Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વિશ્વશાંતિ મહાયાગ

તા. ૭ સપ્ટેમ્બરના રોજ મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે વિશ્વશાંતિ મહાયાગ આયોજિત કર્યો હતો. સ્વામીશ્રીએ પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું પૂજન યજ્ઞમાં કર્યું. ભારતથી આવેલા યાજ્ઞિક ભૂદેવોએ સ્વામીશ્રીના હસ્તે યજ્ઞવિધિનો પ્રારંભ કરાવ્યો. મુખ્ય યજમાન તરીકે મંચ ઉપર બેઠેલ અપૂર્વભાઈ, ભરતભાઈ, બોર્ડના સભ્યો અને કાર્યકરો સહિત ૫૦૦થી વધુ ઉપયજમાનોએ આજે વિધિમાં યજ્ઞનારાયણની આહુતિ આપી.
સ્વામીશ્રીએ આશીર્વાદમાં સૌને યજ્ઞનારાયણની પ્રસન્નતાનું ફળ પ્રાપ્ત થશે તેમ કહી વિશ્વકલ્યાણની ભાવના વ્યક્ત કરી હતી.
મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ
તા. ૮ સપ્ટેમ્બરના રોજ સમગ્ર સત્સંગમંડળના સહિયારા પુરુષાર્થ અને સ્વામીશ્રીની પ્રેરણા-આશીર્વાદથી તૈયાર થયેલા મંદિરમાં મૂર્તિપ્રાણપ્રતિષ્ઠા વિધિ યોજાયો. વડીલ સંતોની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠાનો પૂર્વવિધિ થયો. ત્યારબાદ આસન ઉપર વિરાજિત થઈ સ્વામીશ્રીએ વેદોક્તવિધિ સાથે દૃષ્ટિ દ્વારા પ્રતિષ્ઠાવિધિ કરાવ્યો. આરસના અક્ષરપુરુષોત્તમ મહારાજના ખંડમાં ત્યાગવલ્લભ સ્વામી, રાધાકૃષ્ણ દેવના ખંડમાં ઈશ્વરચરણ સ્વામી, ગુરુપરંપરાના ખંડમાં વિવેકસાગર સ્વામી, તેમજ બીજા ખંડોમાં અન્ય સંતો સ્વામીશ્રી વતી વિધિ કરી રહ્યા હતા.
અંતે મૂર્તિઓમાં પ્રાણ પૂરવા માટે સ્વામીશ્રી પધાર્યા અને વેદોક્ત વિધિથી પ્રતિષ્ઠા કરી. નીલકંઠવણી સહિત સર્વે મૂર્તિઓનું પૂજન કરીને પ્રદક્ષિણા ફર્યા. અન્નકૂટ ગોઠવાયા પછી સ્વામીશ્રીએ આરતી કરી. નીલકંઠ વણીનો અભિષેક કરીને સ્વામીશ્રી પ્રતિષ્ઠા સમારોહમાં પધાર્યા. ત્યાગવલ્લભ સ્વામીના પ્રવચન પછી આ ક્ષેત્રના તમામ સંતોએ તથા આ વિસ્તારમાં આવીને વિચરણ કરી રહેલા ભારતથી આવેલા સંતોએ સ્વામીશ્રીને હાર પહેરાવીને વંદન કર્યાં. બાળકો, કિશોરો અને યુવકોએ નૃત્ય રજૂ કર્યું.
આજની સભામાં ખાસ ઉપસ્થિત રહેલા મિલપિટાસના મેયર હોઝે એસ્ટવેઝે પોતાની ઊર્મિઓ વ્યક્ત કરતાં કહ્યું, 'મિલપિટાસમાં થયેલા નવા મંદિર નિમિત્તે આપ સૌને અભિનંદન! હું આપ સૌને અને મંદિરને પણ આ શહેરમાં આવકારું છુ _ અને ધન્યવાદ આપું છું. આ બધું આપના ગુરુને આભારી છે. આવું ભવ્ય મંદિર અમારા નગરની શોભા છે. એનાથી પણ વધારે પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિ મારા શહેર માટે અતિ ગૌરવ સમાન છે.'
પ્રવચન પછી મેયરે મિલપિટાસ શહેરની 'કી ટુ ધ સિટી' સાથે સ્વામીશ્રીને સન્માનપત્ર અર્પણ કર્યું. શહેરના પૂર્વ મેયર, હાલના શહેરના સુપરવાઈઝ ર પીટ મેક્યૂએ પ્રવચનની શરૂઆત 'જય સ્વામિનારાયણ' નાદ સાથે કરી. તેમણે કહ્યું : 'આધ્યાત્મિક જાગૃતિ, પરસ્પર સંવાદિતા અને શાંતિના કાર્ય માટે બી.એ.પી.એસ.ના નવા મંદિરને હું અભિનંદન આપું છુ_.'
સનીવેલના મેયર ઓટો લીએ પણ આજના પ્રસંગને બિરદાવતાં કહ્યું : 'જરૂરત વખતે જે મદદ કરે એ જ સાચો મિત્ર કહેવાય. એ દૃષ્ટિએ બી.એ.પી.એસ. સૌ માટે મિત્ર છે. લોકોની મુશ્કેલીઓ દૂર કરીને લોકોને શાંતિ આપવાનું આ સંસ્થાનું કાર્ય પ્રશંસનીય છે. મેયર તરીકે હું સ્વામીશ્રીને પ્રશસ્તિપત્ર અર્પણ કરું છું.' એમ કહી તેઓએ સ્વામીશ્રીને સન્માનપત્ર અર્પણ કર્યું. સ્વામીશ્રીએ આ સર્વે મહાનુભાવોને સ્મૃતિભેટ આપી. વડીલ સંતોએ હાર પહેરાવી સન્માન્યા.
અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ મંદિરની આવશ્યકતા વિશે જણાવતાં કહ્યું કે, 'અહીં ભગવાન બેસી ગયા. સુંદર મંદિર થયું છે. લોકોને ખૂબ લાભ મળશે. ઘણાં કહેતા હોય છે કે મંદિરોની જરૂર શી છે? પણ સમાજમાં દવાખાનાં, કૉલેજો, સ્કૂલોની જરૂર જણાય છે કારણ કે, એમાંથી શિક્ષણ મળે છે, મૅડિકલ જ્ઞાન મળે છે, તેમ સમાજને મંદિરની પણ જરૂર છે. મંદિરમાં સંતોના સત્સંગથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મનનાં દુઃખ મટે છે. ભગવાનને પ્રાર્થના કરવાથી શાંતિ થાય છે. કૌટુંબિક ને સામાજિક મુશ્કેલીઓનું નિવારણ થાય છે અને આત્માનું જ્ઞાન થાય છે ને કાયમ માટે શાંતિ થાય છે. એટલે મંદિરની બધાને જરૂર છે. શહેરમાં સિનેમાગૃહ, જુ ગારખાનાં કે દારૂની દુકાનથી શું ફાયદા છે? જ્યારે મંદિર તો જીવનમાંથી આ બદીને કાઢે છે. એટલે મંદિરથી લાભ જ થવાનો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો મંદિરો પરંપરાથી ચાલ્યાં આવ્યાં છે. એનાથી આપણને લાભ થયેલો છે. માટે ભગવાનના મંદિરે જવું, દર્શન કરવાં, પાઠપૂજા કરવી. મંદિરમાં પૈસા ખોટા નથી ખર્ચાતા, પણ તેનો સદ્‌ઉપયોગ થાય છે. એમાંથી અનેક બાળકો-યુવકો-ભક્તો સારા માર્ગે ચાલીને આગળ વધે છે, સમાજની સેવા કરે છે. તો આજે અહીં મંદિર થયું છે એ તમે બધાએ ખૂબ મહેનત કરીને ધનથી સેવા કરી છે અને એના માટે ભગવાન તમને અનેક રીતે સુખી કરે, તમારા આત્માને શાંતિ રહે, કુટુંબમાં શાંતિ રહે ને આવી સેવા કરતા રહો ને આ મંદિરનો પૂરેપૂરો લાભ સર્વ લો, સત્સંગ સારો વધે ને આપના દ્વારા સારું કાર્ય થાય. મહારાજ સર્વને શાંતિ આપે એ જ પ્રાર્થના.'
આશીર્વાદની સાથે સભાની સમાપ્તિ થઈ. સ્વામીશ્રી નીચે ઊતર્યા ત્યારે 'સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દ્યો' એ કીર્તન વાગી રહ્યું હતું. શહેરના ભૂતપૂર્વ મેયર અને પીટર મેક્યૂ ઊભા થઈ ગયા અને સૌ સાથે નાચવા લાગ્યા. સ્વામીશ્રી પણ તેમને હાથ ઊંચા કરી પ્રતિભાવ આપતા હતા. મોટા મોટા માંધાતાઓ પણ સ્વામીશ્રીના સાંનિધ્યમાં મોટપનું ભાન ભૂલી ભક્તિમાં ગુલતાન થઈ જાય છે એ સૌએ એક વધુ વખત અનુભવ્યું.
સાંજે સૌની ભાવભીની વિદાય લઈને સ્વામીશ્રી ચાર્ટર્ડ વિમાન દ્વારા લોસએન્જલસ પધાર્યા. એલ.એ.ના સૌજન્યદાતા પ્રફુલભાઈ પટેલ તથા મિતેષ ઝાલા પણ યાત્રામાં સાથે હતા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |