Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સંપત્તિનો ઉપયોગ બીજાના ભલા માટે કરશો તો શાંતિ થશે : સ્વામીશ્રી

સુરત ખાતે સતત ૧૪ દિવસ બિરાજીને સ્વામીશ્રીએ સમગ્ર શહેરમાં આધ્યાત્મિક વસંત પ્રસરાવી દીધી હતી. અનેક ભક્તો-ભાવિકોના જીવન પરિવર્તન થયાં હતાં. સ્વામીશ્રીની પ્રેરણાથી કેટલાય હરિભક્તોએ વિશેષ વ્રતો અને નિયમોના સંકલ્પ લીધા હતા. તા. ૯-૧-૨૦૦૬ના રોજ સ્વામીશ્રી અહીંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે ૬૧ સ્વયંસેવકો એવા હતા કે જેઓએ લોકોને રોજ બે પ્રેરક પ્રસંગો કહેવાનો નિયમ લીધો હતો. તેઓને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. સાંજે સ્વામીશ્રીએ અહીંથી સૌની ભાવભીની વિદાય લઈને ભીમપોર ખાતે પધાર્યા. અહીંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગમંડળના બાળકોએ દેવતાઈ પરિવેશમાં સ્વામીશ્રીને સત્કાર્યા. સત્સંગમંડળ વતી સી.કે. પીઠાવાલા તથા અગ્રણીઓએ સ્વામીશ્રીને હાર પહેરાવીને સન્માન્યા.
તા. ૧૦-૧-૨૦૦૬ના રોજ સુલતાનાબાદ ખાતે સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલી વિશાળ સંધ્યા સત્સંગસભામાં અધ્યાત્મ બોધ આપતાં સ્વામીશ્રીએ સૌને જણાવ્યું હતું કે સંપત્તિનો ઉપયોગ બીજાના ભલા માટે કરશો તો એ સંપત્તિ શાંતિદાયક બનશે.
સભામાં વિવેકસાગર સ્વામીના પ્રવચન તેમજ બ્રહ્મવલ્લભસ્વામીના કીર્તનગાન બાદ સ્થાનિક સત્સંગમંડળના યુવકોએ સંપ, સુહૃદભાવ, એકતાનો સંવાદ રજૂ કર્યો હતો. જાણીતા સમાજસેવક અને દાનવીર સી. કે. પીઠાવાલાને શિક્ષણ, આરોગ્ય, રમતગમત, મહિલાવિકાસ, રાહત તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અનોખા પ્રદાન બદલ આૅલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ-દિલ્હીનો 'ઇન્દિરા ગાંધી પ્રિયદર્શી એવોર્ડ - ૨૦૦૫', ઇન્ડિયન સોલીડીટી કાઉન્સિલ દિલ્હીનો 'જ્વેલ આૅફ ઇન્ડિયા' એવોર્ડ અને ઇન્ટર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આૅફ એજ્યુકેશન એન્ડ મૅનેજમેન્ટ-દિલ્હીનો 'લાઇફ ટાઇમ એચીવમેન્ટ ગોલ્ડ મૅડલ' એવોર્ડ તેમને અર્પણ કરવામાં આવ્યો છે.
સ્વામીશ્રીએ તેઓને બિરદાવીને આશીર્વચનમાં જણાવ્યું, ''ભગવાને આપણને શરીર આપ્યું છે, એનો કેવી રીતે ઉપયોગ કરવો એ વાત શાસ્ત્રોમાં બતાવી છે કે આપણે સુખી હોઈએ તો બીજાને પણ સુખી કરવાની ભાવના હોવી જોઈએ. આપણી સંપત્તિ બીજાના ભલા માટે આપવાની ભાવના હોવી જોઈએ. આપણી બુદ્ધિ-શક્તિથી દરેકને સારો માર્ગ બતાવવો અને ધંધાકીય રીતે આગળ વધ્યા હોય તો બીજાને પણ એ આગળ વધે એવું માર્ગદર્શન આપી શકાય છે. ભગવાને હાથ આપ્યા છે તે ભગવાનની સેવા કરીએ, આંખ આપી છે તે દર્શન કરીએ, કાને કથા સંભળાય, મનમાં સારા સંકલ્પો કરીએ, ચિત્તમાં સારું ચિંતવન કરીએ, બુદ્ધિથી સારી સલાહ આપી શકીએ, એમ આપણી બધી જ ઇન્દ્રિયો સારા કામમાં હોય તો આપણને શાંતિ થાય ને સમાજમાં પણ શાંતિ થાય.''
તા. ૧૧-૧-૨૦૦૬ના રોજ સંધ્યા સત્સંગસભામાં ભીમપોર-સુલતાનાબાદના યુવકો અને બાળકોએ 'સાંસ્કૃતિક વિરાસત'માંથી શ્રવણ અને ધ્રુવના પ્રસંગોની સુંદર રજૂઆત કરી. કોઈપણ ભવ્ય સેટિંગ વગર આ યુવકો-બાળકોએ જે રજૂઆત કરી એ ધન્યવાદને પાત્ર હતી. સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવ્યા. સ્વામીશ્રીના સત્સંગથી આ સાગરકાંઠાના પ્રદેશમાં વ્યસનો અને અંધશ્રદ્ધાથી મુક્ત થઈ અનેક લોકો સદાચારના માર્ગે ઊર્ધ્વગતિ પામી રહ્યા છે. પ્રતિવર્ષે અહીં બિરાજીને સ્વામીશ્રી સૌને દિવ્ય પ્રેરણાઓ આપી રહ્યા છે. આ વર્ષે ત્રણ દિવસ સુધી સુલતાનાબાદમાં શ્રી સી. કે. પીઠાવાલાના નિવાસસ્થાને બિરાજીને સ્વામીશ્રીએ અહીંના સ્થાનિક ભક્તોને સત્સંગનો દિવ્ય લાભ આપ્યો. તા. ૧૨-૧-૨૦૦૬ના રોજ સ્વામીશ્રી અહીંથી હવાઈ માર્ગે મુંબઈ પધાર્યા. 

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |