Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં મુંબઈમાં બી.એ.પી.એસ. શતાબ્દીનો ભવ્ય સમારોહ

મુંબઈમાં અંધેરી સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ ખાતે બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય સમારોહ, પરમ પૂજ્ય પ્રમુખ-સ્વામી મહારાજના સાંનિધ્યમાં લગભગ ૨૨,૦૦૦થી અધિકની ભક્તમેદની વચ્ચે ભવ્યતાપૂર્વક યોજાઈ ગયો. તા. ૧૯-૧૦-૨૦૦૭ના રોજ યોજાયેલા આ સમારોહમાં શ્રી ઉદ્ધવ ઠાકરે(શિવસેના), શ્રી અરુણભાઈ ગુજરાતી, શ્રી અનિલ નાયક(ચેરમેન એલ. એન્ડ ટી.), શ્રી વિનોદ તાવડે(મહામંત્રી, મહારાષ્ટ્ર ભાજપ) તેમજ પ્રકાશ મહેતા વગેરે સહિત નવ ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
સાંજે ૪:૩૦થી ૭:૧૫ દરમ્યાન યોજાયેલા આ ભવ્ય સમારોહમાં ભક્તિગીતો, નૃત્યો, સંવાદો તથા સંતો-મહાનુભાવોના મનનીય પ્રવચનોથી કાર્યક્રમથી અત્યંત પ્રેક્ષણીય અને ભક્તિસભર બની રહ્યો હતો.
અંધેરી સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી માટે ખૂબ સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભવ્ય સ્ટેજ અને સુશોભનો ઉપરાંત સભામાં આવનાર હરિભક્તો-મહાનુભાવો માટે આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સમારંભમાં વકતવ્ય આપતાં વિવેકસાગર સ્વામીએ અમેરિકામાં એટલાન્ટા ખાતે તથા કેનેડામાં ટોરન્ટો ખાતે પ્રમુખસ્વામી મહારાજે ભવ્ય શિખરબદ્ધ મંદિરોમાં તાજેતરમાં જ કરેલી મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગોને આવરી લઈને 'મંદિર નિર્માણ દ્વારા આત્માની સેવા' વિષયક સુંદર માહિતી આપી હતી. આત્મતૃપ્ત સ્વામીએ સંસ્થાની ૧૬૨ જેટલી માનવ ઉત્કર્ષની પ્રવૃત્તિઓનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો. ડોક્ટર સ્વામીએ સંસ્થાના આદર્શો વિશે જણાવી પ્રેરક સંબોધન કર્યું હતું. જ્ઞાનેશ્વર સ્વામીએ યોગીજી મહારાજે વિકસાવેલી બાળ-યુવા પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી. જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રસંગકથન દ્વારા નિયમ-ધર્મની દૃઢતા વિષયક સ્વામીશ્રીના સાધુતાસભર વ્યક્તિત્વનો પરિચય આપ્યો હતો. મુંબઈના યુવકમંડળે આદર્શજીવન સ્વામી લિખિત 'પ્રામાણિકતાનું પ્રતીક' તથા 'શાસ્ત્રીજી મહારાજની આધ્યાત્મિકતા-અજાતશત્રુતા-સહનશીલતા' નામના સંવાદો પ્રસ્તુત કર્યા હતા. ઈશ્વરચરણ સ્વામીએ પોતાના વકતવ્યમાં યોગીજી મહારાજની આધ્યાત્મિકતા તથા નિયમધર્મની દૃઢતા બિરદાવી હતી તો આત્મસ્વરૂપ સ્વામી અને આનંદસ્વરૂપ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની પારદર્શક સાધુતાનું પોતાનાં વકતવ્યોમાં દર્શન કરાવ્યું હતું. મહંત સ્વામીના સમાપન વકતવ્ય બાદ એક સુંદર વીડિયો શો દ્વારા શ્રીમદ્‌ભગવદ્‌ ગીતામાં વર્ણવેલી પ્રમુખસ્વામી મહારાજની સ્થિતપ્રજ્ઞતાનો પરિચય કરાવવામાં આવ્યો હતો.
કોઠારી ભક્તિપ્રિય સ્વામીએ સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોમાં શ્રી ઉદ્ધવ ઠાકરે, શ્રી અરુણભાઈ ગુજરાતી (પૂર્વ વિધાનસભા અધ્યક્ષ) તથા શ્રી અનિલભાઈ નાયકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને પ્રમુખસ્વામી મહારાજના કાર્યને શ્રદ્ધાપૂર્વક બિરદાવ્યું હતું.
સ્વાગતવિધિ બાદ મુંબઈના બાળ-કિશોરમંડળે 'શતાબ્દી આવી...' શબ્દો સાથે અદ્‌ભુત નૃત્ય રજૂ કર્યું હતું. સમૂહ આરતી બાદ આ પ્રસંગે આશીર્વચન વહાવતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે આધ્યાત્મિકતા વિના માણસને ક્યારેય સુખ મળી શકે તેમ નથી. જેટલું આધ્યાત્મિકતાથી દૂર જઈશું અને ભૌતિકવાદ તરફ જઈશું તેટલી સમસ્યાઓ વકરશે. આપણી સંસ્કૃતિ આધ્યાત્મિકતા સંસ્કૃતિ છે. ભગવાન સ્વામિનારાયણે એવો આધ્યાત્મિક વારસો સંતો દ્વારા આપ્યો છે. સાચા સંત દ્વારા આધ્યાત્મિક મૂલ્યો પ્રાપ્ત કરી શકાય છે.
વર્તમાનપત્રોએ પણ આ શાનદાર સમારોહના સમાચારોને પ્રસરાવીને શતાબ્દી મહોત્સવનો પડઘો પાડ્યો હતો. આ અભૂતપૂર્વ સમારોહનો પડઘો સમગ્ર મુંબઈ મહાનગરમાં છવાઈ ગયો હતો.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |