Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મુંબઈમાં સ્વામીશ્રીના હસ્તે શ્રી ઘનશ્યામ મહારાજની પુનઃ પ્રતિષ્ઠા વિધિ

મુંબઈમાં તા. ૨૫-૧-૨૦૦૬ના રોજ સ્વામીશ્રીના કરકમલો વડે શ્રી ઘનશ્યામ મહારાજની નવનિર્મિત મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી ત્યારે ઉત્સવનો એક વિશિષ્ટ માહોલ રચાયો હતો.
વહેલી સવારથી મૂર્તિનો અભિષેક વિધિ તેમજ પ્રતિષ્ઠા પૂર્વવિધિ કોઠારી ભક્તિપ્રિય સ્વામીએ શરૂ કરી દીધો હતો. યજ્ઞહોમપૂર્વક થયેલા આ અવસરે જવ અને તલનો હોમ કરીને ૧૧-૨૫ વાગે ઘનશ્યામ મહારાજની મૂર્તિ સમક્ષ ઉપસ્થિત થયેલા સ્વામીશ્રીએ મૂર્તિનો વેદોક્ત પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કર્યો હતો.
આ સાથે અંધેરીમાં અજમેરા પરિવાર તરફથી બાંધવામાં આવેલા સંસ્કારધામમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું પણ પૂજન-પ્રતિષ્ઠાપન સ્વામીશ્રીના કરકમલો દ્વારા થયું હતું.
મંગલ સંકલ્પો અને શુભ પ્રાર્થનાઓ સાથે સૌ ઉપર સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં જણાવ્યું કે 'અત્યારે અભિજિત નક્ષત્ર ચાલી રહ્યું છે. આ નક્ષત્ર બધાં જ નક્ષત્રોમાં શ્રેષ્ઠ કહેવાય. એમાં પ્રતિષ્ઠા થઈ અને ભગવાન બેઠા તે સર્વોપરિ કાર્ય થયું. ભગવાનને બેસવું હતું તેથી બધું અનુકૂળ થઈ ગયું. ઘનશ્યામ મહારાજની અદ્‌ભુત મૂર્તિ છે. ગોંડલની મૂર્તિ જેવા જ ઘનશ્યામ મહારાજ છે. પ્રકાશ નીકળે છે. ભગવાનનાં જે દર્શન કરશે એને શાંતિ થશે. સંકલ્પ પૂરા કરશે, ભગવાન દરેકનું કલ્યાણકરવા આવ્યા છે.
ભગવાનને પ્રાર્થના કરીએ કે મુંબઈમાં ચારે બાજુ સત્સંગ વધે, ભક્તિ વધે, જેટલો સંપ અને ભક્તિ હશે એટલું વિશેષ કાર્યથશે. આપણે મહિમાની વાતો કરવી અને સાંભળવી. સત્સંગ વધારવો હોય તો સંપ, એક રુચિ, એક વિચાર અને એક સંગઠન જોઈએ. સંતો હોય કે હરિભક્તો હોય. બધામાં સંગઠન હોય તો મોટાં મોટાં કાર્યો થાય છે, મોટી મોટી સભા થાય છે. આજે સંસ્થામાં જે કંઈમોટાં મોટાં કાર્યથાય છે એ બધામાં એક રુચિ, એક વિચાર અને એક ધ્યેય છે, એટલે થાયછે. આસેવા મળી છે તો ઉત્સાહ અને પ્રેમથી કરવી. ભગવાનને રાજી કરવા એ ધ્યેય છે. અહમ્‌ મમત્વ મૂકીને ચાલીએ તો કામ સર્વોપરિ ને સરસ બની જશે.'
આશીર્વાદ બાદ સ્વામીશ્રીએ ઘનશ્યામ મહારાજની પ્રથમ આરતી ઉતારી. આ મૂર્તિના યજમાનો યજ્ઞેશ ચંદ્રકાન્તભાઈ દાણી તથા પ્રદીપભાઈ પટેલ તથા આમંત્રિતોને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આ અવસરે ૩૧ કાર્યકરોએ પ્રાતઃપૂજામાં અખંડ માળા ને દંડવત્‌ કર્યાહતા. કુલ ૭૨૦ માળા ને ૧૩૧૫ દંડવત્‌ આ સૌએ કર્યાંહતાં ને ભક્તિ અદા કરી હતી.
આજે સાયંસભામાં આજે પસ્તીદિન હતો. પસ્તીદિન નિમિત્તે આનંદકંદ સ્વામી તથા પરેશ હીંગુએ લખેલો સંવાદ રજૂ થયો. પસ્તી અભિયાનમાં નાના મોટા તમામ સત્સંગીઓ જોડાયેલા છે. પોતાની તબિયત અને ઉંમરની પરવા કર્યા વગર સેવા કરનારા હારિતભાઈ (ગોરેગાંવ), પ્રેમજીભાઈ (મીરાં રોડ), પ્રકાશભાઈ ભાટિયા, દિલીપભાઈ પટેલ (પાર્લા), અરજણભાઈ (બોરીવલી) અને આબાજી (થાણા) તથા વિઠ્ઠલભાઈ, નવીનભાઈ શુક્લ તથા પંકજભાઈ ઓઝા વગેરેને સ્વામીશ્રીએ અભિનંદન આપ્યા હતા.
આશીર્વચન ઉચ્ચારતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'ભગવાનનું સ્વરૂપ તો અલૌકિક ને દિવ્ય છે. એનાં મહિમાએ સહિત દર્શન કરીએ તો આપણે પણ દિવ્ય બની જઈએ. અમાયિક પરમાત્મા છે ને એવા જે ગુણાતીત સંત એના સંબંધે, એના સ્પર્શે, એના આશીર્વાદથી આપણે પણ અમાયિક થઈ જવાય છે, પણ શ્રદ્ધા-વિશ્વાસ બરાબર હોય તો કાર્ય થાય. શ્રદ્ધા નથી એને કંઈ થતું નથી. શ્રદ્ધા છે એને બધું થઈ જાય છે.
ભગવાનનું કોઈપણ સ્વરૂપ હોય, પણ એમાં દિવ્યતા રાખીએ તો કામ થાય. ભગવાનમાં મનુષ્યભાવ છે જ નહીં. ભગવાનનું શરીર મનુષ્ય જેવું દેખાતું હોય, આપણા જેવી ક્રિયાઓ કરતા હોય, માંદાસાજા થાય, એવી પણ લીલા કરે પણ એની અંદર દિવ્યતા દેખાય એ આપણી ભક્તિ છે. એમાં કોઈ માયાનો ગુણ નથી. દિવ્ય દિવ્ય ને દિવ્ય, એમનું દરેક અંગ દિવ્ય છે, એમનું દરેક ચરિત્ર પણ દિવ્ય છે. એવા ભાવથી દર્શન, સમાગમ, સેવા કરીએ તો ભગવાનની પ્રસન્નતા થાય છે. ભગવાન દિવ્ય, માયાપર, નિર્ગુણ સમજીએ તો આપણે પણ દિવ્ય, નિર્ગુણ ને માયા પર થવાય ને ભગવાનનું સુખ આવે.'
ત્યારબાદ સ્વામીશ્રીએ પસ્તી અભિયાનમાં જોડાયેલા કાર્યકરોને અભિનંદન આપતાં કહ્યું હતું : 'પસ્તી છે સસ્તી છે, પણ કામ કરવામાં મોંઘી છે. આ સેવા કરનારાઓને ધન્યવાદ છે. આ સેવા આપણે કરવી છે. નકામી વસ્તુમાંથી પણ કામ જબરજસ્ત થાય છે. કાગળનું રૂપાંતર થાય છે એમ આપણું પણ રૂપાંતર થવાનું છે. આપણે પણ ભગવાનની કસણીમાં આવીએ, ભગવાનની કસણી ખમીએ, સહન કરીએ તો ભગવાન રાજી થાય ને ભગવાનનું સુખ આવે ને આપણી કિંમત વધે છે. કિંમત વધે એટલે ? બ્રહ્મરૂપ થયો એની કિંમત જ ન થાય. એટલે એ અમૂલ્ય વારસો મળ્યો છે તો એ સાચવીએ ને ભગવાનને રાજી કરીએ એવું બળ સર્વને મળે એ જ પ્રાર્થના.''

સ્વામીશ્રીએ આબાલવૃદ્ધ સૌને પસ્તીની સેવા માટે જ નહીં, પરંતુ મંદિરની નાની-મોટી તમામ સેવાઓના શ્રમયજ્ઞમાં જોડાવા માટે હાકલ કરી. સ્વામીશ્રીની હાકલથી સેવાના આ યજ્ઞમાં જોડાવાના સંકલ્પ સાથે સૌએ ગુરુભક્તિ અદા કરી.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |