Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષણનો અર્થ સમજાવતા સ્વામીશ્રી

તા. ૧૩-૮-૨૦૦૫ના રોજ બોચાસણ ખાતે આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું સંમેલન યોજાયું હતું. 'ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષા સંઘ' તથા 'આણંદ જિલ્લા પ્રાથમિક સંઘ'ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સંમેલનમાં ૪૦૦૦ કરતાં પણ વધારે શિક્ષકો ઉપસ્થિત હતા. આ શિક્ષકબંધુઓને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વચનોનો અમૂલ્ય લ્હાવો પ્રાપ્ત થયો હતો.
ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિલીપસિંહ ગોહિલે સ્વામીશ્રીનાં ચરણોમાં પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો. સંમેલનના પ્રમુખસ્થાનેથી આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહે વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે 'આ વખતે આણંદ અને ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિમાં આપના આશીર્વાદથી આ સંસ્થાએ જે સેવા આપી છે એ સેવા સરકાર પણ ન આપી શકે એવી હતી. પાંચ પાંચ ફૂટ પાણીમાં સંતો પોતાના જાતની પરવા કર્યા વગર રાહત પહોંચાડવા માટે આવતા. આપના આશીર્વાદથી જ આ બધું થયું છે.'
દેશના ભવિષ્યનું ઘડતર કરનારા સૌ શિક્ષકોને આશીર્વચન પાઠવતાં સ્વામીશ્રીએ શિક્ષણમાં સંસ્કારોની અગત્યતા સમજાવીને કહ્યું હતું કે 'શિક્ષણમાં આપણા મૂળ સંસ્કારો હશે તો પ્રગતિ થશે. આપણે એને જો મૂકી દઈએ તો અધોગતિ. પાયાની વસ્તુ મૂકી દો તો આગળ વધાશે કેમ ? ગાંધીજી-સરદાર વગેરે દેશ માટે જીવી ગયા. સાદાઈ ને પવિત્રતાથી જીવ્યા. ગાંધીજીએ ચર્ચિલ જેવા માણસને પણ ડગાવ્યો કે મારા દેશવાસીઓ જે રીતે જીવે છે તે રીતે ધોતિયું પહેરીને જ આવીશ. અત્યારે શિક્ષણમાં સંસ્કારોની જરૂર નથી, એવું જો માનીએ તો એ આપણી ભૂલ છે. એ સંતપુરુષોના પ્રસંગથી તાકાત આવશે. શિક્ષણમાં 'ઓ ઈશ્વર ભજીએ તને...!' એવાં ભજનોનાં સંસ્કાર હતા, પણ આજે બિનસાંપ્રદાયિક થઈ ગયા! પરંતુ મૂળ પાયો ભગવાન છે એને તો રાખવો પડશે ને ? એને કંઈ છોડી દેવાય ? એ જેટલું છોડાય છે તેટલી અશાંતિ છે. આજે બીજો બધો વિકાસ થયો છે, પણ અહીં હૃદયમાં અંધકાર છે. શિક્ષણમાં ભગવાનના પ્રસંગો, ભક્તોનાં ચરિત્રો ને કીર્તનો હોવાં જોઈએ. હું સમાજ માટે છુ _ એવો વિચાર રાખીને એ લોકો વર્ત્યા છે. આજે 'હું ને મારું' થઈ ગયું છે. મારે દેશ માટે કરવાનું છે એવી ભાવના નથી રહી. આ વસ્તુની સાથે ચારિત્ર્ય પણ સુંદર ને પવિત્ર હોવું જોઈએ.
સમાજનું ફાઉન્ડેશન બરાબર કરવું પડે. આપણું જીવન સાદું, પવિત્ર હોય ને થોડામાં થોડા ખરચે આપણે કેવી રીતે જીવન જીવી શકીએ તેવું હોવું જોઈએ, તો કાર્ય સારું થાય ને બાળકોને સંસ્કાર મળશે, તો તેમાંથી જ સારા દેશનેતા મળશે.
વિદ્યાર્થીઓ આજે ચોરી કરીને અભ્યાસમાં પાસ થાય છે. હવે એ સમાજ કેવી રીતે આગળ વધી શકે ? માબાપ પણ એમાં ભળે તો એમના સંસ્કાર શું ? શિક્ષકો પણ ભળે છે. આ બધું અજ્ઞાન છે. બધાં એવાં નથી, પણ એવાં લોકો ભણીને સમાજનું કશું સારું નહિ કરી શકે.
આ મૂળ પાયાની-સંસ્કારની વાત શિક્ષણમાં રાખવાની છે. ભગવાન સ્વામિનારાયણે પણ ધર્મનો, સંસ્કારનો પાયો પહેલો જ રાખ્યો છે. સમાજના કલ્યાણ માટેની જ આ વાત તેમણે કરી છે. માટે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ બની જાય. લક્ષણ નથી, ચારિત્ર્ય નથી તેવું શિક્ષણ હશે તો અસુરો પાકશે. લક્ષણ એટલે સાદાઈ, પવિત્રતા, સંસ્કાર જે કહેતા હો તે, લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે. આજે લક્ષણ વગરનાં શિક્ષણને લીધે ઝઘડા છે. હોદ્દા ને ખુરશી માટે લડીએ પછી સમાજની શું સેવા કરી શકીએ!
ધર્મભાવના જાગે તે માટે આપણે સજાગ રહેવું. તેનાથી જ આગળ અવાશે. સમગ્ર ભારતમાં નમૂનારૂપ બને તેવી રીતે બાળકો પણ તૈયાર થાય ને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા સાથે પવિત્ર જીવન જીવીએ ને કાર્યમાં વિકાસ થાય તે પ્રાર્થના.'
આશીર્વાદ બાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચૅરમેન હર્ષદભાઈ બ્રહ્મભટ્ટે પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.
તા. ૧૪ આૅગસ્ટ, ૨૦૦૫ના રોજ સવારની સત્સંગસભામાં હરિભક્તો પર આશીર્વચનો વરસાવતાં સ્વામીશ્રીએ ચાતુર્માસનું અને નિયમોનું મહત્ત્વ સમજાવીને દરેક કાર્ય ભગવાનની પ્રસન્નતા માટે કરવાનો સંદેશ આપ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |