Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

તીર્થરાજ બોચાસણમાં ધામધૂમથી ઊજવાયેલો અનંત કળશ મહાઅભિષેક

તા. ૨૭-૪-૨૦૦૭ના રોજ તીર્થરાજ બોચાસણમાં શતવાર્ષિક પાટોત્સવના ઉપક્રમે, વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજના કરકમળો દ્વારા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં અનંત કળશ મહાઅભિષેક ઉત્સવ ઉજવાઈ ગયો.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પાંચ સંતો અને મુઠ્ઠીભર હરિભક્તોનો સાથ લઈ શ્રીજીસંકલ્પ અનુસાર ચરોતરના ચોકમાં આ પ્રથમ ભવ્ય મંદિરની સ્થાપના કરી અને ફક્ત છ મહિનામાં મંદિરનિર્માણ કરીને મૂર્તિપ્રતિષ્ઠા કરી હતી એ બોચાસણ ધામ આજે એક શતાબ્દી પૂર્ણ કરી રહ્યું છે, તેનો આનંદ સર્વત્ર છવાયો હતો. શતવાર્ષિક પાટોત્સવે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા વિરાજમાન સર્વે મૂર્તિઓ ઉપર વેદોક્તવિધિ અનુસાર થનાર આ અભૂતપૂર્વ અભિષેક પ્રસંગે, સમગ્ર બોચાસણ તીર્થ સર્વત્ર દિવ્યતા વહાવતું સૌને આવકારી રહ્યું હતું.
શતાબ્દી પાટોત્સવ નિમિત્તે યજ્ઞ
 શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિ ઉપર શ્રીજીમહારાજનાં પ્રાસાદિક નદી, તળાવ, કૂવા વગેરે ૧,૦૦૦ તીર્થોનાં જળથી ભરેલા સહસ્ર કળશ દ્વારા મહાઅભિષેક યોજાયો હતો. એ નિમિત્તે યજ્ઞનું આયોજન તા. ૨૬-૪-૨૦૦૭ના રોજ કરવામાં આવ્યું હતું. શ્રુતિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન મુજબ ભદ્રેશ સ્વામી, વેદાંતપ્રિય સ્વામી તથા અન્ય સહાયક સંતોએ અહીં આગળથી આવીને યજ્ઞનું આયોજન કર્યું હતું.
ઉમરેઠના યાજ્ઞિક વિપ્ર શ્રી ઘનશ્યામભાઈ તથા અમદાવાદના શ્રી મૂકેશભાઈ અને અન્ય વિપ્રોએ સવારે ૭.૩૦ વાગ્યાથી યજ્ઞ આરંભ કરી દીધો હતો. આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાનો સુભાષભાઈ પટેલ (દારેસલામ), ઘનશ્યામભાઈ પાગરાણી (દુબઈ), અમિતભાઈ પટેલ, દિનેશભાઈ વકીલ, દિલીપભાઈ પટેલ (કાવિઠા), દીપેનભાઈ પટેલ, જતીનભાઈ ઠક્કર, જૈમીનભાઈ પટેલ, શિરીષભાઈ ત્રિવેદી (ઇન્ડોનેશિયા), અકુભાઈ, અજયભાઈ શાહ વગેરે મુખ્ય કુંડ પર યજ્ઞપૂજન માટે બેસી ગયા હતા.
ધજાપતાકાઓથી આખું મંદિર સુશોભિત થયું હતું. આજે પ્રાતઃપૂજામાં સ્વામીશ્રીએ સયાજીપુરા તથા આંબલિયારા ગામનાં નવનિર્મિત હરિમંદિરોની મૂર્તિપ્રાણપ્રતિષ્ઠા પૂર્વવિધિ કર્યો હતો. આજે સાયંકાળ થતાં સુધીમાં ચારેય દિશાઓમાંથી હરિભક્તોનાં વૃંદ કળશ ધારણ કરીને આવવા લાગ્યાં હતાં. ભજનમંડળીઓ, ઝાંઝ ,પખાજ અને ભૂંગળ વગાડીને ધૂનભજનથી વાતાવરણને આહ્‌લાદક બનાવી રહી હતી. મહિલાઓ મીઠા કંઠે ગીતો ગાઈ રહી હતી. મસ્તકે જળપૂર્ણ કળશ મૂકીને મહિલાઓનાં વૃંદોનાં વૃંદ આવી રહ્યાં હતાં. સહસ્ર કળશ સ્થાપનવિધિ સાંજે ૫-૦૦થી ૭-૦૦ દરમ્યાન વડીલ સંતો અને મુખ્ય યજમાનોની ઉપસ્થિતિમાં ધામધૂમથી સંપન્ન થયો.
આજુ બાજુ નાં ગામના હરિભક્તો રાત્રે પદયાત્રા દ્વારા આવી પહોંચ્યા હતા. બીજે દિવસે વહેલી સવાર સુધીમાં બોચાસણની સીમ અને મંદિરનું પ્રાંગણ હજારો હરિભક્તોથી છલકાઈ ઊઠ્યાં.
તા. ૨૭-૪-૨૦૦૭ના રોજ વિદ્વાન ભૂદેવોએ સવારથી જ વેદની ૠચાઓનું ગાન આરંભી દીધું હતું. ચારેય દિશાઓમાં વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ હતી. શતવાર્ષિક પાટોત્સવ નિમિત્તે મંગળા આરતી પછી મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, વિવેકસાગર સ્વામી વગેરે વડીલ સંતોની ઉપસ્થિતિમાં મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિઓનો પ્રાતઃસ્નાનવિધિ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
આશરે ત્રણસો સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં પાટોત્સવ નિમિત્તે મહાપૂજા આરંભાઈ. વડીલ સંતોએ પ્રતિષ્ઠિત મૂર્તિઓને વેદોક્તવિધિ અનુસાર પ્રાણન્યાસ કર્યો. યજ્ઞમાં બેઠેલા મુખ્ય યજમાનો મહાપૂજાવિધિમાં જોડાયા હતા. ભૂદેવોએ સૌ પાસે મહાપૂજાવિધિ કરાવ્યો હતો. રોજિંદા સભામંડપમાં આજના વિધિ નિમિત્તેના ૧૦૦૦થી વધુ ઉપયજમાનોને બેસાડવામાં આવ્યા હતા. સી. સી. ટી. વી. દ્વારા તેઓ પણ પાટોત્સવવિધિનો લાભ લઈ રહ્યા હતા.
સ્વામીશ્રી મંદિર પર પધાર્યા ત્યારે મૂર્તિઓ સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગ નિમિત્તે દેશ-પરદેશથી આવેલા હજારો હરિભક્તો પાટોત્સવની આરતીનો લાભ લેવા માટે ઊમટ્યા હતા. સ્વામીશ્રીએ મધ્ય ખંડમાં પાટોત્સવની આરતી ઉતારી. શ્વેત વાઘામાં સજ્જ મહારાજ અને સ્વામી દર્શન દઈ રહ્યા હતા. આરતી ઉતાર્યા પછી આ સૌ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
સ્વામીશ્રી પ્રાતઃપૂજા અને નિત્યકર્મ બાદ નવ વાગ્યે અનંત કળશ મહાઅભિષેક મહોત્સવમાં પધાર્યા. સ્વામીશ્રી પધાર્યા પહેલાં વિધિ લગભગ સંપન્ન થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રી અભિષેક કરી શકે એ માટે મધ્ય ખંડમાં ઢાળ કરીને ગર્ભગૃહના ત્રણેય ખંડ સુધી ઉપમંચ જેવું કર્યું હતું. સ્વામીશ્રી મૂર્તિઓ સમક્ષ પધાર્યા. ઘનશ્યામભાઈ શાસ્ત્રીએ પૂર્વવિધિ કરાવી લીધો હતો. હવે ટાણું હતું અનંત કળશ મહાઅભિષેકનું, જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. સ્વામીશ્રી મધ્ય ખંડમાં પધાર્યા ત્યારે અક્ષરપુરુષોત્તમ મહારાજ શ્વેત, રેશમી ધોતી સાથે દર્શન દઈ રહ્યા હતા. સ્વામીશ્રી મૂર્તિ સમક્ષ ઊભા રહ્યા. અનંત કળશ મહોત્સવનો સંકલ્પ પંડિતોએ કરાવ્યો. અને ત્યાર પછી સ્વામીશ્રીએ સૌથી પહેલાં સાદા જળથી અભિષેક કરાવ્યો. ત્યાર પછી કેસરજળ વડે અને અન્ય દ્રવ્યોથી પૂરિત કળશ વડે સ્નાન કરાવ્યું. વારાફરતી ત્રણેય ખંડમાં સ્વામીશ્રીએ આ રીતે સ્નાન કરાવ્યું.
અનંત કળશ મહાઅભિષેક નિમિત્તે શ્રીજીમહારાજના પ્રસાદીનાં કૂવા, તળાવ કે નદીમાંથી ગામોગામથી પ્રસાદનાં જળ આવ્યાં હતાં. આ જળમાં દ્રવ્યો પૂરીને સહસ્ર કળશ ભરવામાં આવ્યા હતા.
સ્વામીશ્રી ત્રણેય ખંડમાં વારાફરતી અભિષેકવિધિ કરીને, મધ્ય ઘુમ્મટમાં પધાર્યા. અહીં કમળ આકારના આસન ઉપર બે ઉત્સવમૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. એક મૂર્તિ આગળ સ્વામીશ્રી ઊભા રહ્યા. અહીં એ પ્રકારની યાંત્રિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કે આ મૂર્તિને યજમાનો સ્નાન કરાવે એટલે એ જળ સીધું જ મધ્ય ખંડમાં ગોઠવાયેલા છત્ર જેવા ફુવારા દ્વારા મૂર્તિઓને અભિષિક્ત કરે.
સ્વામીશ્રીએ પણ અહીં ચલમૂર્તિ ઉપર અભિષેક કર્યો. સાથે સૌ યજમાનોએ પણ વારાફરતી અભિષેક કર્યો. સ્વામીશ્રી ગુરુશિખરોનાં દર્શન કરવા પધાર્યા. અહીં પણ યાંત્રિક ફુવારા દ્વારા અભિષેક ચાલુ હતો. યોગીજી મહારાજનાં દર્શન કરતાં તરત જ સ્વામીશ્રી બોલી ઊઠ્યા, 'યોગીજી મહારાજની પ્રકૃતિ જ એવી. ઠંડી પસંદ જ ના પડે. આ જળ એમને ઠંડું લાગતું હશે.' સૌનાં હૈયે સ્વામીશ્રીની આ સૂક્ષ્મ ગુરુભક્તિ સ્પર્શી ગઈ! આ પ્રાસાદિક જળની અંજલિ સ્વામીશ્રીએ લીધી અને સૌ સંતો ઉપર છાંટીને આશીર્વાદ આપ્યા.
શતવાર્ષિક અભિષેક નિમિત્તે સભા :
સ્વામિનારાયણ વિદ્યામંદિરના પ્રાંગણમાં સભામંડપ બાંધવામાં આવ્યો હતો. મુખ્યમંચ પર સ્વામીશ્રી બિરાજમાન થયા. લંબચોરસ કમાનો ઉપર વિશાળ કળશ સ્વામીશ્રીની પાર્શ્વભૂમાં શોભી રહ્યા હતા. સભાખંડ હરિભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. પ્રાતઃપૂજા સાથે જ અહીં સભા પ્રારંભાઈ ગઈ હતી. 
પ્રારંભમાં સત્યપ્રકાશ સ્વામીએ 'બોચાસણ મંદિરનો ઇતિહાસ', બ્રહ્મદર્શન સ્વામીએ 'અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની અગત્યતા', ડૉક્ટર સ્વામીએ 'શતાબ્દીમાં શું કરીશું?', વિવેકસાગર સ્વામીએ 'બી.એ.પી.એસ.નું શતવાર્ષિક યુગકાર્ય' વિષય પર મનનીય પ્રવચનો કર્યાં.
ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું. ત્યાર પછી મહંત સ્વામીએ પણ ભગવાનના બળ અને સાધુતાથી સંસ્થાની પ્રગતિ થઈ છે એ કેન્દ્રવર્તી વિચારને વિશિષ્ટ રીતે નિરૂપ્યો. તેઓના પ્રવચન પછી સભામાં બેઠેલા સૌ દર્શનાર્થીઓને વિશિષ્ટ લાભ મળે એ માટે સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને સુવર્ણ રસિત કળશ વડે અભિષેક કર્યો. વેદની ૠચાઓ સાથે ત્રણ કળશ ભરીને સ્વામીશ્રીએ અભિષેક કરીને સૌ હરિભક્તોને દર્શનદાન દીધાં.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૧૦૦ વર્ષના ઇતિહાસના જીવંત સ્વરૂપસમા સ્વામીશ્રીને વધાવવા સૌ ગુરુભક્તિથી છલકાતા હતા. આજના પ્રસંગે સમગ્ર સંસ્થા વતી આણંદ, મહેળાવ, ઉત્તરસંડા, વડોદરા, અડાસ વગેરે મંદિરથી આવેલા વિવિધ હાર વડીલ સંતોએ સ્વામીશ્રીના કરકમળોમાં અર્પણ કર્યા.
સભામાં ઉપસ્થિત પ્રવાસન મંત્રી સી. ડી. પટેલ તથા સુંદરસિંહ અને મહેશભાઈ પટેલે પણ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. આજના ઉત્સવના મુખ્ય યજમાનોએ સભામંચ ઉપર આવીને સ્વામીશ્રીના આશીર્વાદનો લાભ લીધો. ત્યારપછી અડાસ અને ગાનાના ૧૫૮ જેટલા કિશોર તથા યુવકોએ 'અક્ષરપુરુષોત્તમના ડંકા દિગંતમાં સંભળાય છે...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. આ ગીત-નૃત્યના અંતે ધજા ફરકાવીને સ્વામીશ્રીએ સૌને ખૂબ સ્મૃતિ આપી.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, ''આ ઉત્સવ કદાચ આપણી જાણકારીમાં, હયાતીમાં, પહેલો ઊજવીએ છીએ એ મોટો લાભ છે, કારણ કે આ શાસ્ત્રોક્ત વિધિ છે ને એનું મહાફળ પ્રાપ્ત થાય છે. આ ઉત્સવનાં દર્શન કરીએ તોય પુણ્ય મળે છે.
શ્રીજીમહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનંત જીવોનું કલ્યાણ થાય એ સંકલ્પ સાથે પધાર્યા છે ને એ સંકલ્પને શાસ્ત્રીજી મહારાજે  અહીં બોચાસણમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ પ્રથમ પધરાવી મૂર્તિમાન કર્યો. એને સો વરસ પૂરાં થાય છે એ નિમિત્તે પુનઃ પ્રતિષ્ઠા થઈ. ભગવાનમાં દૈવત ઓછું થયું હોય એટલે પ્રતિષ્ઠા કરીએ છીએ એવું નથી. ભગવાનમાંથી દૈવત ઓછું થતું જ નથી. જો એમનું દૈવત ઓછું થાય તો આપણે દૈવત વગરના જ થઈ જઈએ, આપણી કંઈ શક્તિ રહે નહીં, પણ સેવાપૂજામાં આપણાથી કંઈક ખામી રહી હોય તેના નિવારણ માટે દર વરસે પાટોત્સવ કરીએ છીએ.
પરમાત્માનું બળ રાખીશું તો એ બળે કરીને કાર્ય થશે. એમનો મહિમા સમજી ભક્તિ, ઉપાસના, સેવા કરીશું તો આપણને અક્ષરધામને પમાડશે, કારણ કે તપ, વ્રત, દાન, જાત્રાઓ વગેરે સાધનો અને તીર્થોનો મહિમા શાસ્ïત્રોમાં લખ્યો છે, પણ એ મહિમા ભગવાનને લઈને છે અને એ ભગવાન મહાતીર્થ છે. ભગવાન અને ભગવાનના સંતમાં બધાં તીર્થ આવી જાય છે.
આજે બધાએ અભિષેકનો લાભ લીધો છે. સભામાં બેઠા હોય એને પણ અભિષેકનાં દર્શન થાય એટલા માટે અહીં હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કર્યો. આ લાલજીમહારાજની સેવા યોગીજી મહારાજે જીવનપર્યંત કરી છે. શ્રીજીમહારાજે પૂજા કરીને ગુણાતીતાનંદ સ્વામીને આ સ્વરૂપ આપ્યું હતું અને જૂનાગઢથી જોગી મહારાજ નીકળ્યા ત્યારે એ સ્વરૂપ સાથે લઈને આવ્યા ને દરરોજ નિયમિત રીતે પૂજા કરી. ઠાકોરજીની સેવા સિવાય એક ક્ષણમાત્ર વીતે નહીં. ધાતુની મૂર્તિ નહીં, પણ સાક્ષાત્‌ ભગવાન છે એવો એમને દિવ્યભાવ. એવા સ્વરૂપ પર અભિષેક કર્યો છે એ મોટા મંદિર પર અભિષેક થયો એટલું ફળ બધાને મળી ગયું. આ દર્શન થયાં, જાણે-અજાણે તને, મને, ધને સેવા થઈ એ બધાને અક્ષરધામની પ્રાપ્તિ થઈ ગઈ.
શાસ્ત્રો, મંદિરો, ભગવાનનો જેટલો મહિમા કહીશું એટલો મહિમા આપણો વધશે. ભગવાન અને સંતમાં અપાર શક્તિ છે. એમના વચન અને નામમાં એવી શક્તિ છે કે પાપી પણ તરી જાય છે. મહારાજે કહ્યું તપ, વ્રત, સાધન કરો એ બધું બરાબર છે, પણ 'માનો ચૈતન્યરૂપ તમારું, દુઃખરૂપ દેહ તેહ ન્યારું' દેહ નાશવંત છે. એની મમતા-આસક્તિ તોડી તમારું સ્વરૂપ ચૈતન્ય માનો, અક્ષરરૂપ માનો, બ્રહ્મરૂપ માનો, આત્મારૂપ માનો. 
તપ, વ્રત, દાન, પુણ્ય આ બધું જ થાય, પરંતુ અપમાન, સુખદુઃખ લાગે, ત્યારે સત્સંગ મૂકી દે, સત્સંગનો અભાવ આવે એનું કારણ શું છે ? દેહભાવ છે, પણ મહારાજે મોટા મોટા સંતોને કહ્યું કે તમે બધું જ કરી શકો એમ છો, પાણી વગર રહી શકો, પાંદડાં ખાઈને રહી શકો એવી તમારામાં શક્તિ છે, પણ દેહભાવ છે ત્યાં સુધી પાંદડું ખાશો તોપણ આસક્તિ છે. દેહમાંથી આસક્તિ ટાળવી કઠણ છે. વા ભરખીને પણ જીવવાવાળા હતા, પણ એની મહત્તા નથી. મહત્તા તો ભગવાનની આજ્ઞા છે કે આ દેહ આપણું સ્વરૂપ નથી, આપણું સ્વરૂપ ચૈતન્ય બ્રહ્મ છે - એટલું માનો તો બેડો પાર છે. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી. એ શ્રીજીમહારાજમાં સિદ્ધાંત શાસ્ત્રીજી મહારાજે પકડ્યો ને મૂર્તિઓ પધરાવી જયજયકાર થયો. જોગી મહારાજે દાખડો કર્યો તો આજે બધાં મંડળો છે. જીવ ભગવાનના માર્ગે ચાલે, એના માટે મંદિરો છે. એ પાયાના સિદ્ધાંતો જીવમાં દૃઢ થાય તો જીવનમાં શાંતિ થશે ને અંતે ભગવાન પોતાના ધામમાં બેસાડીને સુખિયા કરશે.'
સ્વામીશ્રીએ અમૃત પ્રવાહમાં સૌને તરબોળ કરી દીધા, અને શતાબ્દી ટાણે સૌને સંસ્થા માટે સમર્પિત થવા પ્રેરિત કર્યા. આમ, અનંતકલશ મહાઅભિષેક મહોત્સવ ધામધૂમથી ઊજવાઈ ગયો અને સર્વત્ર જયજયકાર થઈ ગયો.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |