Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુરમાં સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ઊજવાયો ભગવાન સ્વામિનારાયણનો ૨૨૬મો પ્રાકટ્યોત્સવ

તા. ૦૬-૦૪-૨૦૦૬ના રોજ સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણનો ૨૨૬મો જન્મજયંતી મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો હતો.
સવારથી જ ઉત્સવનો અદ્‌ભુત માહોલ મંદિરમાં સર્જાયો હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંતોએ મહારાજની વિવિધ લીલાઓનાં પદોનું ગાન કર્યું. પૂજા પછી સ્વામીશ્રીએ વાંકાનેર મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું.
સાંજે યોજાયેલી જન્મોત્સવ સભામાં હજારો હરિભક્તો દૂરદૂરથી ઊમટ્યા હતા. વિશાળ મંચ પર સ્વામીશ્રીના આસનની પિછવાઈમાં હરિકૃષ્ણ મહારાજના મુખારવિંદની વિશાળ છબિ શોભી રહી હતી. પાછળની બાજુએ સ્મૃતિમંદિરમાં ખીલેલાં લીંબડા ને પીપળાનાં વૃક્ષોની સ્વયંભૂ શોõભા અદ્‌ભુત લાગી રહી હતી. બ્રહ્મદર્શન સ્વામીએ વચનામૃતના આધારે ભગવાન સ્વામિનારાયણે કહેલા સિદ્ધાંતોની સ્પષ્ટતા પોતાના પ્રવચનમાં કરી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સુપ્રિમ કોર્ટના જાણીતા એડ્‌વૉકેટ જે. જે. ભટ્ટે મંચ પરથી જણાવ્યું કે, 'આત્માથી મૌન રહીને પ્રમુખસ્વામીની જેમ કોઈને બોલતાં આવડતું નથી. હમણાં સ્વામીજીએ શ્રીજીમહારાજની વાતો કરી, પરંતુ હું તો અહીં શ્રીજીમહારાજને સ્વયં જ જોઉં છું. સ્વામીજીએ હમણાં વચનામૃતમાંથી ઘણું બધું કહ્યું, પણ હું તો અહીં વચનામૃત થતાં જોઉં છું. શ્રીજીમહારાજના વખતમાં જે થયું એ આજે ૨૧મી સદીમાં એ જ પ્રોસેસ સાથે ચાલુ છે. હું બોલી શકું છું, પણ એમ લાગે છે કે આત્માથી ખાલી છું. પ્રમુખસ્વામી એમના મૌન વડે મારા આત્માને સભર કરે એ પ્રાર્થના.'
વિવેકસાગર સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરિપણા ઉપર સુંદર છણાવટ કર્યા પછી સંતવૃંદે 'પ્રેમવતીસુત જાયો રે અનુપમ....' એ કીર્તન ગાયું. અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં જણાવ્યું: ''આજે ભગવાન શ્રીજીમહારાજને પ્રગટ થયે ૨૨૫ વર્ષથયાં છે. એમણે આ જગતમાં આવીને અનંત જીવોનું કલ્યાણ કર્યું છે. પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી, સદાચારી બનાવી, ભગવાનપરાયણ કર્યા છે. ભગવાન શ્રીજીમહારાજ આ કળિયુગમાં પધાર્યા. ભગવાન ચારેય યુગમાં પ્રગટ થાય છે ને ભક્તોનું રક્ષણ કરી પોતાના ધામમાં લઈજાય છે. પણ કેટલાક અજ્ઞાની મનુષ્યો ભગવાનને ઓળખી શકે નહીં. ભગવાનનું સ્વરૂપ જુદું છે, ક્રિયા જુદી છે, એમની લીલા જગતના કલ્યાણ માટે છે. દિવ્યચરિત્ર ને મનુષ્યચરિત્ર બેય હોય. ભગવાન મનુષ્ય જેવા શા માટે થયા? કીડીને હાથીને મળવું હોય તો મળી ન શકે, પણ હાથી કીડી જેવું સ્વરૂપ ધારણ કરે તો એ કીડીને હળવા-મળવા, દર્શન-સમાગમનું સુખ આવે. ભગવાન દયાએ કરીને મનુષ્ય જેવા થયા, એટલે અનંત માણસને એમનાં દર્શનનું સુખઆવે, એમના સ્વરૂપનો નિશ્ચય થાય. શ્રીજીમહારાજે પૃથ્વી પર આવી ભાગવત ધર્મનું સ્થાપન કર્યું. ભગવાનમય બની ગયા છે એવા ગુણાતીત સંત, ભગવાનનું સ્વરૂપ છે. એને વિષે દૃઢ પ્રીતિ થાય તો ભાગવત ધર્મનું પોષણ થાય. તેમનામાં આત્મબુદ્ધિ દૃઢ થાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. એ વાત શ્રીજીમહારાજ લઈને પ્રગટ થયા છે.
તો એ રીતે મહારાજનો અપાર મહિમા સમજી શકીએ. એમને વિષે ભક્તિ થાય, એકાંતિક ધર્મ સિદ્ધ થાય એવી આજના દિવસે મહારાજને પ્રાર્થના.''
આશીર્વાદ બાદ બરાબર ૧૦-૧૦ વાગે શ્રીહરિપ્રાગટ્ય વેળાએ સ્વામીશ્રીએ પારણે ઝૂલતા હરિકૃષ્ણ મહારાજની પ્રાગટ્યની આરતી ઉતારી. આરતી પૂરી થયા પછી સંતોએ 'ધર્મઘેર આનંદ ભયો...'ના નાદ સાથે 'આજ ધર્મભક્તિને દ્વાર નોબત વાગે રે લોલ...' એ કીર્તન ઉપાડ્યું. ઘનશ્યામચરણ સ્વામીએ કરતાલ હાથમાં લીધી ને નૃત્ય કરીને સ્વામીશ્રીને રાજી કર્યા. સાથે સાથે ઘણા સંતો પણ મંચ ઉપર જોડાયા ને વાતાવરણમાં જીવંતતા આવી ગઈ. સ્વામીશ્રી પણ શ્રીહરિને પારણે ઝુલાવતાં ઝુલાવતાં તાળીઓ સાથે આનંદમુદ્રા કરતાં આનંદોત્સવમાં ગુલતાન બન્યા.
આ દિવ્યદર્શનથી આજનો શ્રીહરિ જન્મજયંતી મહોત્સવ સૌને માટે એક અવિસ્મરણીય સ્મૃતિ સમો બની રહ્યો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |