Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અક્ષરધામમાં નારાયણ સરોવરના ઘાટે જળઝીલણી એકાદશીનો ઉત્સવ

દિલ્હી ખાતે સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં તા. ૪-૯-૨૦૦૬ના રોજ જલઝીલણી એકાદશીનો પવિત્ર ઉત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉલ્લાસભેર ઊજવાયો હતો.
સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે સવારે પ્રાતઃપૂજામાં સંતોએ આજના ઉત્સવને અનુરૂપ પ્રાસંગિક કીર્તનો ગાઈને વાતાવરણ વિશેષ ભક્તિમય બનાવ્યું હતું. સંધ્યા સમયે પાંચ વાગે અક્ષરધામમાં જ તીર્થરાજ નારાયણ સરોવરના ઘાટ પર યોજાયેલા ઉત્સવના મુખ્ય કાર્યક્રમને માણવા માટે દિલ્હી તેમજ દેશ-વિદેશના હજારો હરિભક્તો ઊમટ્યા હતા. અભિષેક મંડપમ્‌માં શ્રી નીલકંઠવણીની સમક્ષ આનંદસ્વરૂપ સ્વામી અને અન્ય વડીલ સંતોએ પ્રાસંગિક મહાપૂજાવિધિ કરી હતી. આ દરમ્યાન નારાયણ સરોવર ઘાટ તેમજ ગજેન્દ્રપીઠિકાના પ્રાંગણમાં બેઠેલા હજારો હરિભક્તો સમક્ષ પ્રાસંગિક ઉત્સવ સભા યોજાઈ હતી. વિવેકસાગર સ્વામીએ વક્તવ્ય દ્વારા ઉત્સવ-મર્મ સમજાવ્યો. ઘનશ્યામચરણ સ્વામીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. ઈશ્વરચરણ સ્વામીએ અક્ષરધામની દિવ્ય ભૂમિમાં ઊજવાયેલા આ ઉત્સવની ગરિમા ગાથા ગાઈ. આ દરમ્યાન શ્રી નીલકંઠ અભિષેક મંડપમ્‌માં પ્રમુખસ્વામી મહારાજે મહાપૂજાનો ઉત્તરાર્ધ પૂર્ણ કરીને આરતી તેમજ અભિષેકવિધિ સંપન્ન કર્યા.
અક્ષરધામ સ્મારકની પશ્ચાદ્‌ભૂમાં નારાયણ સરોવરના ઘાટ પર તૈયાર કરેલા સુંદર આસન પર સ્વામીશ્રી પધાર્યા, ઠાકોરજીને વિધિવત્‌ સ્નાન કરાવ્યું અને ત્યાર બાદ મોટેરા સંતોએ નૌકામાં ઠાકોરજીને પધરાવીને જળવિહાર કરાવ્યો. આ દરમ્યાન પાંચ વખત આરતી ઉતારવામાં આવી. સંતોએ જળવિહારનાં પ્રાસંગિક કીર્તનો ગાઈને વાતાવરણ ભક્તિભાવથી ભરી દીધું.
વાતાવરણ દિવ્ય હતું. સંતો-હરિભક્તોનો ઉલ્લાસ અનન્ય હતો. ઉત્સવસભામાં પધારીને સ્વામીશ્રીએ આશીર્વચન ઉચ્ચારતાં જણાવ્યું : 'આજે દિલ્હી અક્ષરધામમાં જળઝીલણીનો, જળવિહારનો સુંદર ઉત્સવ છે. અહીં શ્રીજીમહારાજ અક્ષરધામમાં મુક્તો-ભક્તો સહિત બિરાજ્યા છે. જ્યાં જુઓ ત્યાં ચારેય બાજુ ભક્તો-મુક્તો બેઠા છે અને અક્ષરધામનું સુખ હોય એવો અનુભવ થાય, એવો આજનો ઉત્સવ છે. અક્ષરધામના મુક્તોને જે આનંદ ને સુખ આવે એવું આજે છે. બધાય મુક્તો-સંતો-ભક્તો અહીંયાં બિરાજ્યા છે. આજે દિવ્ય આનંદ થયો છે. શ્રીજીમહારાજની પ્રાસાદિક મૂર્તિ, વળી ગુણાતીતાનંદ સ્વામીએ જેનું પૂજન કરેલું ને પછી યોગીજી મહારાજે પૂજા કરી છે, એવી પ્રાસાદિક મૂર્તિનો આજે જળવિહાર થયો.
આ જે અક્ષરધામ બન્યું છે એ કાયમ રહેવાનું છે. અનેકને દર્શન થવાનાં છે ને એનું કલ્યાણ પણ થવાનું છે. એની સાથે નારાયણ સરોવર છે, એ પણ જ્યાં સુધી પૃથ્વી પર અક્ષરધામ રહેવાનું છે, ત્યાં સુધી રહેશે. એટલે અક્ષરધામની સંકોચ-વિકાસ અવસ્થા છે નહિ, એમ આ નારાયણ સરોવર પણ સંકોચ-વિકાસ થશે નહિ. આવું ને આવું કાયમ રહેવાનું છે. ૧૦૮ ગોમુખમાંથી ગંગાનો પ્રવાહ પણ અહીં વહેતો જ રહેવાનો છે. એવા દિવ્ય સ્થાનમાં આવાં દિવ્ય દર્શન થયાં એની સ્મૃતિ કાયમ રાખવાની છે. અહીંયાં નીલકંઠવણીનાં દર્શન, અભિષેક, મહાપૂજા પણ કરી છે. એણે કરીને વ્યવહાર, સંસાર, નોકરી, ધંધા, એકાંતિક ધર્મ સિદ્ધ થવાના, બ્રહ્મરૂપ થવાના સંકલ્પો પણ સિદ્ધ થશે. નીલકંઠવણી એવા દિવ્ય છે.
ભગવાન જ્યાં બેઠા ત્યાં તીર્થ કહેવાય છે. અડસઠ તીર્થોનો સમાવેશ અહીં અક્ષરધામની અંદર થઈ ગયો છે. એટલે બીજે તીર્થ થાય કે ન થાય, પણ આ એકમાં બધાં જ આવી જાય. અક્ષરધામનાં દર્શનથી, નારાયણ સરોવરના અભિષેકથી જે કંઈ મુશ્કેલીઓ હશે એ દૂર થશે ને દિવ્ય સુખ મળશે ને એની કાયમ માટે સ્મૃતિ રહે એવો અલૌકિક ઉત્સવ થયો છે. અમે દર વખતે સારંગપુરમાં ઉત્સવ કરતા. આજે પણ ત્યાં બધા હરિભક્તો આવ્યા છે ને ઉતાવળી નદીમાં જળવિહાર થાય છે, એનાં દર્શન અહીં થઈ ગયાં એમ માની લેવાનું.
જે દિવ્ય અક્ષરધામ છે, એવું જ સુંદર આ અક્ષરધામ બન્યું છે. શ્રીજીમહારાજનાં દર્શન થાય ને જેવું સુખ આવે એવું સુખ આવે છે. આપણે ભાગ્યશાળી બન્યા છીએ કે આવાં દર્શન થયાં છે ને થાય છે. યોગીજી મહારાજ કહેતા કે આપણા તુલ્ય બીજાને ભાગ્યશાળી માનો એ જ મોટી ભૂલ છે. આપણને ભગવાન મળ્યા, ભગવાનનું ધામ એવા ગુણાતીત મળ્યા. યોગીજી મહારાજે કહ્યું, 'જેને આ દર્શન થયાં, જ્ઞાન થયું એ બધાનું કલ્યાણ થશે.' વિશ્વાસ ને શ્રદ્ધા રાખવાનાં છે. ક્યારેય આપણું મન ડગમગ ન થાય. આ ભગવાન હશે કે નહિ? આપણું કલ્યાણ થશે કે નહિ થાય ? એ વિચાર જ ન કરવો. મહારાજ, સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ મળ્યા છે, એટલે કલ્યાણ નિશ્ચિત છે. આપણા સ્વભાવ, દોષ, પ્રકૃતિઓ જણાય છે, પણ એ પણ વરદાન છે કે મારે કસર રાખવી નથી. તો ગમે ત્યારે છેલ્લે પણ કસર ટાળીને, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીને ભગવાન પોતાના અક્ષરધામમાં સર્વને બેસાડશે. આવો ભગવાનનો મહિમા છે. શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામીએ પૂજેલી મૂર્તિએ અહીં જળવિહાર કર્યો છે, એટલે અધિક મહિમા છે. અહીં દર્શન કરશે, એનું કલ્યાણ થશે.'
સમારોહની પૂર્ણાહુતિ કરતા સ્વામીશ્રીએ સ્વહસ્તે ગણપતિજીની મૂર્તિ લઈને તેનું નારાયણ સરોવરના જળમાં વિસર્જન કર્યું. જયનાદો અને 'ગણપતિ બાપ્પા મોર્‌યા..'ના સૂત્રોચ્ચાર સાથે આજનો સમારોહ પૂર્ણ થયો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |