Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

આપણંð સાચું રક્ષણ કરનાર ભગવાન અને સાચા સંત જ છેઃ વડોદરામાં રક્ષાબંધન પર્વે, પ્રમુખસ્વામી મહારાજ

શ્રાવણ સુદ ૧૫ એટલે કે રક્ષાબંધનના પવિત્ર ઉત્સવનું પર્વ યુગોથી ભારતવાસીઓ શ્રદ્ધા અને ઉમંગ સાથે ઊજવે છે. ભગવાનનું શરણ લઈને રક્ષા પ્રાપ્ત કરવાનો સંદેશ આપતું આ પર્વ હજારો હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં વડોદરા(અટલાદરા) ખાતે તા. ૯-૮-૦૬ના રોજ ઊજવ્યું હતું. પોતાના આશ્રિતજનોના સદા સંરક્ષક પરમાત્મા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને તેમના અખંડ ધારક પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં શ્રાવણિયા વરસાદના સંગે ઊજવાયેલા રક્ષાબંધન પર્વની એક ઝલક...
આજના પવિત્ર દિને અટલાદરાના બી.એપી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. શ્રાવણ મહિનાની વરસાદી મોસમમાં અહીં પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વાતાવરણ ભકિતભીનું અનુભવાતું હતું. નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. ઉત્સવને અનુરૂપ ઠાકોરજીને પવિત્રાં તથા રાખડીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ઘનશ્યામ મહારાજની સુંદર મૂર્તિ રંગબેરંગી વાઘામાં વિશેષ રમણીય અને દર્શનીય લાગી રહી હતી. વિવિધરંગી રાખડીઓમાંથી રચાયેલા કલાત્મક હિંડોળામાં પધરાવેલા ઠાકોરજીને ઝુલાવીને સ્વામીશ્રીએ ભક્તિ અદા કરી.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં પણ મંચની પાર્શ્વભૂમાં વિશાળ રાખડીનો શણગાર કરવામાં આવ્યો હતો. સુવર્ણની રાખડી સાથે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનાં દર્શન થઈ રહ્યાં હતાં. સંતોએ પ્રાતઃપૂજામાં રક્ષાબંધનના મંગલ પર્વને આધારિત કીર્તનો ગાઈને વાતાવરણને વધુ અર્થસભર બનાવ્યું હતું.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા સાથે યોજાયેલી પ્રાસંગિક ઉત્સવસભામાં વિવેકસાગર સ્વામીએ પ્રવચનમાં રક્ષાબંધન પર્વનો મર્મ અને મહિમા કહ્યો હતો. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીના સાંનિધ્યમાં ભૂદેવોએ વિધિપૂર્વક જનોઈ બદલી હતી.
આ પુણ્યપર્વ પ્રસંગે બાળકો, યુવાનો અને મહિલા હરિભક્તોએ ભક્તિ અને સેવાના પ્રતીકરૂપ રાખડીના સુંદર હાર બનાવ્યા હતા. બી.એ.પી.એસ. કિશોરમંડળ- લંડનથી ખાસ ભારતયાત્રા માટે આવેલ કિશોર-કિશોરીઓએ પણ રાખડીના કલાત્મક હાર બનાવીને ભક્તિ અદા કરી હતી. એ હાર વડીલ સંતો, આગેવાન હરિભક્તો અને બાળકો-કિશોરોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા હતા.
ત્યાર બાદ પર્વની શિરમોર ક્ષણ આવી પહોંચી. સૌ હરિભક્તોના યોગ-ક્ષેમની રક્ષા કરવા માટે ઠાકોરજીને પ્રાર્થના કરતાં સ્વામીશ્રીએ શ્રી હરિકૃષ્ણ મહારાજના હસ્તમાં રાખડી બાંધી. સભાગૃહમાં ઉપસ્થિત હજારો હરિભક્તો આ ક્ષણને નિહાળી ધન્ય થયા. આ પ્રસંગે સ્વામીશ્રીએ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અસ્તવ્યસ્ત થઈ ગયેલા જનજીવનની સલામતી અને સૌની રક્ષા થાય એ માટે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી હતી.
ઠાકોરજીની પ્રસાદીભૂત રાખડી સૌએ પ્રાપ્ત કરીને કૃતાર્થતા અનુભવી હતી.
સાંજે પણ સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલી ઉત્સવસભામાં મોટી સંખ્યામાં ઊમટેલા હરિભક્તોએ ઉત્સવને અનુરૂપ સંતોનાં પ્રવચનો, કીર્તનો અને સ્વામીશ્રીનાં આશીર્વચન માણ્યાં હતાં.
સ્વામીશ્રીએ આશીર્વચન આપતાં કહ્યું, 'આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. આજે આપણે ભગવાન પાસે આપણી રક્ષા થાય તે માંગીએ છીએ. આપણંð સાચું રક્ષણ કરનાર ભગવાન અને સાચા સંત જ છે. જગતની માયામાં ફસાયા પછી તેમાંથી નીકળવું જ કઠણ છે, પણ એમાંથી મુક્ત કરાવનાર ભગવાન જ છે. હમણાં કીર્તનમાં આવ્યું કે યોગી બાપા અમારી રક્ષા કરજો. કીર્તનમાં નિયમ-ધર્મ પાળવાની અને દર્શન-ભક્તિની વાત પણ આવી. આ બોલવું સહેલું છે, પણ વર્તવું કઠણ છે.
જેમ, આપણે મંદિરે દર્શન કરીએ, પણ ભગવાનમાં વૃત્તિ ન હોય તો એ દર્શન ન કર્યા જેવું થાય. પરંતુ એકાગ્રતાથી ભગવાનની મૂર્તિનાં દર્શન કરીએકે કેવા વાઘા, કેવી પાઘ, કેવી રીતે ખેસ પહેરાવ્યો છે, કેવા હાર પહેરાવ્યા છે - આમ, સાચી રીતથી દર્શન અને સેવા કરીએ તો ભગવાન આપણી રક્ષા કરે. પ્રાર્થના તો કરીએ પણ સાથે આપણું જીવન પણ એવું આદર્શ હોવું જોઈએ તો ભગવાન અને સંત આપણી રક્ષા કરે.
વળી, આપણા રોજનાં કામકાજ કરતાં કરતાં પણ ભગવાનનું સ્મરણ-રટણ કરવું જોઈએ. મોટરમાં જતાં હોઈએ તો સત્સંગનાં પુસ્તકો વાંચવાં. ભજન કરતાં કરતાં ક્રિયા કરો. જોગી મહારાજ જમતાં જમતાં કહેતા, 'શ્રીજીમહારાજ જમો.' સ્નાન કરતાં કહેતા, 'મહારાજ સ્નાન કરો.' તેઓ ભગવાનને નવડાવે, ભગવાનને જમાડે એટલે જીવમાં ભગવાન જ હોય. આપણને વાનગીનો સ્વાદ આવે છે, એમને ભગવાનનો સ્વાદ આવે છે.
નિત્ય ભગવાનનું ભજન કર્યા કરીએ તો ભગવાન આપણી રક્ષા કરે. ભગવાન આપણી રક્ષા કેવી રીતે રાખે છે? તો સ્વામીની વાતમાં કહ્યું છે કે 'ભગવાન પોતાના ભક્તની અખંડ રક્ષામાં જ બેઠા છે.' ભગવાન તો તૈયાર જ છે. તમે ભજન કરો અને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખો તો ભગવાન તમારી રક્ષા કરશે જ.'
સ્વામીશ્રીના આશીર્વચનોની સાથે અષાઢી મેઘધારા પણ વરસી રહી હતી. આ ઉત્સવસભામાં ચોમેર ભક્તિની ભીનાશ પ્રસરી રહી હતી. સ્વામીશ્રીના આશીર્વાદની સમાપ્તિ બાદ ઉત્સવસભાની સ્મૃતિ અકબંધ રાખી સૌએ વિદાય લીધી. વરસાદ પણ જાણે રક્ષાબંધનની ઉત્સવસભાના સાક્ષી બન્યાનો આનંદ વ્યક્ત કરતો હોય તેમ ધોધમાર વરસતો રહ્યો!

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |