Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વડોદરામાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં જન્માષ્ટમી ઉત્સવ...

તા. ૨૪-૮-૨૦૦૮ના રોજ અટલાદરા ખાતે સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઊજવાઈ ગયો. બે વર્ષના વિરામ બાદ સ્વામીશ્રીની પાવન નિશ્રામાં ઊજવાઈ રહેલા આ પરંપરાગત ઉત્સવમાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો-ભાવિકો પધાર્યા હતા.  
ઉત્સવને અનુરૂપ સુંદર મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. મોરપીંછનું સુંદર આસન અને ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓ મંચની પિછવાઈમાં શોભી રહી હતી. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ કૃષ્ણપ્રિય સ્વામીએ 'માઈરી મૈંને ગોવિંદ લીનો મોલ' કીર્તનનું ગાન કરી ભક્તિ અદા કરી હતી. ત્યારબાદ ડૉક્ટર સ્વામીએ વિશિષ્ટ સંદર્ભમાં જન્માષ્ટમી પર્વનો મર્મ સમજાવ્યો હતો. બી.એ.પી.એસ. કિશોરમંડળના કિશોરોઅને બાળકોના મધુર સ્વરમાં થયેલ ભગવદ્‌ ગીતા આધારિત સ્થિતપ્રજ્ઞતાના શ્લોકોના ગાનથી સમગ્ર વાતાવરણ વિશેષ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ 'રંગ છાયો રંગ છાયો' એ કીર્તનના આધારે યુવકોએ નૃત્ય રજૂ કરી મટકી ફોડી સૌને ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલાની સ્મૃતિ કરાવી હતી.
આજના પ્રસંગે વિવિધ મંડળોએ બનાવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. ત્યારબાદ હરિભૂષણ સ્વામીએ મરાઠીમાં ભાષાંતર કરેલી 'યોગીગીતા' પુસ્તિકાનું ઉદ્‌ઘાટન સ્વામીશ્રીએ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાનાએ સ્વામીશ્રીનાઆશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. અંતમાં સૌ ઉપર કૃપાશિષ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'ભગવાનનો જન્મદિવસ એટલે દિવ્ય આનંદનો દિવસ. કાલાવાલા ભગવાનને વહાલા. એમના મહિમાની વાતો કરવાથી આપણને આનંદ ને સુખ થાય છે. ગીતામાં ભગવાનના સ્વરૂપના બળની વાત કરી છે. ભગવાનના સ્વરૂપનું બળ હંમેશાં હોય તો આપણું કાર્ય સર્વોપરિ થઈ જાય છે.
ભગવાનના સ્વરૂપનું બળ જ આપણું રક્ષણ કરશે, બાકી પૈસા-ટકા, સમૃદ્ધિ, બંગલા કંઈ રક્ષા નહીં કરે. આપણું તત્ત્વજ્ઞાન પણ એ જ કહે છે કે આ શરીર તો છૂટી જવાનું છે અને આ બધું રહી જવાનું છે. તમે જે પ્રાપ્ત કર્યું  છે, તમે જે પેદા કર્યું છે એને તમે નહીં ભોગવી શકો. ગમે એટલા ઉપાય કરશો તોપણ નહીં ભોગવી શકો, એ જવાનું જ છે. ભગવાનનો આશરો ને ભગવાનનું બળ હશે તો આપણો આત્મા ભગવાનને પહોંચી જશે. જેને આત્મા-પરમાત્માનું જ્ઞાન થયું એ સુખિયા છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરો, પછી કોઈ જાતનો ભય નથી. આત્માનો કોઈ નાશ જ નથી, પછી ક્યાં આપણે એનો કાંઈવિચાર કરવાનો રહ્યો ? ગૃહસ્થાશ્રમમાં છો એટલે નોકરી-ધંધો-વ્યવસાય કરવાં જોઈએ, પણ એની સાથે આઅનુસંધાન રાખવું કે એક દિવસ આ બધું જવાનું છે. ભગવાનનું જો બળ હોય ને આત્માનું જ્ઞાન હોય તો ભક્તનું કાર્ય સર્વ પ્રકારે સર્વોપરિ થાય. બાકી આખી દુનિયાનું શું થશે એની ચિંતા કરવાની જરૂર નથી.
આજે જન્માષ્ટમી ઉત્સવ છે તો ભગવાનનાં ચરિત્ર ગાવવાં ને સાંભળવાં. પાંચ હજાર વરસમાં કેટલાય રાજા-મહારાજાઓ ઊપડી ગયા, પણ આજે કૃષ્ણની, ગોપીઓની, પાંડવોની વાત કરીએ છીએ, કારણકે એ સાચા અમર થઈગયાં. એવું જીવન જીવ્યા છે એની યાદગીરી રહી છે. શ્રીજીમહારાજના વખતમાં દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી હતા એના ગુણ આજેય ગવાય છે. ભગવાન અને ભગવાનના ભક્તોનાં ચરિત્રો ગાવવાં ને સાંભળવાં એમાં શાંતિ છે. તો એમાંથી આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ને છેલ્લો જન્મ થઈ જાય.'
આશીર્વાદની સમાપ્તિ બાદ સ્વામીશ્રીએ પારણિયે ઝુલતા શ્રીહરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી અને તેમને ઝુલાવ્યા. એ દરમ્યાન સંતોએ 'સોનાના બોર ઝુલે' એ કીર્તન પણ ઝિલાવ્યું. વાતાવરણ ઉત્સવની ચરમસીમાએ પહોંચ્યું. અને એ જ ચરમ આનંદ સાથે સભાકાર્યક્રમ પૂર્ણ થયો.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |