ્વામીશ્રી પધાર્યા હતા. અંબાલાલભાઈ (બકરી પોળવાળા)ના સંપર્કને કારણે વી.વી. મહેતાને સત્સંગનો રંગ લાગ્યો હતો. સ્વામીશ્રીની પધરામણી બાદ અહીં સત્સંગમંડળની સ્થાપના થઈ. ગોરધનભાઈ પટેલ (પીજ), ખોડાભાઈ, જ્યોતીન્દ્રભાઈ ગોર, બાબુભાઈ મકવાણા, અંબુભાઈ પટેલ વગેરેએ સત્સંગપ્રસારણમાં વેગ આપ્યો. પ્રારંભમાં શ્રીહરિ સ્વામી, આત્મસ્વરૂપ સ્વામી, વિવેકજીવન સ્વામી, પરમાનંદ સ્વામી વગેરે સંતો અને હાલમાં વિમલપ્રકાશ સ્વામી, રાહુલ સ્વામી તેમજ સ્થાનિક યુવકોના પ્રયત્નોથી અહીં સત્સંગનો વિકાસ થયો. વિકસતા સત્સંગને ધ્યાનમાં રાખીને સ્વસ્તિક હાઇસ્કૂલની બાજુ માં વિશાળ જમીન સંપાદિત કરવામાં આવી. કોઠારી સત્સંગિજીવન સ્વામીના પુરુષાર્થથી માત્ર અગિયાર મહિનાના ટૂંકા ગાળામાં જ ૬,૭૦૦ ચોરસફૂટનું વિશાળ બાંધકામ પૂર્ણ થયું હતું.
સંસ્કારધામના નિર્માણમાં મુખ્ય દાતા રોહિતભાઈ પટેલ (ચેરીહિલ) ઉપરાંત અરવિંદભાઈ મકવાણા તથા પંકજભાઈ પટેલની આર્થિક સેવાઓ મુખ્ય રહી હતી. આ ઉપરાંત ભરતભાઈ ઓઝા, ભોળાભાઈ ગેડિયા, સતીષભાઈ ગજ્જર, અશોકભાઈ બ્રહ્મભટ્ટ, નટુભાઈ બ્રહ્મભટ્ટ, સુરેશભાઈ પટેલ, અશોõકભાઈ પટેલ તથા સ્થાનિક સત્સંગમંડળે મંદિર નિર્માણના કાર્યમાં ખૂબ જ પુરુષાર્થ કર્યો હતો. મંદિર નિર્માણ થાય તે માટે છેલ્લાં પોણા ત્રણ વર્ષથી આ મંડળનું એક દંપતી દરરોજ વાડજથી યજ્ઞપુરુષ પોળ પદયાત્રા કરીને જતું હતું. તા. ૨૯-૪-૨૦૦૫ના રોજ ડોક્ટર સ્વામી તથા ઈશ્વરચરણ સ્વામીના હસ્તે અહીં મૂર્તિઓની સ્થાપનાવિધિ થયા બાદ તા. ૩૦-૪-૨૦૦૫ના રોજ સ્વામીશ્રીએ અહીં પધારીને મંદિરને તીર્થત્વ આપ્યું હતું.
ઘુમ્મટ-ઘુમટીઓ અને કલાત્મક છત્રીઓથી શોભતા મંદિરમાં પગથિયાં ઉપર ઊભેલા બાળકોએ વિવિધ વેશભૂષા સાથે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. મંદિરના મુખ્ય દરવાજા આગળ ઊભા રહીને દ્વારશાખનું પૂજન સ્વામીશ્રીએ કર્યું. સુવર્ણરસિત કાષ્ઠના કોતરણીયુક્ત સિંહાસનમાં વિરાજમાન દેવસ્વરૂપોનું સ્વામીશ્રીએ વિધિવત્‌ પૂજન-આરતી કર્યાં.
મંદિરના વિશાળ હૉલમાં ચિક્કાર ભરાયેલી સભામાં સ્વામીશ્રીના આગમન પૂર્વે ડૉક્ટર સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ કથાવાર્તાનો લાભ આપ્યો હતો. ત્યારબાદ મંદિરના નિર્માણમાં સેવા આપનારા તથા સ્થાનિક આગેવાનોએ સ્વામીશ્રીનું હારતોરાથી સન્માન કર્યું. અહીંની જમીન મેળવવામાં પુરુષાર્થ કરનાર આત્મસ્વરૂપ સ્વામીના પ્રવચન બાદ વિમલપ્રકાશ સ્વામીએ આભારવિધિ કર્યો. અંતે આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે ''મહિમા ને સંપ એ જોગી મહારાજનું સૂત્ર છે. જેવો મંદિર કરવામાં મહિમા ને સંપ છે એવો ને એવો કાયમ રહેવો જોઈએ. કથાવાર્તા, ઉત્સવ, કીર્તન થાય એ કરવાનું છે, કારણ કે જમણવાર કર્યો ને જમીએ નહીં, તો શું થાય? બધું પડી રહે. એટલે નિયમિત રીતે સત્સંગ થાય. ઘરે પણ પાઠપૂજા થાય. વ્યસન-દૂષણ પેસે નહીં. સત્સંગ જીવનો કરવાનો છે, દેહનો નથી કરવાનો. મંદિર મારું છે, ભગવાન મારા છે અને ભગવાન માટે હું આવું છુ _. એવી ભાવના જોઈએ. ઘરે બૈરાંય બોલી જાય છે પણ એ ખમાય છે, પણ આવા ભગવાન જેવા પુરુષ કહે એ ખમાતું નથી. કોઈ ગમે એમ બોલે, અપમાન કરે પણ આપણે સત્સંગ કરવા ને આપણા જીવનું રૂડું કરવા આવ્યા છીએ, માન-મોટપ લેવા આવ્યા નથી. મહિમા હોય તો કોઈ દા'ડો મન પાછુ _ ન પડે.
કામકાજ તો છે જ પણ સાંજે બધા ભેગા થાય ને આરતી, કથા થાય. એ નિયમ બધા રાખજો તો આજુબાજુ વાળાને પણ પ્રેમ થશે ને તમારો સત્સંગ પણ દૃઢ થશે. બાળમંડળ, યુવકમંડળ ને બધા વિકાસ પામે. સત્સંગ વધ્યો એ આનંદ છે ને હજુ વિશેષ વધે. જેણે જેણે તન, મન, ધનથી સેવા કરી છે એ બધાનું ભગવાન કલ્યાણ કરશે.''
મણિનગર
શ્રીજીમહારાજની પદરજથી અનેક વખત પાવન થયેલા મણિનગર વિસ્તારમાં સને ૧૯૭૩માં અક્ષરપુરુષોત્તમ સત્સંગમંડળની સ્થાપના થઈ હતી. પ્રારંભમાં શિવલાલ પરમાર, ત્રિભુવનભાઈ સોની, શંભુભાઈ પટેલ વગેરેના ઘરે તથા સરદાર સ્કૂલમાં સત્સંગસભાઓ યોજાતી હતી. ત્યારબાદ જયંતીભાઈ દવેએ સમર્પિત કરેલા તેમના નિવાસસ્થાને સંસ્કારધામ સ્થપાયું અને સત્સંગના વિકાસને વધુ વેગ મળ્યો. શરૂઆતમાં કાશીભાઈ પટેલ, લક્ષ્મીશંકર ભટ્ટ, શિવશંકર ભટ્ટ, શંભુભાઈ પટેલ, યુ.કે. પટેલ, રતિભાઈ પંડ્યા, કાંતિભાઈ વાઘેલા, મહેશભાઈ ભટ્ટ, રામચંદ્રભાઈ બારોટ, પ્રવીણભાઈ દવે, પ્રહ્‌લાદભાઈ બ્રહ્મભટ્ટ, પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટ, વિષ્ણુભાઈ ભટ્ટ, શાંતિલાલ પાટડિયા, પ્રમુખભાઈ પટેલ, લાલજીભાઈ સોલંકી વગેરેએ પોતાની સેવાઓ આપી હતી. પ્રારંભમાં શ્રીહરિ સ્વામી અહીં સત્સંગસભામાં લાભ આપતા હતા. પૂર્વે શુકમુનિ સ્વામી, પ્રેમવદન સ્વામી, નિષ્કામસેવા સ્વામી વગેરે સંતો તેમજ હાલમાં વિવેકપ્રિય સ્વામી તથા કૃષ્ણસ્વરૂપ સ્વામીએ અહીં સત્સંગના વિકાસનું કાર્ય કર્યું છે.
ધીમે ધીમે સત્સંગનો વ્યાપ વધતાં એલ. જી. હૉસ્પિટલની સામે સંસ્કારધામ માટે જમીન સંપાદિત કરવામાં આવી હતી. શ્રમયજ્ઞો, પસ્તી કલેક્શન, સંપર્ક, સોવેનિયર, કુપન, તુલસીતુલા જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર સત્સંગ મંડળે મંદિર નિર્માણના કાર્યમાં આર્થિક સહયોગ આપ્યો હતો. મહેન્દ્રભાઈ પ્રજાપતિએ ઈંટો અને હિંમતભાઈ પટેલે દરવાજાની સેવા કરી હતી. વી.એસ.ભટ્ટ, હરિવદનભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ ઠક્કર, નાયકાવાળા પરિવાર, સૌમિલભાઈ મહેતા (અમેરિકા), જે. જી. પટેલ, પી. એમ. પટેલ, અજયભાઈ ગાંધી, પરમાનંદભાઈ વાઘેલા, રજનીભાઈ પરીખ, યુ.કે. પટેલ તથા ચંપકભાઈએ મૂર્તિઓની તથા અન્ય સેવા કરી હતી. ભાલાણી પરિવાર, ચંદ્રવદનભાઈ જે. પટેલ તથા મહેશભાઈએ ઠાકોરજીના સિંહાસનની; વી. એસ. ભટ્ટ, પ્રવીણભાઈ આર. પટેલ (દુર્ગા), કનુભાઈ પટેલ અને મધુબહેન પટેલે (અમેરિકા) કળશ તથા ધ્વજદંડની સેવા કરી હતી. મૂકેશભાઈ પટેલ તથા ઘનશ્યામસિંહ જાડેજાએ મંદિરનિર્માણના કાર્યમાં સુપરવીઝન કર્યું હતું. કોઠારી સત્સંગિજીવન સ્વામીએ સમગ્ર મંદિર પરિસરને વિકસાવવામાં ખૂબ જહેમત લીધી હતી.
તા. ૧-૫-૨૦૦૫ના રોજ ડૉક્ટર સ્વામીના હસ્તે મૂર્તિઓની સ્થાપનાવિધિ બાદ તા. ૨-૫-૨૦૦૫ના રોજ સ્વામીશ્રીએ અહીં પધારીને મંદિરના વિશાળ પરિસરને તીર્થત્વ આપ્યું હતું. ભવ્ય શિખરબદ્ધ મંદિર જેવા અને ૮૪૨૮ વારના વિશાળ પ્રાંગણમાં શોભી રહેલા મંદિરને જોતાં જ સ્વામીશ્રીની આંખોમાં આનંદના ભાવ છવાઈ ગયા. આતશબાજી વડે સ્વામીશ્રીના આગમનને વધાવવામાં આવ્યું. કાંકરિયા સરોવર પર કરેલા મહાયજ્ઞ વેળાએ અહીં પગલાં કરીને ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિને પ્રાસાદિક કરી હતી. તેની સ્મૃતિમાં પરિસરમાં જમણી બાજુ એ પધરાવેલાં ચરણારવિંદ અને છત્રીનું પૂજન સ્વામીશ્રીએ કર્યું. મંદિરના પગથિયે દેવભૂષામાં સજ્જ બાળકો ફૂલનો અર્ઘ્ય લઈને ઊભા હતા. મંદિરના ઘુમ્મટમાં મહારાજની લીલાનાં ઓઈલ પેઇન્ટીંગ્સ શોભી રહ્યાં હતાં. સુવર્ણરસિત સિંહાસનમાં આરસના અક્ષરપુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, રામપરિવાર, શિવપરિવાર તથા ગુરુપરંપરાની મૂર્તિઓનું સ્વામીશ્રીએ વિધિવત્‌ પૂજન કર્યું અને આરતી ઉતારી. મંદિર, પાછળ બંધાયેલા સભાખંડ અને નીચેના માળમાં આવેલી આૅફિસોનું નિરીક્ષણ કરીને સ્વામીશ્રી પ્રાસંગિક સમારોહમાં પધાર્યા. આઠ હજાર હરિભક્તોથી પ્રાંગણ છલકાતું હતું. વિવેકસાગર સ્વામી, ડૉક્ટર સ્વામી વગેરેનાં પ્રવચન બાદ સ્વામીશ્રીનો સત્કારવિધિ થયો. મંદિરના નિર્માણમાં સંનિષ્ઠ સેવા આપનારા સ્થાનિક કાર્યકરો તથા અગ્રેસરોએ તેમજ જાણીતા સામાજિક અગ્રણી ગોરધનભાઈ શંભુભાઈ પટેલ, ભૂમિના મૂળ માલિક શેઠ ગૌરાંગભાઈ જગાવાલા તથા લોકનેતા સિદ્ધાર્થભાઈ ચીમનભાઈ પટેલે સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. વિવેકપ્રિય સ્વામીએ મંદિરનિર્માણમાં સહકાર આપનાર સૌનો આભાર માન્યો.
અંતે અહીં વિચરેલા ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાઓની સ્મૃતિ કરીને સ્વામીશ્રીએ જણાવ્યું કે ''આ પ્રાસાદિક ભૂમિ છે, કારણ કે ભગવાન અહીં બધે જ વિચર્યા છે. સંતોનાં વિચરણથી સત્સંગની પણ વૃદ્ધિ થઈ ને આવું સુંદર મંદિર આપણને પ્રાપ્ત થયું છે.
પરા અને અપરા વિદ્યા બે વિદ્યાઓ છે. સ્કૂલ-કૉલેજમાં ભણીએ છીએ એ અપરા વિદ્યા કહેવાય. શિક્ષણ પ્રાપ્ત થાય જેથી દેશનો વિકાસ થાય ને શાંતિથી જીવન જીવી શકે. બીજી પરા વિદ્યા એટલે આધ્યાત્મિક વિદ્યા. એ વિદ્યાનું જ્ઞાન આપણા •ષિ-મુનિઓએ પ્રાપ્ત કર્યું છે. બેય વિદ્યાની જરૂર છે. બે પાંખ હોય તો ઊડી શકીએ છીએ. એમ આપણા જીવનમાં પરા ને અપરા વિદ્યા હોય તો ભૌતિક વિકાસ કરી શકીએ અને આધ્યાત્મિક વિકાસ પણ કરી શકીએ. ભૌતિક વિકાસમાં જો આધ્યાત્મિક જ્ઞાન હોય તો આપણા જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય. વિજ્ઞાને ખૂબ સરસ આપ્યું - રોડ, લાઇટો થઈ, આકાશમાં ઊડતા થયા. સાથે શાંતિ થાય તે માટે આપણાં શાસ્ત્રો અને મંદિરો થતાં આવ્યાં છે. •ષિમુનિઓએ સાધનાઓ કરીને અનુભવ કર્યો કે ભગવાન છે. માટે જે ભગવાનને માનતા હો, જેમાં શ્રદ્ધા હોય એનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ, ભજન કરો ને એના આદેશોનું પાલન કરો. ભૌતિક વિકાસની સાથે, એકબીજાને સુખી જોઈ રાજી થાય- એવી ભાવનાઓ આધ્યાત્મિકતાથી થાય છે. પવિત્ર જીવન જીવી ભગવાને આપેલા નિયમો પાળી આધ્યાત્મિક અસ્મિતા રાખીને કાર્ય કરીશું તો સર્વ પ્રકારે સુખ થશે.
આ મંદિરમાં જેણે જેણે સેવા કરી એ તમામને ભગવાન સુખી કરે ને અંતે ભગવાનનું સુખ સર્વને પ્રાપ્ત થાય એ ભગવાનને પ્રાર્થના.''

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |