Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અમેરિકામાં યોજાઈ કિશોર-કિશોરીઓની ગ્રીષ્મ શિબિર

આપણાં શાસ્ત્રોનો અદ્‌ભુત વારસો
પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ઊગતી યુવાનીને સંયમિત કરી, તેને રચનાત્મક માર્ગે વાળવા માટે દેશ-વિદેશમાં યુવાપ્રવૃત્તિનું ચક્ર અહોરાત્ર ગતિમાન રહે છે. તેના ભાગરૂપે પ્રતિવર્ષે યોજાતી ગ્રીષ્મ તાલીમ શિબિરો યુવાનો માટે એક મોટું આકર્ષણ બની રહે છે.
તાજેતરમાં અમેરિકાનાં વિવિધ સ્થળોએ કિશોર-કિશોરીઓની શિબિરો યોજાઈ ગઈ. અઢી દિવસ ચાલેલી આ શિબિરમાં ઉત્તર અમેરિકાના ૧૮૦૦ જેટલા શિબિરાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તા. ૨૮-૭-૦૮ના રોજ આરંભાયેલી આ શિબિરનો કેન્દ્રવર્તી વિચાર હતો - 'સત્યને જાણો.' હું કોણ છુ? મારું સ્વરૂપ શું છે? શાસ્ત્રોમાં આલેખાયેલું સત્ય શું છે? જેવા પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉત્તરો મેળવીને પ્રત્યેક શિબિરાર્થીને હિન્દુ ધર્મ વિશેની ઊંડાણપૂર્વકની સમજ પ્રાપ્ત થઈ હતી. 'વેદો', 'મહાભારત', 'રામાયણ', 'વચનામૃત', 'સ્વામીની વાતો' અને 'શિક્ષાપત્રી'માં માન્ય કરેલાં ૮ શાસ્ત્રોના મૂળભૂત સિદ્ધાંતોના અભ્યાસ દ્વારા પ્રત્યેક શિબિરાર્થીનું હૈયું ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ પ્રત્યે ગૌરવની લાગણી અનુભવતું હતું. ધર્મગ્રંથોમાં આલેખાયેલાં મૂલ્યો વ્યક્તિગત જીવનમાં પણ કેટલાં ઉપયોગી બને છે એ અંગેના પાઠ તેઓને આ શિબિરમાં શીખવા મળ્યા હતા.
વર્કશોપ્સ, પ્રેઝન્ટેશન્સ, સમૂહચર્ચા અને પ્રશ્નોત્તરી જેવા જુદા જુદા કાર્યક્રમો દ્વારા ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલાં સત્ય અને મૂલ્યોની પ્રેરક પ્રસ્તુતિ થઈ હતી. રામાયણના અભ્યાસ દ્વારા પ્રત્યેક વ્યક્તિનો પોતાનાં માતાપિતા, વડીલો અને ભાઈબહેન પ્રત્યે શો ધર્મ છે તે શીખવા મળ્યું હતું તો રાગ અને દ્વેષથી જીવનમાં કેવું પરિણામ આવે છે તે અંગેની વિસ્તૃત સમજ તેઓએ મહાભારતના વિવિધ પ્રસંગોમાંથી પ્રાપ્ત કરી હતી. પ્રત્યેક શિબિરાર્થીને અભ્યાસ માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો જેના આધારે તેઓ વર્ગખંડમાં તૈયાર કરેલી નોંધ પર મંથન કરી વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થયા હતા. શ્રદ્ધાને ડગાવતા વિવિધ પ્રશ્નોના સચોટ ઉત્તર પ્રશ્નોત્તરીના સત્રમાં મળ્યા હતા.

આમ, આ શિબિરથી સૌને શાસ્રોમાં રહેલાં મૂલ્યો અને સિદ્ધાંતો વિષેની ઊંડાણપૂર્વકની સમજણ પ્રાપ્ત થઈ અને તેનું દૈનિક વાંચન કરવાની પ્રેરણા મળી.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |