Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વલસાડ વિસ્તારના ગામોમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોના સર્જન દ્વારા આદિવાસી વિસ્તારમાં સંસ્કારનાં દ્વાર ખોલી આપતા સ્વામીશ્રી

દક્ષિણ ગુજરાતમાં સાગરકાંઠે વસેલા વલસાડ જિલ્લાનાં ગામો મહદ્‌અંશે આદિવાસી જનસમુદાય ધરાવે છે. નિરક્ષરતા, ખેતીની સામાન્ય ઊપજ અને વ્યસનોનાં વળગણથી અહીંના ગરીબ આદિવાસી પ્રજાજનોનાં ઘરોમાં ક્લેશ અને અંધશ્રદ્ધા ફેલાયેલી હતી. પરંતુ પ્રમુખસ્વામી મહારાજના વિચરણ અને સંતો-કાર્યકરોના પુરુષાર્થથી અહીં સત્સંગની હરિયાળી લહેરાઈ છે. અહીં સ્વામિનારાયણીય સત્સંગ વિકાસ પામતાં સંસ્કાર અને ઉપાસનાનાં ધામ સમાં હરિમંદિરોની સ્વામીશ્રીએ સ્થાપના કરી હતી.
તા. ૧-૬-૦૬ના રોજ સ્વામીશ્રીનાં દર્શન માટે પધારેલા કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના રેલમંત્રી નારાયણસિંહ રાઠવાએ સ્વામીશ્રીના આશીર્વાર્દ પ્રાપ્ત કર્યા હતા.
તા. ૩-૬-૦૬ના રોજ કોસંબા-તીથલ ખાતે બિરાજમાન સ્વામીશ્રીએ ધરમપુર અને ચિખલી તાલુકાના સાત પછાત ગામોમાં નિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વવિધિ કરી હતી. મંદિર પરિસરમાં જ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા સમયે આવેલા સંતનિવાસના ચોકમાં આ સાતેય હરિમંદિરોની મૂર્તિઓ સિંહાસન સહિત મૂકવામાં આવી હતી. સ્વામીશ્રીનાં આગમન પૂર્વે ત્યાગવલ્લભ સ્વામીએ પૂર્વવિધિ કરી લીધો હતો. સ્વામીશ્રીએ આ વિસ્તારોમાં અને ખાસ કરીને આદિવાસી અંતરિયાળ પ્રદેશમાં વર્ષો સુધી વિચરણ કરીને ચારિત્ર્યવાન અને વ્યસનમુક્ત સમાજ તૈયાર કર્યો છે, ત્યાં આજે આ હરિમંદિરોની સ્થાપના થઈ રહી હતી. આ ગામોના આદિવાસી ભક્તોનો ઉમંગ સમાતો નહોતો. સ્વામીશ્રીએ અનુક્રમે ધરમપુર તાલુકાના નાયકપાડા-આંબા અને ચાસમાંડવા ગામ તેમજ ચીખલી તાલુકાના તેજલાવ-વડ ફળિયા, ટોરવણ - દોણજા, ખુડવેલ, તલાવચોરા - બારોલિયા અને સરૈયા-કુંડળફળિયા ગામનાં મંદિરોની મૂર્તિઓની આરતી કરી અને પુષ્પ પધરાવીને દેવત્વનો સંચાર કર્યો હતો. ઉપસ્થિત આ સર્વ ગામના હરિભક્તો ઉપર અક્ષત અને પુષ્પ વરસાવીને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા.
આજે સંધ્યાસભામાં યુવક મંડળે 'સ્વામિનારાયણ મહામંત્રની...' ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું હતું. નૃત્ય દરમ્યાન ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વામીશ્રીએ માનવજીવનમાં સાચા આનંદની સમજ આપતાં કહ્યું, 'સૌ પોતપોતાની રીતે ભક્તિ કરતા હોય છે. એ તમામની પાછળ ભગવાનની પ્રાપ્તિનો આનંદ છે. એ આનંદ જેવો બીજો કોઈ આનંદ નથી. ભક્ત મીરાંને ભગવાન મળ્યાના અને ભગવાનના મહિમાના આનંદની સામે રાજ સમૃદ્ધિ પણ તુચ્છ લાગ્યાં, એ અનુભવ થયો. ભક્ત મીરાંને આપણે જોયાં નથી, પણ એમનાં કીર્તન સંભારીએ તો એનો પણ આનંદ આપણને આવે છે. નરસિંહ મહેતાને પણ ભગવાનનો મહિમા સમજાઈ ગયો અને ભજનો ગાયાં તો આજે એ ભજનોમાંથી આનંદ આવે છે. આમ, આનંદનું મૂળ ભગવાન છે. એ જીવમાં દૃઢ થઈ જાય તો જગતની માયા રહેતી નથી. આજે કરોડો લોકો રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. ભગવાનના ભજનથી, મહિમા ગાવાથી અને કથા સાંભળવાથી આટલાં વર્ષો પછી પણ આનંદ આવે છે.'
તા. ૪-૬-૦૬ના રોજ તીથલ ખાતે વલસાડ વિસ્તારના કાર્યકરોની વિશિષ્ટ સભા યોજાઈ હતી. સ્વામીશ્રીએ સૌને પ્રેરણાશિષ આપ્યા હતા.
તા. ૫-૬-૦૬ના રોજ બાળકોએ પ્રાતઃપૂજા અને સંધ્યાસભામાં ભકિત અદા કરતા કાર્યક્રમો રજૂ કરી બાળદિનની ઉજવણી કરી હતી.
તા. ૪-૬-૦૬ના રોજ સ્વામીશ્રીએ વલસાડ જિલ્લાનાં વધુ દસ ગામોમાં નૂતન મંદિરોની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરીને મુમુક્ષુઓને સંસ્કારધામની ભેટ આપી હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા-બેડા ફળિયા, વંકાછ, રાબડી, નાના વાઘછીપા, ઊગતા-પાનવા અને તાડફળિયા ગામ; ધરમપુર તાલુકાના માંકડબન અને કુરગામ-તૂંબી ગામ; કપરાડા તાલુકાના ખરેડી ગામ તેમજ વલસાડ તાલુકાના ભૂતસર ગામનાં નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોની મૂર્તિઓની સ્વામીશ્રીએ પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
મંદિર પરિસરમાં આવેલા સંતનિવાસના પ્રાંગણમાં મંચ પર દસ હરિમંદિરની મૂર્તિઓ સિંહાસનમાં વિરાજિત હતી. પ્રાતઃપૂજા બાદ પ્રતિષ્ઠાનો પૂર્વવિધિ કરીને સ્વામીશ્રીએ પ્રત્યેક સિંહાસન ઉપર પુષ્પો વરસાવીને મૂર્તિઓનું વેદોક્ત પૂજન કર્યું હતું. આમ, વલસાડમાં એક અઠવાડિયું સત્સંગ લાભ આપી ïભરૂચ પધાર્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |