Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રાજધાની દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામમાં
પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં સત્સંગ કાર્યક્રમોની હારમાળા

રાજધાની દિલ્હીમાં અદ્વિતીય સાંસ્ક્òતિક પરિસર સ્વામિનારાયણ અક્ષરધામની દિવ્યતા, આધ્યાત્મિકતા, સુંદરતા અને પવિત્રતા એક અજોડ અને અભૂતપૂર્વ આકર્ષણરૂપ બની રહી છે. ઉદ્‌ઘાટનથી લઈને માત્ર નવ મહિનાના ટૂંકા સમયમાં ૪૨ લાખ લોકો અહીં આવીને સંસ્કૃતિના સનાતન સંદેશને માણીને પ્રભાવિત થયા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્મૃતિમાં રચાયેલા આ અદ્વિતીય સર્જનના સર્જક વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ ઉદ્‌ઘાટન બાદ નવ મહિના પછી પુનઃ રાજધાનીમાં સ્વામિનારાયણ અક્ષરધામમાં પધાર્યા ત્યારે માત્ર દિલ્હીવાસી હરિભક્તો જ નહીં, અક્ષરધામની સુવાસથી પ્રભાવિત થયેલા સમગ્ર ઉત્તર ભારતના અનેક મુમુક્ષુઓમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. સ્વામીશ્રીના પાવક સાંનિધ્યમાં હજારો લોકોએ સવાર-સાંજ યોજાતા સત્સંગ કાર્યક્રમોને માણ્યા હતા. સ્વામીશ્રીના દિલ્હી નિવાસ દરમ્યાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની એક ઝલક...

સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાઈ મહાનુભાવ સભા

અક્ષરધામની મુલાકાત દર્શનથી પ્રભાવિત વિવિધ ક્ષેત્રના મૂર્ધન્ય મહાનુભાવો માટે એક વિશિષ્ટ સત્સંગ સમારોહ સ્વામીશ્રીના સાંનિધ્યમાં તા. ૨-૯-૦૬, શનિવારના રોજ યોજાયો હતો.
આજે બપોરથી વરસાદ પૂરી તાકાતથી રાજધાની દિલ્હીમાં વરસી રહ્યો હતો. સાંજ થવા છતાં વરસાદનું જોર ઓછુ _ થયું નહોતું. એ સમયે જ વાદળોની પાછળ છુપાયેલા ઢળતા સૂરજની આછી રોશનીમાં વરસાદથી ભીંજાઈ રહેલું સ્વામિનારાયણ અક્ષરધામ ઝગમગી રહ્યું હતું. અજાયબી વત્તા સુંદરતાના મહત્તમ વિશેષણોથી અક્ષરધામને નવાજતા અનેક મહાનુભાવો આ સમયે જ અક્ષરધામમાં યોજાયેલી વિશિષ્ટ સભામાં ભાગ લેવા પધારી ચૂક્યા હતા.
સમારોહનો આરંભ ધૂન અને પ્રાર્થનાના મંગલ ગાન સાથે થયો. ત્યાર પછી સ્વામીશ્રીએ તૈયાર કરેલા સેવાભાવી અને ઉદાહરણરૂપ સ્વયંસેવકોના અનુભવની વાત મંચ પરથી દિલ્હીના પ્રસિદ્ધ બહુરાષ્ટ્રીય ઉદ્યોગપતિ શ્રી જગદીશ ધીંગરાએ રજૂ કરી. સમસ્ત વિશ્વમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત વિવિધ સમાજસેવાઓ અને માનવઉત્કર્ષની પ્રવૃત્તિઓનો પરિચય અક્ષરવત્સલ સ્વામીએ કરાવ્યો. આનંદસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રી દ્વારા દીક્ષિત સંતોનો પરિચય આપ્યો. ત્યાર બાદ દિલ્હી સત્સંગ મંડળનાં બાળકોએ 'વંદે માતરમ્‌...' ગીત પર નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આત્મસ્વરૂપ સ્વામીએ અક્ષરધામના વિશેષ પ્રતિભાવો વર્ણવ્યા હતા. સ્વામિનારાયણ અક્ષરધામ જીવન પરિવર્તનોની કેવી પૃષ્ઠ ભૂમિકા પૂરી પાડે છે, તે તેમણે પ્રેરક ઉદાહરણો સાથે સમજાવ્યું. હૉટલ ઉદ્યોગના દક્ષિણ ભારતીય નવયુવાન કન્સલ્ટન્ટ શ્રી સુરેશે પોતાના અનુભવોની વાત કરતાં કહ્યું કે 'સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન બાદ મને સદ્‌ગુણોનો મહિમા સમજાયો. આ પૂર્વે મારા જીવનમાં માંસાહાર કરવો એ સ્વભાવિક હતો, પણ અક્ષરધામની મુલાકાતે મારામાં પરિવર્તન લાવી દીધું. અક્ષરધામની સાથે તેના સર્જક પ્રમુખસ્વામી મહારાજના આશીષથી હું શાકાહારી તો બન્યો પણ સાથે નિયમિત પૂજા કરતો સત્સંગી બન્યો છુ _.' તેઓની હૃદયસ્પર્શી રજૂઆત બાદ ચંદીગઢથી ૨૭૫ કિલોમીટર અંતર ચાલીને આવેલા સંનિષ્ઠ શીખ હરિભક્ત સરદાર દર્શનસિંહને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. જાણીતા સત્સંગી ગાયક જયદીપ સ્વાદિયાએ 'વંદે માતરમ્‌' વગેરે ગીતોનું ગાન કર્યું.
અંતે, સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું, 'દરેક મનુષ્યમાં અને જીવમાં ભગવાન રહ્યા છે. જો દરેકમાં ભગવાનને જોવાની દૃષ્ટિ હોય તો રાગ-દ્વેષ, મારું-તારું બધું મટી જાય, કોઈની સાથે ઈર્ષ્યા પણ નહિ રહે કે કોઈનું બૂરું કરવાની પણ ઇચ્છા થશે નહિ. દરેકમાં ભગવાન દેખાય તો પછી કોઈને મારવાની ઇચ્છા જ ન થાય. ભારતીય શાસ્ત્રો કહે છે 'मा हिंस्यात्‌ सर्वभूतानि॥’ કોઈ જીવને મારવો નહિ. બધા જીવમાં ભગવાન છે. એને મારીને આપણે સુખી થવાના છીએ? બીજાને દુઃખ આપીને આપણે સુખી નથી થવાના. પોતાના ઇષ્ટદેવને વિષે આસ્થા રાખો ને બીજા ધર્મોને આદર આપો. બીજાના ધર્મોનું ખંડન કે નિષેધ કરવાની જરૂર નથી. દરેકમાં સારું જુ ઓ. સારું જોવાની દૃષ્ટિ રાખો, તો બધું સારું થશે.
બીજું, ભગવાને આપણને બુદ્ધિ, શક્તિ, પૈસા, સત્તા આપ્યાં છે તો એ બીજાના હિત માટે વાપરીએ, બીજાને મદદ કરીએ અને આપણા પોતાનું પણ કલ્યાણ કરીએ. આપણે આધ્યાત્મિકતા જેટલી સાચવીશું, એટલું આપણને સુખ થશે. પૈસા, મકાન, કપડાંને જેટલા સાચવીએ છીએ એટલા એ ઉપયોગી થાય છે. દરેક વસ્તુનું જેટલું તમે રક્ષણ કરશો, એટલું એ તમારું રક્ષણ કરશે. એમ આપણે ભગવાનના આદેશો પાળીશું, ધર્મનું પાલન કરીશું, તો આપણી રક્ષા થશે.'
સ્વામીશ્રીની જીવનભાવના તેમના ઉપદેશમાં વ્યક્ત થઈ. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વામીશ્રીની ભગવદ્‌ વાણીથી પરમ શાંતિનો અનુભવ કર્યો હોય તેમ આશીર્વચનને તાળીઓના ગડગડાટથી વધાવતા રહ્યા. આ પ્રસંગે દિલ્હીનાં વિવિધ ક્ષેત્રોના લગભગ ૪૦૦થી વધારે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભોજન સમારંભ બાદ મુલાકાત કક્ષમાં સ્વામીશ્રીના વ્યક્તિગત દર્શનવેળાએ પણ આ મહાનુભાવો અહોભાવ સાથે સ્વામીશ્રીના દિવ્ય કાર્ય અને વ્યક્તિત્વને બિરદાવતા હતા. સ્વામીશ્રી સાથેનો આજનો આ દિવ્ય સંયોગ તે સૌ માટે અવિસ્મરણીય બની રહ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |