Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કોલકાતા મહાનગરમાં રથયાત્રા ઉત્સવની ભવ્યતાપૂર્વક ઉજવણી

ભગવાનની કરુણાના પ્રતીક સમો રથયાત્રા ઉત્સવ સમગ્ર ભારતમાં ભક્તિભાવ અને શ્રદ્ધાથી ઊજવાય છે. ભગવાન જગન્નાથજી નિજમંદિરમાંથી બહાર પધારી રથ પર આરૂઢ થઈ પોતાના ભક્તોને દર્શનદાન દેવા પધારે છે. ૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વણી વેશે જગન્નાથપુરીમાં નવ મહિના રોકાયેલા ત્યારે પુરીના મહારાજા શ્રી ગજપતિ દિવ્યસિંહદેવજી મહારાજની વિનંતિથી તેઓએ જગન્નાથજીના રથમાં બેસી સૌને દર્શન આપ્યાં હતાં. તેની સ્મૃતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થામાં પણ આ ઉત્સવ ભક્તિભાવથી ઊજવાય છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કોલકાતામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રતિવર્ષે યોજાતો રથયાત્રા ઉત્સવ આ વર્ષે પણ તા. ૩-૭-૨૦૦૮ ભવ્યતાપૂર્વક ઊજવાયો હતો. ઈશ્વરચરણ સ્વામી, ભગવત્‌પ્રિય સ્વામી તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા પૂજનવિધિ સંપન્ન થયા બાદ રથયાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં પુષ્પયુક્ત જળ અને સુવર્ણમય સાવરણા વડે 'ચેરા પહરા' વિધિ અર્થાત્‌ રથ માર્જન વિધિ કરવામાં આવી હતી. શ્રી દિનેશભાઈ (પ્.ભ્), શ્રી સર્વેશચંદ્ર (ત્.ભ્.લ્.), શ્રી દેવાંગ ગાંધી (ક્રિકેટર), શ્રી દિનેશભાઈ ઠક્કર (ઠક્કર ડેરી), શ્રી ગોરધનભાઈ જેરામભાઈ શેઠ તથા સત્સંગી અગ્રણીઓ તેમાં જોડાયા હતા.
શ્રીફળ વધેરી શંખનાદ અને જયનાદ સાથે સૌએ દોરડા વડે ભગવાનના રથનું વહન કર્યું. ભક્તવૃંદ અને કીર્તનમંડળીઓ કીર્તન અને મહામંત્રોથી આખાય વાતાવરણને ભક્તિમય બનાવી રહી હતી. બપોરે ૩:૩૦ વાગ્યે આરંભાયેલી રથયાત્રાની પૂર્ણાહુતિ ચક્રબેરિયા સ્થિત મંદિરે સાંજે સાત વાગ્યે સંધ્યા આરતી દ્વારા થઈ, રથયાત્રામાં હજારો ભાવિકોએ ખીચડીના મહાપ્રસાદનો લાભ લીધો હતો.
મેઘરાજાએ પણ અમીછાંટણાં કરી ભગવાનને આવકાર્યા હતા. આમ, એક અપૂર્વ ઉત્સાહભેર રથયાત્રાનો ઉત્સવ સંપન્ન થયો.                                                      

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |