Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અટલાદરામાં જન્માષ્ટમી ઉત્સવની ભક્તિભાવપૂર્વક થયેલ ઉજવણી

તા. ૨૭-૮-૨૦૦૫ના રોજ અટલાદરા ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં હજારો હરિભક્તોએ જન્માષ્ટમીના શુભ પર્વની ભક્તિસભર ઉજવણી કરીને અનેરો આનંદ પ્રાપ્ત કર્યો હતો.
ઉત્સવસભાનો પ્રારંભ કરતાં વિવેકસાગર સ્વામીએ 'ઉત્સવનો હેતુ ને મર્મ' સમજાવ્યા હતા. કૃષ્ણપ્રિય સ્વામીના કીર્તનગાન બાદ ત્યાગવલ્લભ સ્વામી તથા મહંત સ્વામીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. ત્યારબાદ યુવકમંડળે 'ગોવિંદા આલા રે આલા...' ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે શ્રીજીમહારાજનાં ચૂંટેલાં ઉત્સવનાં પદોની કૅસેટ 'રથ પર બૈઠે બિહારી'નું ઉદ્‌ઘાટન પ્રિયદર્શન સ્વામી તથા હરિવંદન સ્વામીએ તથા આરતીની કૅસેટનું ઉદ્‌ઘાટન ત્યાગવત્સલ સ્વામીએ સ્વામીશ્રીના વરદ હસ્તે કરાવ્યું હતું.
ભગવાનના પ્રાકટ્યનું મહત્ત્વ સમજાવતાં સ્વામીશ્રીએ સૌ ભક્તજનોને આશીર્વાદ આપતાં કહ્યું હતું: 'ભગવાન આ લોકમાં અનેક જીવોના કલ્યાણ કરવા સારુ આવે છે, પરંતુ ભગવાન પ્રગટ થાય એ આસુરી તત્ત્વોને ગમતું નથી. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન કે શ્રીજીમહારાજ પ્રગટ થયા, ત્યારે અસુરો પણ થયા છે. ગીતામાં દૈવી-આસુરી સંપત્તિ લખી છે ને એનું ઘર્ષણ કાયમ ચાલ્યા કરે છે. અંતે દૈવી સંપત્તિનો વિજય થાય છે. સુખ ને શાંતિ પણ એમાં જ છે. ભગવાનનાં ચરિત્રો ગાવા-સાંભળવાથી આપણા જીવમાં શાંતિ થાય ને આસુરી સાંભળીએ તો ઉદ્વેગ ને અશાંતિ થાય. ભગવાન ને ભગવાનના અવતારોએ જગતમાં આવીને મહાન ઉપકાર કર્યો કે જીવોનું કલ્યાણ કેમ થાય? જીવોનું દુઃખ કેમ દૂર થાય? આસુરીભાવ નાશ પામે ને ધર્મનું સ્થાપન થાય એ એમનો મુખ્ય હેતુ હતો.
આપણે ભક્ત છીએ ને ભગવાન સાથે યોગ કરવાનો છે, બીજી કોઈ વસ્તુ સાથે યોગ કરવાનો નથી. ભેગા રહેવાનું છે, વ્યવહાર કરવાનો છે પણ અંતરથી જાણવું જોઈએ કે આપણે છૂટવાનું છે. ગોપીઓ કંઈ ભણેલી નહોતી, પણ ભગવાન સાથે યોગ થયો તો તેઓનાં નામ શાસ્ત્રોમાં લખાઈ ગયાં. કારણ, ભગવાન કૃષ્ણનો મહિમા આરપાર ઊતરી ગયેલો. આપણે પણ ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો યોગ થયો એટલે આપણે પણ ભાગ્યશાળી છીએ. જગતની વસ્તુ મળે એ ભાગ્યશાળી નથી. સારું શરીર મળ્યું એ મહત્તા નથી, પણ ભગવાનનું ભજન થાય એ મહત્તા છે. ભક્ત થવું એ મોટી વાત છે. જેનાથી કલ્યાણ છે એવા ભગવાનની આજ્ઞા પાળીએ, ભક્તિ કરીએ એ મહત્તા છે.'
આજના ઉત્સવ પ્રસંગે ૧૦૦ કિ.મિ. દૂર પાવી-જેતપુરથી પદયાત્રા કરીને આવેલા ચાર યુવકો પર સ્વામીશ્રીએ રાજીપો વરસાવ્યો હતો. જન્મોત્સવ પ્રસંગે ત્યાગવલ્લભ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરીને પારણામાં પધરાવ્યા હતા. સ્વામીશ્રી તથા વડીલ સંતોએ ઠાકોરજીની આરતી ઉતાર્યા બાદ સંતોએ જન્મોત્સવના જયનાદો ઝિલાવ્યા હતા. સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને પારણામાં ઝ ðલાવ્યા. ત્યારે 'નંદ ઘેર આનંદ ભયો'ના નાદ સાથે સર્વત્ર દિવ્ય આનંદ ફેલાઈ ગયો હતો. સાથે સાથે સ્વામીશ્રી લટકાં દ્વારા સૌને વિશેષ સ્મૃતિદાન આપતા હતા. ત્યારબાદ સંતવૃંદે 'સોનાના બોર ઝૂલે...' કીર્તનનું ગાન કર્યું. સ્વામીશ્રીના સાંનિધ્યમાં દિવ્ય આનંદ સાથે કૃષ્ણજન્મોત્વ સંપન્ન થયો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |