Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રાજધાનીમાં સ્વામીશ્રીએ ઊજવ્યું ચંદ્રગ્રહણ

તા. ૭-૯-૦૬ના રોજ રાત્રી પ્રફુલ્લિત હતી. ચંદ્રગ્રહણની આ રાત્રે ૧૧-૩૦ સ્વામીશ્રી ઉતારામાંથી જ્યારે અક્ષરધામ સંકુલમાં બહાર પધાર્યા ત્યારે ચંદ્રનાં શીતળ રશ્મિ ચોતરફ પથરાયેલાં હતાં. રાત્રિનું પહેરણ ઓઢેલું અક્ષરધામ અતિ દિવ્ય લાગી રહ્યું હતું. આજે મંદિરના સભાગૃહમાં ચંદ્રગ્રહણ નિમિત્તે યોજાયેલી સભામાં મધ્યરાત્રીએ પણ મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટ્યા હતા.
સંતોએ કીર્તનગાન કરીને ગ્રહણની સભાનો પ્રારંભ કર્યો. ત્યાર પછી સ્વામીશ્રી સહિત સૌ સંતો-હરિભક્તોએ ચેષ્ટાગાન કર્યું. ચેષ્ટાગાન પછી કૃષ્ણપ્રિય સ્વામીએ સંપ્રદાયના નંદ સંતોનાં ભજનોની રજૂઆત કરીને આનંદ કરાવ્યો. સંતોનાં કીર્તનો વચ્ચે સરદાર જસબીરસિંઘ અને ભક્તોએ ભાંગડા નૃત્ય કરીને ભક્તિ અદા કરી હતી. મધ્યરાત્રીએ પૂર્ણિમાના ગ્રસિત અજવાળાની વચ્ચે સભામંડપમાં સ્વામીશ્રીનાં દિવ્ય દર્શનનો સૌ હરિભક્તોને અદ્‌ભુત લાભ મળ્યો હતો.
સ્વામીશ્રીએ છેલ્લે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું, 'ભગવાનનાં ગુણગાન ગાવાં એ બહુ મોટી વાત છે, કારણ કે આપણી આખી જિંદગી બીજાના જ ગુણ ગાવામાં જાય છે. જગતના, માયાના, સંસારના, લોકોની પ્રશંસા કરતા આવ્યા છીએ, પણ જ્યારે ભગવાનના ગુણ ગાઈએ ત્યારે અંતરમાં શાંતિ થાય. કથાવાર્તા, ભજન, કીર્તનથી ભગવાનની પ્રસન્નતા થાય છે અને એનાથી શાંતિ થઈજાય છે, ભગવાનની દૃષ્ટિ થઈજાય. આપણે બધા પર દૃષ્ટિ પાડીએછીએ, પણ આપણી દૃષ્ટિ માયિક છે. એટલે અંતરમાં એનું પરિવર્તન ન થાય. ભગવાનની દૃષ્ટિ, ભગવાનના સંતો-ભક્તોની દૃષ્ટિ પણ અલૌકિક હોય છે. સત્પુરુષની દૃષ્ટિ પડે તો જડ હોય એ પણ ચૈતન્ય થઈ જાય. ભગવાન સ્વામિનારાયણના સમયમાં કાઠી દરબારો પરશ્રીજીમહારાજની દૃષ્ટિ પડી તો તેઓ ભક્ત બન્યા. શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે લખ્યું કે ભગવાનના સંબંધે નિર્ગુણ થવાય છે. લીંબડાને ભગવાનનો સંબંધ થયો તો તેને પગે લાગીએ છીએ.
આજે આ ગ્રહણનો દિવસ છેં. ગ્રહણમાં ભજન-કીર્તનથી શાંતિ થાય છે. ભગવાનનાં ભજનમાં સુખ છે એવું ચૌદ લોકમાં નથી. જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે ભજન કરવું. ભજન કરીએ તો શાંતિ થઈજાય.' સ્વામીશ્રીના સાંનિધ્યમાં આજનો ગ્રહણ ઉત્સવ સૌને માટે એક અવિસ્મરણીય સ્મૃતિ સમો બની રહ્યો હતો.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |