Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રતીક જન્મજયંતી મહોત્સવ

તા. ૧-૬-૦૭ના રોજ મોમ્બાસામાં સાગરતટે દેવાણી પરિવાર અને પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળે સ્વામીશ્રીના પ્રતીક જન્મજ્યંતી ઉત્સવની ઉજવણી કરીને પોતાની ગુરુભક્તિ અદા કરી હતી. સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા ત્યારે મંચની પાર્શ્વભૂમાં જન્મદિવસનો માહોલ અનુભવાઈ રહ્યો હતો. જયદીપ સ્વાદિયા તેમજ સહયોગી સંગીતકારોએ જન્મદિવસનું સંગીત વહેતું કરી સ્વામીશ્રીને સત્કાર્યા. આજે યજ્ઞેશભાઈ દેવાણીના સુપુત્ર આર્યનનો પણ જન્મદિવસ હતો. ત્યાર બાદ આર્યને સ્વામીશ્રીનાં કરકમળોમાં એક દોરી આપી. સ્વામીશ્રીએ આ દોરી ખેંચતા જ સભામંડપની છતમાં ગોઠવાયેલા હજારો રંગબેરંગી ફુગ્ગાઓ નીચે વરસતાં સમગ્ર વાતાવરણ વિશેષ ઉત્સવમય રંગીન બની ગયું. સંતોએ પ્રાતઃપૂજામાં જન્મજયંતીનાં પદો ગાઈને ગુરુભક્તિ અદા કરી હતી. સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા બાદ આર્યનને વેદોક્ત વિધિપૂર્વક યજ્ઞોપવીત પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા.
આજની સંધ્યા સત્સંગ સભા સ્વામીશ્રીના પ્રતીક જન્મજયંતી મહોત્સવની  વિશિષ્ટ સભા હતી. પરંપરાગત રીતે ભારતીય કલાકૃતિ ધરાવતા જસત મઢેલા નકશીદાર હિંડોળા ઉપર સ્વામીશ્રી વિરાજ્યા હતા. ઈશ્વરચરણ સ્વામીના તથા વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ અમદાવાદ તથા મોમ્બાસાના યુવકોએ 'શહેનશાહે આલમ સિકંદર' એ સંવાદનો એક અંશ રજૂ કર્યો. સંવાદ બાદ જયદીપ સ્વાદિયાએ કીર્તનભક્તિ દ્વારા સ્વામીશ્રીના ગુણાનુવાદ ગાયા. કીર્તનભક્તિ બાદ મોમ્બાસા સત્સંગ મંડળ દ્વારા સ્વામીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાના અંતે આશીર્વચન આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આફ્રિકામાં આવ્યા છીએ ત્યારથી જ આનંદ આનંદ ને આનંદ જ છે. હરિભક્તોનો પ્રેમ પણ એવો છે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પણ ઉત્સવો થતા'તા ને હરિભક્તો પોતાના મનોરથો પૂર્ણ કરતા હતા. ગઢડામાં પણ મહારાજે બહુ ઉત્સવ ઊજવ્યા છે ને એ ઉત્સવમાં ખૂબ દૂરથી હરિભક્તો આવી મહારાજનું દિવ્ય સુખ લેતા. ઉત્સવમાં ભગવાનના ભક્તને ભગવાનને રાજી કરવાનું તાન હોય છે. એને બીજો કોઈ આશય નથી. ભગવાન ને સંત રાજી થાય એટલે આપણું કલ્યાણ થઈ જાય.
આફ્રિકાના હરિભક્તોએ આયોજન કર્યું. નૈરોબી, કંપાલા ને દારેસલામમાં એવા ઉત્સવો થયા. મોમ્બાસામાં મોહનભાઈનો સત્સંગ અને શાસ્ત્રીજી મહારાજ ને જોગી મહારાજની દયા છે એટલે એમના સુપુત્ર યજ્ઞેશને આ વિચાર આવ્યો કે મારે ત્યાં સાતેય દિવસ ઉત્સવ કરવા ને એમાં પોતાની જ બધી સેવા. જેને આવવું હોય એ આવો. કથાવાર્તા સાંભળો, ભગવાનનો પ્રસાદ જમો ને સુખિયા થાવ. તેમને જીવમાં સત્સંગ આરપાર ઊતરી ગયો છે, એટલે બહુ ધન્યવાદ છે.
વીજળીના ઝબકારમાં મોતી પરોવી લેવું. તો એવો અવસર આવ્યો છે. બહુ જ આનંદ અમને થયો છે, અમારા સંતોને થયો છે, ભક્તોને પણ થયો છે. આફ્રિકામાં જેણે જેણે સેવાભક્તિ મન મૂકીને કરી છે તે બધાને મહારાજ સુખિયા રાખે એ જ પ્રાર્થના.'
આશીર્વચન બાદ ઉપસ્થિત સર્વે હરિભક્તો-ભાવિકોએ જન્મજયંતી નિમિત્તેની સમૂહ આરતી ઉતારી ત્યારે સમગ્ર વાતાવરણમાં દિવ્ય બની ગયું હતું. આરતી બાદ ગુરુહરિનાં ચરણોમાં મંત્ર પુષ્પાંજલિ સમર્પિત થઈ. આમ, મોમ્બાસા મંડળે ખૂબ જ ભક્તિભાવપૂર્વક સ્વામીશ્રીના પ્રતીક જન્મજયંતી ઉત્સવની ઉજવણી દ્વારા ગુરુભક્તિ અદા કરી હતી. આ પ્રસંગે પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળો ઉપરાંત, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, યુ.એસ.એ., યુરોપ, યુ.એ.ઈ., ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશમાંથી પણ પ્રતિનિધિ હરિભક્તો ઉપસ્થિત હતા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |