Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મુંબઈમાં ઉત્તરાયણ પર્વે ગૂંજી ઊઠી સ્વામીશ્રીની અવિસ્મરણીય આહ્લેક

મુંબઈમાં તા. ૧૪-૧-૨૦૦૬ના રોજ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ઉત્તરાયણ પર્વે અદ્‌ભુત સમર્પણ ઉત્સવ ઉજવાયો ત્યારે ગગનમાં પ્રમુખસ્વામી મહારાજની અવિસ્મરણીય આહ્‌લેક ગૂંજી ઊઠી હતી.
સમગ્ર ઉત્સવમાં ઉત્તરાયણ પર્વની ગરિમા છવાઈ હતી. આજે પ્રાતઃપૂજા વેળાએ પણ મંચ પર પાર્શ્વભૂમાં પતંગો શોભી રહી હતી. સભામાં સંતોએ ગુણાતીત દીક્ષાદિન તથા ઉત્તરાયણના પ્રાસંગિક કીર્તનોનું ગાન કર્યું. પૂજાના અંતે 'સ્વામિનારાયણ પ્રકાશ'ના અક્ષરધામ વિશેષાંકનું ઉદ્‌ઘાટન સ્વામીશ્રીએ કર્યું હતું.
સંધ્યા સમયે આજે ઉત્તરાયણ પર્વનો ઉત્સવ ભક્તિપાર્કમાં રાખવામાં આવ્યો હતો. વિશાળ હરિયાળા મેદાનમાં ૧૬,૦૦૦થી વધારે સંખ્યમાં વિશાળ ભક્તમેદની બેઠી હતી. સામે છ વિડીયો પ્રોજેક્શન સ્ક્રીન પણ દૃશ્યમાન થઈ રહ્યા હતા. વિશાળ મંચ ઉપર કલ્પવૃક્ષની વિભાવના સાથે સ્વામીશ્રીની પાર્શ્વભૂમાં વિશાળ વટવૃક્ષ ખડું કરવામાં આવ્યું હતું. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક ઉદ્‌બોધન બાદ શોભિતસ્વરૂપ સ્વામીએ 'ઝોળી પ્રમુખસ્વામીની.....' એ કીર્તનનું ગાન કર્યું. આજના ઉત્સવના સૌજન્યદાતા છોટુભાઈ અજમેરા તથા પરિવારે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. કોઠારી ભક્તિપ્રિય સ્વામી, વિવેકસાગર સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી વગેરે સંતોએ વિવિધ હાર સ્વામીશ્રીને અર્પણ કર્યા. 'સ્વામિનારાયણ ચરણકમળમાં......' એ ગીતના આધારે નૃત્ય રજૂ થયા પછી રાષ્ટ્રીય કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અરુણભાઈ ગુજરાતીએ પ્રાસંગિક સંબોધન કર્યું. છગનભાઈ શામળજીભાઈ અજમેરા પરિવાર તરફથી હરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું. મયૂર સંજયભાઈ અજમેરા નામના બાળકે ગુણાતીતાનંદ સ્વામી ઉપર પ્રાસંગિક પ્રવચન રજૂ કરીને સ્વામીશ્રી આગળ આવીને ઠાકોરજી સમક્ષ પોતાના મોજશોખનો ત્યાગ કરીને ખિસ્સા ખર્ચીના બચાવેલા પૈસાનો કુંભ અર્પણ કર્યો. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. મરાઠી ભક્ત વત્સલાબેન દત્તાત્રય ભક્તાના પરિવારે પોતાનો ફ્લેટ ઠાકોરજીનાં ચરણોમાં અર્પણ કર્યો.
આજે સમર્પણ દિને ઊમટેલા સૌ હરિભક્તોના સમર્પણભાવને બિરદાવીને આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, ''આપણી ભક્તિ વધે, એવું આ પર્વ છે. ઉત્તરાયણના પર્વે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે. આપણે પણ આ માયામાંથી, સંસારમાંથી ઉત્તર તરફ એટલે ભગવાનના અક્ષરધામ તરફ જવાનું છે. એટલે આજના ઉત્સવનો આપણાં શાસ્ત્રોમાં મહિમા છે કે આપણે એવાં કર્મો કરીએ જેથી આપણે ભગવાનના સાન્નિધ્યમાં પહોંચી શકાય. ભગવાન તરફ જવા આપણે સત્કર્મો કરવા પડે છે. ભગવાનની ભક્તિ, મહિમા, કથાવાર્તા, વ્રત, દાન, પુણ્ય એ સત્કર્મો કહેવાય છે.
દાન માટે પણ સુપાત્ર જોઈએ. જેમ સારી ભૂમિમાં જે વાવીએ એ ઊગે. ખાર ભૂમિમાં બધું ખલાસ થઈ જાય. એટલે
'વિવેકી નરને એમ વિચારીને જોવું,
કુપાતરને દાન દેવું તે બીજ ખારમાં બોવું.'
આપણને આ લોકનો વિવેક છે, પણ ખરો વિવેક તો આત્મા-પરમાત્માનું જ્ઞાન છે કે હું આત્મા છુ _, અક્ષર છુ _, બ્રહ્મ છુ _. આપણું સ્વરૂપ ઓળખીએ ને પરમાત્માનો મહિમા સમજી ભક્તિ કરીએ એ વિવેક થયો. એવા સદ્‌ગુરુ ભગવાનના અખંડ ધારક શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ જેવા સંત થકી ભગવાનનું જ્ઞાન થાય છે.''
૧૫ મિનિટ સુધી સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા બાદ ઊભા થઈને બંને ખભે ઝોળી ભરાવીને દાનની આહ્‌લેક જગાવતાં પહેલાં સ્વામીશ્રીએ પૂર્વભૂમિકા બાંધીઃ ''પહેલાં સંતો ભિક્ષા માંગવા ગામડે જાય અને ફળિયા કે પોળના નાકે ઊભા રહે. ત્યાં ઊભા રહીને બે સંતો હોય એ આહ્‌લેક જગાવે. 'નારાયણ હરે! સચ્ચિદાનંદ પ્રભો !' અને સાથેનો બીજો હોય એ પણ આહ્‌લેક જગાવે, 'નારાયણ હરે ! સચ્ચિદાનંદ પ્રભો!' યુવકોને સાથે રાખ્યા હોય તે ઘરમાં બૈરાં હોય એ અનાજ લઈને બહાર આવે એટલે છોકરા દ્વારા ઝોળીમાં નાખે.'' એમ કહીને સ્વામીશ્રીએ પોતે જ આહ્‌લેક જગાવીને સૌને સ્મૃતિ આપી ને ત્યારબાદ જે જે હરિભક્તોએ વિશેષ દાન કર્યું હતું, એ સૌને સ્વામીશ્રીએ વ્યક્તિગત આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ મંચની ધાર આગળ પધાર્યા. અહીં ખોળામાં ઝોળી મૂકી. ત્યારબાદ નીચે બેઠેલા તમામ હરિભક્તો વારાફરતી નજીક આવ્યા. ૭-૩૫થી ૮-૧૫ વાગ્યા સુધી આ રીતે ઝોળી ઉત્સવ ચાલ્યો. સ્વામીશ્રી પણ સૌને નજર દ્વારા પ્રસન્ન મુદ્રા સાથે મળતા રહ્યા.
ઉત્સવની સમાપ્તિ પછી અહીં જ ૧૭મે માળે અજમેરા પરિવારના ઘરે પધાર્યા. ભોજન દરમ્યાન નીલકંઠવણીના વેશમાં જટા ને મૃગચર્મ ઓઢીને સજ્જ થયેલા મયૂર અજમેરાએ ભક્તચિંતામણીની સાખીઓનું ગાન કર્યું. મુમુક્ષુ અજમેરાએ જનમંગલ નામાવલિ, ૠષિ અજમેરાએ પ્રાર્થનાનો મુખપાઠ રજૂ કર્યો. સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદ વરસાવ્યા અને દરેક બાળકને બાળમંડળની સભામાં નિયમિત જવાનું બળ આપ્યું.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |