Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

યુ.કે.ના હરિભક્તો ઊજવે છેઃ સ્વામીશ્રીનો પ્રતીક જન્મોત્સવ

યુ.કે.ના સમર્પિત અને પ્રેમી હરિભક્તો માટે તા. ૧૨-૧૧-૦૬નો દિન સવિશેષ ભક્તિમય બની રહ્યો હતો. નાનકડા બાળકોથી લઈને યુવાનો અને વડીલો આંખોમાં કૃતજ્ઞતા અને હૃદયમાં પ્રાર્થના સંઘરીને મંદિરે આવી પહોંચ્યા હતા. આ દિને લાખો હરિભક્તોના જીવનઆધાર ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના ૮૬મા જન્મજયંતી દિનની પ્રતીક ઉજવણી માટે સૌ એકત્રિત થયા હતા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં ભક્તોએ લાવેલા જન્મદિવસનાં ભાતભાતનાં શુભેચ્છા પત્રો- વધાઈ કાર્ડ મંચ ઉપર શોભી રહ્યા હતા. સંતોએ પ્રાતઃપૂજામાં ગુરુહરિનાં ચરણે કીર્તન-અર્ઘ્ય અર્પ્યું. પછી સૌ વતી બાળકોએ જન્મદિવસનો શુભેચ્છા-પ્રાર્થનાપત્ર સ્વામીશ્રીને અર્પણ કર્યો. ત્યારબાદ સ્વામીશ્રીએ કોવેન્ટ્રી તથા બર્મિંગહામમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓની પ્રતિષ્ઠા, પૂજન અને આરતી કર્યાં.
સંધ્યાસભામાં હરિભક્તોથી હકડેઠઠ ભરાયેલા સભામંડપમાં સ્વામીશ્રીના આગમન સાથે જ સૌ ઊંચા હાથ કરીને તાળીઓના નાદ સાથે આનંદથી ઝૂમી ઊઠ્યા. જાણે ઝૂલી રહેલા હાથ વસંતનાં વધામણાં ન આપી રહ્યા હોય! હાથનો સમુદ્ર લહેરાઈ રહ્યો હોય એવી પ્રતીતિ થઈ રહી હતી.
લંડનમાં સ્વામીશ્રીના રોકાણના આ છેલ્લા રવિવારનો ધસારો અભૂતપૂર્વ હતો. સૌનાં હૈયાંમાં ઉમંગ હતો સ્વામીશ્રીને વધાવવાનો. એ દરમ્યાન જ સ્વામીશ્રીને શુભેચ્છા પાઠવતું'અભિનંદન અભિનંદન' ગીત પ્રસ્તુત થયું. કોઠારી સ્વામીના પ્રવચન પછી યુ.કે.ના બાળકો અને કિશોરો અને યુવકોએ 'સોણો અવસર આયો હૈ આજ' એ ગીતના આધારે અદ્‌ભુત નૃત્ય રજૂ કર્યું. આજની સભામાં ઉપસ્થિત રહેલા સાંસદ ટોની મેકનલ્ટીએ સ્વામીશ્રીને હાર પહેરાવી શુભેચ્છા પાઠવી. ત્યારબાદ પુષ્પાંજલિ સમર્પિત થઈ. વાતાવરણમાં દિવ્યતા છાઈ રહી હતી. સૌનાં મન-મસ્તિષ્ક અને અંતરમાં સ્વામીશ્રી પ્રત્યેની કૃતજ્ઞતા છલકાઈ રહી હતી. આવા અદ્‌ભુત માહોલ વચ્ચે 'બી.એ.પી.એસ. એક પરિવાર'ની આહ્‌લેક ત્રણ વખત જગાવવામાં આવી.
સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું, 'બી.એ.પી.એસ. - એક પરિવાર, એ ઉદ્‌ઘોષ આપણે કરીએ, કારણ કે આપણો એક પરિવાર છે એટલે જ આનંદ આવે છે, એકબીજાનો મહિમા સમજાય છે, ઉત્સાહ-ઉમંગથી સેવા કરવાનું મન થાય છે. દેશ-પરદેશમાં જ્યાં આપણા ભક્તો રહે છે, મંદિરો છે એ બધાનો એક જ પરિવાર. જો આપણને એમ સમજાય તો આપણું કામ કેટલું અદ્‌ભુત થાય છે! આ જે કાંઈ ઉત્સવ તમે ઊજવી રહ્યા છો એ બધો પ્રતાપ શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનો છે. એમની આગળ તો આપણે કંઈ છીએ જ નહીં કે આ બધું કાર્ય થઈ શકે. એમની આગળ તો આપણે બહુ જ નાના છીએ અને એમણે આપણને અક્ષરપુરુષોત્તમના જ્ઞાન માટેની સેવા આપી છે એ એમની દયા છે. માટે એમના દાસ-સેવક થઈને આપણે આ બધું કાર્ય કર્યું છે ને કરવાનું છે. નમતા રહીએ તો નમે એ પ્રભુને ગમે. દરેકના દાસ થઈને જો રહીએ તો ભગવાન રાજી થાય. એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે.
'દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં; ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં.'
કોઈ જાતનું અભિમાન ન આવે તો ભગવાન આપણા પર રાજી થાય છે. નિર્માની રહેવું એ પણ એક બહુ જ મોટી વાત છે અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મહાન થઈ ગયા કે જેમણે અદ્‌ભુત કાર્ય કર્યું છે. એ પણ નિર્માની થઈને દાસભાવે રહ્યા છે. આપણો સત્સંગ વધ્યો છે એ પણ એક નિષ્ઠા, આજ્ઞા-ઉપાસનાની દૃઢતા ને સાધુતાથી વધ્યો છે. કોઈ બોલી જાય, કહી જાય, તો સહન તો કરવું પણ એનું સારું ઇચ્છવું.
નિષ્ઠા, સમજણ, ઉપાસના હતી એના પ્રતાપે આ સંપ્રદાય વધ્યો છે. એ સિદ્ધાંતો આપણા જીવનમાં રહેશે તો હજુ  પણ ઘણું સારું કાર્ય કરી શકીશું.'          

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |