Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વડોદરામાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં ત્રિદિવસીય વસંતોત્સવ શ્રી ઘનશ્યામ મહારાજનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ

વડોદરામાં અટલાદરા ખાતે પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ત્રિદિવસીય વસંતોત્સવ અને શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઉજવાયા હતા. આ ઉત્સવમાં દિવ્ય અમૃતલાભ આપવા માટે સ્વામીશ્રી તા. તા. ૩૧-૧-૨૦૦૬ના રોજ મુંબઈથી પધાર્યા ત્યારે દબદબાપૂર્વક સ્વાગત કરીને વડોદરાવાસીઓએ સ્વામીશ્રીને ભક્તિભાવપૂર્વક વધાવ્યા હતા.
સંધ્યા સમયે અટલાદરા પધારેલા સ્વામીશ્રીના સ્વાગતમાં ઊમટેલા હજારો ભક્તોએ આતશબાજી અને જયનાદોથી ગગન ભરી દીધું હતું. મશાલધારી યુવકો, ધજાપતાકાંઓ, પુષ્પની બિછાતો અને ભક્તમેદની વચ્ચે વડોદરાના મેયર સુનીલભાઈ સોલંકી તથા ભાજપના વડોદરા નગર-પ્રમુખ શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટે શહેર વતી સ્વામીશ્રીને સત્કાર્યા હતા. આજે સ્વામીશ્રીના સત્કાર માટે સંતો તેમજ અનેક યુવકોએ વ્રત-તપ કર્યા હતા. સૌ પર સ્વામીશ્રીએ આશીર્વાદની મહેર વરસાવી હતી.
તા. ૧-૨-૨૦૦૬ના રોજ આજે સંધ્યા સત્સંગસભામાં યજ્ઞપુરુષ સભાગૃહમાં સત્સંગમંડળ વતી મહંત સ્વામી તેમજ વડોદરા ડેરીના ચૅરમૅન નરેન્દ્રભાઈ મુખીએ પુષ્પહાર અર્પણ કરીને સ્વામીશ્રીને સત્કાર્યા. શિશુમંડળે 'બાળસખા સૌ આવો રે...' એગીતના આધારે સ્વામીશ્રીને વધાવ્યા. ડૉક્ટર સ્વામીના સંબોધન બાદ અટલાદરા ખાતેના મંદિરના નવસંસ્કરણમાં તેમજ શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં વિશિષ્ટ યોગદાન આપનારાઓનો સન્માનવિધિ શરૂ થયો. રાજેશ્વર સ્વામીએ પૂર્વભૂમિકા બાંધ્યા પછી સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા. સ્વામીશ્રીએ જણાવ્યું:
''મહારાજે કહ્યું કે કરોડ મનવારો ભરવી છે. એમની દૃષ્ટિ વિશાળ છે તેથી એ જુએ છે અને આપણે જોઈ શકતા નથી. પણ આજે દેશ-પરદેશ સુધી સત્સંગ વધ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી કહે, 'પાંદડે પાંદડે સત્સંગ કરાવવો છે.' જોગી મહારાજ કહે, 'આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવો છે.' શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત આપ્યો છે એ વાત સાચી છે તો એનો આગળ વિકાસ થાય છે. આજે તો હજારો ને લાખો સત્સંગીઓને આ વાત સમજાઈ ગઈ છે. સત્સંગીઓના દેશકાળ પણ દિવસે દિવસે સારા થતા જાય છે. દેહે કરીને બધા એટલી સેવા કરે છે અને દાદાખાચરે જેમ પોતાનું ધન, ધામ, કટુંબ અર્પણ કર્યું હતું એવી રીતે આજે પણ એવું સમર્પણ આપણે જોઈએ છીએ. કોઈપણ સમૈયો કરીએ પણ બધાનું આવું સમર્પણ છે અને શ્રીજીમહારાજની કૃપા છે તેથી લાખો માણસો આવે તો પણ એની વ્યવસ્થા થઈ જાય છે. દિલ્હીમાં આટલો મોટો સમૈયો થયો, પણ વ્યવસ્થિત થઈગયો, ખબરય ન પડી. દિલ્હી જેવા શહેરમાં તો કંઈકનું કંઈક વિઘ્ન આવે જ. બધા મોટા માણસો આપણને કહેતા હતા કે દિલ્હીમાં કર્યું છે, પણ સાચવવું પડશે, કારણકે દિલ્હી વસ્તુ જુદી છે. એમાં સમૈયો સારધાર થયો, પાંચ વરસમાં કામ પૂરું થયું. એમાં શ્રીજીમહારાજની કૃપા, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની કૃપા, હરિભક્તોનો પ્રેમ ને સમર્પણ અને સંતોનો દાખડો હતો તો જયજયકાર થઈ ગયો. અને અત્યારે જે આવે છે એને શાંતિ થઈ જાય છે, નાસ્તિક પણ આસ્તિક થઈ જાય છે.''
આજે સવારે ગુજરાત રાજ્ય કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ દર્શને આવ્યા હતા.
વસંતપંચમી, બ્રહ્મસ્વરૂપ શાસ્ïત્રીજી મહારાજ પ્રાગટ્યદિન
સ્વામીશ્રીના સાંનિધ્યમાં તા. ૨-૨-૨૦૦૬ના રોજ અટલાદરામાં ઉત્સવોની વસંત ખીલી હતી. આજે વિશ્વશાંતિ મહાયાગની સાથે સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી નવી પ્રતિષ્ઠિત થનાર ઘનશ્યામ મહારાજ તથા નીલકંઠ વણી તથા ગુરુપરંપરાની મૂર્તિઓની નગરયાત્રા પણ નીકળવાની હતી. શાસ્ત્રીજી મહારાજના જન્મદિને જાણે સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જ આઅર્ઘ્ય અર્પણ કરી રહ્યા હતા! આજે શાસ્ત્રીજી મહારાજનો ખંડ ગુલાબનાં પુષ્પોથી શોભી રહ્યો હતો. દર્શન કરીને સ્વામીશ્રી નીચે પધાર્યા ત્યારે મધ્ય ગુજરાતનો આદિવાસી સત્સંગી સમુદાય નૃત્ય કરવા થનગની રહ્યો હતો. વિશિષ્ટ બુંગિયા ઢોલ અને હાથમાં તીરકામઠાં, ડાંગ, ભાલા, તલવારો સાથેના એક જ લય અને એક જ લટકા સાથેના સમૂહ નૃત્ય કરતા આદિવાસીઓની સાથે સ્વામીશ્રી યજ્ઞપુરુષ સભાગૃહમાં પધાર્યા. અહીં પોર્ચમાં ઊભાં ઊભાં સ્વામીશ્રીએ આદિવાસીસમૂહના તાલે તાલ આપીને સૌને અવિસ્મરણીય સ્મૃતિ આપી. સૌના ઉત્સાહનો પાર ન રહ્યો. પ્રાતઃપૂજા બાદ આજના પરમ પવિત્ર દિવસે સ્વામીશ્રીએ સોજિત્રા અને દંતેલી મંદિરનો ખાતવિધિ કર્યો.
વિશ્વશાંતિ મહાયાગ
મંદિરના તૃતીય શિખરમાં ઘનશ્યામ મહારાજ, રંગમંડપમાં નીલકંઠ વણી તથા ગુરુપરંપરાની મૂર્તિઓની પ્રતિષ્ઠા નિમિત્તે આજે અહીં વિશ્વશાંતિ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ યજ્ઞશાળામાં ૧૦૧ ભૂદેવોના મંત્રગાન વચ્ચે ૧૪૩૭ યજમાનોએ યજ્ઞવિધિનો લાભ લીધો. પુરોહિત ઘનશ્યામભાઈ શુક્લે સ્વામીશ્રીના હસ્તે યજ્ઞવિધિનો પ્રારંભ કરાવ્યો. સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવ્યાઃ ''આજે ઘનશ્યામ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે અને શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ વસંતપંચમી છે. સોનામાં સુગંધ કહેવાય! જેને ભગવાનમાં શ્રદ્ધા-વિશ્વાસ નથી, એ સમજે કે મૂર્તિ એટલે પથ્થર, પણ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ થાય એટલે એમાં ભગવાન વિરાજમાન થાય. એટલે એમાં પથ્થરનો ભાવ નથી, પથ્થર મટીને ભગવાન થયા છે. એમાં સાક્ષાત્‌ ભગવાન વિરાજ્યા છે એવા ભાવથી આપણે દર્શન, સેવા-ભક્તિ, આરતી, પૂજા, થાળ, કથાવાર્તા બધું કરવાનું છે. જેટલી ભગવાનની ગૌણતા થાય એટલી આપણી ગૌણતા થાય. જેટલો ભગવાનમાં મનુષ્યભાવ રાખીએ એટલો આપણો દેહભાવ રહે. ભગવાનમાં જેટલો દિવ્યભાવ રાખીશું એટલો દિવ્યભાવ આપણને પ્રાપ્ત થશે ને શાંતિ થશે. ભલે આજે લોકોને મનાય, ન મનાય, પણ આ વસ્તુ મટવાની નથી. એ અનાદિથી ચાલ્યું આવે છે. આપણી પર અનેક આક્રમણો થઈ ગયાં, તો પણ આપણી હિંદુ સંસ્કૃતિ, મંદિરો, મૂર્તિઓ, પૂજા બધું રહ્યું છે, કારણકે એ સનાતન છે. એે કોઈમિટાવી શકે એમ નથી. આપણે જીવનમાં પણ આ વારસો સાચવવો જોઈએ અને એ સાચવવા આ મંદિરો છે, વિધિ છે.''
આજના પ્રસંગે અમદાવાદના હીરાવાડી વિસ્તારના અક્ષરપુરુષોત્તમ મહારાજ, બામણગામમાં પ્રતિષ્ઠિત થનાર આરસની મૂર્તિઓ, તેમજ વાઘોડિયા પાસે આવેલા પીપળિયા ગામના મંદિરની પટમૂર્તિઓનું પણ સ્વામીશ્રીએ પ્રતિષ્ઠા-પૂજન કર્યું હતું.
આજે વસંતપંચમીના પ્રાસંગિક સમારોહમાં હજારો ભક્તો હિલોળે ચઢ્યા હતા. શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વને પ્રવચન દ્વારા વર્ણવ્યું હતું. સ્વામીશ્રી પધાર્યા ત્યારે અક્ષરેશ સ્વામી 'આજે યજ્ઞપુરુષને દ્વાર....' એ કીર્તન ગાઈરહ્યા હતા. ડૉક્ટર સ્વામી તથા મહંત સ્વામીના પ્રાસંગિક પ્રવચન પછી કેટલાંક પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું. આજના અવસરે રામસંગપુરાથી ૧૧૫ કિલોમીટર ચાલીને આવેલા પદયાત્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું. આ જ રીતે અણખી, મીરસાપુરા વગેરે ગામોમાંથી પણ પદયાત્રીઓ આવ્યા હતા. ત્યારબાદ 'હૈયામાં આનંદ અતિ ઉભરાય...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કરવામાં આવ્યું.
અંતે અડધો કલાક સુધી ગુરુમહિમાનું ગાન કરીને સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, ''જ્યાં સુધી બ્રહ્મરૂપ નથી થયા ત્યાં સુધી આ લોકના મનસૂબા રહે છે. ગૃહસ્થ છો તો આ લોકના વિચાર કરો, પણ અંતરમાં તો ભગવાન રાખીને આજ્ઞા-ઉપાસનાનું પાલન કરીએ તો દેહભાવ ટળતો જાય. મોટાપુરુષની જેટલી આજ્ઞા પળે એટલો દેહભાવ ટળે ને આ લોકનો ભાવ પણ ટળે. શાસ્ત્રીજી મહારાજ જેવા સત્પુરુષે હજારોની માયા કાઢી નાખી. આવો અવસર આવ્યો છે તો વાતને સમજીને ભજન થાય ને આપણા જીવમાં ભગવાન ને સંત પ્રધાન થાય, ચોખ્ખી ઉપાસના થાય એ કરવાનું છે. બ્રહ્મરૂપ થઈશું ત્યારે જ મોક્ષ છે. શાસ્ત્રીજી મહારાજે આપણને ચોખ્ખું સમજાવ્યું છે કે આપણે બ્રહ્મરૂપ થવાનું છે ને થવાશે એવી શ્રદ્ધા ને વિશ્વાસ રાખવો. છેલ્લા શ્વાસે પણ બધી કસર ટાળી ધામમાં લઈ જશે. એપુરુષો બોલ્યા છે એ ખોટું નથી. આપણે પણ વિશ્વાસ દૃઢ રાખી શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાનો માર્ગ આપ્યો છે એ માર્ગે ચાલીને ભગવાનનું ભજન કરતાં કરતાં અક્ષરધામમાં જવાનું છે. એવું બળ મહારાજ આપે એ પ્રાર્થના.''
વડોદરામાં ભવ્ય નગરયાત્રા
જે વડોદરાએ શ્રીજીમહારાજની ભવ્ય નગરયાત્રા નિહાળી છે, એ જ વડોદરાએ ક્રમશઃ શાસ્ત્રીજી મહારાજની નગરયાત્રા, યોગીજી મહારાજની ભવ્ય નગરયાત્રા ને સ્વામીશ્રીની પણ ભવ્ય નગરયાત્રાઓ નિહાળેલી છે. એવી જ નગરયાત્રા પ્રતિષ્ઠાના પૂર્વદિને આજે વડોદરાને મળી હતી. આ ભવ્ય શોભાયાત્રા વડોદરાના મુખ્ય રસ્તાઓ ઉપરથી પસાર થવાની હતી. નવલખી ગ્રાઉન્ડમાંથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં ૨૦૦ સંતો ઉપરાંત લગભગ ૧૦,૦૦૦થી વધુ હરિભક્તો જોડાયા હતા. ઘનશ્યામ મહારાજનો રથ, નીલકંઠ વણી તથા અક્ષરધામનો રથ અને અન્ય અનેક આકર્ષક નૃત્યો તેમજ રજૂઆતોથી શોભાયાત્રા શહેરની એક અવિસ્મરણીય શોભાયાત્રા બની રહી હતી. ૧.૫ કિલોમીટર લાંબી આ અભૂતપૂર્વ નગરયાત્રા સાંજે ૬-૦૦ વાગ્યે નવલખી મેદાન પર વિરમી હતી.
ઘનશ્યામ મહારાજપ્રતિષ્ઠા વિધિ
આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાની અષાઢી તૃતીયાને દિવસે શાસ્ïત્રીજી મહારાજે અટલાદરામાં શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા કરી અને ઉપાસનાનો શુદ્ધ માર્ગ પ્રવર્તાવીને આ પ્રદેશના અનેક લોકોને ધર્માભિમુખ કર્યા છે. આ મંદિરના તૃતીય ખંડમાં સુખશૈયાના સ્થાને શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ બિરાજે, વળી, જે ગુરુવર્યોએ આ સંસ્થાના વ્યાપમાં અને સર્વોપરિ સિદ્ધાંતના પ્રવર્તનમાં પોતાની જાતને ઓગાળી દીધી છે, એવા ગુરુવર્યો સદા સૌને દર્શન દેતાં દેતાં સત્સંગ અને અધ્યાત્મમાર્ગની પ્રેરણા આપતા રહે એ માટે ગુરુવર્યોની મૂર્તિ પણ અહીં સ્થપાય, એવા સંકલ્પ સાથે કોઠારી રાજેશ્વર સ્વામી તેમજ સ્થાનિક સંતો-હરિભક્તોએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી હતી. ૧૯૯૭ની સાલથી પ્રગટેલા આ સંકલ્પે મૂર્તિમાન સ્વરૂપ ધારણ કર્યું અને તા. ૩-૨-૨૦૦૬ના રોજ એ ધન્ય ઘડી આવી પહોંચી હતી. મંદિરના નવીનીકરણની યોજનાના ભાગરૂપે પાર્શ્વભૂમાં ગુરુશિખરો તેમજ અગ્રભાગમાં શ્રી હનુમાનજી તથા શ્રી ગણપતિજીનાં પણ સામરણ-શિખરો નવાં રચવામાં આવ્યાં હતાં. અહીં મૂર્તિપ્રતિષ્ઠાની સાથે સાથે ભોંયતળિયે રંગમંડપમાં નીલકંઠ વણીની અભિષેકમૂર્તિનો પણ પ્રતિષ્ઠાવિધિ યોજાયો હતો. સવારે ૫-૩૦ વાગ્યાથી નવી મૂર્તિઓના અભિષેકવિધિનો પ્રારંભ સદ્‌ગુરુ તથા વડીલ સંતોની ઉપસ્થિતિમાં થઈ ચૂક્યો હતો. પ્રાતઃપૂજા બાદ અહીં પધારીને સ્વામીશ્રીએ ઘનશ્યામ મહારાજના દ્વારનું વિધિવત્‌ ઉદ્‌ઘાટન કર્યું. ત્યારબાદ વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ૯-૨૭ વાગ્યે પ્રાણશક્તિનું આવાહન કર્યું અને ૯-૨૮ વાગ્યે 'નેત્રોન્મિલનમ્‌' કરીને જગત્‌કલ્યાણ અર્થે ઘનશ્યામ મહારાજની દૃષ્ટિ સૌ ઉપર કરાવી. સર્વત્ર જયજયકાર થઈ ઊઠ્યો. આ વિધિની સમાંતરપણે મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી વગેરે સંતો ગુરુશિખરોમાં ગુરુપરંપરાની આરસની મૂર્તિઓનું પ્રતિષ્ઠા-પૂજન કરી રહ્યા હતા. સ્વામીશ્રીએ આ મૂર્તિઓના પૂજન કરીને ગુરુઅર્ઘ્ય અર્પણ કર્યું અને સાથે સાથે ગણપતિજી તથા હનુમાનજીની મૂર્તિનું પણ પૂજન કર્યું. આરતી અને પુષ્પાંજલિ બાદ સ્વામીશ્રીએ રંગમંડપમાં પધાર્યા અને શ્રી નીલકંઠવણીની અભિષેકમૂર્તિનું પ્રતિષ્ઠા-પૂજન કરીને કેસરજળ વડે નીલકંઠ વણીનો પ્રથમ અભિષેક કર્યો હતો.
આ પ્રતિષ્ઠાવિધિની સમાંતરે મંદિરના સામેના મેદાનમાં વિશાળ સભામંડપમાં હજારોની મેદની વચ્ચે પ્રાસંગિક સભાનો પ્રારંભ થઈ ગયો હતો. વિવેકસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ડૉક્ટર સ્વામી, મહંત સ્વામીનાં પ્રવચન પછી રાજ્યના પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી, ધારાસભ્ય પૂનમભાઈ પરમાર, શહેર ભાજપના પ્રમુખ શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ તથા વડોદરા ડેરીના ચૅરમેન નરેન્દ્રભાઈ મુખીએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે ૧૩૦ કિલોમીટર દૂર આવેલા કવાંટ તાલુકાના રાયછા ગામના પ્રવીણભાઈ તથા ઈસુલભાઈ રાઠવાએ પદયાત્રા કરતાં કરતાં બનાવેલો એલચી ને લવિંગનો હાર મહંત સ્વામીએ સ્વામીશ્રીને અર્પણ કર્યો.
છત્રસિંહ મોરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વાત કરતાં જણાવ્યું, 'મારે દિલ્હી જવાનું થયું હતું. ત્યાં દિલ્હીનું અક્ષરધામ જોયું. ત્યાંના મંત્રીઓમાં એક જ વાત હતી કે ભારતમાં અનેક સંપ્રદાયો છે, પણ પ્રમુખસ્વામી જે કાર્ય કરે છે, એ અદ્વિતીય છે. સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિનું માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય તેઓ કરી રહ્યા છે.'
'ઢોલીડાની ડાંડીને સંગ સંગ...' એ ગીતના આધારે યુવાનૃત્ય રજૂ થયા બાદ મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે વિશિષ્ટ પુરુષાર્થ કરનારાં વડોદરા શહેરનાં સંયુક્તમંડળ, યુવકમંડળ, બાળમંડળ તથા મહિલા-યુવતી-બાલિકા મંડળના પ્રતિનિધિ હરિભક્તોએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મોજશોખ છોડીને બચત દ્વારા સેવા કરનારા આ બાળકો-યુવકો પર સ્વામીશ્રીની પ્રસન્નતા વરસી ગઈ.
અંતે આશીર્વચન ઉચ્ચારતાં સ્વામીશ્રીએ કહ્યું, ''ભગવાન સ્વામિનારાયણ મહાન સંકલ્પ લઈને પધાર્યા છે. અનંત જીવનું કલ્યાણથાય એના માટે એમણે વનવિચરણ કર્યું છે. એમને એક જ ધ્યેય હતો કે જીવોનું કલ્યાણ થાય. મહાન પુરુષો પોતાનો એક ધ્યેય લઈને આવે છે ને એ ધ્યેય પાર પાડવા ગમે એટલાં વિઘ્નો-મુશ્કેલીઓ આવે તો પણ એને મૂકે નહીં, એને પાર પાડ્યે જ છૂટકો કરે.
કેટલાકને અત્યારના જમાનામાં એવા વિચારો આવે કે આવા મોટા સમારંભો શા માટે ? આવા મોટા ખર્ચાઓ શા માટે? કોઈ પણ કાર્ય કરવું હોય તો બધા સાથે મળીને કરે છે. સામાજિક કાર્ય કરવું હોય તો કેટલાં અધિવેશનો, સમારંભો કરવા પડે છે ?! લગ્નપ્રસંગો પાછળ પણ બધું થાય છે, પણ માણસને આવા ધાર્મિક સમૈયા જુએ ત્યારે વિચાર આવે કે આ બધું કરવાની શું જરૂર છે ? એની પાછળ કેવો મહાન આશય લઈને ભગવાન આવ્યા છે! શ્રીજીમહારાજે વચનામૃતમાં વાત કરી છે કે અમે સમૈયા કરીએ છીએ, લાખો માણસો ભેગા થાય છે, એ જમીને જાય કે લાખો માણસો આવે તો 'વાહ! વાહ !' થઈ જાય એ માટે નથી, પણ એમાં જે માણસ આવે એના જીવનું રૂડું થાય એના માટે છે. અહીં આવ્યા હોય તે ઘનશ્યામ મહારાજ ને નીલકંઠ વણીનું ધ્યાન થઈજાય. પ્રતિષ્ઠા થઈ, અહીં વાત થઈ એમાંથી એક શબ્દ લાગી જાય તો આપણું પરિવર્તન થઈ જાય. જે અતિશુદ્ધ છે, જેમાં કોઈ રાગદ્વેષ નથી, કેવળ ભગવાન પરાયણ છે, પરોપકાર પરાયણ, લોકોના કલ્યાણની ભાવના છે એવા પુરુષ મળે, એમના શબ્દોની અસર થાય છે. અહીં આવ્યા છો તો શ્રીજીમહારાજનું સ્મરણ થાય, નીલકંઠ વણીનું સ્મરણ થાય, અહીં સંતો-ભક્તો આવ્યા છે એમનું સ્મરણ થઈ જાય તો એને લઈને ભગવાન યાદ આવે તો અંતકાળે શાંતિ થઈ જાય ને ભગવાનના ધામમાં જાય. આટલી સ્મૃતિ કરવાથી અંતકાળે ભગવાનના ધામને પામે એવા મહાન આશય લઈને મહારાજ-સ્વામી આવેલા છે. એટલે શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે આ સમૈયા કર્યા છે. પણ કેટલાકને અહીં વિચાર આવે કે આવા સમૈયામાં ભેગા થઈને ખાઈપીને બધા શું કરે છે ? પણ દેશમાં લોકો રાજકારણનાં અને બીજાં અધિવેશનો કરે છે, ત્યારે ખાવાપીવાનું નહીં જોઈતું હોય ? એમાં_ પાંચ જણા ભેગા થઈવાતો કરે, બીજુ _ કંઈ છે? પણ ના, ત્યાં મિટિંગો કરી દેશનો વિચાર કરે છે. એમ અહીં ભક્તો ભેગા થાય, ભજન-સ્મરણ થાય, સારી ભાવનાઓ લઈ જાય છે. એમાંથી જીવનમાં ઘણો મોટો ફાયદો થાય છે.''
આમ, ૨૦,૦૦૦ હરિભક્તોની ઉપસ્થિતિમાં આજનો પ્રતિષ્ઠા ઉત્સવ ભવ્યતાથી ઊજવાયો. અટલાદરામાં ત્રિદિવસીય વસંતોત્સવની અવિસ્મરણીય સ્મૃતિ તેમજ ઘનશ્યામ મહારાજ, નીલકંઠવણી, ગુરુપરંપરા વગેરેનાં દર્શનનું અધ્યાત્મભાથું લઈને સૌ ધન્ય થઈ ગયાં.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |