Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રશસ્તિ દિન

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ટોરન્ટો ખાતે આકાર લઈ રહેલા ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણ કાર્યમાં આબાલવૃદ્ધ સૌએ યાહોમ કરીને ઝંપલાવ્યું હતું. મંદિર નિર્માણના કાર્યમાં સહયોગ આપનાર સૌ હરિભક્તો-ભાવિકોના સમર્પણને બિરદાવવા માટે તા. ૧૮-૭-૦૭ના રોજ પ્રશસ્તિ દિનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંધ્યા સત્સંગસભામાં ટોરન્ટો મહાનગરની વિવિધ ભારતીય સંસ્થાઓના અગ્રેસરો ઉપસ્થિત હતા.  વડીલ સંતોના પ્રાસંગિક પ્રવચન બાદ આજની સભામાં ઉપસ્થિત વિષ્ણુ મંદિરના પ્રેસિડન્ટ શ્રી ભૂપેન્દ્ર દૂબે, રામમંદિર મિસિસાગાના પ્રમુખ પંડિત શ્રી રૂપનાથ શર્મા, ઉદ્યોગપતિ ડૉ. વિક્રમ ખુરાના અને હિન્દુ કોમ્યુનિટીના વહીવટકર્તાઓ, ગુજરાતી સમાજ, લોહાણા સમાજ વગેરે સમાજના મુખ્ય અગ્રણીઓએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ વિશિષ્ટ સભામાં એમ.પી.પી. પાર્ટીના લીડર અને ઓન્ટોરિયો સ્ટેટના વિરોધપક્ષના નેતા જ્હોન ટોરી અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રીએ ભારતીય પરંપરા મુજબ નાડાછડી બાંધી તેઓનું અભિવાદન કર્યું હતું. પોતાના વક્તવ્યમાં ટોરન્ટોમાં સમગ્ર કેનેડાનું એક અભૂતપૂર્વ સીમાચિŽસમું મંદિર રચવા બદલ સ્વામીશ્રીને બિરદાવ્યા હતા. ત્યાર બાદ મંદિરનિર્માણના સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું. વારાફરતી મંચ પર આવનાર દરેક સહયોગી સૌપ્રથમ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી, ત્યાગવલ્લભ સ્વામીના હસ્તે સ્મૃતિભેટ ગ્રહણ કરી હતી. ઈશ્વરચરણ સ્વામીએ શાલ ઓઢાડી  દરેક સહયોગીનું સન્માન કર્યું હતું. સન્માનવિધિ બાદ સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને આશીર્વાદઆપી કૃતાર્થ કર્યા.
સન્માનવિધિ પછી આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'આજની સભામાં જે જે વ્યક્તિઓએ યોગદાન આપ્યું છે એનું આપણે સન્માન કર્યું છે, આ ભગવાનનું કાર્ય છે, ને ભગવાન સર્વના છે. એમના સંતો છે એ પણ દરેકના છે. એવા ભગવાન માટે આ કાર્ય કર્યું છે તો ભગવાન આપણા પર રાજી થશે અને આપણી મુશ્કેલીઓ પણ દૂર કરશે. આ કાર્ય એ એક વ્યક્તિનું નથી, એક સમાજનું નથી, એક દેશનું નથી, એક ધર્મનું નથી. બધા જ ધર્મોનું આ કાર્ય છે. દરેક દેશના મનુષ્યો માટે છે. અહીં દરેકને માટે ભગવાનનાં દ્વાર ખુલ્લાં છે. આ કાર્યમાં મન, કર્મ, વચને કરીને જેટલી આપણાથી સેવા થઈ છે એનું પુણ્ય અનંતગણું થઈને મળશે. એનાથી આપણા કુટુંબમાં, કાર્યમાં, જીવનમાં, દેશમાં બધી રીતે શાંતિ પ્રાપ્ત થાય એવું આ કાર્ય છે. આમાં નાતજાતના ભેદ પણ નથી.  નાનામોટા વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ હરિભક્તોએ તન-મન-ધનથી સેવા કરી છે. આ સામાન્ય નથી. આ સેવાથી અનંત મનુષ્યોને શાંતિ થશે.
કારીગર ભાઈઓએ પણ બહુ સારી મહેનત કરી છે. આ દેશમાં બરફ પડે છે. એમાં કામમાં મુશ્કેલી થાય, પણ એમાં કારીગરોએ 'આ મંદિર મારું છે' એમ પોતાનું માનીને કર્યું છે. સંતોએ પણ સેવા કરી છે. કામ બહુ કઠિન હતું. પણ એની અંદર કાર્ય થયું છે એ આપ બધાનાં પુણ્યના પ્રતાપે, ભગવાનની દયાથી ને આ બધા સંતોના આશીર્વાદથી થયું છે તો એવું સારું કાર્ય થતું રહે એવું બળ ભગવાન સર્વને આપે એ જ પ્રાર્થના.'
સંગીત દિન
તા. ૧૯-૭-૦૭ને ગુરુવારના રોજ સંગીત દિન નિમિત્તે સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં વાજિંત્રસહિતના ૫૦૦ નાના નાના પરમહંસો મૂકવામાં આવ્યા હતા. પૂજાની પાટ આગળ તથા પાછળ ગોઠવાયેલા નાના કાષાય વસ્ત્રધારી પાઘ સહિતના પરમહંસો અદ્‌ભુત લાગતા હતા. સ્વામીશ્રીએ પૂજા બાદ પ્રત્યેક પરમહંસ ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી.
આજે સાંજે સભામાં બી.એ.પી.એસ. સંસ્થાના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન-આરાધના રજૂ થઈ હતી. ભગવાન સ્વામિનારાયણના પરમહંસોએ રચેલાં અદ્‌ભુત ભક્તિપદોનું ગાન કરીને સમગ્ર વાતાવરણ સંતોએ ભક્તિમય બનાવી દીધું હતું.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |