Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગોંડલ - અક્ષરતીર્થમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયો કથાયજ્ઞ

સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન તીર્થ અક્ષરમંદિર ગોંડલમાં પ્રમુખસ્વામી મહારાજે તા. ૬-૦૫-૨૦૦૬ થી તા. ૧૬-૦૫-૦૬ બિરાજીને સત્સંગની સરવાણી વહાવી હતી. ગોંડલમાં ગુણાતીતાનંદ સ્વામીના દેહોત્સર્ગસ્થાન પર શાસ્ત્રીજી મહારાજે રચેલ અક્ષરદેરી અને અક્ષરમંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. અહીંના સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન ભગવાનનાં દિવ્ય ચરિત્રોની કથારૂપ પારાયણ યોજાઈ હતી. જેમાં, પ્રભુચરણ સ્વામીએ શ્રીમદ્‌ ભાગવત પારાયણ અને વિવેકસાગર સ્વામીએ હરિલીલામૃત ગ્રંથની પારાયણનો લાભ આપ્યો હતો. દાજીબાપુ પરિવારના અક્ષરનિવાસી સુપુત્રો ભગવતસિંહજી, ધીરુભા, પૃથ્વીસિંહ તથા બિલાડાના રાજમાતા અક્ષરનિવાસી રાજકુંવરબાની પુણ્યસ્મૃતિમાં યોજાયેલ પારાયણમાં રાજસ્થાનના પૂર્વમંત્રી માધવસિંહ દીવાન સહિત ૧૫૦ જેટલા સત્સંગીઓ પારાયણમાં આવ્યા હતા. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં સંતોના મુખે ભગવાનનાં પાવન ચરિત્રોનાં શ્રવણ અને સ્વામીશ્રીનાં દર્શને હજારો હરિભક્તો આવતા હતા.
ગોંડલની પુણ્યભૂમિમાં પ્રવેશતાં પહેલાં સ્વામીશ્રીએ જેતપુરમાં નિર્માણાધીન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું નિરીક્ષણ કર્યું હતું.
ગોંડલમાં નિત્ય સાયંસભામાં પારાયણ બાદ સ્વામીશ્રીએ વરસાવેલી આધ્યાત્મિક જ્ઞાનવર્ષામાંથી કેટલાંક ચૂંટેલાં બૂંદ માણીએ :
ભગવાનનાં ચરિત્રોમાં દિવ્યભાવ
''ભગવાનનાં ચરિત્રો દિવ્ય છે, એ સાંભળવાથી શાંતિ થાય છે. ભગવાનનાં ચરિત્રો મોક્ષદાયી છે. ભગવાનનાં ચરિત્રોમાં ભગવાનના સ્વરૂપમાં સંશય થાય તો પછી આપણું કલ્યાણ ક્યાંથી થાય? ‘संशयात्मा विनश्यति।’ જેમના થકી કલ્યાણ થાય એમાં તો દિવ્યભાવ અખંડ રહેવો જ જોઈએ. ભગવાન અને સંત થકી જ કલ્યાણ છે. એ દૃઢ થાય તો પછી સુખ આવે કે દુઃખઆવે તે ભગવાનની ઇચ્છા માનીએ તો વાંધો આવે નહીં. એવું જ્ઞાન ભગવાનની કથા સાંભળવાથી આવે. એટલે જેમ જેમ કથા સાંભળીએ, તેમ તેમ જીવનનું સુખ સમજાય. આથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને એકાગ્ર થઈ કથા સાંભળવી.''
(તા. ૬-૦૫-૨૦૦૬)
જીવનું કલ્યાણ...
તા. ૭-૫-૨૦૦૬ના રોજ ગોંડલના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ૭૨મો પાટોત્સવ હતો. તે દિનની સંધ્યાસભામાં સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું, ''ભાગવત, રામાયણ, વેદ, ઉપનિષદ વગેરે શાસ્ત્રોમાં વાત છે કે જીવનું કલ્યાણ ભગવાન અને સંત મળે તો થાય. જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય અને આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરતા હોય એવા સંત મળે તો આપણું બંધન છૂટી જાય. જગત-માયા છૂટે અને ભગવાનમય જીવન થાય. '' (તા. ૭-૫-૨૦૦૬)
નાનપણથી જ પ્રભુ ભજવા...
''પ્રહ્‌લાદજીની નિષ્કામ ભક્તિ હતી. એને ઘણું કષ્ટ પડ્યું, પણ ભગવાનમાં અડગ શ્રદ્ધા અને અનન્ય ભક્તિભાવ હતો તો ભગવાન પાસે દેહની રક્ષા માંગી નહીં. એના બાપે ઘણો ત્રાસ આપ્યો, પણ ભગવાન મૂક્યા નહીં. આપણે તો થોડી મુશ્કેલી આવે તો સત્સંગ છોડી દઈએ. કલ્યાણ આવતા જન્મે થશે, પણ આ વખતે કંઈ કરવું નથી. કેટલીક વાર મનમાં એવું થાય કે મોટા થઈને ઘડપણમાં ભગવાન ભજીશું, પરંતુ ઘડપણમાં પણ ભગવાન ભજાતા નથી. માટે એવી આશા મૂકીનેõ નાનપણથી જ મંદિરે જવું, નિયમિત પૂજાપાઠ કરવા અને ભક્તિ કરવી. ધર્મનો પાયો મજબૂત કરીએ તો જીવન ઇમારતને વાંધો આવે નહીં.'' (તા. ૯-૫-૨૦૦૬)
શ્રદ્ધા વગર કોઈ કાર્ય ન થાય
''શ્રદ્ધા, ખપ, સમાગમ એ સત્સંગમાં આગળ વધવાના ઉપાય છે. શ્રદ્ધા વગર કોઈ કાર્ય ન થાય. લૌકિક કાર્ય પણ ન થાય. ખેડૂતને શ્રદ્ધા છે કે દાણો વાવીશ તો ગાડું ભરીને અનાજ ઘરે આવશે. તો પછી એ મહેનત કરે છે. વિદ્યાર્થી ભણે છે, કારણ તેને શ્રદ્ધા છે કે સારી ડિગ્રી મળશે. ભલે અત્યારે દેખાતું નથી, પણ શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરે છે તો પ્રાપ્ત થાય છે. તેમ, ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોઈ ડર ન રહે, હંમેશાં આનંદ જ રહે.'' (તા. ૧૪-૫-૦૬)
ગોંડલ : સર્વ તીર્થમાં સર્વોપરી
''ગોંડલની અક્ષરદેરી એટલે શ્રીજીમહારાજને રહેવાનું ધામ એવું ગુણાતીતનું સ્થાન છે. ભક્તોના જે સંકલ્પો હોય તે અહીં દર્શન કરે તો પૂર્ણ થાય. જેને ખરેખર શ્રદ્ધા અને વિશ્વાસ છે એના સંકલ્પ પૂરા થયા પણ છે. મૂળ તો શ્રદ્ધા અને વિશ્વાસ, કે સત્પુરુષ બોલ્યા છે તો થશે જ. એવા આ સર્વોપરી સ્થાનમાં ભગવાનનાં પાવન ચરિત્રોની કથા થઈ. ઘરે કથા કરીએ, એના કરતાં નદીકિનારે કથા થાય તો સો ગણું પુણ્ય થાય. અને જો દેવાલય હોય તો હજાર ગણું પુણ્ય થાય ને દેવાલયમાં પણ જોગી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ જેવા સત્પુરુષ વિરાજતા હોય ને ત્યાં કથા થાય તો એનું અનંતગણું ફળ થાય છે. તો મંદિરમાં કથા સાંભળવાથી આપણને ઘણું મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે.''
(તા. ૧૫-૫-૦૬)
તીર્થસ્થાન ગોંડલમાં સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. જેમાં, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમામતોરા, સિવિલ જજ શ્રી લાઠિયા, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ગોહેલ, જજ શ્રી શાહ, ભાવનગરના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વકીલ તથા નડિયાદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી દશોદિ આવ્યા હતા. ઉપરાંત 'જલસંસાધન સમિતિ'ના કેન્દ્રીય ઉપપ્રમુખ રાધેશ્યામ ગોયલ, જાણીતા કટાર લેખક જય વસાવડા તેમજ બાલાજી વેફર્સના ઉત્પાદક અને જાણીતા ઉદ્યોગપતિ ચંદુભાઈ વગેરે આવ્યા હતા.
સતત દસ દિવસ સુધી ગોંડલમાં બિરાજમાન સ્વામીશ્રીએ હરિભક્તોને પારાયણની સાથે અધ્યાત્મજ્ઞાનનો લાભ આપીને તા. ૧૬-૫-૦૬ના રોજ ભાવનગર જવા વિદાય લીધી હતી.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |