Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કિશોરદિન

તા. ૨૬-૬-૦૭ના રોજ હ્યુસ્ટન કિશોર મંડળે સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં કિશોર દિનની ઉજવણી કરીને ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. આજે સવારથી જ કિશોરોમાં સ્વામીશ્રીને પ્રસન્ન કરવાનો ઉત્સાહ હતો. મંદિરનાં ગુરુશિખરોના ખંડમાં ઊભેલા કિશોરોના મનમાં ઉદ્‌ભવેલા પ્રશ્નોનું અદ્‌ભુત આધ્યાત્મિક સમાધાન સ્વામીશ્રીએ આપ્યું હતું. પ્રાતઃપૂજામાં પણ કિશોરોએ સવાદ્ય કીર્તનભક્તિ રજૂ કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પૂજા બાદ સ્વામીશ્રીએ નૃત્યમંચ પર કિશોરી મંડળ દ્વારા બનાવવામાં આવેલી કેક પર પુષ્પો પધરાવીને તેઓની ભક્તિને સાર્થક કરી હતી. અમેરિકાની ભોગભૂમિમાં રહીને પણ અહીં વસતાં હજારો યુવકો-કિશોરો-કિશોરીઓએ નિયમપાલન તેમજ જુદાં જુદાં વ્રત-ઉપવાસ દ્વારા સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સંધ્યા સત્સંગસભામાં કિશોરદિન નિમિત્તે કિશોરો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. હ્યુસ્ટન કિશોર મંડળ દ્વારા સ્વામીશ્રીના વ્યક્તિત્વને રજૂ કરતો અદ્‌ભુત કાર્યક્રમ 'Wisdom-વિવેક' નિહાળીને ઉપસ્થિત સભાજનો દંગ થઈ ગયા હતા.  આત્મતૃપ્ત સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ હ્યુસ્ટનમાં કિશોરો દ્વારા યોજાતા વૉક-એ-થોન નામના સામાજિક કાર્યની વીડિયો દર્શાવવામાં આવી.
આજની આ વિશિષ્ટ સભામાં બાળકો માટેની શ્રાઈનર હૉસ્પિટલના બે હોદ્દેદારો માઈક એલિસ તથા  સ્ટીવ રાઇટર ઉપસ્થિત રહ્યા હતા. બી.એ.પી.એસ. સંસ્થા તરફથી શ્રાઈનર્સ હોસ્પિટલને દાન અર્પણ કરવામાં સ્ટીવ રાઈટરે સંસ્થાની આવી સમાજસેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હ્યુસ્ટન મહાનગરના લોકપ્રિય મેયર બિલ વ્હાઈટ અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  તેઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું :'પ્રમુખસ્વામીની ઉપસ્થિતિમાં મને અહીં બોલાવવામાં આવ્યો એ મારા માટે સન્માનની ઘટના છે. આપની સંસ્થાની સમાજસેવા જોઈને વિશેષ આનંદ થયો. વળી, પ્રમુખસ્વામીજી સત્તાથી નહીં, પણ આધ્યાત્મિકતાથી સંસ્થાનું સંચાલન કરે છે, એ ખૂબ પ્રેરક વાત છે. બી.એ. પી.એસ. શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજના દિવસને સમગ્ર હ્યુસ્ટનમાં હું 'બી.એ.પી.એસ. દિન' તરીકે જાહેર કરું છું.' પ્રાસંગિક પ્રવચન બાદ તેઓએ સન્માનપત્રનું વાંચન કરી, તે સ્વામીશ્રીને અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સન્માનવિધિ બાદ સ્વામીશ્રીએ કિશોરોને વિવેક શીખવ્યો હોય તેવા પ્રેરક પ્રસંગો રજૂ થયા હતા.  ત્યાર બાદ કિશોરોએ 'ગુરુદેવ તુમ્હારે ચરણકમલ મેં....' એ કીર્તનના આધારે ભક્તિનૃત્ય રજૂ કર્યું.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું :  'આ વચનામૃતમાં ભગવાને વિવેકની વ્યાખ્યા કરી છે. જો આવો વિવેક આવે તો આપણે મોક્ષને પામી શકીએ અને આપણાં બધાં બંધન છૂટી જાય. આ દુનિયાની આસક્તિને લીધે જન્મમરણ થયા જ કરે છે. આધ્યાત્મિક જ્ઞાન થાય તો એનાથી મુક્ત થવાય છે.  જ્ઞાન થાય ત્યારે માણસ સર્વ પ્રકારે સુખિયો થાય છે. જ્ઞાન નથી ત્યાં સુધી લૌકિક પદાર્થમાં મોહ, મમતા રહે છે ને જન્મ-મરણનું કારણ પણ બને છે.
એ બધાથી મુક્ત થવા ભક્તે સહિત ભગવાનની ઉપાસના દૃઢ કરવી. આપણે ગુણાતીત જેવા થઈએ તો ભગવાન પાસે બેસવાનું મળે, ભગવાનની સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સાચા સંતનો સત્સંગ કરીએ તો સત્ય, અસત્યનો વિવેક આવે.
સત્સંગ એટલે સત્પુરુષના વચનમાં વિશ્વાસ. સંસારમાં ભગવાનને આગળ રાખીને કાર્ય કરવું. આપણને સંસારનું બધું સારું લાગે છે, પણ ક્યાં સુધી? આપણે છીએ ત્યાં સુધી. જઈએ ત્યારે આપણી સાથે કંઈ નથી આવવાનું, બધું અહીં મૂકીને જ જવાનું છે. જો 'મારું' માનો તો દુઃખ થવાનું છે. 'મારું' નહીં માનો તો દુઃખ નથી. આ દેહ મારો નથી. હું અક્ષર છુ _, આત્મા છુ _ એવો વિચાર નિત્ય કરવો. અહીં અમેરિકામાં હરોફરો છો, પણ પોતાને ગેસ્ટ માનો છો એમ આ દેહરૂપી ઘરમાંથી એક દિવસ નીકળવાનું છે. એટલું જો જ્ઞાન થાય તો મમતા ને આસક્તિ ન રહે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |