Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુરમાં ભવ્ય રંગોત્સવ

ભગવાન સ્વામિનારાયણના મહાપ્રાસાદિક તીર્થધામ સારંગપુર ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં ૭૦,૦૦૦થી વધુ હરિભક્તોએ રંગોત્સવનો અનેરો આનંદ માણ્યો હતો.
પુષ્પદોલોત્સવના આ અવસરે સારંગપુર પધારેલા સ્વામીશ્રીને સત્કારવા માટે સાધકો, પાર્ષદો, સંતોએ ધારણાં-પારણાં વગેરે અનેક પ્રકારનાં વ્રતો કરી ભક્તિ અદા કરી હતી. સ્વામીશ્રીના સારંગપુર રોકાણ દરમ્યાન તા. ૧૯-૩-૦૮થી કથાવાર્તા-પારાયણો તેમજ સમૈયા-ઉત્સવોની જાણે એક અવિરત શૃંખલા આરંભાઈ છે. નિત્ય સવારે સ્વામીશ્રીના પ્રાતઃપૂજા દર્શનનો સૌ લ્હાવો માણે છે.
તા. ૨૧મી માર્ચે, ફાગણ સુદ પૂર્ણિમાના પવિત્ર પર્વે સારંગપુર ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રાગજીભક્તનો ૧૭૯મો જન્મજયંતી મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન સંતોએ કીર્તનભક્તિ દ્વારા પ્રાગજી ભક્તને ભાવાંજલિ અર્પણ કરી હતી. પૂજાને અંતે સ્વામીશ્રીએ આશીર્વચન ઉચ્ચારી સૌને લાભાન્વિત કર્યા હતા.
સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે ભગતજી મહારાજનો જન્મ દિવસ છે, જેમણે અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંતની શિર સાટે વાત કરી. ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ ઓળખાવ્યું કે આ મહારાજને રહેવાનું ધામ છે, અક્ષર છે અને એ રૂપ આપણે થવાનું છે. એવી વાત એમણે જોરશોરથી કરી. એ વાત કરવામાં ઘણી મુશ્કેલી આવી, ઘણાં દુઃખ પડ્યાં, તિરસ્કાર થયા, સત્સંગથી બહાર પણ નીકળવું પડ્યું, પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત સૌને સમજાવી. એમણે ગુણાતીતાનંદ સ્વામી થકી આધ્યાત્મિક જ્ઞાન સિદ્ધ કરેલું, તે એમના ધંધામાં પણ આપણને જ્ઞાન શિખવાડી દીધું કે મારો દરજીનો ધંધો છે, તે બે ટાંકા તોડું છું અને બે ટાંકા જોડું છું. એટલે શું કે આ દેહને સંબંધીમાં હેત છે એ તોડાવું છું અને ભગવાન ને સંતમાં જોડું છું.
ભગવાન અને સંતને વિષે આત્મબુદ્ધિ કરો કે હું એ અક્ષર છું, બ્રહ્મ છું, એવો ભાવ થયા પછી પૂરી ભક્તિ કરવાનો આનંદ આવે, સુખ આવે. એ વાત ભગતજી મહારાજે આપી છે. આજના દિવસે ઝાઝું જ્ઞાન ન સમજીએ તો કાંઈ નહીં, પણ આ બે વસ્તુ સમજી લેવી કે બે ટાંકા જોડવા ને તોડવા. ભગતજી મહારાજનું માયા પરનું આધ્યાત્મિક જ્ઞાન, આવો સત્સંગ ને ભક્તિ આપણા જીવનમાં દૃઢ થાય ને આપણે પણ સુખિયા થઈએ એ જ પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |