Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

'મોટા પુરુષની આજ્ઞા સાવધાન થઈને પાળવી' : સ્વામીશ્રી

તા. ૪-૯-૨૦૦૫ના રોજ અટલાદરા સાયંસભામાં સ્વામીશ્રીએ આશીર્વાદ દરમ્યાન રવિસભાનો મહિમા વર્ણવી, યોગીજી મહારાજની આજ્ઞા સાવધાન થઈને પાળવાનો અનુરોધ કર્યો હતો.
સ્વામીશ્રીએ કહ્યું હતું: 'યોગીજી મહારાજે રવિસભાનો મહિમા ખૂબ સમજાવ્યો છે કે ૨૫ હજાર રૂપિયાનો નફો, વકરો નહીં, નફો થતો હોય તો એ મૂકીને પણ રવિવારની સભામાં જવું. રવિવારે ઘણાં કામ હોય પણ સ્વામી એક વખત બોલેલા કે 'સન્ડે ફૉર સ્વામી' તમારી ડાયરીમાં લખી રાખવાનું. રવિવારની એપોઇન્ટમેન્ટ લખી રાખે પણ રવિવારની સભામાં જવાનું લખે નહીં.
શ્રીજીમહારાજે કહ્યું છે કે ધર્મનું કામ તત્કાળ કરવું. વ્યાવહારિક કામમાં પાંચ જણને પૂછીએ તો સારું થાય, પણ ધરમના કામમાં પૂછવા જાવ તો તરત જ રોકે. મોક્ષની બાબતમાં કોઈને પૂછવાનું ન હોય. 'શતં વિહાય ભોક્તવ્યમ્‌' સો કામ મૂકીને ટાઇમે ખાઈલેવું. વહેલું-મોડું થાય તો ડખલ થાય. હજાર કામ મૂકીને સ્નાન કરી લેવું. નાહીએ-ધોઈએ નહીં તો શરીરમાં ઘણી જાતના રોગ થાય. ઊઠતાંની સાથે બધા દેહનું ભજન કરે, પણ ભગવાનને યાદ કરવા કે તમે મને ઊંઘમાંથી ઉઠાડ્યો એ બહુ મોટી કૃપા કરી. સુવિધા હોય, ગાદલાં સારાં હોય પણ ઊંઘ આવવી ભગવાનના હાથની વાત છે ને ઊંઘમાંથી જગાડવા એ પણ ભગવાનની કૃપા છે. આપણી ઇચ્છાથી કોઈ કામ થતું નથી, પણ ભગવાનની ઇચ્છા હોય તો જ થઈ શકે. એટલે સૌએ વહેલાં ઊઠીને ભગવાનનું ધ્યાન, સ્મૃતિ કરવી. પહેલું ભગવાનનું ભજન કરીએ તો આખો દિવસ ઘણો સારો જાય. સંધ્યાકાળે આરતી કરવી, ઘરસભા કરવી એ પણ આજ્ઞા છે. પછી ચેષ્ટા બોલી, મહારાજને સંભારી સૂઈ જવું. શ્રદ્ધા ને પ્રેમથી કરો તો ભગવાન કામ કરે. આ લોક ને પરલોક બેય સાધના કરવાની છે.
લાખ કામ મૂકીને દાન કરવાની વાત કરી છે, કારણ કે દેહનો નિર્ધાર નથી. તરત દાન ને મહાપુણ્ય ને ચોથું કરોડ કામ મૂકીને મોક્ષ સુધારી લેવો. કથામાં આવી વાત સાંભળવાથી ધીરે ધીરે જીવને બળ મળે છે. જીવને બળ પામવા ભજન-સત્સંગ છે. ગૃહસ્થમાં કુટુંબ, સમાજ, દેશનાં બધાં જ કામ કરો, પણ મુખ્ય વસ્તુ ભગવાનને ભૂલીને નહીં. ભગવાનને આગળ રાખીને, ભગવાન કર્તા છે એમ માનીને આપણે બધું કરવાનું છે. આપણે ભગવાનના ભક્ત થયા એટલે ભગવાનની આજ્ઞા, મોટા પુરુષની આજ્ઞા તો સાવધાન થઈને પાળવી. રવિવારની સભાની આજ્ઞા પાળો છો તો તમારા જીવનમાં શાંતિ થશે.
જોગી મહારાજે બહુ વિચાર કરીને આજ્ઞા કરી છે. આમ તો બ્રહ્મરૂપ થવાય એવું નથી, પણ મોટા પુરુષની જેટલી આજ્ઞા પળે એટલા બ્રહ્મરૂપ.'
તા. ૭-૯-૨૦૦૫ના રોજ સવારે સ્વામીશ્રીએ ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા ગણેશજીની આરતી ઉતારીને પૂજન કર્યું હતું. પૂજામાં હર્ષ બિપીનભાઈ પટેલે વાયોલીનવાદન કરી પોતાની કલા પાવન કરી.
સાયંસભામાં છેલ્લા ૧૨ દિવસથી ચાલતી 'ગીતા' પારાયણની આજે પૂર્ણાહુતિ થઈ. ત્યારબાદ બી.એ.પી.એસ. વિદ્યામંદિરના શિશુઓએ ભગવાનજીભાઈ ટાંકે બનાવેલું એક અંગ્રેજી ગીત સમૂહમાં નૃત્ય દ્વારા રજૂ કર્યું. ત્યારબાદ વડોદરા શહેરમાં સત્સંગ શિક્ષણ પરીક્ષાના સમગ્ર સંપ્રદાયમાં પારિતોષિક પ્રાપ્ત કરનાર વિજેતાઓને સ્વામીશ્રીના હસ્તે માળા આપવામાં આવી હતી. અંતમાં સ્વામીશ્રીએ સભાજનોને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર સત્સંગમંડળ વતી અશોકભાઈ (એઈમ્સ આૅક્સિજન), મનુભાઈ (સિગિલ ઇન્ડિયા), સિદ્ધાર્થભાઈ વગેરે હરિભક્તોએ પારાયણ પૂર્ણાહુતિની આરતી કરી હતી.
તા. ૯-૯-૨૦૦૫ના રોજ સાંજે સ્વામીશ્રી અટલાદરાથી સારંગપુર તીર્થસ્થાનમાં પધાર્યા હતા. સ્મૃતિમંદિરના પ્રવેશદ્વારે વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ બૅન્ડવાદનથી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. સ્વામીશ્રીએ ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કરી દંડવત્‌ કર્યા બાદ મંદિરે પધારી ઠાકોરજીનાં દર્શન તથા દંડવત્‌ કર્યા. ત્યારબાદ સભામંડપમાં પધારી સૌને દર્શનદાન આશીર્વાદ આપ્યાં હતાં.
 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |