Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

લંડનમાં પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં દીપાવલી પર્વની અભૂતપૂર્વ ઊજવણી

     પ્રકાશિત દીપમાળ, પ્રવેશદ્વારે રંગબેરંગી રંગોળી, તોરણ અને કુમકુમના સાથિયા એ ભારતીય પરંપરા મુજબ દીપાવલીની ઓળખ છે. સર્વત્ર શુભની મનોભાવના આ ચિહ્‌નો અને શણગારોમાં પ્રતિબિંબિત થતી રહે છે. દીપાવલીના શુભ પર્વ પર સ્વામીશ્રીના આગમન સાથેબી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, લંડનના ખૂણેખૂણે પણ આ મનોભાવના વ્યક્ત થઈ રહી હતી. સૌ હરિભક્તોનો આનંદ સમાતો નહોતો. તા. ૧૭-૧૦-૦૬ના દિને સ્વામીશ્રી મુંબઈથી લંડન પધાર્યા. સમર્પણ અને નિષ્ઠાની જ્યોતની જેમ ઝગમગતા લંડનના ભક્તોએ દીપાવલી પર્વ અને નૂતન વર્ષ સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઊજવીને એ ક્ષણોને કાયમ માટે સ્મૃતિમાં સંઘરી લીધી છે. સ્વામીશ્રીના સાંનિધ્યમાં લંડનમાં યોજાયેલા દીપાવલી પર્વની એ સ્મૃતિસભર ક્ષણોને અહીં માણી લઈએ...

દીપોત્સવી, તા.૨૧-૧૦-૦૬
'આપણે લંડનમાં છીએ કે ભારતમાં?' બે ઘડી દ્વિધામાં પડી જવાય એવો એક સાનંદ-આશ્ચર્યનો માહૌલ અહીં સર્વત્ર છવાયો હતો. એ હતો- લંડનમાં દીવાળીનો માહૌલ, સ્વામીશ્રીના સાંનિધ્યનો માહૌલ. આ દિને લંડનના સુપ્રસિદ્ધ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં સવારના પહોરથી સર્વત્ર દીપમાળાનાં દર્શન થઈ રહ્યાં હતા. રંગોળી અને તોરણોથી મંદિર વધુ નીખરી રહ્યું હતું. મંદિરના શિખરની ધજાઓ હર્ષયુક્ત ફરફરી રહી હતી. વહેલી સવારથી જ તાલીમબદ્ધ અને નિષ્ઠાવાન સ્વયંસેવકો પોતપોતાની સેવાના ક્ષેત્રમાં જોડાઈ ગયા હતા. સંતો તો પરોઢિયે ક્યારનાય જાગીને પૂજા સંપન્ન કરી ઉત્સવની તૈયારીમાં લાગી ગયા હતા. ધીમેધીમે દૂરદૂરના હરિભક્તો પણ કુટુંબ સહિત મંદિરમાં પધારવા લાગ્યા. દીપાવલી પર્વ પર ઠાકોરજીનાં અને સ્વામીશ્રીનાં દર્શનનો સંયુક્ત યોગ, જેવો આકસ્મિક હતો તેનાથી પણ વધુ ભાગ્યવાન હતો.
પ્રાતઃપૂજા પૂર્વે મંદિરમાં વિરાજિત ઘનશ્યામ મહારાજ અને મધ્ય ખંડમાં જરિયાની વાઘા અને જરી ભરેલા મુગુટ સાથે શોભતા અક્ષરપુરુષોત્તમ મહારાજનાં દર્શન સ્વામીશ્રીએ કર્યાં. ત્યાર બાદ ઉપસ્થિત ભાવિકોને દર્શનદાન દેતાં સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા. સભાખંડ હરિભક્તોથી ખીચોખીચ ભરાઈ ચૂક્યો હતો. મંચ પર આછા અંધકારમાં, સ્પોટ લાઇટ્‌સના નરમ અજવાળામાં કેવળ સ્વામીશ્રીનાં દિવ્ય દર્શન સૌને થઈ રહ્યા હતા. સ્વામીશ્રીના પૂજાનાં આસનની બરાબર નીચે પગથિયાં ઉપર અસંખ્ય દીપ ઝ ગમગી રહ્યા હતા. પાછળ બોચાસણ મંદિરની કલાકૃતિની પિછવાઈ શોભી રહી હતી. આ મંદિર સપ્તરંગી પ્રકાશતરંગો વડે થોડા થોડા અંતરે સ્નાન કરી રહ્યું હતું. પૂજાના સ્ટેજની ધાર પુષ્પની રંગોળી વડે શોભી રહી હતી. પ્રત્યેક રંગોળીના મધ્યમાં દીપ પ્રગટી રહ્યો હતો. પૂજામાં હરિકૃષ્ણ મહારાજ સ્ફટિક કમળ ઉપર વિરાજિત થઈને દર્શન દઈ રહ્યા હતા. સંતોએ આ શુભદિને દીપગીતો ગાઈને પ્રેરણા અને ભક્તિનો પ્રકાશ રેલાવ્યો. હરિભક્તોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આજના શુભ પર્વે અંતર પણ પ્રકાશથી ભરાઈ ઊઠે એવી પ્રાર્થના સાથે સ્વામીશ્રીનાં દર્શન કર્યાં.
ચોતરફ ઉત્સવ અને સત્પુરુષના સાંનિધ્યનું દિવ્ય વાતાવરણ પ્રસરાયેલું હતું. સ્વામીશ્રીના મુખ પર પણ ઉત્સવ અને હરિભક્તોની ઉપસ્થિતિનો ઉમંગ વરતાઈ રહ્યો હતો. અને એટલે જ પૂજા પછી સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં જણાવ્યું, 'આપણે દિન દિન દિવાળીની વાત કરીએ છીએ એ ઘણી સારી વાત છે. આપણે ભગવાનના ભક્તો છીએ. આપણને ભગવાનનો, સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો યોગ થયો એટલે દિવાળી, દિવાળી ને દિવાળી જ છે. આપણને ભગવાન અને સંત મળ્યા, પરંતુ એમના સ્વરૂપનું જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી અંધકાર છે. જ્યારે એમનું જ્ઞાન થાય ત્યારે પ્રકાશ થાય. માટે જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી બહાર પ્રકાશ છે, પણ અંદર તો અંધકાર જ છે.
ઘણી જાતના અંધકાર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા વગેરેનું અંધારું કાઢવાનું છે. અક્ષરપુરુષોત્તમના જ્ઞાને કરીને, આવા ઉત્સવો, આવી ભક્તિ કરીને અંધકાર કાઢવાનો છે. જ્ઞાનનો પ્રકાશ એટલે કે ગુણાતીત જ્ઞાન થયા પછી બીજા કોઈ જ્ઞાનની જરૂર નથી. એ જ્ઞાન થઈ ગયું હોય તો એનો ઉત્સાહ કાયમ માટે રહે. ટ્‌વેન્ટીફોર અવર આનંદ. આજના દિવસે આપણને બધાને ઉમંગ છે કે ભગવાન આગળ દીવા પ્રકટાવીશું અને અન્નકૂટ કરીશું. કારણ કે આપણી ભક્તિ છે અને એ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય તો એમની દયાથી આપણામાં એવો પ્રકાશ હંમેશને માટે થાય. ભગવાનના ભક્તોને ક્યારેય અંધકાર નથી. એને તો પ્રકાશ, પ્રકાશ ને પ્રકાશ છે જ અને આજે આપણા ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, દેશમાં આ પ્રકાશ કરવો છે. તો મંદિર દર્શન અને સત્સંગના નિયમધર્મમાં મોળા ન પડવું, ભગવાનના સ્વરૂપનું, સંતના સ્વરૂપનું અને આત્માના સ્વરૂપનું ખરેખર જ્ઞાન થાય તો માન-અપમાન અને સુખદુઃખમાં સમભાવ રહે અને સુખિયા થવાય.'
સ્વામીશ્રીએ દીપોત્સવી પર્વના અદ્‌ભુત આશીર્વાદ આપીને સૌના અંતરમાં પ્રકાશ રેલાવ્યો.
સંધ્યાસભામાં ચોપડાપૂજનનો મંગલ કાર્યક્રમ યોજાયો હતો. તે નિમિત્તેની મહાપૂજાનો પ્રારંભ સંતોએ કરી દીધો હતો. મંચની સામે સત્સંગીઓ અને મુમુક્ષુઓ બેસીને વિધિનો લાભ લઈરહ્યા હતા. શરણાઈના ધીમા સૂર ગુંજી રહ્યા હતા. મહાપૂજાની આગળના પગથિયે સૌના ચોપડા મૂકવામાં આવ્યા હતા. જેમાં કોમ્પ્યુટર્સનો પણ સમાવેશ થતો હતો. સ્વામીશ્રીએ સમગ્ર મહાપૂજામાં વિરાજમાન થઈને બધી જ વિધિમાં ભાગ લઈને સૌ ઉપર આશીર્વાદ પણ વરસાવ્યા હતા. મહાપૂજાની સમાપ્તિ બાદ વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું.
ત્યાર પછી સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, 'આજના ઉત્સવની જય. આજે દિવાળીના દિવસે ચોપડાપૂજન અને શારદાપૂજન થયાં. સાથે સાથે શ્રીજીમહારાજનું પણ પૂજન કર્યું છે. આપણા માટે ખૂબ દિવ્ય પ્રસંગ છે. આજે ભગવાનને સંભારીને ચોપડાપૂજન કરીએ તો વર્ષ બહુ સારું રહે, ખોટ ન આવે. આપણે પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી રક્ષા કરે છે. માનસિક, આર્થિક, આધ્યાત્મિક બધી સંપત્તિ વધે અને સુખ પણ થાય. એટલા માટે જ આ મહાપૂજાવિધિ ચાલે છે. કેટલાકને થાય આ વિધિમાં શું? ચોખા ઉડાડ્યા, ફૂલ ઉડાડ્યાં, પાણી છાંટ્યું, પતી ગયું, થઈરહ્યું. આમાં શું થયું? આમાં કાંઈ સમજાયું નહીં. પણ અંતરના ભાવથી ભગવાનની પ્રસન્નતા માટે બધું કરીએ છીએ એટલે ભગવાન બધું સ્વીકારી લે છે. ભગવાન દયાળુ છે. થોડું લે છે અને ઘણું આપે છે.
તમે એમને આપો, ન આપો એનું અમને દુઃખ નથી, પણ આપણા સુખ માટે એમને યાદ કરવા, ભજન કરવાનું છે. એટલે વિધિવિધાનમાં ઘણાને શંકા થાય કે આ શું કરવા કરવાનું? કેટલાક એ કરે નહીં, પણ એ બહુ અગત્યની વસ્તુ છે. આ વિધિવિધાન, ભગવાનનાં મંદિરો, મૂર્તિઓ, ઉત્સવો છે એ આપણા સુખ-શાંતિ માટે છે. દુનિયાની બધી વસ્તુ આપણી પાસે હોય, પણ જો ભગવાન આપણી સાથે ન હોય તો આપણી પાસે કાંઈ જ નથી. ભગવાન છે તો આપણે છીએ. આપણું અસ્તિત્વ ભગવાનને લઈને છે.' આશીર્વાદ આપ્યા પછી સ્વામીશ્રીએ મહાપૂજામાં પૂજિત ચોપડા ઉપર પુષ્પો અને અક્ષત વેર્યાં. એકેએક ચોપડા ઉપર પુષ્પોની પાંખડીઓ પડે એની કાળજી રાખીને સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવ્યા.
દિવાળી પર્વને લીધે આ દિને સત્સંગી ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે દર્શન માટે ઊમટ્યા હતા. રાતના સમયે આતશબાજીના રંગબેરંગી પ્રકાશમાં ઝગમગી ઊઠતા આ મંદિરને નિહાળવા દર વર્ષની જેમ ૨૫,૦૦૦ કરતાંય વધુ સંખ્યામાં લંડનવાસીઓ એકત્ર થયા હતા. બરાબર નવના ટકોરે આતશબાજી શરૂ થઈ. વિવિધરંગી અને જુદા જુદા આકાર સર્જતી આતશબાજી યુક્ત મંદિરની શોભા અવર્ણનીય હતી. બાળકો અને કિશોરો ચિચિયારીઓ પાડીને ખુશી વ્યક્ત કરતા હતા. આતશબાજીનો કાર્યક્રમ સ્ક્રીન ઉપર ઉતારામાં સ્વામીશ્રી સમક્ષ પણ દર્શાવાઈ હતી.
દીપાવલી પર્વની ભવ્ય અને યાદગાર ઉજવણી સમાપ્ત થતાં બીજા દિવસે સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાનારા અન્નકૂટ ઉત્સવ નિહાળવાના ઉમંગ સાથે સૌ વીખરાયા.   

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |