Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સુરતમાં મંદિર દશાબ્દી મહોત્સવનો પ્રારંભ

સુરત ખાતે તાપી નદીના તટ પર પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળો દ્વારા સ્થપાયેલા ભવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને દસ વર્ષ પૂર્ણ થતાં હોઈ મંદિરના દશાબ્દી ઉદ્‌ઘોષની એક વિશિષ્ટ સભા તા. ૧-૧-૨૦૦૬ના રોજ યોજાઈ હતી. ઘનશ્યામચરણ સ્વામી તથા વિવેકસાગર સ્વામી તેમજ કોઠારી ઉત્તમપ્રકાશ સ્વામીએ સુરત મંદિરના વિકાસ અને કાર્યની ઝાંખી કરાવી. યુવકોએ 'મંગલ રૂપ તમારું....' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. મંદિર કેવળ પથ્થરનું સર્જન નથી, પરંતુ સ્વામીશ્રી મંદિર દ્વારા કેટકેટલાં સામાજિક ઉન્નતિનાં કાર્યો કરે છે એની ઝાંખી કરાવતાં મુનિવંદન સ્વામીએ કેટલાક નમૂનારૂપ વ્યક્તિઓના પ્રેરક પ્રસંગો વર્ણવ્યા. છેલ્લાં ૯ વર્ષમાં ૩૨૧૭ વ્યક્તિઓએ માંસનો ત્યાગ કર્યો છે, ૧૮૭૯ વ્યક્તિઓએ મંદિરમાંથી પ્રેરણા લઈ દારૂ અને અન્ય વ્યસનોનો ત્યાગ કર્યો છે. મંદિર આ રીતે જીવંત ચૈતન્ય મંદિરોના નિર્માણની દિશાઆપે છે.
આજની સભામાં ૩૫ હજારથી વધારે મુમુક્ષુઓ ઉપસ્થિત હતા. સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, ''મંદિરથી લોકોના જીવન શુદ્ધ બને છે ને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપણી સંસ્કૃતિ કહે છે કે દેહનું સુખ એ સુખ જ નથી. આપણી સંસ્કૃતિ આત્માના સુખની વાત કરે છે. એ સંસ્કૃતિ આપણને મંદિરોથી પ્રાપ્ત થાય છે.
મંદિર મનને સ્થિર કરવાનું સ્થાન છે. મન ચંચળ છે, માંકડા જેવું છે. તેમાં સંસાર, માયા, જગતના વિચારોને બદલે ભક્તિભાવ પ્રગટ થાય છે, એનું કારણ મંદિર છે. મંદિરથી આર્થિક સ્થિતિ પણ સુધરે છે અને આધ્યાત્મિક શાંતિ પણ મળે છે. પણ 'શ્રદ્ધાવાન્‌ લભતે જ્ઞાનમ્‌' આ મૂર્તિમાં ભગવાન છે એ ન મનાય, પથ્થર છે એમ થાય તો પછી મંદિરમાં જવાથી શું ફાયદો થાય ?
કેટલાકને થાય મંદિરોની શી જરૂરછે? જરૂર છે. લોકોને શિક્ષિત કરવા છે. જે શિક્ષિત નથી તે અટવાય છે. એટલે દવાખાનાં, શાળાઓ, ડૉક્ટરો, પોલીસો, ધારાસભ્યો, પ્રોફેસર, મિલીટ્રી બધાની જરૂર છે. કારણ કે રાજ્ય ચલાવવું છે. એની સાથે મંદિરોની પણ જરૂર છે. એમાં આવી માણસ શાંતિ મેળવે છે. 'મંદિરોની જરૂર નથી' એમ કહેનારાની ભૂલ છે. સ્કૂલ વગર છોકરાં ક્યાં ભણે? સ્થાન વગર ભક્તિ ક્યાંથી થાય? સમાજમાં બધાં અંગો એકબીજા સાથે પૂરક છે. એમ આધ્યાત્મિક રીતે શાંતિ માટે મંદિરોની જરૂર છે. એનાથી જ ભારત આજે ઉજ્જ્વલ રહ્યો છે.
અનેક પ્રહાર થયા છે, છતાં પણ આપણી સંસ્કૃતિ ટકી છે. તેનું કારણ આપણાં મંદિરો, આપણાં ધર્મશાસ્ત્રો અને સંતો છે. આ મંદિરથી કેટલા બધાને લાભ થયો છે અને હજુ પણ થશે. આવા મંદિરો હજારો નહિ, પણ લાખો થાય, તો પણ આપણને કંઈ ખોટ આવતી નથી, પણ એનાથી સાચું જીવન બનશે, સુખી થઈશું. આ મંદિરનો લાભ લો છો ને લેજો. જેટલી વધુ ભક્તિ થાય એટલી કરીને ભગવાનને રાજી કરીએ એ જ પ્રાર્થના.'' આજની સભામાં દિલ્હી ખાતેના સ્વામિનારાયણ અક્ષરધામના લોકાર્પણ સમારોહની ડીવીડી અને વીસીડીનું ઉદ્‌ઘાટન ઘનશ્યામભાઈએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. તેમજ કૌશિકભાઈ કાપડિયા, પ્રકાશભાઈ સુથાર તથા જિજ્ઞેશભાઈ જોષીએ સ્વામિનારાયણ બ્લીસના અક્ષરધામ વિશેષાંકનું ઉદ્‌ઘાટન કરાવ્યું હતું

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |