Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભાવનગરમાં પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય સત્સંગલાભ

તા. ૨૩-૫-૨૦૦૫થી સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે ભાવનગર ખાતે બિરાજીને દિવ્ય સત્સંગલાભથી સૌને કૃતકૃત્ય કર્યા હતા. તા. ૨૩મીએ સંધ્યા સમયે સ્વામીશ્રી અહીં અક્ષરવાડી ખાતે નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પધાર્યા ત્યારે તેઓનાં પ્રથમ દર્શન કરવા માટે હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આજે વૈશાખી પૂર્ણિમા હતી. પૂર્ણિમા નિમિત્તે અહીં કાયમ નાના પ્રમાણમાં અન્નકૂટ ભરાય છે. આજે સ્વામીશ્રીના આગમન નિમિત્તે વિશાળ અન્નકૂટ યોજવામાં આવ્યો હતો. આ અન્નકૂટનાં દર્શન કર્યાં. આ દરમ્યાન બાળમંડળે કાલીઘેલી ભાષામાં સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. એક બાળક રાજાના વેષ સાથે સ્વામીશ્રી સમક્ષ ઊભો હતો અને બીજા દરબારીઓ પણ હતા. રાજા બનેલા બાળકે સ્વાગત કરતાં કહ્યું: 'આવો, પધારો પ્રમુખસ્વામી મહારાજ! આપ જ્યારે અમારા રાજ્યમાં પધાર્યા છો ત્યારે સમગ્ર ભાવનગરનું રજવાડું હું આપને અર્પણ કરું છુ _.' એમ કહેતાં ભાવનગરનો નકશો સ્વામીશ્રીને અર્પણ કર્યો. નકશા ઉપર દૃષ્ટિ કરતાં હસતાં હસતાં સ્વામીશ્રી એ બાળકને કહેઃ 'દરબાર સાહેબ! આ નકશામાં તમારી સહી તો છે નહીં ! કોણે લીધું અને કોણે દીધું!' બાળક માટે આ પ્રોગ્રામ અલિખિત (સ્ક્રીપ્ટ વગરનો) હતો, એટલે એ જવાબ આપવામાં મૂંઝાઈ ગયો. સ્વામીશ્રી હસતાં હસતાં પ્રદક્ષિણા કરવા લાગ્યા. વાતાવરણમાં ગીત ગુંજી રહ્યું હતું, 'તમે આવો રે પધારો રે, વહાલા પ્રમુખસ્વામી મહારાજ.'
આજે સ્વામીશ્રીએ મંદિરની પાછળ નવા જ તૈયાર થયેલા સંતનિવાસનું વેદોક્તવિધિપૂર્વક ઉદ્‌ઘાટન કર્યું હતું. પ્રાસંગિક સમારોહમાં વિવેકસાગર સ્વામીએ ટૂંક ઉદ્‌બોધન કર્યા પછી સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવ્યા હતા.
તા. ૨૪-૫-૨૦૦૫ના રોજ સંધ્યાસભાથી ગઢાળીવાળા દિનેશભાઈ કળથિયાના અક્ષરવાસ નિમિત્તે પારાયણનો પ્રારંભ થઈ રહ્યો હતો. પ્રારંભરૂપે ધામધૂમથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. દિનેશભાઈના ઘરેથી ધામધૂમપૂર્વક શરૂ થયેલી પોથીયાત્રા અત્યારે અહીં સમાપ્ત થઈ હતી. વિવેકસાગર સ્વામીએ આજથી 'હરિલીલાકલ્પતરુ' પારાયણનો પ્રારંભ કર્યો. તેઓના નિરૂપણ પછી 'આનંદનો અવસરિયો...' એ ગીતના આધારે સ્વાગતનૃત્ય રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ હરિભક્તો વતી કોઠારી સોમપ્રકાશ સ્વામીએ હાર અર્પણ કરીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. આજના પારાયણના મુખ્ય યજમાન અક્ષરનિવાસી દિનેશભાઈના ૬ મહિનાના સુપુત્ર દર્શન દિનેશકુમાર તથા તેઓના ભાગીદાર ભાવેશભાઈ લખાણી, દિનેશભાઈના પિતાશ્રી ઓધવજીભાઈ તથા પરિવારજનોએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. આ ઉપરાંત આજની સભામાં બુધાભાઈ પટેલ (માજીમેયર તથા ઉદ્યોગપતિ), વિઠ્ઠલભાઈ મેંદપરા (ડાયમન્ડ એસોસિયેશનના પ્રમુખ), શ્રી મકવાણા સાહેબ (આર.ડી.સી.), શ્રી પલસાણા સાહેબ, (એસ.ડી.એમ.), શ્રી તન્ના સાહેબ (ડેપ્યુટી કમિશનર) વગેરે મહાનુભાવોએ પણ ગુલછડી અર્પણ કરીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું.
આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : ''ભાવનગરને આંગણે કથાનું સુંદર આયોજન થયું છે અને આપ બધા ખૂબ પ્રેમથી એનું શ્રવણ કરવા આવ્યા છો તો સર્વને ધન્યવાદ છે. ભગવાનનાં ચરિત્રો શાંતિ આપે છે. આવી પારાયણોથી આત્મા-પરમાત્માનું સાચું જ્ઞાન થાય છે. ડૉક્ટર, એન્જિનિયર, સાયન્ટીસ્ટ થયા હોય પણ એનાથી દેહનું સુખ પ્રાપ્ત થાય, પણ માયાથી પર થવાતું નથી. પણ જ્યારે ભગવાન પૃથ્વી પર આવે અને એમનું જેવું છે એવું સ્વરૂપ ઓળખાય તો અજ્ઞાન જાય. મનુષ્યની રીતે આવ્યા હોય એટલે ઓળખાય નહીં. રાવણ વિદ્વાન, હોશિયાર, પંડિત હતો તો પણ ભગવાન રામને ઓળખી ન શક્યો. કૃષ્ણ ભગવાન આવ્યા તો પણ ગોવાળિયો છે, ભરવાડ છે એમ ઓળખી શક્યા નહીં. ઐશ્વર્ય બતાવે તો પણ કહે કે કામણટુમણવાળા છે, બાબરો ભૂત સાધ્યો છે, એ સ્વરૂપનું જ્ઞાન ન હોય તો ગોળખોળ ભેગાં થઈ જાય કે આ તો આપણા જેવા જ છે. હનુમાનજીએ રામને ખરેખર ઓળખ્યા ને ભક્તિ કરી તો ગામમાં રામનાં મંદિર નહીં હોય એટલાં હનુમાનજીનાં થઈ ગયાં. ભગવાન શ્રીજીમહારાજના વખતમાં જે કાઠી દરબારોએ ઓળખ્યા ને ભગવાન માનીને સેવા કરી તો શાસ્ત્રમાં નામ લખાઈ ગયાં. જેણે ભગવાનને ઓળખ્યા એનું કામ થઈ ગયું. ભગવાન તો કોઈપણ સ્વરૂપમાં આવે પણ એ સમજાય તો કામ થાય. એ ભલે સાજા-માંદા દેખાય, ખાવા-પીવામાં આપણા જેવા દેખાય પણ એ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો અંતરના દોષો-સ્વભાવ ટળી જાય.''
તા. ૨૫-૫-૨૦૦૫ના રોજ ૧૨૫ જેટલા શિશુઓ વતી તેઓના વાલીઓને વર્તમાનમંત્ર બોલાવીને સ્વામીશ્રીએ શિશુઓને સમૂહ વર્તમાન આપ્યાં હતાં. સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ 'હરિલીલાકલ્પતરુ' પર કથામૃતનો લાભ આપ્યા બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા. આજે સભામાં પ્રસન્નવદનભાઈ મહેતા (માજી સાંસદ, સોમનાથ મંદિરના ટ્રસ્ટી), કનુભાઈ વડોદરિયા (જાણીતા આગેવાન), શરદભાઈ વાઘેર (ઉદ્યોગપતિ), હીરા ઉદ્યોગના અગ્રણી બાબુભાઈ કેવડિયા, દાસભાઈ પીપળિયા, પ્રેમજીભાઈ વનાણી, જનકસિંહ વકીલ તથા મહેન્દ્રભાઈ (મૂળજી નાનાલાલ મંડપ સર્વિસ) વગેરે પણ ઉપસ્થિત હતા.
તા. ૨૬-૫-૨૦૦૫ના રોજ સવારે બાળકોએ ઠાકોરજી સમક્ષ સ્વામીશ્રીના સ્વાગતનો એક વિશિષ્ટ ઉપક્રમ રચ્યો હતો. કોઈ બાળક વકીલ તો વળી કોઈ ડૉક્ટર, કોઈ સમાજસેવક તો કોઈ સ્વયંસેવક, કોઈ મહેતાજી બનીને સ્વામીશ્રીના પ્રદક્ષિણાપથમાં છૂટક છૂટક ઊભા હતા. સૌએ કાલીઘેલી ભાષામાં સ્વામીશ્રીને પોતાની ભાવનાઓ સંભળાવી. સ્વામીશ્રીએ આત્મીયતાથી સાંભળીને સૌની ભક્તિને સ્વીકારી. આજે પ્રાતઃપૂજામાં જાણીતા લોકગાયક શામજીભાઈએ કીર્તનો ગાઈને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તના પ્રાગટ્યસ્થાન મહુવામાં પ્રતિષ્ઠિત થનાર અક્ષરપુરુષોત્તમ મહારાજની સંગેમરમરની મૂર્તિ તથા ગુરુપરંપરાની પટની મૂર્તિઓનાં પૂજન તથા આરતી સ્વામીશ્રીએ વેદોક્તવિધિપૂર્વક કર્યાં. મહુવાથી આવેલા વલ્લભભાઈ ટાંક તથા ૨૦ જેટલા મુખ્ય હરિભક્તોએ પણ પૂજનવિધિનો લાભ લીધો હતો.
સંધ્યા સભામાં સરદારનગરમાં આવેલા ગુરુકુળના આદિ મહંત નારાયણપ્રિય સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે 'પ્રમુખસ્વામી જેવા સંતો જ આવાં ભગીરથ કાર્ય કરી શકે. આવા સંતનું લક્ષણ એક જ શ્લોકમાં વર્ણવાયું છે. મનસ્યેકં વચસ્યેકં કર્મણ્યેકં મહાત્મનામ્‌। નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છેઃ 'સંત વિના રે સાચી કોણ કહે....' આજે પ્રમુખસ્વામી જેવા સંત પ્રવાસ કરે છે એ શા માટે ? એમને શું લેવું છે ? કદાચ લેવું હોય તોય પોતા માટે તો સહેજ પણ નહીં. જેમ વાયુ સુગંધ લઈને બીજાને આપે છે એમ આવા સંતો કદાચ લે પણ એ બીજા માટે.'
તા. ૨૭-૫-૨૦૦૫ના રોજ સંધ્યા સત્સંગસભામાં યુવકોએ નીલકંઠ વણીના વિચરણમાંથી જગન્નાથપુરીમાં અધર્મ સર્ગનો ઉચ્છેદ અને સેવકરામનો સંવાદ રજૂ કર્યો. આજની સભામાં પ્રતાપભાઈ શાહ (માજી નાણામંત્રી), મનમોહનભાઈ તંબોળી (જૈન સમાજના પ્રમુખ), ગુણવંતભાઈ વડોદરિયા (ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર), એસ.કે.પાલડી (હીરાઉદ્યોગના અગ્રણી), ભૂપતભાઈ વ્યાસ (પ્લાસ્ટિક ઍસોસિયેશનના પ્રમુખ), અચ્યુતભાઈ મહેતા, વાલ્મીકભાઈ (ભાવનગર ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક), કિરીટસિંહ ગોહિલ (સિલ્વર બેલ્ટ સ્કૂલના સંચાલક અને સ્થાપક), નાનજીભાઈ બોચડવા તથા બાલાભાઈ લીંબડી વગેરે અગ્રણીઓએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે 'સત્ય અને દયા આ બે ગુણો માણસમાં હોવા જોઈએ. બીજાને ત્રાસ આપવો, હેરાન કરવા એ અસુરનું કામ છે. 'દયા ધરમ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન.' એટલે આપણે કોઈપણ જાતનું અભિમાન રાખવું નહીં. માણસનો સ્વભાવ છે કે કોઈએ ઉપકાર કર્યો હોય તો તેનો બદલો અપકારથી કરે. મદદ કરી હોય, આગળ લાવ્યો હોય તો પણ અપકાર કરે. સેવકરામ એવો હતો. કર્યા કૃતને ન જાણે તે કૃતઘ્ની. એમ ભગવાને શરીર આપ્યું, બુદ્ધિ આપી, પણ માણસ ભૂલી જાય છે, અને કહે, 'ભગવાને મારે માટે શું કર્યું ? મને દુઃખી કર્યો, હેરાન કર્યો,' પણ ભગવાનને તો દરેકનું સારું જ કરવું છે. બીજાને મદદ કરવી, બીજાને પ્રેમ કરવો એ માનવતા છે. શ્રીજીમહારાજે પૃથ્વી પર પ્રગટ થઈ જીવોમાં સદ્‌ગુણો પ્રગટ કર્યા ને કલ્યાણ કર્યું, ધર્મના સંસ્કારો આપીને સાચો માણસ બનાવીને ભગવાનની ભક્તિ કરાવીને સાચો માણસ બનાવ્યો છે. એવો ભગવાન સ્વામિનારાયણનો અદ્‌ભુત પ્રતાપ છે !'

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |