Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

લંડનમાં પ્રમુખસ્વામી મહારાજ

લંડનનો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગ બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌમાં નિત્ય તાજો અનુભવાય છે. અહીં સ્વામીશ્રીના તા. ૨૪ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર સુધીના ૨૧ દિવસના રોકાણ દરમ્યાન લંડન તથા ઇંગ્લેન્ડના અન્ય શહેરોનાં હરિભક્તોએ સત્સંગ લાભ લીધો હતો. મંદિરની રજેરજ મહિમા અને ભક્તિથી કિલ્લોલતી રહેતી. તેમાંય સ્વામીશ્રી સમક્ષ બાળકો-યુવકો-વડીલોના પ્રેમભર્યા આલાપ થતા ત્યારનો માહોલ કોઈ જુદો જ બની જતો. સ્વામીશ્રી પણ સૌને દૃષ્ટિ દ્વારા સુખ આપતા. ઘણા હરિભક્તોને વ્યાવહારિક તેમજ સામાજિક, સાંસારિક બાબતોમાં સ્વામીશ્રીનું અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું. અક્ષરનિવાસી થયેલાં હરિભક્તોના સગાં-સ્નેહીઓને એક સ્વજનની હૂંફ પ્રાપ્ત થઈ. નિત્ય પારાયણો થઈ. જ્ઞાનગંગા વહી. સંતોના અનુભવામૃતનો લાભ પ્રાપ્ત થયો. બાળકો-કિશોરો-યુવકોને સ્વામીશ્રીએ અનેરું ઘેલું લગાડી દીધું. જુદા જુદા દિવસે મોટી સંખ્યામાં સૌ ઊમટ્યા અને નૃત્ય, કીર્તનગાન, વિડિયો પ્રેઝન્ટેશન, સંવાદ વગેરે રજૂઆતોનો લ્હાવો માણ્યો. પ્રલોભનમાં પણ નિયમમાં અડગ રહ્યા હોય એવા બી.એ.પી.એસ.ના આ નબીરાઓએ સ્વામીશ્રીના આશીર્વાદ સાથે રાજીપો લીધો. નેશનલ સંયુક્ત મંડળ શિબિરમાં ૯૨ વર્ષ સુધીના વડીલોએ જીવન-મર્મને સંધ્યાના રંગ સાથે ઘૂંટ્યો. સ્વામીશ્રીનું વિચરણ એક સેવાયજ્ઞ બની રહ્યો. યુવતી-કિશોરી-મહિલાઓ રોજ વિવિધ હાર બનાવતી. મોતી, તલ, ટેડીબેર જેવાં વિવિધ હાર તથા ચાદર સ્વામીશ્રી પાસે રજૂ થતાં. યુ.કે.ની સૌ પ્રથમ હિન્દુ સ્કૂલ 'સ્વામિનારાયણ સ્કૂલ'ના બાળકોએ પણ વિવિધ રજૂઆત કરી સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા. બેરી ગાર્ડીનર, પ્રો. ફ્લડ જેવા અનેક ગોરા મહાનુભાવો સ્વામીશ્રીનાં દર્શને ધન્ય થયા. સ્વામીશ્રીની પ્રસન્નતા માટે લંડનનાં બાળકો-યુવકો, બાલિકા-યુવતી-મહિલાઓ મળીને કુલ ૩૪૪ જેટલા સંતો-હરિભક્તોએ વિવિધ પ્રકારનાં તપ-વ્રત-ઉપવાસ કર્યાં. સ્વામીશ્રીએ આ સૌની શ્રદ્ધાને બિરદાવી આશીર્વાદ વરસાવ્યાં.
'જય જય અક્ષરપુરુષોત્તમ' સંવાદ
તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ સંધ્યા સભામાં આદર્શજીવન સ્વામી લિખિત 'શતાબ્દી સ્મૃતિયાત્રા' સંવાદ કિશોરો-યુવકોએ રજૂ કર્યો હતો. ૨૦૦ જેટલા પાત્રો ધરાવતો, શતાબ્દી નિમિત્તે શાસ્ત્રીજી મહારાજના કાર્યને બિરદાવતો આ સંવાદ નિહાળવા ઉમટેલા હરિભક્તોથી સભાગૃહ ખીચોખીચ ભરાઈ ગયો હતો. બીજે દિવસે પણ આ જ સંવાદનો ઉત્તરાર્ધ સૌએ માણ્યો. કિશોરોનું નૃત્ય, સ્લાઈડ શૉ તેમજ સમૂહ આરતીથી આ સંવાદની પૂર્ણાહુતિ થઈ. સૌ ઉપર સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવ્યા.
તા. ૩૦ સપ્ટેમ્બરે નેશનલ કાર્યકર શિબિરમાં યુ.કે.ના ૮૦૦થી વધારે પુરુષો તથા મહિલા કાર્યકરો ઉપસ્થિત થયાં હતાં. દીપ પ્રાગટ્ય પછી વિશાળ પડદા ઉપર સ્વામીશ્રીના હાથે લખાયેલા 'બીકમ આદર્શ' એ અંગ્રેજી વાક્ય ઝળકી ઊઠ્યું.
શિબિર દરમ્યાન સંતોએ જ્ઞાનલાભ આપ્યો. સમીપદર્શન વખતે કાર્યકરોએ નિયમગ્રહણની ચિઠ્ઠી સ્વામીશ્રીની ઝોળીમાં નાંખી વચનબદ્ધ થયા.
નેશનલ યુવા-યુવતી શિબિર
તા. ૬ ઓક્ટોબરે 'નેશનલ યુવા-યુવતી શિબિર' યોજાઈ. જેમાં ૧૨૦૦ જેટલાં યુવક-યુવતીઓ લંડન, અપકન્ટ્રી અને સમગ્ર યુરોપમાંથી આવ્યા હતાં. શિબિરનો મધ્યવર્તી વિચાર હતો 'પરમ આનંદ' દીપ પ્રાગટ્ય બાદ જુદાં જુદાં સત્સંગ-કેન્દ્રોમાંથી આવેલા હૃદયને એક-સાથે ગૂંથીને યુવતીમંડળે બનાવેલી ચાદર વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કરી.
સાંજના સત્રમાં યુવકોએ નૃત્ય અને પરેશ હિંગુ તેમજ નીતિનભાઈ લિખિત સંવાદ 'પરમ આનંદ' પ્રસ્તુત કર્યાં. આનંદપ્રિય સ્વામીના મુખ્ય વિચારના સૌજન્ય સાથે રજૂ થયેલા ગીત અને સંવાદથી ભરપૂર આ અભિવ્યક્તિ ખૂબ અદ્‌ભુત હતી. સ્વામીશ્રી દ્વારા પરમ આધ્યાત્મિક આનંદ પામેલા આબાલ-વૃદ્ધ ઘણાં હરિભક્તો છે. પ્રત્યક્ષ દૃષ્ટાંતરૂપે હીરેનને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા કે જેના પિતાશ્રી ગઈકાલે જ અક્ષર-નિવાસી થયા હતા, આજે એમનો અગ્નિસંસ્કાર થયો હતો. છતાં એટલા જ આનંદથી સમજણપૂર્વક એ નૃત્યમાં જોડાયો હતો !
અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું : 'ભગવાનની ઇચ્છાથી સુખ આવે ને દુઃખ આવે તેમાં ભગવાન સારું જ કરતા હોય છે. ભગવાનની મરજી સિવાય સૂકું પાંદડું હલતું નથી. આમ સમજીએ તો ગમે તે મુશ્કેલીમાં આનંદ ને કેફ રહ્યા કરે. ભગવાન અને સંત આપણને સુખ આપવા માટે જ આવ્યા છે. અને ભગવાનનો આનંદ ત્યારે જ મળે, જ્યારે એમની ઇચ્છા મુજબ આપણું જીવન થાય. ભગવાન-સંતનો મહિમા અખંડ રહે ને આનંદમાં સારું જીવન જીવીને સુખિયા થઈ અંતે ભગવાનની સેવામાં બેસી જવાય એ પ્રાર્થના.'
યુવતીમંડળે બનાવેલો માળા-કંઠીનો હાર તથા શાલ યુવકોએ, અને પેરિસથી આવેલો એલચીનો હાર વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યાં. આજના પ્રસંગ નિમિત્તે યુવતી મંડળ તરફથી તૈયાર કરાયેલાં હરિકૃષ્ણ મહારાજનાં ઘરેણાં સંજયભાઈએ અર્પણ કર્યા. આમ, નેશનલ યુવા-યુવતી શિબિરમાં સૌએ દિવ્ય જીવનનું અદ્‌ભુત પાથેય પ્રાપ્ત કર્યું.       

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |