Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

યોગાચાર્ય શ્રીરામદેવજી મહારાજ સ્વામીશ્રીના દર્શને...

તા. ૧૦-૦૨-૦૮ના રોજ પ્રસિદ્ધ યોગાચાર્ય શ્રી રામદેવજી મહારાજ મુંબઈ ખાતે સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે દાદરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા. સ્વામીશ્રીએ પુષ્પહારથી તેઓને સત્કાર્યા. સોફાની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં સ્વામીશ્રીનાં ચરણ પાસે નીચે જ બેસીને રામદેવજી મહારાજે ખૂબ આત્મીયતા અને આદરભાવપૂર્વક સ્વામીશ્રી સાથે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી.
સ્વામીશ્રી સાથેના વાર્તાલાપ દરમ્યાન રામદેવજી મહારાજે કહ્યું : 'હમણાં જ તીથલમાં અમારી શિબિર હતી ત્યારે આપના મંદિરમાં જ મારો ઉતારો હતો. એ વખતે અમે યોગીજી મહારાજની ખૂબ સ્મૃતિ કરી હતી. યોગની ભાષામાં જેને સિદ્ધપુરુષ કહ્યા છે, વેદ અને ઉપનિષદમાં જેને ગુણાતીત કહ્યા છે, ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે અને બુદ્ધ ધર્મમાં જેઓને પ્રબુદ્ધ પુરુષ કહ્યા છે - આ બધાં જ લક્ષણો યોગીજી મહારાજનાં દર્શન કરતાં અનુભવાય છે. યોગીજી મહારાજના ફોટાને જોતાં જ આ બધું અનુભવાય કે તેઓ ભગવાનના સાક્ષાત્‌ સ્વરૂપ છે. એમની સર્વે દિવ્યતા ને એમની સમગ્ર ચેતના આજે આપનામાં વસે છે.'
સ્વામીશ્રી કહે, 'આપે પણ યોગનું બહુ સારું કામ ઉપાડ્યું છે. શરીરનું સુખ મળે છે એટલે લોકોને આસ્થા બેસે છે ને લાભ પણ થાય છે. યોગીજી મહારાજ પણ અમારા સંતોને યોગાસન કરાવતા હતા.'
તેઓ કહે, 'હું તો આપનું જ કામ કરી રહ્યો છું. હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં આપનાં મંદિરોમાં અવશ્ય દર્શન કરવા જાઉં છું. અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ યોગની શિબિરો થઈ છે. આરબ દેશોમાં પણ થઈ છે. આ શિબિરોથી લોકોની હિંસક વૃત્તિ ઘટે છે. ઘણા બધા એવા છે કે જે માંસાહાર કરતા બંધ થઈ ગયા છે. પ્રાણાયામ ચાલુ કર્યા પછી માંસ અને વ્યસનો છૂટી જાય છે. યોગનો મૂળ ઉદ્દેશ સમાધિ છે. દશ-પંદર મિનિટ પણ જો યોગાસન કરે તો અંદરથી વિકારોના ઊભરા ખાલી થાય એવી અનુભૂતિ થાય છે. એક દિવ્ય નશો થઈ જાય પછી બહારના નશા જતા રહે છે. ઘણા મુસ્લિમો પણ યોગ શીખવા માંડ્યા છે.'
તેમની આ પ્રવૃત્તિથી વિશેષ પ્રસન્ન થતા સ્વામીશ્રીએ કહ્યું, 'શરીરની વ્યાધિઓ મટે એટલે દેહના વિચાર ઓછા થાય ને દેહભાવ ટળે એટલે ભગવાનમાં વૃત્તિ થાય.'
રામદેવજી મહારાજે કહ્યું : 'દેશમાં પતંજલિ યોગ સમિતિ કરી છે. જેમાં લાખ યોગશિક્ષકોને આવતી સાલ દીક્ષા આપવાની છે. હું એમ ધારું છું કે આવતા અગિયાર વર્ષમાં વિશ્વમાં બધા યોગ કરતા થઈ જશે. અત્યારે કરોડો લોકો યોગ કરે છે. સંતસમાગમ અને સંયમ વગર ઉન્નતિ શક્ય જ નથી.'
સ્વામીશ્રી કહે, 'બિનુ સત્સંગ હરિકથા તા બિન મોહ ન જાય, એ રીતે સત્સંગ વગર મોહ જાય નહીં અને સત્સંગ થાય તો મોહ જાય, આપત્તિ ટળી જાય અને ભગવાનમાં વૃત્તિ થઈ જાય.'
રામદેવજી મહારાજે કહ્યું: 'આપ જેવા બ્રહ્મસ્વરૂપ સંતોના આશીર્વાદ છે એટલે કામ ચાલે છે.'
સ્વામીશ્રી કહે, 'ભગવાનના આશીર્વાદ છે ને તમારા કાર્યથી ભગવાન રાજી થશે અને પતંજલિ ૠષિ પણ રાજી થશે.'
રામદેવજી મહારાજે પોતાના હરદ્વાર ખાતેના આશ્રમે પધારવા સ્વામીશ્રીને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું. આદર્શન મુલાકાતમાં રામદેવજી મહારાજની સ્વામીશ્રી પ્રત્યેની આદરપૂર્ણ આત્મીયતા સૌને સ્પર્શી ગઈ.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |