Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

હ્યુસ્ટનમાં પ્રમુખસ્વામી મહારાજ

તા. ૨૩-૬-૦૭ થી તા. ૩-૭-૦૭ સુધી અમેરિકાના ટેક્સાસ રાજ્યની ઊર્જાનગરી હ્યુસ્ટનમાં બિરાજીને સ્વામીશ્રીએ સંતો-ભક્તોને સત્સંગનું દિવ્ય સુખ આપ્યું હતું. હ્યુસ્ટન શહેરના મેયરથી લઈને અહીંની જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓએ સ્વામીશ્રીનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીંના ૧૦ દિવસના રોકાણ દરમ્યાન હરિભક્તોના હૈયે ભક્તિની હેલી ઊભરી હતી. અહીં શિખરબદ્ધ મંદિર રચીને સ્વામીશ્રીએ સંસ્કાર અને આધ્યાત્મિકતાની ગંગોત્રી વહાવી છે. આ મંદિરે તૈયાર કરેલી નવી પેઢી ભારતીય સંસ્કારોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
સેંકડો માઇલોના અંતર કાપીને હરિભક્તો-ભાવિકો સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દર્શન તેમજ નિત્ય યોજાતી સંધ્યાસત્સંગ સભાનો લાભ પ્રાપ્ત કરતા હતા. વિવેકસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી તથા આનંદસ્વરૂપ સ્વામીના વિદ્વત્તાસભર વકતવ્ય દ્વારા સૌને મહિમા વિશેષ દૃઢ થતો હતો. બાળદિન, કિશોરદિન, યુવાદિન, ત્રિદશાબ્દી મહોત્સવ, પાટોત્સવ, અન્નકૂટોત્સવ જેવા વિવિધ ઉત્સવોની ઉજવણી દ્વારા બાળકો-કિશોરો-યુવાનોએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત હ્યુસ્ટનના સંતો-ભક્તોને નજીકનાં નગરો — લિટલ રોક, ઓસ્ટિન અને સાન એન્ટોનિયો ખાતેનાં ત્રણ મંદિરોની મૂર્તિપ્રતિષ્ઠાનો લાભ પણ પ્રાપ્ત થયો હતો. વળી, અહીં નીલકંઠ વણીની મૂર્તિની સ્થાપના કરીને સ્વામીશ્રીએ સનાતન ધર્મની ભક્તિપરંપરાને મૂર્તિમંત કરી હતી. સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં હ્યુસ્ટનમાં થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક અત્રે પ્રસ્તુત છે...
આગમન...
વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઊર્જાનગર હ્યુસ્ટનમાં શિખરબદ્ધ મંદિરના નિર્માણ દ્વારા આધ્યાત્મિક ચેતના જગાવી છે. તા. ૨૩-૬-૦૭ના રોજ સ્વામીશ્રી શિકાગોથી હ્યુસ્ટન પધાર્યા. સ્વામીશ્રીની શિકાગોથી હ્યુસ્ટન સુધીની આ હવાઈ યાત્રા માટે ડો. ગોવિંદભાઈ તથા હરીશભાઈ પરમારે ચાર્ટર્ડ વિમાનની વ્યવસ્થા કરી હતી. બરાબર ૧૨.૦૫ કલાકે હ્યુસ્ટનના સુગરલેન્ડ રિજિયોનલ એરપોર્ટ પર સ્વામીશ્રીનું આગમન થયું. સુગરલેન્ડના પ્રોટેમ મેયર શ્રી ડેનિસ સી. પરમેર(Dennis C Parmer) સ્વામીશ્રીને સત્કારવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ  પ્રોક્લેમેશન(સન્માનપત્ર) અર્પણ કરીને સમગ્ર હ્યુસ્ટન નગર વતી સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત એરપોર્ટ પર ઉપસ્થિત સંતો-હરિભક્તોએ સ્વામીશ્રીને વધાવ્યા હતા. સ્વામીશ્રી હ્યુસ્ટન સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા ત્યારે મંદિરમાં સ્વામીશ્રીના પ્રથમ દર્શનની ઝાંખી પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં હરિભક્તો-ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિરના પરિસરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. પ્રાણપ્યારા ગુરુહરિને વધાવવા માટે સંતો-હરિભક્તોમાં અનેરો થનગનાટ હતો. ડલાસના બી.એ.પી.એસ. યુવકમંડળે બૅન્ડવાદન કરીને સૂરાવલી રેલાવીને સ્વામીશ્રીને સત્કાર્યા. મંદિરની આગળના સરોવરની બંને બાજુ  જુદા જુદા પરિવેશમાં સજ્જ બાળકો, કિશોરો, યુવકોએ ધજા ફરકાવીને સ્વામીશ્રીને વધાવ્યા હતા. અમેરિકાના સાઉથ-વેસ્ટ ક્ષેત્રનાં સંતો, હરિભક્તો, કિશોરો તેમજ મહિલાઓએ વ્રત, તપ, સાધના દ્વારા વિશિષ્ટ રીતે સ્વામીશ્રીના આગમનને વધાવ્યું હતું. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં દર્શન માટે પધાર્યા. ત્યાર બાદ સ્વામીશ્રીએ નૂતન સંતનિવાસનું વેદોક્તવિધિપૂર્વક ઉદ્‌ઘાટન કર્યું હતું. આજે નાસાના વૈજ્ઞાનિક અને અવકાશયાત્રીઓને તાલીમ આપતી ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ શ્રી કમલેશ લૂલા સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેઓએ ધન્યતાની લાગણી અનુભવી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |