Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ

તા.૨-૩-૨૦૦૭થી તા. ૨૪-૪-૨૦૦૭ સુધી સારંગપુર ખાતે બિરાજીને પ્રમુખસ્વામી મહારાજે સંતો-હરિભક્તોને સત્સંગનો દિવ્ય લાભ આપ્યો હતો. સતત પોણા બે માસ સુધી સ્વામીશ્રી સારંગપુર ખાતે રોકાયા હતા. અહીં સંસ્થાકીય મિટિંગો તેમજ અન્ય વિકાસકાર્યોના આયોજનમાં તેમણે ઊંડું માર્ગદર્શન આપ્યું હતું. પાંચ અવિસ્મરણીય સમૈયા-ઉત્સવોનો લાભ પણ હજારો હરિભક્તોને મળ્યો. ૧.ભગતજી મહારાજ જન્મોત્સવ અને ચંદ્રગ્રહણ સભા, ૨.પુષ્પદોલોત્સવ-રંગોત્સવ, ૩.સંત-પાર્ષદ દીક્ષામહોત્સવ, ૪.શ્રીહરિ પ્રાગટ્ય ઉત્સવ, ૫.પાટોત્સવ. આ ઉપરાંત સ્વામીશ્રીએ નિંગાળા, ટીંબી, ભોજ તેમજ ખાનદેશના ધૂલિયા અને વરખેડાનાં મંદિરોની મૂર્તિઓનો વેદોક્તવિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠાવિધિ પણ કર્યો હતો. સારંગપુરમાં તાલીમ લઈ રહેલા સંતોએ જુદાં જુદાં વ્રત-તપ દ્વારા ગુરુભક્તિ અદા કરી હતી. આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રા કરીને આવતા હરિભક્તોએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સ્વામીશ્રીને ડૉક્ટરોની સલાહ અનુસાર અહીં આરામ પણ મળ્યો. હજારો હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન-કથામૃતપાનથી ધન્ય થયા હતા. અહીં તેની એક આછી ઝલક પ્રસ્તુત છે.

દીક્ષામહોત્સવ
તા. ૭-૩-૨૦૦૭ના રોજ સારંગપુર ખાતે પ્રમુખસ્વામી મહારાજ તથા વડીલ સંતોની ઉપસ્થિતિમાં દીક્ષાવિધિ યોજાઈ ગયો. ભારતની સંસ્કૃતિ એ ત્યાગની સંસ્કૃતિ છે. સ્વામીશ્રીની ભગવી સેનામાં જોડાવા માટે વધુ ૬૪ સુશિક્ષિત નવયુવાનો થનગની રહ્યા હતા. તે પૈકી ૪૩ યુવાનો ભાગવતી અને ૨૧ યુવાનો પાર્ષદી દીક્ષા લઈ રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક દીક્ષાવિધિનો શુભ આરંભ થયો હતો. મંચ પર આવતા એક પછી એક દીક્ષાર્થીને સ્વામીશ્રીએ ગુરુમંત્ર આપ્યો અને ઉપસ્થિત વડીલ સંતોએ દરેક દીક્ષાર્થીને શુભેચ્છા પાઠવી. દીક્ષાવિધિ બાદ કૃષ્ણપ્રિય સ્વામીના બુલંદ અવાજે ગવાયેલા હાલો જુ વાનડા હરિવર વરવા હેલો થયો કીર્તને વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. સ્વામીશ્રી પણ આ કીર્તનના તાલે તાલ આપીને સૌને વિશેષ સ્મૃતિ આપી રહ્યા હતા.
આજના આ પવિત્ર દિને ખાનદેશના ધુલિયા અને વરખેડા મંદિરની મૂર્તિઓનો સ્વામીશ્રીએ વેદોક્તવિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠાવિધિ પણ કર્યો હતો. આ પ્રસંગે ખાનદેશ મંડળ તરફથી હરિકૃષ્ણ મહારાજની રજતતુલાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ હરિભક્તોએ રજતતુલા દ્વારા સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સભાના અંતમાં આશીર્વાદ વર્ષાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'દીક્ષા લેનારને પણ ઉત્સાહ છે. દીક્ષા લેનારનાં માબાપને પણ ઉત્સાહ છે. છોકરાને કદાચ ઉત્સાહ હોય, પણ માબાપને ન હોય તો ભેગું થાય નહીં. માબાપનો ઉત્સાહ હોય, પણ છોકરાની ઇચ્છા ન હોય તો પરાણે પ્રીત તો થાય નહીં, પણ બેયને સવાયો ઉત્સાહ છે. ભણેલા, ગ્રૅજ્યુએટ થયેલા દીકરાઓ ઉત્સાહથી આપવા કઠણ છે, કારણ કે માબાપને વિચાર આવે કે આપણે ઘરડાં થઈશું તો આપણી સેવા કોણ કરશે? છોકરાઓ જો અત્યારે જતા રહ્યા તો પાછળ શું થશે? પણ ભગવાન શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ આપણું સાચવી લેશે. આ એક દિવ્ય પ્રસંગે આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ,  એ સમય સચવાઈ ગયો તો ભગવાન રાજી થઈ જાય છે. આપણી એકોતેર પેઢી પણ તરી જાય એવું સરસ આ કામ કહેવાય.
આ દૈહિક સંબંધોનો યજ્ઞ નથી, પણ આત્મા-પરમાત્માનો સંબંધ છે. આપણે આત્મા છીએ ને પરમાત્મા સાથેનો સંબંધ થાય છે. તમે દીકરાઓ  પરમાત્માને અર્પણ કર્યા છે. શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજને અર્પણ કર્યા છે. એનાથી સમાજને ઘણો મોટો લાભ થશે. આવા સંતો સમાજમાં ફરે તો ઘણી મોટી સમાજસેવા થાય. આજે ઘણાને એવું લાગે છે કે તમે શું સમાજની સેવા  કરો છો? પણ બધું જ કરીએ છીએ. સ્કૂલો-કૉલેજો કરીએ છીએ. સમાજની મોટામાં મોટી સેવા ભગવાન સ્વામિનારાયણના વખતથી ચાલી આવે છે. ભણેલા-ગણેલા સંતોએ સમાજમાં જઈ કેટલાયનાં દારૂ-વ્યસન છોડાવ્યાં, એને શાંતિ પમાડી છે.  માણસને સારો બને, સંસ્કારી બને, એનો સ્વભાવ સુધરે અને સારું કામ કરીને સમાજમાં શાંતિ સ્થાપે એવો બને એ પણ એક સમાજસેવા છે. જોગી મહારાજ કહે, 'બાળમંડળ, યુવકમંડળ, સત્સંગમંડળ, મહિલામંડળ કરો તો એમાં બધાં એવા તૈયાર થાય તો બીજા હજારોને સત્સંગને માર્ગે લાવે. આ કાર્ય ભગવાન સ્વામિનારાયણના વખતથી ચાલે છે.
સાધુ થાય તો આ બધું કાર્ય થઈ શકે. સંસારમાં રહી સેવા કરીએ છીએ, પણ ગૃહસ્થને કામકાજ હોય એટલે આટલું ન થાય. પણ આવા યુવાનો સમર્પિત થયા એ ભગવાનની ભક્તિ કરશે-કરાવશે, નિયમધર્મ પળાવવા, વ્યસનો મુકાવવાં, આમ મોટી સેવા થશે. દીકરા તમે આપ્યા છે એટલે દૈહિક રીતે લાભ નથી, પણ આધ્યાત્મિક રીતે આપ બધાને લાભ થાય છે. દીકરો ભણીને પૈસા કમાય એ દૈહિક લાભ થાય, એ જરૂરી છે, પણ જેને વૈરાગ્ય હોય એ સાધુ થાય છે તો એનાં માબાપને, કુળને લાભ થાય છે. પિતાને તો દીકરો સાધુ કરવા આપવાનો સંકલ્પ થાય, પણ માતાઓને તો વસમું લાગે જ, પણ એમણે પણ શૂરવીર થઈને દીકરા આપ્યા છે. આ બધાને મહારાજ અક્ષરધામનું સુખ આપશે.
યુવાનો પણ જે સાધુ થયા છે એ એકાંતિક ધર્મ સિદ્ધ કરે. કથાવાર્તા, કીર્તન, ભજન, ભક્તિ કરે. માન-અપમાન, સુખદુઃખ વેઠે. સંપ-એકતાથી સમાજની સેવા કરવાની છે. અડધી રાતે પણ સેવા, કથાવાર્તા, કીર્તનભજનનું અંગ બરોબર રાખવાનું છે. મંદિરની સેવાપ્રવૃત્તિ બધી જ કરવાની, પણ મૂળ નિર્માનીપણું ભૂલવાનું નહીં. એક રુચિ, એક સંપ, એક વિચાર – સંપ, સુહૃદભાવ એકતા રાખવાં. મહારાજને રાજી કરવા આવ્યા છીએ. એક રુચિ, એક વિચાર રાખીને મહારાજ-સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ રાજી થાય એવું જ આપણે કરવું. તમને બળ મળશે એ આશીર્વાદ છે.'
તા. ૨૭-૩-૨૦૦૭ના રોજ સારંગપુર ખાતે ઉજવાયેલ ભગવાન સ્વામિનારાયણના ૨૨૬મા પ્રાકટ્ય ઉત્સવનો લાભ લેવા માટે દેશ-વિદેશમાંથી હજારો હરિભક્તો-ભાવિકો ઊમટી પડ્યા હતા. સભા સ્થળે સુંદર મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. સભાની શરૂઆતમાં સંતોએ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવન અને કાર્ય વિષયક મનનીય પ્રવચનો રજૂ કર્યાં હતાં. આજના આ પ્રસંગે દિવ્યજીવન સંઘના શ્રી અધ્યાત્માનંદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતાની ભાવોર્મિઓ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું :
'આજે મારે સંન્યાસ દિવસ છે. એટલે સ્વામીબાપાનાં દર્શન અને સ્પર્શ માટે જ હું અહીં દોડી આવ્યો છું. જ્યારે જ્યારે સ્વામીબાપાનાં દર્શન કરીએ, એમનો સ્પર્શ થાય, અરે એમની હવા પણ આપણા ઉપરથી પસાર થાય એ ક્ષણો ભૂવૈકુંઠ સમાન છે. અમારા ગુરુ હંમેશાં કહે છે કે પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરો ત્યારે સાક્ષાત્‌ શ્રીહરિનાં દર્શન કરતા હોય એ રીતે કરવાં. પ્રમુખસ્વામી મહારાજનું જીવન પારદર્શક છે. શ્રીજીમહારાજ પ્રત્યેની અનન્ય શરણાગતિનાં એમાં દર્શન થાય છે. હું એમ માનું છું કે ભારતને આંતરરાષ્ટ્રીય રીતે પ્રતિષ્ઠા અપાવવી હોય તો એના માટેનો વર્તમાન યુગધર્મ સ્વામિનારાયણ ધર્મ જ છે. આજે શ્રીજીમહારાજનો જન્મદિવસ એ મારે મન પ્રમુખસ્વામી મહારાજનો જ પ્રાકટ્યોત્સવ કહેવાય.'
બાળકોના ભક્તિનૃત્ય બાદ આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજનો દિવસ આપણા માટે બહુ અમૂલ્ય દિવસ છે, કારણકે ભગવાન દયાએ કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા. દરેક જીવનું કલ્યાણથાય, પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય અને પોતાના ધામનું સાક્ષાત્‌ સુખ પામે, એવો એમનો સંકલ્પ હતો. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીએ તો જન્મમરણ કાંઈરહેતું નથી. જ્યાં સુધી આ જ્ઞાન થાય નહીં, આવો મહિમા સમજાય નહીં, ત્યાં સુધી જન્મમરણ રહે છે.
ભગવાને આપણને અમૂલ્ય દેહ આપ્યો છે. ઉત્તમ આંખઆપી છે એ સારું જોવા માટે, પણ એને બદલે જોઈએ છીએ શું ? અશ્લીલ નાટારંગ, પાર્ટીઓ. ખરાબ જોઈએ એટલે એટલાં આંખનાં પાપ થયાં, પણ એ આંખથી ભગવાન અને સંતો-ભક્તોનાં દર્શન કરો તો આંખનાં પાપ નાશથઈ જાય. કાન સારું સાંભળવા આપ્યા છે, પણકોઈની કુથલી-નિંદા સાંભળ્યા કરે તો વધારે પાપ થાય. કાનથી ભગવાનની કથા, ભજન, મહિમા સાંભળે તો કાનનાં પાપ બળી જાય. વાણીથી કોઈની ખરાબ વાતો કરીએ તો એ કર્કશ વાણી ડંખ કરે. વાણી એવી બોલવી કે બીજાને સત્ય, પ્રિય ને હિતકારી લાગે. ભગવાન ને સંતપુરુષની વાણી શા માટે સાંભળીએછીએ? કારણ કે સત્ય છે. વાણી પણ ઘીની માફક વાપરવી. સમય પ્રમાણે જ્યાં જેવી જરૂર છે એ પ્રમાણે વાપરવી. ભગવાન-સંતની વાતો કરીએ. એમનાં કીર્તનો ગાઈએ તો વાણી શુદ્ધ થઈ જાય છે. હાથ કોઈને મારવા-દુઃખ આપવા માટે નથી, પણબીજાનું સારું થાય, માળા ફેરવાય એ માટે છે. પગ ચોરી કરવા કે દુઃખઆપવા માટે નથી, પણ મંદિરે જવાય, દર્શન થાય એ માટે છે. આમ એક એક અંગ અમૂલ્ય છે, એનો સમજીને ઉપયોગ કરવો. ભગવાને આપણને જે આપ્યું છે તેનો દુરુપયોગ કરીએ છીએ. એટલે ભગવાન પૃથ્વી પર આવીને આપણને એનો સાચો ઉપયોગ શીખવે છે. ભગવાન દુનિયામાં કાંઈજોવા આવતા નથી. એમણે તો અનંત બ્રહ્માંડોની રચના કરી છે.
માણસમાંથી માણસ, પશુમાંથી પશુ, પંખીમાંથી પંખી, ઝાડ, પાન, પર્વત ગુફાઓ કેટલી સુંદર રચનાઓ છે ! એ ભગવાનની રચનામાં આપણને મોહ થઈ જાય છે. એટલે બંધન થાય છે, પણ એમાં જો દિવ્યતા દેખાય તો મોક્ષ થઈ જાય છે. એટલે એમણે આપણા માટે આ રચના કરી છે તો એનો સારો ઉપયોગ કરવો.' આશીર્વાદ બાદ સ્વામીશ્રીએ શ્રીહરિ પ્રાગટ્યોત્સવની આરતી ઉતારી હતી.  આરતી બાદ સ્વામીશ્રીએ ઠાકોરજીને પારણે ઝુલાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વડીલ સંતોએ પણ ઠાકોરજીને પારણે ઝુલાવ્યા હતા. સંતોએ શ્રીહરિના પ્રાગટ્યોત્સવના પદોનું ગાન કર્યું હતું. આ દરમ્યાન સંતોએ મુજરા કરીને પોતાની ભક્તિ અદા કરી હતી. આમ, સારંગપુર ખાતે શ્રીહરિ જયંતી મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાઈ ગયો.       

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |